વીક એન્ડ

અંબાણીના લગ્ન-જસ્ટિન બીબરનું અડધું ઉતરેલું ટ્રેક

આ બધા વચ્ચે અટવાતો મધ્યમવર્ગીય બાપ!

ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક

ભારતીય મીડિયા પર નજર કરશો તો ખ્યાલ આવશે કે હમણાં ચારે તરફ લગનની મોસમ ખીલી છે. મૂળે લગ્ન પ્રસંગ તો એક જ ફેમિલીમાં છે, પણ એ એટલો લંબાણથી ઉજવાઈ રહ્યો છે કે થોડા અઠવાડિયાઓ માટે અખબારના તંત્રીઓને બીજા-ત્રીજા પાના માટે ન્યૂઝ સ્ટોરીઝ શોધવાની ચિંતા જ જાણે ટળી ગઈ! અંબાણીને ત્યાં આજે ફલાણું થયું અને ગઈકાલે ઢીકણું થયુંની ખબરો પુરજોશમાં આવે છે અને સરેરાશ ભારતીય વાચક-દર્શક એને હોશે હોશે માણી પણ રહ્યો છે.

વચમાં ફોર એ ચેન્જ સોનાક્ષી સિંહાના લગ્ન લેવાઈ ગયા. એમાં વળી લવ-જેહાદથી લઈને શત્રુધ્ન સિંહા પરિવારના રિસામણા-મનામણા સુધીનું ચર્ચાઈ ગયા પછી માંડ બધું થાળે પડ્યું, ત્યાં ફરી આપણા અનંતભાઈના ન્યૂઝ ઊંચકાયા! જો કે આ વખતના ન્યૂઝ લગ્ન સિવાયના ભળતા જ કારણોસર વાઈરલ થઇ ગયા!

થયું એવું કે મુકેશભાઈએ લાડકવાયાના લગ્નપ્રસંગે સંગીત સેરેમનીમાં અનેક વિદેશી ગાયક-ગાયિકાઓનો ઢગલો કર્યો.

આ બધામાં યુવા દિલોની ધડકન સમું એક નામ કેનેડિયન મૂળના સિંગર જસ્ટિન બીબરનું. જસ્ટિન માત્ર બાર વર્ષની ઉંમરનો હતો ત્યારે એક લોકલ કોન્સર્ટમાં વિજેતા નીવડ્યો. એનો વીડિયો યુટ્યુબ પર ખાસ્સો વાઈરલ થયો. એક મ્યુઝિક મેનેજરની નજર એના પર પડી અને એણે જસ્ટિનને અમેરિકા બોલાવી લીધો. એ વખતે જસ્ટિનની ઉંમર રોકડા ચૌદ વર્ષની. એ પછીની દોઢેક દાયકા લાંબી કારકિર્દીમાં એણે પાછું વળીને જોયું નથી. નાની ઉંમરે હિમાલયન સફળતા મેળવનાર દરેક ટીનએજર સાથે થાય છે એમ જસ્ટિન બીબર પણ નાના- મોટા વિવાદોમાં ફસાતો રહ્યો. એક વાર તો ‘પિઝ્ઝાગેટ’ તરીકે કુખ્યાત થયેલા ચાઈલ્ડ સેક્સ રેકેટમાં પણ એનું નામ ઝળક્યું. જોકે, પાછળથી એ આખી વાત બોગસ સાબિત થઇ. આમ છતાં , એ ખરું કે જસ્ટિનને પોતાના અગડમ બગડમ વસ્ત્રો-પહેરવેશ થકી ચર્ચામાં રહેતા આવડે છે.

