વીક એન્ડ

તમામ ઉમ્ર ઈસી ઈક ખયાલ મેં ગુઝરી,કે ઝિન્દગી કે ફરાઈઝ સે ઝિન્દગી કમ હૈ

ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી

હૈં મુઝી સે અબ ગુરેઝાં વો ચમન કે ગુંચ-ઓ-ગુલ,
મેરે આંસુઓં ને કી થી કભી જિન કી આબયારી.
રાહ ખુદ બઢ કે બતાતી હૈ નિશાને-મંઝિલ,
ચલનેવાલે ભી તો હો ગર્દિશે-અપ્યામ કે સાથ.
દેતે હૈં તાના-એ-અસ્નામ પરસ્તી મુઝ કો,
સજદા કરતે જો નિકલ જાતે હૈં બુતખાનોં સે.
-ઉમર અનસારી
આજના લેખમાં વાત કરીશું ‘ઉમર’ અનસારીની શાયરીની સૃષ્ટિ વિશે. તેમનું અસલ નામ મોહંમદ ઉમર અનસારી હતું. તેમણે તેમના નામને તખલ્લુસમાં ફેરવી નાખ્યું અને શાયર તરીકે ‘ઉમર’ અનસારી તરીકે જાણીતા થયા. પ્રથમ વિશ્ર્વયુદ્ધનો આરંભ થાય તે પહેલાં ૨૩ સપ્ટેમ્બર, ૧૯૧૨ના રોજ લખનઊમાં તેમનો જન્મ થયો હતો. આ શાયર લખનઊની યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા હતા. ઈ.સ. ૧૯૩૦માં ૧૮ વર્ષની યુવાન વયે તેમણે કલમ ઉપાડી શાયરીનો ઉજાસ પાથર્યો હતો. આ સર્જકનું લેખન શાયરી પૂરતું મર્યાદિત ન રહેતાં તેમણે ટૂંકી વાર્તાઓ, નાટકો, નિબંધો અને વિવેચનાત્મક લેખો પણ લખ્યાં હતાં. હિન્દુસ્તાનના નામી સામયિકોમાં તેમનાં લખાણો પ્રકાશિત થયાં હતાં. તે જમાનાના કેટલાક સમાચાર પત્રો અને સામયિકોના મુખ્ય તંત્રીનું પદ તેમણે કુશળતાપૂર્વક શોભાવ્યું સંભાળ્યું હતું. તે સમયમાં બનેલી ‘બાબુલ’ નામની ફિલ્મના તેઓ નિર્માતા હતા. તેમણે જાણીતી – યાદગાર ફિલ્મ ‘સોની અને મહિવાલ’નાં ગીતો પણ લખ્યાં હતાં.
તેમના પ્રકાશિત ગઝલસંગ્રહોમાં જરસ-એ-કારવાન, બાઝગશ્ત, સાઝ-એ-બેખુદી, સનમકુદા, તરાના-એ-નાત, નકશે-સામ, કશીદ-એ-જાનમાં તેમની રચનાઓનો સમાવેશ થયો છે. તેમના કેટલાંક પુસ્તકો પુરસ્કૃત થયાં હતાં. ઉત્તર પ્રદેશની ઉર્દૂ સાહિત્ય અકાદમીએ આ શાયરનું સન્માન કર્યું હતું. ૧૮ નવેમ્બર ર૦૦૫ના રોજ લખનઊમાં આ શાયરે દુનિયાને અલવિદા કરી હતી.
જિન્દગીના અનુભવો અને હકીકતોને શેરમાં ઢાળનાર આ અનોખા શાયરની શેર-શાયરીનો હવે રસાસ્વાદ કરીએ.
ક્યા ઝિન્દગી હૈ નામ ઈસી કા ઝમાને મેં,
હર શખ્સ ઝિન્દગી સે ગુરેઝા દિખાઈ દે.
