મહિલાના ‘હાથ’ લગાવ્યા પછી એ પુરુષની થઈ કેવી મોકાણ?

ઊડતી વાત -ભરત વૈષ્ણવ
‘હેલ્લો, મિસ્ટર તરુણકુમાર, અભિનંદન!’
અમે તરુણકુમારને ફૂલોનો ગુલદસ્તો અને સાથે મોસંબી – સફરજન આપ્યા. ‘આભાર, મહાશય આપ કોણ? આપનો પરિચય?’
તરુણકુમાર અવઢવમાં હતા.અમને શંકાની દ્રષ્ટિએ જોઇ રહ્યા હતા. આમ પણ અમે શંકાસ્પદ વ્યક્તિ છીએ. અખબારી આલમમાં તમે કઇ સંસ્થાનું પ્રતિનિધિત્વ કરો છો એના પર તમારી રેપ્યુટેશન-આબરુ અંકાતી હોય છે.
અલગ અલગ ચેનલોમાં તો દરેક ચેનલની વૅલ્યુ કે ન્યુશન્સ વૅલ્યુ હોય છે. ‘બખડજંતર’ ચેનલની ઓફિસ જે કોમ્પલેકસમાં છે તે બિલ્ડિંગમાં ત્રીજી શોપમાં બાબુલાલ બબૂચકને ઓળખતું ન હોય તો દિલ્હીમાં કોણ ભોજિયો બાબુલાલ કે ‘બખડજંતર’ને ઓળખતો હોય?
આપણી પ્રજા કેમેરો જોઇને ગમે તેવાને ઇન્ટરવ્યૂ આપવા તૈયાર થઇ જાય છે. ‘ખોંખારા’ જેવું કોઇ પણ ઢંગધડા નગરનું નામ ધરાવતું પોર્ટલને ય ‘ખાસ’ ઈન્ટરવ્યૂ આપવા તૈયાર થઈ જાય. ‘તરુણકુમારજી, અમે ‘બખડજંતર’ ટીવી ચેનલ તરફથી તમારો ઈન્ટરવ્યૂ લેવા આવ્યા છીએ. હું ચીફ રિપોર્ટર ગિરધરલાલ ગરબડિયા અને રાજુ રદી ઓલ ઇન વન મેન આર્મી છે. રાજુ રદી કેમેરામેન કમ એવરિથિંગ છે’ અમે તરુણકુમારને જણાવ્યું.
તરુણકુમારના પત્ની ચા અને ખારી મુકી ગયા. તરુણકુમારે ચા લેવા સ્ત્રી સહજ હાથ લાંબો કર્યો. ‘તરુણકુમારજી, તમને નવું જીવન મળ્યું કહેવાય. તમે સાઇકલ લઇને ટ્રેનના પાટા ઓળંગતા હતા અને ફૂલ સ્પીડે આવતી ટ્રેન તમારા પર ફરી વળતા તમારા હાથનો બટેટાની માફક છૂંદો થઇ ગયો. તમને હાથ ન હોય તો તમે પેઇન્ટિંગ કેવી રીતે કરી શકો? હાથ વગર જીવન જીવવું લગ્ન થયા પછી પુરુષ માટે જીવવા જેવું દુષ્કર છે’
અમે તરુણકુમાર માટે આનંદની સંવેદના પ્રગટ કરી. ‘શોલે’ ફિલ્મમાં ગબ્બર ઠાકુર, ‘મુજે તેરે હાથ દે દે’ કહીને ઠાકુરના હાથ છીનવે છે એમ અહીં ગબ્બરની ભૂમિકા ટ્રેને ભજવી. અરે ભાઇ સાહેબ, ‘તમારા ભાઇને લગાડેલા નવા હાથે તો મોકાણ સર્જી છે. અમારી વાટ લાગી ગઇ છે!’ તરુણકુમારની પત્ની રાજરાણીએ અમને કહ્યું. નમસ્તે,ભાભી સાહેબા. ‘અમને કાંઇ સમજણ પડી નહીં!’ અને પતંગના દોરાની માફક ગૂંચવાઈ ગયા!
‘મેરે પતિ સારે દિન હાથની આંગળીઓમાં નેલ પોલિશ જ કરે છે. નેલ પોલિશ લગાવે છે. નખ પર ફૂંક મારી એ પોલિશ સૂકવે છે. પછી નેલ પોલિશ રિમુવર લગાવે છે અને પાછો લવન્ડર શેડનો નેલ પોલિશ કરે છે. આટલી વાર તો હું પણ નેલ પોલિશ લગાડતી નથી. નેલ કટરથી વારંવાર નેલ ફાઇલિંગ કરે છે!’ રાજરાણીએ નખ-દાર ફરિયાદ કરી. ‘ઓહ નો!’ અમે આશ્રર્ય વ્યક્ત કર્યું.. ‘ઇટસ, ઇમ્પોસિબલ!’ ફરિયાદ સાંભળીને અમે હકકાબકકા રહી ગયા.