અંબાણીની સંગીત સેરેમનીમાં ય બીબ્સ, એટલે કે બીબરે એવું જ કર્યું. ફેશન ટ્રેન્ડના જાણકારો ભલે ભારે ભારેશબ્દો વાપરે, પણ સેરેમનીમાં જસ્ટિનિયો જે પહેરીને આવેલો એને સાદી ગુજરાતી ભાષામાં ગંજીફરાક અને ટ્રેક (એક્સરસાઈઝ કરતી વખતે પહેરાતું પેન્ટ જેવું વસ્ત્ર) અથવા લોંગ સાઈઝ બરમુડો જ કહેવાય! સફેદ ગંજી પર સફેદ જેવું જ દેખાતું, લાઈટ કલરનું જેકેટ ચડાવેલું અને ખૂબીની (અથવા ખામીની) વાત એ હતી કે એણે પહેરેલું ટ્રેક સભ્યતાની હદ વળોટીને ખાસ્સું નીચે, જાંઘ સુધી ઊતરી ગયેલું! ટ્રેક નીચે પહેરેલી અડધોઅડધ બોક્સર (ખાસ પ્રકારની શોર્ટ) ઓડિયન્સને ચોક્ખી દેખાતી હતી! અમેરિકાના ટીનએજર્સ માટે આવા પોષક કે દેખાવની કોઈ નવાઈ નથી, પણ ભારતમાં લગ્ન પ્રસંગે કોઈ આવું પહેરીને જાય તો એની ખિલ્લી જ ઊડે.. એમાં વળી લોકોને ખબર પડી કે બીબરે આ પરફોર્મન્સ માટે કરોડો રૂપિયા લીધા છે! પબિઝનેસ સ્ટાન્ડર્ડ ના રિપોર્ટ મુજબ અંબાણી પરિવારે સંગીત સેરેમનીમાં પરફોર્મન્સ પેટે બીબરને એક કરોડ ડૉલર્સ (લગભગ ૮૩ કરોડ રૂપિયા) ચૂકવ્યા છે! અધધધ કહેવાય એટલું પેમેન્ટ લીધા પછી જો કોઈ સાવ હાલી-મવાલીની માફક ગંજી અને અડધું ઊતરેલું ટ્રેક પહેરીને પરફોર્મન્સ કરવા આવે તો ય પૈસા વસૂલમાં માનતા આપણા ભારતીય મગજનો બાટલો ફાટે જ! સોશિયલ મીડિયા પર બીબરનો લુક ખાસ્સો ચર્ચાસ્પદ બન્યો, પણ અંબાણી-બીબર આપણા કરતાં જુદી માટીના ગણાય. આપણી માન્યતાઓ, પરંપરાઓ અને લાગણીઓ કરતાં એમનો સ્વેગ ચાર ચાસણી ચડિયાતો જ હોય. એમને આપણી માન્યતાઓથી ભલા શું ફરક પડે? ઠસ્સેદાર તૈયાર થયેલા અંબાણી યુગલની બરાબર વચ્ચે ઊભા રહીને ગંજીધારી બીબરે ફોટો ય પડાવ્યો ને બધા હેપ્પી હેપ્પી!

સોશિયલ મીડિયા પર ડાન્સ સેરેમનીના કેટલાય વીડિયો વાઈરલ થયા. થયું એવું કે અંબાણી પરિવારે અને મિત્રોએ ડાન્સ પરફોરમન્સ માટે ખાસ્સી મહેનત કરેલી, અને વિશેષ કોરિયોગ્રાફર્સ પણ રાખવામાં આવેલા, પણ પ્રસંગ વખતે બધાના ડાન્સ સ્ટેપ્સમાં સિન્ક્રોનાઇઝેશન-તાલમેલ જળવાતો નહોતો. બટ ઈટ્સ ઓકે યાર! લગ્ન પ્રસંગ આનંદથી ઉજવવા માટે હોય. આપણે આપણી હેસિયત મુજબ આનંદ કરીએ, અને અંબાણી એની હેસિયત મુજબ. એમાં કોણે શું પહેર્યું કે કોણ કેવું નાચ્યું એની ચિંતા કોઈએ ન જ કરવાની હોય. આપણે માટે આ બધું માત્ર મનોરંજનનો વિષય હોઈ શકે.

  • અને, મુકેશભાઈની વાત જુદી છે. એમના માટે આ પ્રસંગ અંગત આનંદનો તો હશે જ, પણ સાથે જ બ્રાન્ડ અનંતને સ્થાપિત કરવાનો પણ હશે. તમે જોશો કે મુકેશભાઈએ છેલ્લા થોડાં વર્ષો દરમિયાન સ્ટેપ બાય સ્ટેપ પોતાના સંતાનોને પ્લેટફોર્મ આપ્યું છે. લગ્ન લેવાયા એ પહેલા અનંતને ઓળખનારા બહુ ઓછા હતા, અને આજે? દેશની ઓછામાં ઓછી બે પેઢી અનંત અંબાણીને બરાબર ઓળખતી થઇ ગઈ. આવતીકાલે એ કોઈ નવી કંપની લોન્ચ કરે કે કોઈ મોટો આઈપીઓ લોન્ચ કરશે તો એના સપોર્ટમાં એની એક પોતીકી બ્રાન્ડ અત્યારે જ તૈયાર થઇ ગઈ! ગર્ભશ્રીમંત હોવા છતાં અનંત કેટલો સરળ અને લાગણીશીલ છે, પ્રાણીઓ પ્રત્યે કેટલી સંવેદના ધરાવે છે, એ બધી વિગતોની આપણને હવે – થેન્ક્સ ટુ મીડિયા મેનેજમેન્ટ-પાકી ખબર છે, આયા સમજ મેં?!

