વીક એન્ડ

અમેરિકાનું સેલ… વિદેશીનીતિનો ખેલ

શરદ જોશી સ્પીકિંગ – સંજય છેલ

આપણે કલ્પનામાં પણ વિચારી ના શકીએ કે નેહથી લઈને અત્યાર સુધીના દેશના નેતાઓ આપણી દેશી વસ્તુઓ વેચવા માટે વિદેશી નેતાઓને સતત વિનંતી કરે રાખે કે પછી એમણે પર્સનલ પત્રો પણ લખવા પડ્યા હશે! ઘણાં વર્ષો પહેલાં યુ.કે.ના પ્રધાનમંત્રી માર્ગારેટ થેચર જબરદસ્તી કેટલાક હેલિકૉપ્ટરો ભારતને વેચવાનાં ફૂલ ટુ મૂડમાં હતાં. આપણાં દેશના નેતાઓએ ના પાડી છતાંયે ઇ થેચરબૂન શાકવાળીની જેમ વારંવાર આજીજી કરે જ રાખતાં કે- `ઓ સાબ, ઓ બાબુ..લઈ લોને, એકદમ ટોપ માલ છે. ખરાબ નીકળે તો પૈસા પાછા.’ કોઇ પાવરફુલ દેશનાં નેતાઓ આવી રીતે હેલિકૉપ્ટર, લડાકૂ વિમાન કે હથિયારો વેંચવા આવાં ચાળા કરે એ વિચારીને હસવું તો આવે જ હોં.  

એક સમયે લગભગ 1987-88માં રાજીવ ગાંધી પાસે એ હેલિકૉપ્ટરો ન લેવાનાં કારણો હશે, પણ મને દયા આવી ગઇ કે જો મારાં ખિસ્સામાં પૈસા હોત તો હું એ હેલિકૉપ્ટર ખરીદી જ લેત…. શું છે કે દેશવાસીઓ, આપણે વિદેશનાં કચરાથી ગુજરાન ચલાવવા ટેવાયેલા છીએ ને આટલા મોટા દેશમા, પેલા હેલિકૉપ્ટરો કોઈક ને કોઈક કામ તો આવી જ જાતને? બીજું કંઈ નહીં તો, ઇલેક્શન ટાણે નેતાઓને દિલ્હીના આટાફેરાં કરવા કામ લાગત. 

મજાની વાત એ છે કે મૂડીવાદી દેશોના પ્રધાનમંત્રીઓ અને રાષ્ટ્રપતિઓની મજબૂરી આ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ત્યાંની શસ્ત્ર બનાવતી કંપનીઓ માટે પોતે જ સેલ્સમેન બનીને બીજા દેશોમાં દિવસ-રાત ચક્કર લગાવે છે જેથી અમેરિકન શસ્ત્રોનું વેચાણ વધે.  હકીકતમાં કોઇ પણ મોંઘી વસ્તુ ખરીદવાની વાત આવે ત્યારે આપણે ભારતીયો મૂળે તો ધરતીપુત્ર અર્થાત કોઇ રાંક ખેડૂત જેવા છીએ. બિચારો ગરીબ ખેડૂત હંમેશાં ભપકાદાર બજારોથી માઈલો દૂર જ રહે છે. બીજું, જ્યારે એ બજારમાં આવે છે ત્યારે એને મનમાં થોડો ડર પણ હોય છે કે કોઈ એને છેતરી ના લે કે લૂંટી ના જાય. ત્રીજું, એ બિચારો ગ્રામિણ ગુણિયલ માણસ નવી ને આકર્ષક વસ્તુઓ તરફ જલ્દીથી આકર્ષાઇ જાય છે…. તો આવા આપણાં બેઝિક `બિચારા ખેડૂત ટાઇપ’નાં સ્વભાવને જોતાં ભારત સરકાર હેલિકૉપ્ટરો ખરીદવાની ના પાડે એમાં નવાઈ શું?

આપણે એક દેશ તરીકે ઘણીવાર વસ્તુઓ અહીંથી, ત્યાંથી ઉધારી પર ખરીદતા હોઈએ છીએ તો ત્યારે ઈંગ્લેન્ડે એનો લશ્કરી સામાન વેંચવાનું માર્કેટિગ રેડી રાખેલું. એક બાજુ એ ભારતમાં આતંકવાદને પ્રોત્સાહન આપે અને બીજી તરફ ભારતને હેલિકૉપ્ટર વેંચે, જેથી કરીને એમાં બેસીને આતંકવાદીઓને શોધી શકાય. વરસોથી અમેરિકા આપણને હથિયારો ને ફાઇટર પ્લેન પધરાવે રાખે છે ને આપણે પરાણે ખરીદવા પડે છે… બીજી બાજુ, એ લોકો પાકિસ્તાનને પણ મદદ કરે રાખે છે. આપણે અમેરિકાનાં સેલમાં, મનેકમને શોપિંગ કરવું પડે છે… વિદેશનીતિને નામે !  

