વીક એન્ડ

(અ)સત્યપાલ મલિકના રાગાએ લીધેલ ઇન્ટરવ્યુને લીધે દેશ ફ્રીડમ ઓફ પ્રેસમાં છેલ્લા નંબરે આવે તેમાં શું નવાઇ?

પ્રાસંગિક – બી.એચ. વૈષ્ણવ

જગતમાં કોઇને કોઇ તબક્કે ઇન્ટરવ્યુની પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. કોઇ વ્યક્તિ લગ્નની જંજાળમાં પડીને ગુલામ થવા ઇચ્છતી ન હોય તો તે વ્યક્તિ લગ્ન ટાળી મહામૂલી આઝાદી અખંડ રાખી શકે છે. અપિતું, આવો બહાદુર ઇન્ટરવ્યુ આપવામાંથી સાંગોપાંગ બચી શકતો નથી!

‘ડર્ટી પિકચર’માં વિદ્યા બાલન “એન્ટરટેઇન્મેન્ટ, એન્ટરટેઇન્મેન્ટ, એન્ટરટેઇન્મેન્ટ એવો મહામૂલો મંત્ર આપે છે. તમે પણ ઇન્ટરવ્યુ, ઇન્ટરવ્યુ, ઇન્ટરવ્યુ એમ કહી શકો! જગતમાં ઇન્ટરવ્યુ સત્ય છે. બાકી બધું મિથ્યા છે એમ રાજુ રદ્દી જેવો જણ પણ કહે છે.

નરસિંહ મહેતા જેવા આદિ કવિ પણ “ઘાટ ઘડ્યા પછી નામરૂપ જુજવા અંતે તો ઇન્ટરવ્યુનો ઇન્ટરવ્યુ હોય! એમ કહી ગયા છે! નરસૈયો એમ પણ કહે છે કે ઇન્ટરવ્યુ તત્ત્વ ચિન્યો નહીં ત્યાં લગી સર્વ પરીક્ષા જુઠી. પંકજ ઉધાસ પણ કહે છે કે ઇન્ટરવ્યુ આયા હૈ, ઇન્ટરવ્યુ આયા હૈ! નિરંજન ભગત ફરમાવે છે કે હું કયાં કોઇ ઇન્ટરવ્યુ આપવા આવ્યો છું, હું તો બસ ફરવા આવ્યો છું. સુરેશ દલાલ કહે છે કે “મનગમતો ઇન્ટરવ્યુ થયો પૂરો, લો આપણો સંબંધ થયો પૂરો. હરિન્દ્ર દવે કહે છે કે “મારીય ડાળખીમાં ડિગ્રી નથી, મને ઇન્ટરવ્યુની બીક ના બતાવો!

બધા ઇન્ટરવ્યુમાં રોમાંચક અને બોરિંગ ઇન્ટરવ્યુ લગ્ન માટે છોકરા છોકરી જોવાનો હોય છે! (એની ડાઉટ? કોઇ શક?) બોકસિંગની રીંગમાં એકમેકને મ્હાત કરવા બે બોકસરો જે પેંતરા કરે તેના કરતાં પણ ખતરનાક પેંતરા કરે છે. છોકરો છોકરીને સાડી પહેરવી ફાવે?, રસોઇ કરતા આવડે છે? સંયુક્ત કુટુંબમાં (છોકરીને લગ્ન કર્યા બાદ માનો કે સરકસમાં ઝુલાના ખેલ કે તંગ દોરડા પર ચાલવાનું ન હોય!) રહેવાનું ફાવશે? (છોકરી મનોમન દાંત કચકચાવીને કહેવા ઇચ્છે કે બચ્ચું લગ્ન કર્યા બાદ સંયુક્ત સંયુક્ત રહેવા દઇશ નહીં અને કુટુંબને કુટુંબ રહેવા દઉ તો મારું નામ માથાભારે માયા નહીં!) છોકરી પણ નીચી નજર કરી પગના અંગૂઠાથી જમીન ખોતરતા પૂછે કે અમેરિકામાં એન્જિનિયર છો કે ડોરકિપર? (એનઆરઆઇ દેશીની ભાષામાં ડોર એન્જિનિયર!), રસોઇ આવડે છે? વર્જિન છો? વગેરે. લગ્ન માટે છોકરા છોકરીનો ઇન્ટરવ્યુ ટગ ઓફ વોર બની રહે છે. જે લગ્ન બાદ ગળાનો ગાળિયો બની રહે છે!

