વીક એન્ડ

લોકોને બદીઓથી બચાવવા થઈ અવનવી ‘મોજમજા’ની શોધ !

ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક

‘ધર્મ’ એટલે શું?
આની ઊંડી ચર્ચામાં ઊતર્યા વિના સાદી સમજ પૂરતી વાત કરીએ તો મનુષ્ય માટે જીવન જીવવાની ‘ગાઈડ’ એટલે ધર્મ. જીવનમાં સાચું શું, ખોટું શું, સારાસારનો વિવેક…

આ બધું સમજવા માટે ધર્મ ઉપયોગી સાબિત થાય છે. આમ છતાં, અમુક લોકોની જડતા અને અમુકની બૌદ્ધિક બદમાશીને કારણે ધર્મ અને વિજ્ઞાન ક્યારેક સામસામે છેડે ઊભેલા દેખાય ખરા, પણ હકીકતે આ ‘દૃષ્ટિભ્રમ’થી વિશેષ કશું નથી. આત્યંતિક જડતા બંને ક્ષેત્રે વિનાશ નોતરે છે.

અંધશ્રદ્ધામાં સઘળું ગુમાવી બેસતા લોકોથી માંડીને ગેસ ચેમ્બર્સમાં કે અણુબૉમ્બના પ્રયોગો દરમિયાન ગૂંગળાઈ મરેલા લોકો એની સાહેદી પૂરે છે. મનુષ્યના જીવનનો સિક્કો ચલણી બનાવવા માટે ધર્મ અને વિજ્ઞાન નામનાં બંને પાસાં વચ્ચે ઐક્ય અને સંતુલન સ્થાપ્યા વિના ચાલતું નથી. સદ્નસીબે માનવસમાજમાંથી એવા અઢળક દાખલા મળી આવશે, જેમાં આ પ્રકારની સમરસતા અને સંતુલન જોવા મળ્યાં હોય. આવો જ એક કિસ્સો એટલે રોલર કોસ્ટર.
રોલર કોસ્ટર? મેળામાં કે એમ્યુઝમેન્ટ પાર્ક્સમાં જોવા મળતાં રોલર કોસ્ટર્સને એની કાર્યપદ્ધતિને કારણે વિજ્ઞાન સાથે જરૂર સાંકળી શકાય, પણ એમાં ધર્મ ક્યાં વચ્ચે આવ્યો? બસ, એ જ તો મુદ્દો છે આજની આપણી વાતનો. તો ભાઈઓ ઔર સહેલિયોં, કુર્સી કી પેટી બાંધી લો એટલે શરૂ કરીએ રોલર કોસ્ટરની રાઈડ.

લા’માર્કસ એડના થોમ્પસન (LaMarcus Adna Thompson) એનું નામ. ૮મી માર્ચ ૧૮૪૮ના રોજ ઓહાયોમાં એનો જન્મ. કિશોરાવસ્થાએ પહોંચતાં સુધીમાં તો થોમ્પસને સુથારીકામમાં મહારથ હાંસલ કરી લીધેલી.

૧૮૭૩માં એણે ઇન્ડિયાના જઈને ગ્રોસરી સ્ટોર શરૂ કર્યો. સાથે જ હોઝિયરી બનાવતી ડિવાઈસનું પ્રોડક્શન શરૂ કર્યું.

ધંધામાં સારી એવી આવક થઈ અને થોમ્પસન ઠીક ઠીક અમીર આદમી બન્યો, પણ પછી તબિયત લથડતાં એ ધંધો મૂકી દીધો. નવરાશના સમયમાં પણ એનું મન જુદી જુદી ડિવાઈસ બનાવવા માટેની ડિઝાઈન પર કામ કરતું રહેતું. આ ટેવ એને બહુ કામ લાગી.


