સ્થાપત્યમાં જીવનની કેટલીક મૂળભૂત વાતનું પ્રતિબિંબ
સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા
સંસારની પ્રત્યેક બાબત પરસ્પર વણાયેલી છે. પરસ્પરમાં ઉદ્ભવતા આ સમીકરણ ક્યારે સરળ તો ક્યારેક જટિલ પણ હોય છે. સરળ એટલા માટે કે જ્યારે તેને પ્રાથમિક ધોરણે જોવામાં આવે ત્યારે તે સમીકરણો સહજમાં સમજાઈ જાય તેવા હોય છે અને જટિલ એટલા માટે કે તેમાં જરા પણ ઊંડા ઉતરતા તે સમીકરણો વચ્ચેનો પરસ્પરનો સંબંધ અને તે માટેના કારણોની સમજ મુશ્કેલ બનતી જાય છે. સ્થાપત્ય અને જીવન વચ્ચે પણ કંઈક આવી જ ઘટના આકાર લે છે.
પ્રાથમિક ધોરણે એમ કઈ સમજાય છે કે સ્થાપત્ય એ જીવનનું પ્રતિબિંબ છે. જીવન તથા જીવન શૈલીને આધારે જ મકાનો બનાવાય છે. જીવનને લગતી કેટલીક બાબતો જેમ કે સગવડતા, ગોપનીયતા, સલામતી, વ્યક્તિત્વની ઓળખ,પસંદગી, સામાજિક પરંપરા, કાયદાકીય જોગવાઈ, પ્રાપ્ય ભંડોળ તથા સાંજોગિક ઉકેલની આસપાસ સ્થાપત્યના નમૂનાની-મકાનની રચના થાય છે.
એ વાત તો સર્વ સ્થાપિત છે કે મકાન ચોક્કસ પ્રકારની સગવડતા માટે બનાવાય છે. સગવડતા એટલે વારંવાર કરવામાં આવતી ક્રિયા માટેની અનુકૂળતા. આ સગવડતાના ભાગરૂપે જ તેમાં જે તે ચીજ વસ્તુઓનો સમાવેશ થાય અને તે સચવાય તેનું ધ્યાન રખાતું હોય છે. સગવડતા માટે જ તેમાં કેટલાક ઉપકરણો પ્રયોજાતા હોય છે. મકાનમાં ગોપનીયતા પણ જરૂરી છે. માનવી ભલે સામાજિક પ્રાણી રહ્યો છતાં પણ તેને પોતાની કેટલીક બાબતો અન્યથી ગોપનીય રાખવી હોય છે. મકાન આ માટેનું એક અસરકારક આવરણ બની રહે છે. મકાનની દીવાલ તથા બારી બારણાના પ્રયોજન થકી યોગ્ય માત્રામાં ગોપનીયતા ઉદ્ભવતી હોય છે. જીવનમાં જીવનને મુશ્કેલ બનાવી શકે કે જીવનને ક્ષતિ પહોંચાડી શકે તેવી બાબતોથી રક્ષણ પણ મળતું હોવું જોઈએ. વાતાવરણની વિપરીત પરિસ્થિતિ હોય, હિંસક પ્રાણીઓ હોય કે નુકસાનકારક જીવજંતુ, આ બધાથી ઉદ્ભવતી અરક્ષિત તથા અસલામતીની ભાવના સામે મકાન રક્ષણ પૂરું પાડે. મકાન જો સલામતી ન બક્ષે તો તે મકાન જ ન કહેવાય.
જેમ જેવી વ્યક્તિ તેવો પહેરવેશ, તેમ જેવી વ્યક્તિ તેવી તેની સ્થાપત્યકિય પસંદગી. પ્રત્યેક વ્યક્તિની એક ઓળખ હોય, તેનું આગવું વ્યક્તિત્વ હોય. પ્રત્યેક વ્યક્તિ કોઈક રીતે વિશેષ હોય અને આ વિશેષતા તેના જીવનમાં પ્રત્યક્ષ યા પરોક્ષ સ્વરૂપે વ્યક્ત થતી જ રહે. કોઈકને મોકળાશ ગમે તો કોઈકને ન્યૂનતમ પ્રમાણમાપથી ઉદ્ભવતી હુંફની વાંછના હોય. કોઈ વ્યક્તિની માટે સંપર્ક અગત્યનો હોય તો કોઈકને અલાયદાપણાની ઈચ્છા હોય. મકાનની રચનામાં વ્યક્તિ એવી બાબતોની અપેક્ષા રાખે કે જે તેની રુચિને અનુરુપ હોય, જે તેના વ્યક્તિત્વને પ્રતિબિંબિત કરે. પરંપરામાં વિશ્ર્વાસ રાખનાર વ્યક્તિના મકાનમાં પરંપરા પ્રતિત થાય તો આધુનિકતાના પ્રવાહમાં વહેતી વ્યક્તિના મકાનમાં આધુનિકતા દેખાય. આ વ્યક્તિત્વના એક ભાગ તરીકે પસંદ-નાપસંદનો પણ સમાવેશ થઈ જાય.
