વીક એન્ડ

ગાડા મારગે ઝીણી રેતી-માટીના ભૂવા બનાવતો એક અનોખો જીવ

નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી

હમણાં ફેસબુક પર એક ફોટો જોયો અને બાળપણની સ્મૃતિઓ તાજી થઈ ગઈ. બાળપણ જિજ્ઞાસાથી ભરપૂર હોય છે. ફોટામાં રેતાળ જમીનમાં ગરણી મૂકી હોય તેવા આકારના ખાડા હતા. ગામડામાં જ એમનું બાળપણ વીત્યું હશે તે સૌને યાદ આવશે આ રેતીના ખાડા. મે પણ આ ખાડા જોઈને અન્યોને પૂછેલું કે આ શું છે, તો જવાબ મળેલો કે આ તો ઘૂઘાનું ઘર છે! ઓ તેરી, આ ઘૂઘાનું ઘર જો આવું હોય તો ધૂ કેવો હશે એની જિજ્ઞાસામાં અમે કેટલાય ઘૂઘાના ઘર તહસનહસ કારેલાં. તોય અમને ઘૂઘો જોવા તો ના જ મળેલો. ત્યાર બાદ સાંભળેલું કે આ એનું ઘર અને શિકાર કરવાનો ફાંસલો છે. અમે શાંતિથી ઘૂઘાના ઘરની પાસે જમીન પર સૂઈને ઘૂઘાના બહાર આવવાના ઇન્તજારમાં સમય બગાડેલો. ફેસબુકની એક પોસ્ટે મને ફરી આ જીવ અંગે વિચારતો કરી દીધો.

આ બાબતે ગૂગલ સર્ચ, ઘૂઘાના ઘરના ફોટોઝના રિવર્સ સર્ચમાં તેનું અંગ્રેજી નામ જાણવા મળ્યું. એન્ટલાયન. છે ને જોરદાર નામ ? કીડીઓનો સિંહ. સંધિપાદ એટલે કે આર્થ્રોપોડ નામના કીટક એટલે કે જીવાતના સમૂહના આ જીવનું જવાનચક્ર મજાનું છે. એના જીવનના મુખ્યત્વે ચાર તબક્કા છે. પ્રથમ તબક્કો ઈંડા, બીજો તબક્કો એ લાર્વા જે આપણો આજનો નાયક છે તે ઘૂઘો અથવા એન્ટલાયન ઉર્ફ કીડીઓનો સિંહ અને ત્રીજો તબક્કો છે કકુન એટલે કે કોશેટો અને અંતે આવે છે તેનો છેલ્લો તબક્કો જે એડલ્ટ એટલે કે વયસ્ક સ્વરૂપ. પોતાના જીવનના ત્રણેય સ્વરૂપોમાંથી મોટામોર્ફોસાઈઝ થઈને એટલે કે પરિવર્તિત થઈને જ્યારે વયસ્ક સ્વરૂપ ધારણ કરે છે તે સ્વરૂપને આપણે બીજા નામે ઓળખી છીએ. બાળપણમાં આપણે જેને વાણિયા કે હેલિકોપ્ટરના નામે ઓળખીએ છીએ એ જીવડું અને આપણા એન્ટલાયન વચ્ચે માત્ર દેખાવાનો ખૂબ નાનો એવો ભેદ હોય છે, તેથી આપણે એન્ટલાયનને પણ હેલિકૉપ્ટર અથવા વાણિયાના નામે જ ઓળખીએ છીએ. માત્ર કીટક વિજ્ઞાનીઓ જ આ બંને વચ્ચેનો ભેદ જાણતા હોય છે, પણ આપણે માટે તે હવે ઘૂઘાનું વયસ્ક સ્વરૂપ જ છે.