‘તરુણકુમારજી પગના અંગૂઠાથી મહિલાની માફક ફર્શ ખોતરવાની કોશિશ કરે છે.’ રાજરાણીની બીજી ફરિયાદ!
‘કુછ તો કેમિકલ લોચો છે!.’ રાજરાણીની ફરિયાદ સાંભળીને અમે કહ્યું.
‘તરુણકુમારજી કારણ વગર ચહેરા પર બંને હાથ લઇ જઇ ગાલ પર શરમના શેરડા પડતા હોય તેમ કોઇ મહિલાની જેમ શરમાવાની નજાકતપૂર્ણ આભિજાત્ય સભર અદા કરે છે!’ રાજરાણીએ ત્રીજી ફરિયાદ દર્જ કરી.
વોટ? શું કહો છો? ભાભીજી!.અમે સજજડ થઇ ગયા.
‘તરુણકુમારજી બંને હાથે વેકસિંગ કરાવે છે!.આઇ બ્રો કરાવે છે. કપાળે જાત જાતની બિંદી લગાવે છે.સિંદૂરથી સેંથો પૂરે છે. આખો દિવસ કેશગૂંફન કરે છે. વાળમાં હેર બેન્ડ લગાવે છે. ક્યારેક ચોટી કરી રીબન લગાવે છે, ક્યારેક પોની લે છે, ક્યારેક અંબોડો લે છે.’ રાજરાણીએ ચોથી-પાંચમી ફરિયાદ એક સાથે કરી. ‘એમ?’ આટલું બોલતાં અમારું મોં ખુલ્લું જ રહી ગયુ.
‘અરે, કયાં બોલું ભાઇ સાહેબ? કહેને મેં ભી શર્મ આતી હૈ! મેરે વોર્ડરોબ સે ટોપ, કુર્તી, સલવાર ઠઠાડે છે.કલાકો સુધી અરીસા સામે ઉભા રહી અનિમેષ નજરે ખુદને નિહાળીને ‘મેં ભી ખૂબસૂરત હૂં’ એમ કહી પોતાના પર જ વારી જાય છે!’ રાજરાણીની છઠ્ઠી ફરિયાદ.
‘ના હોય. કોઇ મર્દ આવી હરકત ન કરે…’ અમે પ્રતિભાવ આપ્યો.
‘બાકી બધુ તો સમજ્યા પણ હોઠ પરની રુવાંટી દૂર કરાવી
લિપસ્ટિક લગાડે છે. લિપસ્ટિકને ફાઇનલ ટચ આપતી વખતે મહિલા
હોઠ વાંકાચૂંકા કરે તેવી હરકત કરે છે. પછી શરમના માર્યા પાણીપાણી થવાનો અભિનય કરે છે!.’ રાજરાણી સાતમી ફરિયાદ કરતા રીતસર રડી પડી.
‘ભાભી રડો નહીં. ઈશ્ર્વર સૌ સારાવાના કરશે.’ અમે આશ્ર્વાસન આપ્યું.
‘તરુણકુમારજી વારંવાર કોઇને હાથમાં તાળી મારે છે. તાળી આપ્યા પછી નાની છોકરીની જેમ ઉછળકૂદ કરે છે.’ રાજરાણીએ આઠમી ફરિયાદ કરી.
‘તમે તાત્કાલાક કોઈ સાઈક્રિયાટ્રિસ્ટને ક્ધસલ્ટ કરો.’ અમે એડવાઇઝ આપી.
તમારા ભાઇ, ‘મારી બહેનપણીના પતિને જોઇ નિર્લજ્જતાની હદ વટાવી જાય છે. ગોરી હૈ કલાઇયા,તું લાદે મુજે હરી હરી ચુડિયા જેવાં શૃગાંરિક ગીતો ગાય છે!’ રાજરાણીએ ન કહેવાય ન સહેવાય એવી કરમની કઠણાઇ કહી.
‘ભાભીજી, તમારા ખાવિંદ કે શૌહર આવું કેમ કરે છે એની તપાસ કરી?’ રાજુ રદીના ખોળિયામાં રહેલો પત્રકારનો આત્મા આખરે ઊછળી પડયો.
‘એમને અકસ્માત થયા પછી એમના હાથ કપાઈ ગયેલ. એમના હાથ ટ્રાન્સપ્લાન્ટ કરવાના હતા. કોઇ મર્દાના હાથ ન મળ્યા. એટલે જનાના હાથ ઇમ્પ્લાન્ટ કરવા પડયા..બસ,ત્યારથી આ મોંકાણ ઉભી થઇ છે!’ રાજરાણીએ રહસ્યોદઘાટન કર્યું! ગણપતિનું મસ્તિક ઇમ્પ્લાન્ટ કરતી સમયે કોઇ અપ્સરાનું મસ્તિક મળ્યું હોત તો ગણેશ ભગવાન ગજાનનને બદલે અપ્સરાનન કહેવાતા હોત!
(નોંધ : આ લેખ હાસ્ય નિષ્પન્ન કરવાના નિર્દોષ હેતુસર લખવામા આવ્યો છે.. કોઇએ બંધબેસતી પાઘડી કે કેપ પહેરવી નહીં.)