બાલમંદિરમાં દાખલ થવા માટે નાનકડા ફૂલ જેવા છોકરા કે છોકરી પર બાલમંદિરના ખડુસ સંચાલકો સવાલોના તાતા તીર છોડે! ત્રણ વરસ પૂરા ન કર્યા હોય તેને વિમાન ચલાવનારને શું કહેવાય? બસમાં ટિકિટ આપનારને શું કહેવાય? બાઇક શેનાથી ચાલે જેવા ફાલતુ સવાલ પૂછી ઇમોશનલ અત્યાચાર કરે! બાલમંદિરમાં એડમિશન બાળકનાં માતાપિતાના ખિસ્સાને ધ્યાનમાં લઇને આપવાનું હોય તો પછી ઇન્ટવ્યુનો તાશેરો કરવાની શી જરૂર છે?

ચૂંટણીની ટિકિટ મેળવવા માટે ટિકિટવાંચ્છુનો બાયોડેટા મંગાવી ઇન્ટરવ્યુ લેવામાં આવે છે. જે ઉમેદવાર મોટી રકમ ચૂકવે તેની ટિકિટ ક્ધફર્મ થાય છે. પરિવારવાદ કે વંશવાદની કોઇ દુહાઈ દેતું નથી. સરકારી કે ખાનગીક્ષેત્રમાં કર્મચારીની ભરતી માટે મોતના કૂવા જેવા ખતરનાક ઇન્ટરવ્યુ લેવામાં આવે છે. થોડા સિલેકટ થાય અને બાકીના ગિલોટીનથી ફેઇલ થાય!

સિનેમાના અભિનેતા-અભિનેત્રીના ચટાકેદાર, રસીલા ચુટકુલા જેવા ચટપટા ઇન્ટરવ્યુ મેગેઝિનના રંગીન પાના પર પ્રકાશિત થાય છે! યુવાનો તો છોડો પણ દાંતના ચોકઠા પહેરતા ઠરકી બુઢાઓ લાળ ટપકાવતા ઇન્ટરવ્યુ વાંચે છે, સેમીન્યુડ ફોટાને ચ્યુંગમની માફક ચગળે છે. તેમના માટે રૂપથાળ કે રૂપકૂટ હોય છે! ફિલ્મી હીરોઇનના ઇન્ટરવ્યુમાં ગોસિપ, ગરબડ, લફરાબાજી એવા નવ રસ કૂટી કૂટીને ભરવામાં આવેલ છે.

ધણીવાર મીડિયા કંપનીના ભરણા, પ્લાંટના ઉદ્ઘાટન, એજીએમ વગેરે પ્રસંગોએ પેઇડ ન્યુઝ જેવા ઇન્ટરવ્યુ લે છે. જેમાં કંપનીના ચેરમેનના અતિશયોક્તિ ભરેલા વખાણ કરવામાં તમામ સરહદો આળંગે છે. કેમ કે હોલ થીંગ ઇઝ મની. મની હૈ તો હની હૈ. સબ સે બડા રૂપિયા. પૈસા બોલતા હૈ!

ઇન્ટરવ્યુ અને પ્રેસ કોન્ફરન્સમાં લગ્ન અને સમૂહ લગ્ન જેવી સામ્યતા અને તફાવત રહેલો છે. ભારતના તમામ વડા પ્રધાને ઇન્ટરવ્યુ કે પ્રેસ કોન્ફરન્સનો સામનો કરેલ છે. કાચના ઘરમાં રહેનાર કોઇ ઘર પર પથ્થર ફેંકતી નથી. પત્રકાર આલમને પેપર કે ટીવી ચેનલના ટીઆરપી વધારવા માટે નેતાને હમામ સિવાય જાહેરમાં નંગા કરવાની ખ્વાહિશ હોય છે.
વિનોદ દુઆ જનવાણી કાર્યક્રમમાં માનનીય મંત્રીઓના છોંતરા કાઢી નાખતા. મિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર એક ફિકશન સિરિયલ હતી, જેમાં પ્રાઇમ મિનિસ્ટરની અગ્નિપરીક્ષા લેવામાં આવતી હતી. પ્રજ્ઞા મિશ્રા નામની નીડર પત્રકાર પ્રજ્ઞાકા પન્નામાં નેતાજીનીની સારી એવી ધોલાઇ કરતી હોય છે!!કેટલાક પત્રકારોએ સ્ટિંગ ઓપરેશન કરી એક પક્ષના પ્રમુખને પાંચ લાખ રૂપિયાની ચણા મમરા જેવી લાંચ લેતા ઝડપી લીધા હતા!