ઉપર જોયેલી પ્રાથમિક વિગતો મુજબ એન્ટલાયન એટલે કે આપણા વાણિયા કે હેલિકૉપ્ટર જેવા જટિલ જિંદગી જીવતા આ જીવના બીજા તબક્કાનું આવું ખતરનાક નામ શા માટે પડ્યું હશે એ જોઈએ. ઈંડામાંથી બહાર આવીને એન્ટલાયન એટલે કે આપનો વ્હાલો ઘૂઘો એક એવું ખતરનાક સ્વરૂપ ધારણા કરે છે કે તમે કલ્પના પણ ન કરી શકો. લાર્વાનું તેનું સ્વરૂપ એક નાના જીવડા જેવું હોય છે. તેના માથા પાસે શિકારને પકડવા માટે બે મેન્ડીબલ નામે ઓળખાતા શિકારને જકડી લેવાના કરચલાના સાણસા જેવા બે અંગ હોય છે. આપણો ઘૂઘો જીવનના બીજા ચક્રમાં એટલો ખતરનાક શિકારી છે કે વાત જવા દો. એનો મુખ્ય શિકાર કીડી અને મંકોડા જ હોય છે. ઓ તેરી, કીડીનો શિકાર એ કાંઇ શિકાર કહેવાય ? પણ મજાની વાત એ છે કે એ શેનો શિકાર કરે છે એ જેટલું મહત્વનું નથી એટલું જ મહત્ત્વનું તે કેવી રીતે શિકાર કરે છે એ પદ્ધતિનું છે. આપણે જે ઘૂઘાને જોવા માટીના એ ગરણી જેવા ખાડા જોતાં, ઘૂઘાને જોવા અને તેને બહાર કાઢવા માટે આ ખાડા તોડી નાખતા એ શા માટે અને કેવી રીતે બનાવે છે તે આઈડિયા જવાબદાર છે. આપણો ઘૂઘો રેતાળ જમીનમાં જે રીતે ખાડો બનાવે છે તે ખૂબ મજેદાર હોય છે. તેના નાનકડા શરીરના પાછળના ભાગે જમીન ઊથલપાથલ કરી શકે તેવા મજબૂત નખ જેવી રચના હોય છે. આનો ફાયદો ઉઠાવીને ઘૂઘો જમીનમાં રિવર્સમાં ચાલતી કારની માફક ઊંડો ખાડો બનાવે છે. આ ખાડાના તળિયે આપણો ઘૂઘો રેતીમાં દબાઈને ગુપચુપ બેસી જાય છે. હવે ઘૂઘો આ રેતીના ખાડામાં નીચેથી લઈને છેક ઉપર સુધી માત્ર એકદમ બારીક રેતીને જ રાખે છે અને મોટા કણોને બહાર ફેંકી દે છે. કીડી મંકોડા ફરતા ફરતા આ ગરણીના મોઢા પાસેથી પસાર થતાં હોય અને એકાએક લપસીને અંદર પડયે જાય. એકદમ બારીક રેતીના કણ પર કીડી કે મંકોડો ઉપર ચડવાની જેટલો પણ પ્રયત્ન કરે તો પણ લપસીને ફરી અંદર જ પડે. અંતે ખાડાના તળિયે બેઠેલો ઘૂઘો કીડી-મંકોડાને પોતાના શિકારી જડબામાં પકડીને તેનો કોળિયો કરી જાય.

તો શું આટલામાં એ એન્ટ લાયન બની ગયો? ના, પોતાના શિકારને પકડીને ઇન્જેકશન જેવા આ જડબાથી તે પોતાના શિકારના શરીરમાં કાતિલ ઝેર ભેળવે છે. આ ઝેર થોડી મિનિટોમાંજ શિકારને અંદરથી ઓગાળી નાખે છે અને આપણા ઘૂઘાભાઈ પોતાના ઇન્જેકશન જેવા જડબાથી શિકારના અંદર બનેલા રસને પી જાય છે. કીટક વિજ્ઞાનિકોના સંશોધનોમાંથી જાણવા મળે છે કે આ પૃથ્વીની માલિપા એન્ટલાયનની લગભગ ૨૦૦૦ જેટલી જાતિઓ જોવા મળે છે. લાર્વા સ્ટેજમાં ઘૂઘા સાવ અંધ હોય છે, અને છતાંય શિકાર માટે જે ખાડા જેવી કોનીકલ રચના કરે છે તેને કારણે તેને કીટક જગતનો આર્કિટેક્ટ પણ કહેવામાં આવે છે. વિજ્ઞાનિકોના અભ્યાસમાં એક રસપ્રદ વાત જાણવા મળી છે. અમુક ઘૂઘાની જાતો એવી છે જેને ગુદા એટલે કે મળ કરવા માટેની રચના જ નથી હોતી. આ ઘૂઘા પોતાના ખોરાકમાંથી બનતો કચરો એટલે કે મળ પોતાના શરીરમાં જ ભેગો કરી રાખે છે. જ્યારે તેને શારીરિક રીતે ત્રીજા તબક્કા એટલે કે કકુનના તબક્કામાં પ્રવેશ કરવાનો સમય થાય ત્યારે પોતાના શરીરના આ કચરા અને લાળનો ઉપયોગ કરીને પોતાના શરીરને રેતીના કોચલામાં પૂરી દે છે. સમય અને વાતાવરણની જરૂરિયાત મુજબ લાર્વા પોતાના સમયકાળને લંબાવી પણ શકે છે. ઘૂઘાની પરસ્પર પ્રત્યાયન એટલે કે વાતચીત કરવાની પદ્ધતિ પણ રસપ્રદ અને જાણવા જેવી હોય છે. એવું પણ કહેવાય છે કે એન્ટલાયનના જીવનના ચાર તબક્કાઓમાંથી તેના લાર્વા સ્વરૂપનો જીવનકાળ ખૂબ દીર્ઘ હોય છે અને પુખ્ત એટલે કે એડલ્ટ કાળ માત્ર થોડા કલાકો કે દિવસોનો જ હોય છે. વિજ્ઞાનિકોના મત મુજબ આપણા ઘૂઘાભાઈ પરસ્પર ગુટુરગુ કરવા માટે ફેરોમોન નામનાં રસાયણોના સંકેતો અને વાઇબ્રેશનની બનેલી જટિલ ભાષાનો ઉપયોગ કરે છે. આમ જુઓ તો અંધ એવા ઘૂઘાની જિંદગી ઘણી કઠિન હોય છે પરંતુ પ્રાણી સહજ એડેપ્ટેશન એટલે કે અનુકૂલનની ક્ષમતા આવા નાનકડા જીવને પણ કેવા કેવા ઉપાયો શીખવાડી દે છે એ જોવા સમજવા જેવું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