બ્રિટિશ શાસન દરમિયાન, વર્ષો સુધી એ ગોરાઓ આપણને એમની મરજી મુજબ માલ વેચતા રહ્યા અને આપણે એને ચૂપચાપ ખરીદતા હતા. આજે કેવો સમય આવી ગયો છે કે એમના પ્રધાનમંત્રી આપણને સમજાવી રહ્યા છે અને આપણે એમની પાસેથી હેલિકૉપ્ટર નથી લઈ રહ્યા :  `માફ કરશો માસા / માસી, અમને આ હેલિકૉપ્ટર નથી જોઈતું.’ બ્રિટિશ પ્રધાનમંત્રી કે અમેરિકન પ્રેસિડન્ટ, આપણને હથિયારો, લડાકૂ પ્લેન કે  હેલિકૉપ્ટરો વેચવાનાં સોલિડ ધમ્મપછાડાં કરે રાખે છે. આ ખેલ વરસોથી ચાલે છે

જોકે, સામે પક્ષે જ્યારે ભારતમાં ઘઉંનો પાક ઉતર્યો ત્યારે ભારતના નેતા આરબ દેશોમાં આંટો મારી આવ્યા અને સાથે સાથે ઘઉંનો ભાવતાલ પણ કરી આવ્યા. ચાનો પાક ઉતર્યો તો યુરોપિયન દેશોને ચા ખરીદવા વિનંતી કરતાં પત્ર લખવાના શરૂ કર્યા. એમાં લખ્યું- `તમારો દેશ અમારી ચાનાં બે ઘૂંટ પીધા એઇને ધરાઇ જશે.’ અથવા જ્યારે નેતાઓએ આપણી મિલોમાં કપડાંનો સ્ટોક વધતા જોયો ત્યારે એ નેતાઓ અમેરિકા, ઇંગ્લેંડ કે જર્મની તરત જ તાકાઓ વેંચવા આંટો મારી આવ્યા.

આજે ભલે અમેરિકાનાં પ્રેસિડન્ટ આપણાં નેતાઓને પરાણે હથિયારો, તોપો, હેલિકૉપ્ટરો કે ફાઇટર પ્લેન્સ પધરાવે, પણ આપણું ભારત પણ થોડાં વર્ષો પછી એ લેવલ પર પહોંચે તો નવાઈ નહીં લાગે કે અમેરિકાના ઈલોન માસ્કની ઈ-કાર `ટેસ્લા’ની સામે આપણે પણ દુનિયાને ઓફર આપશું કે

`એઇને અમારી ટાટાની ગાડી કે માસૂમ માતિ કાર લઈ લો, અરે….રસ્તે કા માલ સસ્તે મેં.. ઔર હર રસ્તેમેં આપ કો મેકેનિક મિલેગા માતિ રિપેર કરનેકું.. અરે, 1 ગાડી કે પીછું એક સીટકવર ફ્રી, સાથ મેં ઇત્તર ડાલેલા ખૂશ્બુદાર એરફ્રેશનરની બાટલી ઔર ગણપતિ કા મૂર્તિ ભી ફ્રી!’જોકે, એ બધું થાય ત્યારની વાત ત્યારે.. આજે હમણાં તો આપણે ખરીદદારો છીએ. આજે ઘરાક તરીકે અમેરિકાથી અફઘાનિસ્તાન બધે જ આપણી ચમચાગિરી થઈ રહી છે કે `લઈ લો સાહેબ હથિયાર, હેલિકૉપ્ટર, તોપગોળાં,અણુબોંબ અને એરક્રાફ્ટસ એકદમ તાજજાં ને તમને એકદમ સ્પે. ભાવમાં તમે અમારાં જૂનાં ને રોજનાં ઘરાક છો’ આમેય આપણે આજે 140 કરોડની મોટી માર્કેટ છીએ ને ?!(મૂળ 1998ના લેખની સંવર્ધિત રજૂઆત)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button