અજુય – કાળી રેતીનો બીચ, ગુફાઓ અને તરસી ખિસકોલીઓ…
અરાઉન્ડ ધ વર્લ્ડ – પ્રતીક્ષા થાનકી
ફુઅર્ટેવેન્ટુરાની મજા એ છે કે ત્યાંનું અનયુઝુઅલ લેન્ડસ્કેપ અને કપરી તીવ્ર હવા વચ્ચે તમે ભલે ત્યાં બે દિવસથી જ હોવ, વર્ષોથી અહીં જ ફરી રહ્યાં હોવ તેવું લાગવા માંડે. આ ટાપુ પર અત્યંત ઈમર્સ થઈ જવાય તેવું છે. ખાસ તો હાઇક પર હવાની થપાટમાં ક્યાંક પડી ન જવાય તેમ સતત બેલેન્સ રાખીને ચાલવું જરૂરી છે. એટલું જ નહીં, અહીં સતત જૂના- વોલ્કેનોની યાદ વચ્ચે જ રહેવામાં રંગો પણ ઘણા અનોખા છે. સતત રાતી અને કાળી રેતી, એ જ રંગના પહાડો વચ્ચે દરિયો જરા વધુ પડતો બ્લુ લાગવા માંડે તે પણ સ્વાભાવિક છે.
મિરાડોરથી નીકળીને અમારે અજુય ગુફાઓ તરફ જવાનું હતું. ત્યાં પહોંચતાં જરાય વાર ન લાગી. પાર્કિંગ પણ તરત જ મળી ગયું. સ્કૂલ સીઝનમાં વેકેશન પર જવાના આ બધા નાના ફાયદા પણ ક્યારેક મજા કરાવી જતા હોય છે. અજુય ગુફાઓ અને બીચ સાથે એક નાનકડું ફિશિંગ વિલેજ પણ છે. અજુય કેવ્સ પર જવા માટે હું ગુફાઓ જોવા તો તૈયાર હતી જ, પણ ત્યાંના દરિયાના સૌંદર્યથી તો જાણે ઝટકો જ લાગ્યો. આ પહેલાં અમે આઈસલેન્ડ અને ટેનેરિફેમાં બ્લેક સેન્ડ બીચ જોઈ ચૂક્યાં છીએ, છતાંય આ અજુય બીચનું સેટિંગ એવાં દૃશ્યો ઊભાં કરતું હતું કે જાણે કોઈએ તે જગ્યાને હાથેથી પેઈન્ટ કરી હોય.
મજાની વાત એ પણ છે કે આ અજુય બીચ ફુઅર્ટેવેન્ટુરાના ટોપ ટેન લિસ્ટમાં પણ નથી. લોકો ખાસ કંઈક અલગ જોવું છે એની શોધમાં ત્યાં પહોંચી જાય છે. અંતે તો અહીં ઘણાં ટૂરિસ્ટ હતાં જ, એટલે એમ કહી શકાય કે તે દિવસે ફરવા નીકળેલાં મોટાભાગનાં ટૂરિસ્ટ કંઈક અલગ જ શોધવા નીકળેલાં. એક ઉંમરલાયક કપલ તો અમારી સાથે મિરાડોર પર પણ હતું. આ જ રસ્તે ચાલીશું તો સાંજ સુધીમાં તે લોકો બધે જ મળશે. જોકે એ લોકો તો અમારી આગળ નીકળીને બીચ પર જઈને પોતાની બેગમાંથી ટોવેલ્સ કાઢીને રેતીમાં જ ફેલાઈ ગયાં. હવે તે કલાકો સુધી ત્યાંથી ઊઠે તેવું લાગતું નહોતું. અમને પણ થયું કે આટલા સુંદર બીચ પર થોડું તો બેસવું જ જોઈએ. અમે પણ ત્યાં જરા પગ પલાળ્યા અને કાળી રેતી હાથમાંથી- -સરકાવી જોઈ.
આ બીચ બંને તરફથી ખડકોથી એવી રીતે ઢંકાયેલો હતો કે અહીં ફુઅર્ટેવેન્ટુરાનો ખ્યાતનામ વંટોળિયો પવન- પણ હળવો થઈ જાય છે. અમારા તે દિવસના અજેન્ડા પર બીચ પર પડ્યા રહેવાનું ન હતું, એટલે અમે થોડી વારમાં ખડકો તરફ આગળ ચાલ્યાં. અહીં નાનકડી બખોલમાં ખિસકોલીઓ આંટા મારી રહી હતી. એટલું જ નહીં, એ લોકો પાસે- આવીને જાણે હાથ જોડીને ઊભી રહી જતી હોય તેવું લાગ્યું. અમારી આગળ ચાલતા એક ભાઈએ પોતાની પાણીની બોટલના ઢાંકણામાં તેની સામે પાણી મૂક્યું તો તે તરત જ આવીને પાણી પીવા લાગી. તેની પાછળ બીજી ખિસકોલીઓ પણ- આવી ગઈ હતી. અહીં ખડકોમાં નાની નાની બખોલ જેવી ગુફાઓમાં ખિસકોલીઓનાં ઘર હતાં. અહીં સમુદ્રના પાણીની તો. કોઈ કમી ન હતી, પણ પીવાનું પાણી એટલી સરળતાથી મળતું ન હતું. ખિસકોલીઓ આમ પણ લોકોથી શરમાતી નથી. જોકે તેમને માંડ માંડ પાણી મળતું હોય એમાં તેમનામાં રમવાની અને આંટા મારવાની ખાસ એનર્જી હોય તેવું લાગ્યું નહીં.
