આવાસ અને સંવેદનાઓ
સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા
કળાનાં અન્ય ક્ષેત્રો કરતાં સ્થાપત્ય સાથે લાગણીના સંબંધો વધુ સંકળાયેલા હોય છે. સ્થાપત્ય એ માત્ર કળા નથી, તેમાં વૈજ્ઞાનિક – ઇજનેરી બાબતો પણ વણાયેલી હોય છે. સ્થાપત્ય માત્ર અનુભૂતિ માટે નથી, તેમાં ઉપયોગિતાનું પણ મહત્ત્વ છે. કળાના અન્ય ક્ષેત્રની જેમ તે વ્યક્તિલક્ષી નથી, તે વધુ ધ્યેયલક્ષી છે. સ્થાપત્યમાં કલાકારની મારી ઈચ્છા ને સ્થાન નથી પણ વ્યક્તિ-નિરપેક્ષ રચનાનું મહત્ત્વ છે. સ્થાપત્ય એ એક વ્યક્તિ કે ચોક્કસ વ્યક્તિ સમૂહની માનસિક તૃષ્ટિ માટે નથી, તે વ્યક્તિ સમૂહ પ્રત્યેના સામાજિક ઉત્તરદાયિત્વ સમાન છે. સ્થાપત્ય તેની નિર્ધારિત ઉપયોગિતા માટે અસરકારક હોવું જોઈએ, તેની મજબૂતાઈ પણ જરૂરી છે અને સાથે સાથે તેનો દેખાવ સ્વીકૃત પણ હોવો જોઈએ.
આ બધા સાથે સ્થાપત્યમાં માનવીની સંવેદનાઓ પણ વણાઈ જવી જોઈએ. મકાન અને માનવી સાથે લાગણીનો સંબંધ બંધાવો જોઈએ. મકાનની અંદર માનવીની સંવેદનાઓને સ્થાન મળવું જોઈએ. મકાન એ માત્ર સગવડતાનું સ્થાન નહીં પણ વ્યક્તિની સંવેદનાઓને હકારાત્મક પ્રતિભાવ આપતી રચના હોવી જોઈએ. આવી સંવેદનાઓની સૌથી વધુ જરૂરિયાત આવાસની રચનામાં રહે છે. ભારતીય પરંપરા પ્રમાણે તો આવાસ એ કુટુંબના એક સભ્ય સમાન ગણાય છે. કુટુંબના સભ્યો પરસ્પર જે લાગણીથી જોડાય છે તેવી જ લાગણીથી સભ્યો પોતાના ઘર – આવાસ સાથે પણ જોડાય છે.
આવાસ સાથે તાદાત્મ્યતા સ્થપાવી જોઈએ. વ્યક્તિને એમ લાગવું જોઈએ કે હું અને આવાસ એકબીજા માટે સર્જાયા છીએ. વ્યક્તિને એમ જણાવવું જોઈએ કે આવાસ મારી જે તે માનસિક સ્થિતિને યોગ્ય પ્રતિભાવ આપશે. વ્યક્તિ દુ:ખી થાય ત્યારે તેને હૂંફ આપનાર ખૂણો તૈયાર હોવો જોઈએ અને જ્યારે તે આનંદિત હોય ત્યારે ઉજવણી કરવા માટે જરૂરી મોકળાશ તેને મળી રહેવી જોઈએ. આ માટે વ્યક્તિની મનોવૈજ્ઞાનિક સમજ પ્રમાણે આવાસમાં ચોક્કસ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કરવું પડે.
પોતાના આવાસ પ્રત્યે વ્યક્તિને ગૌરવની અનુભૂતિ થવી જોઈએ. જરૂર નથી કે આ માટે આવાસ મોટું કે વધુ કિંમતનું હોય. નાના આવાસની રચના પણ એ રીતે થઈ શકે કે વ્યક્તિ તેનાથી ગૌરાન્વિત થાય. જ્યાં વ્યક્તિની નાની નાની પસંદગી માટે પણ ધ્યાન અપાયું હોય, જ્યાં વ્યક્તિની વિશેષ જરૂરિયાતનો સમાવેશ કરાયો હોય, જ્યાં વ્યક્તિને એમ જણાતું હોય કે મારું આવાસ મારા વ્યક્તિત્વને સમગ્રતામાં પ્રતિબિંબિત કરે છે, અને જ્યાં રચના પાછળ વ્યક્તિને બિનજરૂરી રીતે ખેંચાવવાની સ્થિતિ ઊભી ન થતી હોય; તે પ્રકારના આવાસથી વ્યક્તિ ગૌરાન્વિત થઈ શકે.