આપણા દેશમાં આટલી ચેનલ, ન્યૂઝ પોર્ટલ, ન્યૂઝપેપર, મેગેઝિન છે. બધાના ટીઆરપી તિકડમ કરીને વધારવામાં આવે છે. અફસોસ એ વાતનો છે કે પત્રકાર કે પત્રકારીણીને સરખો ઇન્ટરવ્યુ લેતા આવડતું નથી. મંત્રી કે પ્રધાનમંત્રીનો ઇન્ટરવ્યુ લેવાના કોઇ પેરામીટર્સ જ સેટ કે અપસેટ કરેલ નથી. દેશ ફ્રિડમ ઓફ પ્રેસના ઇન્ડેકસમાં એકસો એકસઠમાં નંબરે ન રહે તો પહેલા નંબરે રહે? ભલું થજો રાજીવ ભાટિયા ઉર્ફે ‘મેં ખિલાડી તું અનાડી’ના અક્ષયકુમારનો, જેણે ઇન્ટરવ્યુ લેવાના યુનિક પેરામીટર્સ સેટ કર્યા. અક્ષયપાજીએ ઘરેલું સવાલને આંતરરાષ્ટ્રીય હાઇટ પ્રદાન કરી! કેરી કાપીને ખાવી કે ચૂસીને ખાવી જેવો સુપર ઇન્ટેલિજન્ટ સવાલ પૂછીને અક્ષય પાજી પુલિત્ઝર પ્રાઇઝ મેળવવાની રેસમાં એકમાત્ર વિજેતા તરીકે સામેલ થયા! બીજી ચેનલની બાળાઓએ તમે કયું ટોનિક પીવો છો? તમને થાક કેમ લાગતો નથી? તમે શર્ટમાં ખિસ્સું રાખો છો કે નહીં? તેવા ઇન્વેસ્ટિગેટિંગ જર્નાલીઝમની કક્ષાને શોભે તેવા બીનાંગત અંગત સવાલો તૈયાર કરીને પત્રકારત્વની પરિભાષામાં પરિવર્તન પ્રદાન કર્યું છે. આ બધી બાળાઓને ભારત રત્નથી નીચો કોઇ એવાર્ડ ખપે જ નહીં! બાકી, સાહેબ ઇન્ટરવ્યુજીવી કે પ્રેસ કોન્ફરન્સજીવી નથી!

પપ્પુને કામધંધો નથી. પપ્પુ કોઇના ખેતરમાં જઇ ડાંગરની રોપણી કરે છે, ગેરેજમાં જઇ ગાડી રિપેર કરે છે, સુથારને ત્યાં જઇ પેધો ચલાવે છે, સબ્જીમંડીમા જઇ શાકભાજી વેચનારના હાલચાલ પૂછે છે, આનંદ વિહાર રેલવે સ્ટેશન જઇ કુલીનો સાતસો છપ્પન નંબરનો બેજ લગાડી સામાન ઊંચકી મહિલા અનામતનું સમર્થન કર્યું. રાહુલ ગાંધીએ તેલંગાણાના સિંગરેની કોલ માઈન્સના કર્મીઓ સાથે મુલાકાત કરી. રાહુલ ગાંધી છત્તીસગઢના બિલાસપુરમાં આયોજિત આવાસ સંમેલન માટે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમને બિલાસપુરથી રાયપુર પાછા ફરતા ઈન્ટરસિટી ટ્રેનમાં સામાન્ય લોકો સાથે મુસાફરી કરી હતી. રાહુલ ગાંધી હાલ લદ્દાખના પ્રવાસે છે. અહીં તેઓ સુંદર ખીણોમાં આનંદ માણી રહ્યા છે. તેણે પૂર્વી લદ્દાખથી પેંગોંગ લેકના રસ્તે બાઇક ચલાવ્યું. આ સાથે તેણે સોશિયલ મીડિયા પર તસવીરો પણ શેર કરી હતી. રાહુલ ગાંધીએ જયપુરની સડકો પર સ્કૂટરની સવારી કરી હતી. સ્કૂટી એક વિદ્યાર્થિની ચલાવી રહી હતી. રાહુલ ગાંધી સ્કુટીની પાછળની સીટ પર બેઠા હતા. આવું બધું નાટક કરીને રાગા શું સાબિત કરવા માગે છે? કપડાં, સ્ટાઇલ અને ફેશનમાં સાહેબને હંફાવવાના સપના જોતા હોય તો ખાંડ ખાય છે! એ પણ સ્યુગર ફ્રી!