શું આ વિશ્ર્વમાં તેને જ જીવન કહી શકાય કે જ્યાં દરેકે-દરેક માણસ પોતાના જ જીવનથી નાસતો-ફરતો રહે છે!
(આવી પલાયનવૃત્તિ ક્યાંથી આવી હશે!)
ક્યૂં કર ન ફિર ઉડાયે દુનિયા હંસી હમારી,
બાગી હૈ જબ હમીં સે ખુદ ઝિન્દગી હમારી.
મારું પોતાનું જીવતર મારી વિરુદ્ધ વિદ્રોહી (બાગી) થઈ ગયું છે. તેને લીધે દુનિયાના લોકો મારી મજાક ઉડાવી રહ્યા છે. શાયરે વાસ્તવિકતાનો કેવો નમ્રતાપૂર્વક સ્વીકાર કરી લીધો છે.
તમામ ઉમ્ર ઈસી ઈક ખયાલ મેં ગુઝરી,
કે ઝિંદગી કે ફરાઈઝ સે ઝિન્દગી કમ હૈ.
મારું સમગ્ર જીવન એવા વિચારમાં વ્યતીત થઈ ગયું કે જીવનની ફરજો નિભાવવા માટે જીવન ઘણું ટૂંકું પડે છે.
ક્યા દેખ લિયા કિ ઝિન્દગાની,
આહિસ્તા-ખિરામ હો ગઈ હૈ.
આ જીવન આજકાલ મંથર ગતિથી પસાર થઈ રહ્યું છે તે તમે જોઈ લીધું કે નહીં?
ઉઠા કર દેખ આઈના તો ઝાલિમ,
ગવાહી દે રહી હૈ ખુદ નઝર ક્યા?
અરે ઓ જાલિમ (પ્રિયતમા)! તું જરા પેલો અરીસો ઉપાડીને તેમાં જોઈ તો લે કે તેમાં તારી પોતાની જ નજર સાક્ષી (સાબિતી) આપી રહી છે કે નહીં?
ઝમાને કી નઝર સે હમ કહાં તક,
નઝર-અંદાઝ હોંગે, દેખના હૈ.
જમાનાની નજરથી હું ક્યાં (કેટલે) સુધી નજર-અંદાજ રહી શકું છું તેનો મને અનુભવ કરવો છે એવું શાયર કહે છે ત્યારે તેમાં ઝેરનાં પારખાં કરવાની શાયરની તત્પરતા જણાઈ આવે છે.
બેખુદી કા બુરા હો સુબહ હુઈ,
ફિર ભી અખ્તર શુમાહિયાં જ ગઈ.
આ બેશુદ્ધિમાં તો સવાર પડી ગઈ. (આ બેશુદ્ધિનું મોં કાળું થજો.) સવાર પડી ગઈ છતાં પેલા તારલા ગણવાનું કામ (કેમ) પૂરું થયું નહીં!
તુમ તો ‘ઉમર’ આદી ઈસ કે,
કૌન તુમ્હારા રોના દેખે.
શાયર પોતાની જાતને સંબોધીને કહે છે કે એ ‘ઉમર’! તને તો આ બધાની ટેવ પડી ગઈ છે. તારા રોવા-ધોવા પર હવે કોણ ધ્યાન આપશે.
પૂછો કિસી ગરીબ કે ઉજડે હયાર સે,
બૈઠા હૂં ક્યૂં ખમોશ દરો-બાઅ કી તરહ.
કોઈ ગરીબના ઉજ્જડ થઈ ગયેલા ઘરને પૂછો કે હું આવી રીતે દરવાજા અને બારીની માફક ચુપચાપ કેમ બેઠો છું!
હો જગહ ઐ ‘ઉમર’ જિસ કી દિલ મેં,
કૈસે કેહ દૂં કિ ગમે-દીગરાં હૈ.
ઓ ‘ઉમર’! જેના માટે હૃદયમાં જગ્યા હોય એને વળી બીજાનું દુ:ખ છે એમ કેવી રીતે કહી શકાય.