વ્યક્તિને આવાસ સાથે માલિકીનો – પોતાપણાનો ભાવ સ્થપાવવો જોઈએ. સાંપ્રત સમયમાં જ્યાં મકાનો એકધારા બનતા જાય છે ત્યાં વ્યક્તિ જે તે પરિસ્થિતિ સાથે ઇચ્છિત સંબંધ નથી સ્થાપી શકતો. આજકાલ બનતાં મકાનો ચહેરા વિનાના – ઓળખ વિનાના હોય છે. અહીં માત્ર સ્થાન અને બજેટ પ્રમાણે જ આવાસનું ચયન કરવું પડે છે. પછી તે કોઈ કળાકાર હોય કે શેરબજારનો વેપારી, બંને માટે સમાન ઘર જ બનાવાય છે. આવી એકધારી રચનાથી વ્યક્તિના મનમાં જે કોઈ પ્રકારની માલિકીનો ભાવ હોય છે તે ભૌતિક સ્તરે જ હોય છે. એમ દલીલ થઈ શકે કે આવી રચના સાંપ્રત પરિસ્થિતિનું પરિણામ છે. સાચી વાત છે, પણ પ્રયત્ન તો થવા જ જોઈએ. એમ બની શકે કે મુખ્ય માળખું દરેકને એક સમાન આપવામાં આવે પણ તેમાં વ્યક્તિ પોતાની નાની-મોટી જરૂરિયાત મુજબ સ્થાન નિર્ધારણ તથા વિગતિકરણ કરી શકે. આવા સફળ પ્રયત્ન થયા પણ છે. મુદ્દો એ છે કે વ્યક્તિ પોતાના આવાસ સાથે ચોક્કસ પ્રકારનું હકારાત્મક મનોવૈજ્ઞાનિક સમીકરણ સ્થાપી શકે. આમ કરવાથી વિશેષ પ્રકારની માલિકીનો ભાવ ઊભરી શકે.
આવાસમાં વ્યક્તિને એક પ્રકારની મુક્તતાની અનુભૂતિ પણ થવી જોઈએ. જ્યારે આવાસ બંધિયાર લાગે તારે વ્યક્તિની માનસિકતા પર નકારાત્મક અસર થઈ શકે. આવાસ સંભાવનાઓ પૂર્ણ હોવું જોઈએ. આવાસની અંદર માનવીને એક પ્રકારની મોકળાશની પ્રતીતિ થવી જોઈએ. આવાસ તેના પર જબરદસ્તી કરે છે તેવો ભાવ લાંબાગાળે લાગણીઓને નુકસાનકર્તા બની રહે. પોતાનું આવાસ છે અને પોતાની રીતે આવાસની જે તે પરિસ્થિતિને પ્રતિભાવ આપવાની એને છૂટ જોઈએ. આમ ત્યારે જ થઈ શકે જ્યારે, ખાસ કરીને નાના આવાસમાં, બિનજરૂરી બાબતો તથા સામગ્રીનો સમાવેશ કરવાનો આગ્રહ ન રખાયો હતો. જરૂર પૂરતી જ સવલતોનો સમાવેશ કરવાથી પણ મુક્તતાની અનુભૂતિ સંભવી શકે.