નોનપત્રકાર શ્રેણીમાં પપ્પુએ હમણા હમણા ઝંપલાવ્યું છે! પપ્પુને હમણા આપણી પાર્ટીના ટ્વિટર હેન્ડલ પરથી આધુનિક ભારતનો રાવણરત્ન (પપ્પુના પિતાજીનું અસલી નામ રાજીવરત્ન હતું. જે ટુંકાવીને રાજીવ કરી નાંખવામાં આવેલ!) ઇલ્કાબ એનાયત કરાયેલ. રાગાએ મોટી મોથ મારી હોય તેમ ઇન્ટરવ્યું લીધો. રાગાએ કોનો ઇન્ટરવ્યુ લીધો? સત્યપાલ મલિકનો ઇન્ટરવ્યુ લીધો. બોલો તમને ખબર મલિક ફલિક કોણ છે? અરે ભાઇ ઢંગના માણસનો ઇન્ટરવ્યુ લેતા પણ આવડ્યું નહીં? સાહેબ સિવાય કોઇનો ઇન્ટરવ્યુ લેવો એ પણ રોરવ નર્કમાં જવા જેવું પાતક છે. વેલ,મલિક રાજ્યપાલ હતા! મલિક રાજ્યપાલ હતા ત્યારે હતા હવે શું? મલિક મમરાની ગુણ જેવા ખુશટ બુઢા દેખાય છે. ચહેરા પર કોઇ ચાર્મ દેખાય છે? સોફામાં પોદળો પડયો હોય તેવું લાગેછે! (સત્યપાલ મલિક કરતાં દિવંગત નારાયણદત તિવારીનો ઇન્ટરવ્યુ લીધો હોય તો શ્વલિલ અશ્ર્લીલ રોમેન્ટિક મસાલો મળ્યો હોત!) સત્યપાલ મલિક માલિક સામે જ શીંગડા ભરાવે છે. જીસ થાલી મેં ખાયા ઉસીમેં છેદ કરવાની વિભીષણ પરંપરાને ઉજ્જવળ કરી રહ્યા છે! રાગાએ મલિકને સવાલો પણ કેવા ફટિચર પૂછ્યા? આવા ઘટિયા ઇન્ટરવ્યુથી નેશન બિલ્ડ અપ થાય? કંકોડા થાય! વાહિયાત વ્યક્તિએ વાહિયાત વ્યક્તિ સાથે કરેલ વાહિયાત સવાલ જવાબથી દેશની એકસો ચાલીસ કરોડ જનતાનું મસ્તક ઉન્નત થયું કે નત મસ્તક થયા! (રાગાએ અંજના કશ્યપ, અક્ષયકુમાર પાસેથી સવાલોનું લિસ્ટ લઇ સવાલ કરવા જોઇએ! બે હજાર ચોવીસની ચૂંટણીમાં સાહેબ શું હારી જશે એવા વિઘાતક સવાલ જવાબ કરીને રાગાએ રાષ્ટ્રદ્રોહ કર્યો છે! સર્જિકલ સ્ટ્રાઇક વિશે અનાપશનાપ સવાલો કરવા તે મીડયાને શોભા દેતા નથી. આવા ઇન્ટરવ્યુ જોવા કરતાં ભગવાને અમને ઉપાડી કેમ ન લીધા? હે ભગવાન માફ કરજો (કોને એમ ન પૂછતા!) હવે આપણો દેશ ફ્રીડમ ઓફ પ્રેસમાં છેલ્લા નંબરે આવે તો દોષ પપ્પુ અને સત્યપાલ (અસત્યપાલ નામ જ સ્યુટ થાય છે!) જવાબદાર ગણાશે તેની મુલાયમ નોંધ લેવી! રાજુ રદ્દી કે ગિરધરલાલ ગરબડીયા આ ઇન્ટરવ્યુ ફિન્ટરવ્યુ કાંડફાંડમાં લગીરે જવાબદાર નથી!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?