દરેક પ્રાંતની કેટલીક કાયદાકીય જોગવાઈ હોય છે. ગામતળ વિસ્તારમાં જેટલી જમીન હોય તે સમગ્ર જમીન ઉપર બાંધકામ થઈ શકે જ્યારે શહેરી વિસ્તારમાં તે પ્રમાણેની પરવાનગી નથી મળતી. આવા તો ઘણા નિયમો છે જે મુજબ મકાનની રચનામાં કરવામાં આવે. તેવી જ રીતે મકાન જે તે સંજોગોમાં બનાવવામાં આવે – પરિસ્થિતિ વચ્ચે બનાવવામાં આવે. આ પરિસ્થિતિની સીધી અસર મકાનની રચના પર પડે. જો ચારે બાજુ બહુમાળી મકાન હોય તો મકાન એક પ્રકારનું બને અને જો ચારે બાજુ છુટા છવાયા ફાર્મહાઉસ હોય તો મકાન તે રીતે બને – પછી ભલેને વ્યક્તિ, કુટુંબ કે બજેટ એક જ હોય.
વ્યક્તિ એ જ પામી શકે જે તેની પહોંચમાં હોય. ઈચ્છા તો ઘણી હોય, સપનાં અપાર હોય, પસંદગીનાં ધોરણો ઘણાં ઊંચા હોય પરંતુ પ્રાપ્ય ભંડોળ પ્રમાણે જ રચના નિર્ધારિત થઈ શકે. જેમ જીવનમાં તેમ સ્થાપત્યમાં, જમીન પર પગ રાખવો બહુ જરૂરી છે. જીવનમાં જેમ સંજોગો પ્રમાણે પરિસ્થિતિને સ્વીકારવી પડે છે તેમ સ્થાપત્યમાં પણ સમજૂતી કરવી પડે. પહોંચ પ્રમાણે જ ઈચ્છા રાખવાનું મહત્વ જેટલું જીવનમાં છે તેટલું સ્થાપત્યમાં છે. વળી જીવનમાં આજે શું કરવું છે તેનો નિર્ણય આજે લેવાનો હોય અને તે પ્રમાણે આજે કાર્યરત થવું પડે. સ્થાપત્યમાં પણ આજે જે જરૂરી છે તેને વધુ મહત્વ મળવું જોઈએ, કાલની જરૂરિયાતો માટે કાલે વિચારી લેવાશે. સ્થાપત્ય અને જીવન બંને પ્રવર્તમાન સંજોગો પ્રમાણે નિર્ધારિત થાય છે.
સ્થાપત્ય અને જીવન બંને વ્યક્તિગત સામાજિક તેમ જ કાયદાકીય બાબતોને આધારે ઘડાય છે. બંનેમાં પ્રવર્તમાન વિચારધારાનું પણ આગવું સ્થાન છે. જે તે સમયે સમાજ એક રીતે, એક દિશામાં, એક પ્રકારના પરિપ્રેક્ષ્યમાં વિચારે છે. સ્થાપત્યમાં પણ તે સમયે બહુ પ્રચલિત શૈલીનું અનુસરણ કરવા બધા પ્રેરાય છે. સમાજથી સાવ જુદા ન પડી જવાની આ ઈચ્છા છે.
સ્થાપત્ય એ જીવનને આપેલા એક પ્રતિભાવ સમાન હોવાથી તેની રચનામાં જીવનના મુખ્ય અને અગત્યના પાસા વણાઇ જાય તે સ્વાભાવિક છે, પણ દર વખતે આમ થતું નથી. ઘણીવાર સામાજિક કે આર્થિક આંટીઘૂટી હાવી થઈ જાય તો ક્યારેક કૃત્રિમ દંભ પ્રખર બની રહે. ક્યારેક બાંધકામની પ્રાપ્ય સામગ્રી કે તેને લગતી તકનીક મહત્ત્વની બની રહે તો ક્યારેક ચોક્કસ પ્રકારનું બાહ્ય દબાણ કામ કરી જાય. ક્યારેક અનિચ્છનીય નાટકીયતા તો ક્યારેક પ્રાસંગિક અભરખા મોટી ભૂમિકા માંગી લે. જીવનમાં પણ આમ થતું હોય છે પણ જ્યારે સ્થાપત્યમાં આ પ્રકારની ઘટના બને ત્યારે તે જીવનની મૂળભૂત પ્રકૃતિની વિરુદ્ધ ગણાય. સામાન્ય સમજ પ્રમાણે જીવન એ અસ્તિત્વના પડકાર સામેનો પ્રતિભાવ છે પણ જ્યારે સ્થાપત્યમાં આ પડકાર માટેનો પ્રતિભાવ વિચિત્ર પ્રકારની દ્વિધા કે અસમંજતાને આધારિત હોય ત્યારે જીવન અને સ્થાપત્યના રસ્તા અલગ પડે.
જીવન તો સમય જતાં એકોમોડેટીવ બનતું જશે પણ સ્થાપત્યમાં તે પ્રકારની ક્રિયા એટલી સહજ નથી હોતી. જીવનનો આકાર ધીમે ધીમે બદલાઈ શકે જ્યારે સ્થાપત્યના આકારનો બદલાવ મુશ્કેલ છે. જીવનની રચના ક્રમબદ્ધ રીતે ચોક્કસ શૃંખલા પ્રમાણેની હોય છે જ્યારે સ્થાપત્ય એક જ સમયે અસ્તિત્વમાં આવી જાય. સ્થાપત્ય એક વાર નિર્ધારિત થઈ જાય પછી તે જીવનને અસર કરે. આ અસર બહુ સચોટ અને અસરકારક હોય છે. સ્થાપત્ય જીવનની મૂળભૂત બાબતોને પ્રતિબિંબિત કરે પણ જીવનની બધી જ બાબતોનો સમાવેશ સ્થાપત્યમાં થાય તે શક્ય નથી.