આવાસ વ્યક્તિની ઓળખ સમાન હોવું જોઈએ. આ ઓળખમાં તેની સાંસ્કૃતિક, સામાજિક, કૌટુંબિક તથા વ્યક્તિગત બાબતો પણ વણાઈ જવી જોઈએ. આવાસ જે તે વ્યક્તિના વ્યક્તિત્વ સમાન છે. વ્યક્તિ જેમ છે તેમ, તેના આવાસ થકી ઓળખાવો જોઈએ. વ્યક્તિના વ્યક્તિત્વનું પ્રતિબિંબ આવાસમાં જીલાવવું જોઈએ. વસ્ત્રથી જેમ વ્યક્તિ વિશે
ધારણાઓ બંધાતી હોય છે તેવું જ આવાસ માટે છે. આવાસની રચનામાં ક્યાંક વ્યક્તિના ભૂતકાળના પડઘા પડવા જોઈએ, વર્તમાનની જરૂરિયાતો સંતોષવી જોઈએ, અને ભવિષ્ય માટેની દિશા નક્કી થવી જોઈએ. આવાસ થકી જ વ્યક્તિની પસંદગી, મૂલ્યો તથા અગ્રતાક્રમ જાણી શકાય – પણ જો એ પ્રમાણેની રચના કરવામાં આવી હોય તો. એમ ન કરવામાં આવ્યું હોય તો પણ વ્યક્તિની ઘણી બાબતો તેના આવાસની મુલાકાતથી ખબર પડી શકે. આવાસની રચનામાં સાવચેતી રાખવી પડે.
આજના સમયમાં કુટુંબ ભલે વિભાજિત થઈ જતું હોય, પણ આવાસની રચના એ રીતની હોવી જોઈએ કે ત્યાં રહેનાર દરેક વ્યક્તિ અન્ય સાથે તાલમેલ મેળવી એકરાગતા જાળવી રાખે. આવાસ એવું ન જોઈએ કે વ્યક્તિ-વ્યક્તિને વિભાજિત કરી દે. આવાસમાં બહુઉપયોગી સામાન્ય સ્થાનનું નિર્ધારણ વ્યૂહાત્મક સ્થાને અસરકારક રીતે થવું જોઈએ. જેનાથી વ્યક્તિ વચ્ચેનું તંદુરસ્ત સમીકરણ શક્ય બને, પરસ્પરનો સંપર્ક વધે, એકબીજાની પરિસ્થિતિ ધ્યાનમાં રહે અને તે મુજબ વ્યક્તિ તથા પરિસ્થિતિને સાચવી લેવાય. આવાસની રચનામાં કૌટુંબિક સમીકરણોની જાળવણી બહુ જરૂરી છે
એમ જણાય છે કે કુટુંબમાં જ્યારે શુભ પ્રસંગ હોય તો આવાસ પણ શુભતા ધારણ કરે, અને કુટુંબમાં જ્યારે કંઈ મરણ થયું હોય ત્યારે એમ જણાય કે આવાસ પણ સ્વયં રડી રહ્યું છે. જન્મ દિવસના પ્રસંગે આવાસ નવા જ રંગ રૂપ ધારણ કરી તે પ્રસંગમાં સંમેલિત થાય અને કુટુંબમાં જો કોઈ માંદગી આવે તો આવાસ સ્વયં જાણે સ્વચ્છતા ધારણ કરી લે. લગ્ન પ્રસંગે આવાસ જાણે લગ્ન માટે તૈયાર થતું જણાય. આવાસ તે કુટુંબની પરિસ્થિતિને પ્રતિભાવ આપતું અસ્તિત્વ છે. તેની રચનામાં જુદા જ સ્તરની સંવેદનશીલતા અને સર્જનાત્મકતા જરૂરી છે. આજના સંદર્ભમાં આવી જરૂરત પ્રત્યે વધારે અને સ્પષ્ટતાથી પ્રતિભાવ આપવાની જરૂર છે. માનવીના જીવનની ગુણવત્તા વધારવા માટે આવાસની રચનામાં સંવેદનાઓ વણાઈ જાય તે ઇચ્છનીય છે. ખાસ કરીને શહેરી વિસ્તારમાં જ્યાં આવાસને એક સગવડતાવાળા ડબ્બા તરીકે લેખવામાં આવે છે ત્યાં માનવીની ભાવનાઓનો આદર થાય તે જરૂરી છે. આ શક્ય પણ છે.