ફરી એક વાર, અંબાણી પરિવાર આ બધું કરે એમાં કશું જ ખોટું નથી. એમના આર્થિક-સામાજિક મોભા મુજબ એ વર્તી રહ્યા છે, જેમાં કાયદાનો કોઈ ભંગ થતો નથી. ઇન ફેક્ટ, આવી ઉજવણીઓ થકી ઘણાને રોજગારી ય મળતી હશે.

જોકે, તકલીફ ત્યારે થાય છે, જ્યારે સમાજમાં એક ખોટો ટ્રેન્ડ બેસી જાય.. ધારો કે અંબાણીએ એક લગ્ન પાછળ ૨,૦૦૦ કરોડ ખર્ચી નાખ્યા તો એ રકમ એમની એક વર્ષની કમાણીનો નાનકડો હિસ્સો માત્ર હશે. જ્યારે મધ્યમવર્ગીય માણસ સાદાઈથી લગ્ન પ્રસંગ ઉજવે તો ય પરિવારની કમાણીની સાપેક્ષે બહુ મોટી રકમ ખર્ચાઈ જતી હોય છે.

ખરી તકલીફ બીજી પણ છે. આ બધી ઝાકમઝોળ અને ભવ્યતા જોઈને સામાન્ય મધ્યમવર્ગીય કુટુંબનાં સંતાનો પણ એવું માનતા થઇ ગયા છે કે બોસ, ગમે તે થાય, પણ લગ્ન જો જીવનમાં એક જ વાર કરવાના હોય તો બધા જલસા કરી જ લેવા જોઈએ!
(આવું માનનારા પૈકીના કેટલાક છ-આઠ મહિનામાં જ સારો વકીલ શોધતા થઇ જાય છે, એ જુદી બાબત છે!)

અત્યારે મધ્યમવર્ગની પરિસ્થિતિ એવી છે કે ન ચાહવા છતાં ય પગ ચાદરની બહાર નીકળી જ જાય!

હજી પંદર વર્ષ પહેલાં લગ્ન જેવા પ્રસંગો પરિવારની આર્થિક ક્ષમતા મુજબ ઉજવાતા. હવે દેખાદેખીમાં ખાસ્સો ખર્ચ થઇ જાય છે. પ્રી-વેડિંગથી માંડીને ડેસ્ટિનેશન વેડિંગ સુધીની એવી અનેક ઝાકમઝોળ એવી ઘર કરી ગઈ છે કે ન પોસાતું હોય એવા લોકો પણ જીવ પર આવીને ખેલો કરી નાખે!

… અને અમુક કિસ્સામાં તો બિચારા મધ્યમવર્ગીય મા-બાપ માત્ર સંતાનોનું મન રાખવા ગજા બહારનો ખર્ચો કરે છે. નવી પેઢીને સ્માર્ટ, ફોકસ્ડ, પ્રેક્ટિકલ કે ટેક્ધોસેવી ગણીને મોઢે ચડાવતા રહેવાની ઘણાને ટેવ હોય છે, પણ આ બધું તો સિક્કાની એક જ બાજુ છે. આ જ નવી પેઢીની કાળી બાજુ એ છે કે એનો એક મોટો વર્ગ સખત પરિશ્રમ, કરકસર અને બચતના સદગુણોને વિસારે પાડી ચૂક્યો છે. આ વર્ગને પોતાની આર્થિક હેસિયતને અવગણીને સોશિયલ મીડિયામાં છવાઈ જવું હોય છે. આવા વર્ગના પિતાજીઓ અત્યારે મનોમન ઈશ્ર્વરને આજીજી કરતા હશે, કે અંબાણીનો લગ્ન સમારંભ વહેલો આટોપાઈ જાય!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button