*સાનિહા કોઈ હો નહીં સકતા,
દહર મેં ઈન દોનોં સે અઝીમ,
એક કિસી ઝિન્દા કી ખમોશી,
એક કિસી કે દિલ કી વફાત.
એક તો કોઈ જીવતા માણસનું મૌન અને બીજું કોઈના હૃદયનું મૃત્યુ! દુનિયામાં આ બેથી વધુ ખરાબ-નઠારી બીજી કોઈ દુર્ઘટના હોઈ શકે નહીં.
મોમિન થા દિલ તો ફિરતા થા અસ્નામ-દર-બગલ,
કાફિર હુવા તો બાંધ કે એહરામ આ ગયા.
મારા હૃદયમાં ઈમાન હતું ત્યાં સુધી હું બગલમાં મૂર્તિ થઈને ફરતો હતો. પરંતુ જ્યારે આ હૃદય કાફર (વિધર્મી)થયું ત્યારે એ તો હજનાં વસ્ત્રો પહેરીને આવી ગયું.
આ બે કિસ્સામાં શાયરે કટાક્ષમાં તીર કેવા ફેંક્યાં છે!
કુછ ન કા’બા, ન કલીસા, ન સનમખાના હૈ,
સબ કી બુનિયાદ મેરી લગ્ઝિશે-મસ્તાના હૈ.
કાબા, દેવળ કે પછી માશૂકાનું ઘર-આ બધાનું (મારે મન) કશું જ મહત્ત્વ નથી. આ બધાના પાયામાં તો મારી મસ્ત લથડતી ચાલ માત્ર છે.
કહીં અરમાનોં કે મદફન, કહીં ઉમ્મીદોં કે;
બરગુઝીદા યે મકામાત કહાં લે જાઉં?
ક્યાંક અરમાનોની કબર છે તો ક્યાંક ઉમ્મીદોની કબર છે. મારા આ ગમતાં સ્થળોને હવે હું બીજી કંઈ જગ્યાએ લઈ જાઉં. (તે વિશે મને રસ્તો બતાવો.)
ઉફ રી કિસ્મત, તેરે દરયૂઝાગરે-ઉલ્ફત કી,
જો સદા દે ન સકે, ઔર તેરે દર સે ગુઝરે.
તારા પ્રેમના ભિખારીનું કિસ્મત કેવું છે! (મને તેનો અજબ પસ્તાવો છે.) તારા ઘર પાસેથી પસાર થયો ખરો, પણ હું તને બોલાવવા માટે સ્હેજે અવાજ કરી શક્યો નહીં.
ઈબારત હૈ મેરી ગદેર્ર્-સફર સે,
ગુહર ક્યા, ફૂલ ક્યા, શમ્સો-કમર ક્યા?
(ઈબારત એટલે નિર્માણ-ઢાંચો-(ડકશન) મારું લેખન તો પ્રવાસની ધૂળથી થતું હોય છે. પછી તો મોતી હોય, પુષ્પ હોય કે પછી સૂરજ-ચંદ્રમા હોય! (મને કશો ફરક પડતો નથી.)
અમ્વાઝે-હવાદિસ સે ગુઝરા હૂં મૈં યૂં જૈસે,
દેખા હુવા દરિયા હૈ, સમઝા હુવા તૂફાં હૈ.
દુર્ઘટનાઓ-કિસ્સાઓની લ્હેરોમાંથી હું એવી રીતે પસાર થયો છું જાણે મેં દરિયો જોઈ લીધો છે અને તેમાં ઉઠતાં તોફાનને મેં ઓળખી લીધા છે.
એ હદે-માઝી કે ફસાને હૈં બહોત પારીના,
ફિર કોઈ તાઝા સિતમ ઢાઓ કે કુછ રાત કટે.
પુરાણી દુનિયાની વાર્તાઓ પણ ઘણી જૂની થઈ ગઈ છે. હવે કંઈક નવી રીતે જુલમ ગુજારો તો આ રાત્રિ પસાર કરી શકાય.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button