છપાઈ જતું મકાન
સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા
સ્થાપત્ય એ ઘણી બધી બાબતોના સમન્વય સમાન છે. તેમાં કળા પણ છે અને ઇજનેરી જ્ઞાન પણ. તેમાં સાંસ્કૃતિક પરંપરા પણ છે અને નવીન અભિગમ માટે સંભાવના પણ. તે વ્યક્તિગત બાબતોને સંબોધે છે અને સાથે સાથે સામાજિક પ્રશ્ર્નો માટે પણ તે એક ઉકેલ સૂચવે છે. જેમાં સામાજિક મૂલ્યો પ્રતિબિંબિત થાય છે તો ભવિષ્ય માટેના સપનાઓ પણ તેમાં સાકાર થાય છે. તે ઇતિહાસને પ્રતિબિંબિત કરવા સાથે ઇતિહાસની રચના પણ કરે છે. ગઈકાલના અવશેષો તેમાં છે, વર્તમાનની જરૂરિયાતો પણ અહીં જ છે અને ભવિષ્યની દિશા માટેનું સૂચન પણ અહીં જ દેખાય છે. આવી બહુમુખી પ્રતિભા હોવાથી સમાજમાં આવેલો કોઈપણ બદલાવ સ્થાપત્યની રૂપરેખા બદલવા માટે સક્ષમ ગણાય. કળા કે વિજ્ઞાન કે મૂલ્યનિષ્ઠ બાબતોમાં આવેલા ફેરફાર સ્થાપત્યને અસર કરતા જ રહ્યા છે.
વળી સ્થાપત્યના ક્ષેત્રમાં ક્ષેત્રને અનુલક્ષીને જ નવા પ્રયોગો પણ થવા જ જોઈએ. સમાજના વિવિધ પ્રશ્ર્નોના નિરાકરણ માટે, તક્નીકી અને કળાની ક્ષિતિજનો વિસ્તાર કરી સ્થાપત્યમાં જરૂરી ફેરફાર લાવવો જોઈએ. વધતી જતી વસ્તીને અને બાંધકામની સામગ્રી અછતને કારણે ઊભા થતા પ્રશ્ર્નો ઉકેલવા જરૂરી છે. ઓછા સમયમાં મોટા પરિણામો લાવવાના છે. આવા એક ઉકેલ સ્વરૂપે સ્થાપત્યમાં ત્રિપરિમાણીય પ્રિન્ટર વડે છપાઈ જતું મકાન બનાવવાની તક્નીક શોધાઈ
છે. આમાં કોમ્પ્યુટરમાં રેખાંકિત કરાયેલ છપાતું હોય તે રીતે મકાન બની
જાય છે.
કાગળના પ્રિન્ટરમાં નોઝલ ડાબે જમણે અને ઉપર નીચે જઈને જે રીતના અક્ષરો કે ચિત્રોની છપાઈ કરતું હોય છે તેમ અહીં લોખંડના માંચડા પર ગોઠવાયેલ, અહીંતહીં ફરી શકે તેવું કોન્ક્રીટના નોઝલવાળું પ્રિન્ટર ક્રમશ: એક પછી એક સ્તર બનાવતું જાય છે. આવી દીવાલની રચનામાં બારી-બારણાં માટે અવકાશ રહે તેવી વ્યવસ્થા પણ પ્રિન્ટર જ કરતું હોય છે. જુદી જુદી જાડાઈવાળી તથા આકારવાળી બનાવી શકાતી આવી દીવાલો વચ્ચે કેવીટી – અવકાશ રખાય છે. જેનાથી મકાનની અંદરનું તાપમાન અનુકૂળ સ્તરે સહેલાઈથી જળવાઈ રહે અને આ રીતના ઊર્જાની ખપત ઓછી થાય. આ દીવાલ બનાવવામાં કોન્ક્રીટનું જે મિશ્રણ વપરાતું હોય છે તેમાં પણ પ્લાસ્ટિક અને તેના જેવી બીજી કેટલીક સામગ્રી પણ મેળવાય છે જે પર્યાવરણની દ્રષ્ટિએ પણ સારું છે.
આવા પ્રમાણમાં કિફાયતી લાગતાં મકાનની રચના માટે થ્રીડી પ્રિન્ટરની જરૂર પડે અને અમુક જથ્થામાં બાંધકામ થાય તો જ તેની કિંમત સરભર થાય. આવા મકાનમાં પાયો, બારી-બારણાં, છત તથા સંરચનાગત માળખું પરંપરાગત ધબ પ્રમાણે જ બનાવવું પડતું હોવાથી તેની કિંમતમાં ઘટાડો શક્ય નથી હોતો. તેથી બ્રેક ઇવન પોઇન્ટ -રોકાણ સરભર થાય ત્યાં સુધી ચોક્કસ પ્રકારનું અને ચોક્કસ માત્રાનું બાંધકામ જરૂરી બને. રોકાણ સરભર થયા પછી આગળનું બાંધકામ ચોક્કસપણે કિફાયતી થાય.