Also read: વિશેષ : આશ્ચર્ય – રોમાંચ ને ચિંતાનું કારણ બને છે હ્યુમનોઇડ રોબો


આગળ જતાં એણે લોકોના મનોરંજન માટે રેલવેના પાટા જેવી રચના દ્વારા એવી રાઈડ્સ બનાવી, જે હવામાં વાંકી-ચૂકી ગતિ કરીને સહેલાણીઓને મોજ કરાવતી હોય.

આવી રાઈડ્સને ‘ગ્રેવિટી રાઈડ્સ’ કહેવાય. થોમ્પસને આ ગ્રેવિટી રાઈડ્સનું નિર્માણ શરૂ કર્યું અને એમાં એને અણધારી સફળતા મળી. આજે તો દુનિયાનો કોઈ પણ એમ્યુઝમેન્ટ પાર્ક આવી ગ્રેવિટી રાઈડ્સ વિના અધૂરો ગણાય!

આમ તો લા’માર્કસ થોમ્પસન એક અદ્ભુત સંશોધક હતો, જેની ગ્રેવિટી રાઈડ્સે એમ્યુઝમેન્ટ પાર્ક્સ અને મેળાઓમાં જાન રેડી દીધી, પણ મૂળ વાત એ કે એ જમાનામાં, જ્યારે હજી રેલવે પણ બધે પહોંચી નહોતી, કે મુસાફરી માટેનાં વાહનોય ટાંચાં હતાં ત્યારે હવામાં ઝૂલા ખવડાવતી રાઈડ્સ બનાવવાનો આઈડિયા આવ્યો ક્યાંથી?

બસ, અહીં જ ધર્મ-એટલે કે ‘વે ઑફ લાઈફ’ની એન્ટ્રી થાય છે.
કહેવાય છે કે જેમ જેમ માણસ પાસે સમૃદ્ધિ આવે, તેમ તેમ એ વધુ ને વધુ ઐયાશીમાં સરતો જાય. અતિ ધનાઢ્ય લોકોની બીજી-ત્રીજી પેઢી મોજશોખ પાછળ બધું ફૂંકી મારતી જોવા મળે છે એની પાછળ પણ આ જ સાઈકૉલૉજી જવાબદાર છે.

હવે મોજમજાની એક સૌથી મોટી મર્યાદા એ છે, કે તમને જેમ જેમ વધુ વિકલ્પો મળતાં જાય, તેમ તેમ તમારી મોજ વિસ્તરતી જાય અને ક્યારે આ વિસ્તરણ વિવેકબુદ્ધિની સીમા વળોટી જાય, એનો જલદી કોઈને ખ્યાલ સરખો નથી આવતો.

આજે દારૂનો નશો કરતાં શીખેલો કોઈ નબીરો થોડા સમય બાદ એકના એક નશાથી કંટાળીને ગાંજો ફૂંકતા શીખે અને એક તબક્કે ગાંજાનું ભરપૂર સેવન કરી ચૂકેલો યુવાન બીજા વધુ જોખમી ડ્રગ્સ તરફ વળી જાય.

અમેરિકામાં પણ એ જ થયું. ત્યાં સમૃદ્ધિ આવતી ગઈ તેમ તેમ વધુ ને વધુ લોકો મોજશોખ તરફ વળવા માંડ્યા. આ મોજશોખ નિર્દોષ ન રહેતાં સમયાંતરે એમાં જુગાર અને વેશ્યાગમનનો ઉમેરો થયો.

ઓગણીસમી સદીના અંતિમ દાયકાઓ દરમિયાન વધુ ને વધુ અમેરિક્ધસ આ બધી મોજમજા તરફ વળી રહ્યા હતા.

ત્યારે આ ‘વે ઑફ લાઈફ’ ખોટી ગણાય. મોજ કરવી એ ગુનો નથી, પણ અમુક પ્રકારનો ‘આનંદ’ તમારું ધનોતપનોત નોતરતો હોય છે અને એટલે જ દુનિયાનો દરેક મુખ્ય ધર્મ આ પ્રકારની મજાને નિષિદ્ધ ગણે છે.
થોમ્પસનને પણ નવા જમાનાના અમેરિકન જલસા ધર્મ વિરુદ્ધના લાગતા. એ દૃઢપણે માનતો કે આ પ્રકારની આસક્તિ, ખાસ કરીને જુગાર-વેશ્યાવૃત્તિ જેવી પ્રવૃત્તિઓ સામાજિક બદી ગણાય.