ખિસકોલીઓને પાછળ છોડી ત્યાં અનોખી ગુફાઓ અને પેનકેક રોક્સ દેખાયાં. આ ખડકો કોઈએ પેનકેક કે પૂરણપુરીની થપ્પી મારી હોય તેવા શેપમાં હતાં. દરિયાઈ હવા અને પાણીનો મારો આ ખડકોનો આકાર સતત બદલ્યા કરતો હતો. અહીંની ગુફાઓ ઘણી ગેબી લાગતી હતી. તે દરિયાથી ઘણી ઊંચાઈ પર હોવા છતાં, ત્યાં ઘણી વાર પાણી પહોંચી જતું હોવાની વાત છે. આ અજુય બીચ અને કેવ્સ પર આટલામાં વાત પૂરી નથી થતી. હજી આગળ એક વિશાળ ગુફા ખાસ સુરંગ તરીકે બનાવવામાં આવી હતી. તે કુદરતી નથી, અહીંનાં માણસોએ કોઈ સમયે તે બનાવેલી છે. એટલું જ નહીં, ત્યાં વિશાળ વહાણોને બાંધવા માટેનો એક ભવ્ય સ્તંભ પણ છે. આજે આ સ્તંભ પાસે થઈને પગથિયાં ઊતરીને એ
સુરંગ સુધી જઈ પણ શકાય છે. વળી તેના માટે બપોર પહેલાં જ આવવું પડે. રોજ બપોર પછી આ સુરંગમાં દરિયો ફરી વળે છે, એટલે આ સ્થળની મુલાકાત લેવા બપોર પછી કોઈ નથી આવતું.
અહીંના ખડકો માત્ર ફુઅર્ટેવેન્ટુરાના જ નહીં, કેનેરી ટાપુઓના સૌથી પૌરાણિક હોવાની વાત છે. આ સુરંગ સાથે જાણે એક કેવ નેટવર્ક જ જોડાયેલું છે. ત્યાં એક ગુફાથી બીજી ગુફા તરીને જઈ શકાય તેવું છે. જોકે ત્યાંનો ભૌગોલિક માહોલ જરા અનિશ્ર્ચિત લાગતો હતો. એવામાં પાણીમાં પડવાનું જોખમ કરવા જેવું કોઈને લાગ્યું નહીં. ૧૪મી સદીમાં કોઈ સમયે આ ધબકતું પોર્ટ હોવાની વાત છે. ત્યારે અહીં ચાંચિયાઓનો ભારે ત્રાસ હતો. સમય સાથે અહીં વસતી ઓસરતી ગઈ. આજે નજીકમાં એક નાનકડું ગામ જ બચ્યું છે. સદીઓ પહેલાં કેનેરી આઇલેન્ડ પર સ્પેનિશ લોકોએ હુમલો કરીને ટેકઓવર કરી લીધું હતું ત્યારે તે લોકો આ પોર્ટ પર જ પહેલાં પહોંચ્યા હતા. આજે અહીં માત્ર વાર્તાઓ બાકી રહી છે. -નજીકમાં એક લાઈમસ્ટોનની ક્વોરી પણ છે. અજુય રિજનનો લાઈમસ્ટોન છેક ૧૯મી સદી સુધી અત્યંત લોકપ્રિય હતો. કોણ જાણે કેમ આ જગ્યાની હિસ્ટ્રીના પ્રમાણમાં અહીં ટૂરિસ્ટ સિવાય સ્થાનિક લોકોની જરા અછત લાગતી હતી. બસ ખિસકોલીઓ જ બચી હતી.
કલાકમાં ખડકો અને ગુફાઓથી બહાર નીકળીને ગામ તરફ આવ્યાં. અહીં કાળી રેતી અને બ્લુ બીચના વ્યુ સાથે ઠંડી બીયર તો મળી. હજી લોકો માંડ આંગળીના વેઢે ગણી શકાય એટલાં જ દેખાતાં હતાં. હજી આ દિવસમાં બીજું ઘણું -જોવાનું બાકી હતું.