આવા બાંધકામની થોડીક મર્યાદાઓ પણ હશે. સમાજ વર્ષોથી મકાનને અમુક રીતના લેવા ટેવાયેલો હોય છે. સમાજ મકાન સાથે અમુક પ્રકારનો વ્યવહાર કરતો હોય છે અને તેની પાસેથી ચોક્કસ અપેક્ષાઓ પણ હોય છે. સંજોગો પ્રમાણે આપણે મકાનમાં ફેરબદલ કરતા રહીએ છીએ. ત્રિપરિમાણીય પ્રિન્ટિંગવાળા મકાનમાં આવા ફેરફાર એટલા સહજ નહીં રહે તેમ જણાય છે. મૂળ માળખાગત રચનામાં પણ બદલાવ અહીં શક્ય ન હોવાની સંભાવના વધારે છે. આ પ્રકારના મકાનમાં જો સાંજોગિક નુકસાન પહોંચે તો તેની મરામત પણ જટિલ રહે. આ પ્રકારની રચનામાં ક્યાંક ડિઝાઇનની પણ મર્યાદાઓ રહે પણ તે સમયાંતરે નિવારી શકાશે એમ જણાય છે. આ પ્રકારના બાંધકામમાં કારીગરોની રોજગારી પણ ક્યાંક છીનવાતી જશે.
રોબોટિક આર્મ દ્વારા બનાવતા મકાનનું આયુષ્ય આમ તો સો વર્ષ સુધીનું ગણાય છે. તેમાં દીવાલોની રચનામાં કોન્ક્રીટ સાથે પ્લાસ્ટિક તથા લોખંડ પણ વપરાય છે. આ મકાન જ્યારે ખંડેર હાલતમાં થાય ત્યારે આ બધી સામગ્રીનો ફેર ઉપયોગ શક્ય બનશે એમ મનાય છે. અહીં એક મુક્તઆકાર યુક્ત રચના કરી શકાય છે. પાયા અને છત માટે ન કહી શકાય, પણ દીવાલની રચનામાં અહીં સામગ્રીનો બગાડ ઓછો થતો જોવા મળે છે. આ પ્રકારની દીવાલમાં સલામતીના ઊંચા માપદંડ પણ મેળવી શકાય છે. સૌથી અગત્યની અને રસપ્રદ બાબત એ છે કે આ રચનામાં ચોકસાઈની માત્રા વધુ રહે છે,અહીં બાંધકામની ગુણવત્તા ઊંચી રહેશે.
આ પ્રકારની રચનામાં પહેલા પાયો તૈયાર કરવો પડે છે પછી થ્રીડી પ્રિન્ટર તેના પર દીવાલો બનાવે છે. આ દીવાલમાં બારી-બારણાં તથા ઉપરની તરફ છત ઉપર ગોઠવવામાં આવે છે. આ પાયો, છત તથા બારી-બારણાં પરંપરાગત રચના જેટલો જ સમય લે છે પણ દીવાલની રચના જલદી થાય છે. અહીં સંરચનાકીય માળખાનું બાંધકામ પણ વધારે સમય માંગી લે તેવું હોય તેમ જણાય છે.
કોઈપણ નવી વાત સ્વીકારતા સમાજને થોડી વાર લાગે છે. આમાં પણ જો મકાન કે ઘરને સ્પર્શી બાબતો હોય તો સમાજ એટલી સહેલાઈથી સ્વીકારી શકતો નથી. પણ આજકાલ બાંધકામના ક્ષેત્રમાં જે મર્યાદાઓ અને પ્રશ્ર્નો ઊભા થઈ રહ્યા છે તેનાથી સમાજને એવી પ્રતીતિ તો થશે જ કે નવી બાબતનો સ્વીકાર જેટલો જલદી થાય – પ્રશ્ર્નો જેટલા જલદીથી ઉકેલી શકાય તેટલું બધા માટે સારું. આ એક નવીન અભિગમ છે. તેની સ્વીકૃતિમાં વાર લાગશે. આ તક્નીકને પૂર્ણતાથી વિકસવામાં પણ સમય લાગશે. તેની સામાજિક સ્વિકૃતિ પણ સમય લેશે. આ વ્યવસ્થા સફળ થાય છે કે નહીં તેની માટે પણ વિવિધ સામાજિક અને પ્રશાસનકીય નિર્ણયો મહત્ત્વના રહેશે. શરૂઆત સારી છે પણ પરિપક્વતા આવવાને વાર છે.