આ બદીઓને જીવનમાં સ્થાન આપવું એટલે મોટું પાપ કરવું. આજે આધુનિક વિચારધારાને આત્યંતિકપણે વળગી ગયેલા લોકોને કદાચ આમાં કશું ખોટું ન લાગે.

જોકે, આવી બદીઓમાં ફસાનાર માણસો જીવનની સામાજિક અને આર્થિક બાબતો ઉપરથી પોતાનું ફોકસ ગુમાવી બેસે છે. થોમ્પસન પણ પોતાની આજુબાજુ ઝડપથી બદલાઈ રહેલી દુનિયાને લાચારભાવે જોયા કરતો.

એક વાર એને જબરો વિચાર આવ્યો: ધર્મ જળવાઈ રહે એ માટે વિજ્ઞાનનો સહારો લેવામાં આવે તો કેવું? લોકો જો ‘મજા કરવા’ના ચક્કરમાં ખોટી બદીઓમાં ફસાઈને પાપ આચરતા હોય ત્યારે એમને ઠાલો ઉપદેશ આપવાથી કશું નહિ વળે.

એના કરતાં મજા કરવા માટેના બીજા એવા વિકલ્પો ઉપલબ્ધ કરાવવામાં આવે, જેને કારણે લોકો નશો અને વેશ્યાગમન કરવાને બદલે નવા વિકલ્પો ભણી વળે. બસ, આ એક જ વિચારને આધારે થોમ્પસનના મનમાં એક એવું સાધન વિકસાવવાની કલ્પના શરૂ થઈ, જે ભલભલા માણસોને રોમાંચના મહાસાગરમાં ડૂબાડી દે.


Also read: સ્થાપત્યનું વાઈ-ફાઈ: ફટાફટ બાંધી દેવાની ઘેલછા


આ કલ્પનાના પરિપાક રૂપે વિકસી ગ્રેવિટી રાઈડ્સ. આવી જ એક લોકપ્રિય ગ્રેવિટી રાઈડ એટલે ‘રોલર કોસ્ટર’. ન્યૂ યૉર્ક સિટી નજીક આવેલા કોની આઈલૅન્ડ પર એક સમયે અનેક બદીઓ ફાલેલી.

અહીં મોજમજા કરવા આવતા લોકોથી જ ‘સમાજ સુધારણા’ની શરૂઆત કરવી જોઈએ એવું વિચારીને થોમ્પસને એણે પોતાની સૌથી પહેલી રોલર કોસ્ટર રાઈડ કોની આઈલૅન્ડ પર ઊભી કરી. એન્ડ રેસ્ટ ઇઝ હિસ્ટ્રી!

જોકે, મજાની કે અફસોસની વાત એ છે કે લોકોએ રોલર કોસ્ટર તો અપનાવી લીધું, પણ મોજમજાના વિકલ્પ તરીકે બીજી બદીઓ પણ વિકસતી જ રહી! થોમ્પસન એક બિઝનેસમેન તરીકે સફળ રહ્યો, પણ બિઝનેસ શરૂ કરવાનો સામાજિક હેતુ બર ન આવ્યો. હા, ‘સજ્જન’ રહેવા ઇચ્છતા લોકોને આનંદ માણવા માટે એક મજાનો વિકલ્પ મળ્યો ખરો. વળી અનેક લોકોને ‘પાપ’થી દૂર રાખવા માટે વિજ્ઞાનનો ઉપયોગ કરવાનો આઈડિયા પણ ગમી ગયો. આમ લા’માર્કસ થોમ્પસનને યોગ્ય રીતે જ ‘ફાધર ઑફ અમેરિકન રોલર કોસ્ટર’ તરીકે ઓળખવામાં આવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button