મેન્ટલ ડિટોક્સેશન માટે રામબાણ છે વિપરીતકરણી આસન
વિશેષ – દિવ્યજ્યોતિ ‘નંદન’
વિપરીતકરણી અથવા ‘લેગ્સ અપ ધ પોઝ’ હઠ યોગનું એક મહત્ત્વપૂર્ણ આસન અને મુદ્રા છે. જેમાં પગને ઉપર ઉઠાવીને શરીરને ઊંધું કરવામાં આવે છે. આ આસનને કરવાથી તન અને મનને અંદરથી ડિટોક્સ કરવામાં ખૂબ મદદ મળે છે. જોકે આ કામ માટે અનેક આસન છે. જેમ કે શવાસન, બાલાસન અને અનુલોમ વિલોમ. પરંતુ વિપરીતકરણી આસન જેમાં સૌથી ફાયદાકારક છે. ખાસ કરીને તમારા મેન્ટલ ડિટોક્સ કરવામાં મદદરૂપ છે.
મેન્ટલ ડિટોક્સનો અર્થ છે તમારા મનને નકારાત્મક વિચાર અથવા પરેશાનીઓથી દૂર રાખવું. કારણ કે તેનાથી તમારી માનસિક શાંતિ ભંગ થાય છે. આ આસન મેન્ટલ ડિટોક્સેશનમાં એટલા માટે ખૂબ મદદગાર છે કારણ કે તેને કરવાથી તમારા મગજમાં બ્લડ ફ્લો સારો થાય છે. જે કારણે તમારું મગજ ખૂબ કામ કરી શકે છે. વિપરીતકરણી આસન કરવાથી તમારા મેન્ટલ સ્ટ્રેસ પણ દૂર થાય છે.
આ આસન આપણને જિંદગી સકારાત્મક રીતે જીવવા માટે પ્રોત્સાહિત કરે છે. તો આવો આ મેન્ટલ ડિટોક્સેશનમાં ખૂબ મદદરૂપ આસનની તમામ મુખ્ય વાતો જાણી લઇએ.
તેને કેવી રીતે કરવું
સપાટ જમીન પર જ્યાં ઓક્સિજન ભરપૂર મળે તેવી હોય ત્યાં તમારુ યોગ મેટ પાથરો. તેમાં પીઠના બળ પર સૂઇ જાવ. દરમિયાન બન્ને હાથોને શરીરથી બિલકુલ ચોંટાડીને રાખો અને શરીરને બિલકુલ ઢીલું છોડી દો.
કેટલીક મિનિટો સુધી રિલેક્સ રહ્યા બાદ ધીમે ધીમે પોતાના બન્ને પગને ઉપરની તરફ ઉઠાવો અને એ ત્યાં સુધી જાળવી રાખો જ્યાં સુધી પગની પોઝિશન ૪૫ ડિગ્રી સુધી ના બની જાય, હવે હાથોને કમરનો સહારો આપતા પોતાના નિતંબને ઉપરની તરફ ઉઠાવો. એને ત્યાં સુધી ઉઠાવો જ્યાં સુધી કમર અને પગ એક જ રેખામાં આવી ના જાય, પરંતુ આમ કરતા એ વાતનું ધ્યાન રાખજો કે તમારી કોણીઓ જમીન પર અડેલી રહે જ્યારે પીઠ જમીનથી લગભગ ૪૫ ડિગ્રીનો કોણ ઉપરની તરફ હોય. ૩૦થી ૬૦ સેક્ધડ સુધી આ મુદ્રાને જાળવી રાખો. પછી ધીમે ધીમે હાથને કમરનો સહારો આપતા પગને નીચેની તરફ લાવો. નિતંબને જમીન પર રાખો અને એ તમામ ગતિવિધિઓને સાવધાનીપૂર્વક ઊલટા ક્રમમાં કરો.
આ સાવધાનીઓ રાખો
વિપરીતકરણી આસન એક સરળ આસન છે પરંતુ જરા પણ ચૂકથી તમને અનેક નુકસાન થઇ શકે છે. એટલા માટે આ આસન કરતા સમયે આ ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઇએ
-હંમેશાં ખાલી પેટે આસન કરો.
- ક્યારેય પણ ટાઇટ કપડા ના પહેરો
-થાક્યા હોય તો વિપરીતકરણી આસન કરવાનું ટાળવું જોઇએ
આસન કરતા સમયે પોતાના શ્ર્વાસો પર ધ્યાન આપો. તે જરૂર કરતાં વધુ ઝડપી ના થઇ જાય.
-જો શ્ર્વાસ વધુ ચડે તો આસન કરવાનું ટાળો.
-પીરિયડ્સ દરમિયાન ભૂલથી પણ આ આસન ના કરો.
-આસન કર્યા બાદ તરત જ સ્નાન કરવા ના જાવ. પાણી પણ ના પીવું જોઇએ
-આસન કરતા સમયે નજીકમાં મોબાઇલ ફોન ન રાખો. અચાનક ફોનની ઘંટડી વાગતા તમારી મુદ્રા ડિસ્ટર્બ થઇ શકે છે. અને તમને નુકસાન થઇ શકે છે.
આ આસનના ફાયદાઓ
મેન્ટલ ડિટોક્સેશન સિવાય પણ આસનના અનેક ફાયદાઓ છે. આ કરોડરજજુ, પગ અને નર્વસ સિસ્ટમને મજબૂત બનાવે છે. તે વ્યક્તિ વધુ જાગરુક બને છે. શરીરમાં લોહીનું પરિભ્રમણ સારું થાય છે અને શરીરના તમામ હિસ્સા સુધી લોહી સારી રીતે પહોંચે છે. આ આસન નિયમિત કરવાથી ઉંમર વધતી અટકી જાય છે. ઉંમર અટકી જાય છે મતલબ એન્ટી એન્જિંગ પ્રભાવ કરે છે. આ રીતે વિપરીતકરણી આસન કરવાના અનેક ફાયદાઓ છે.