વીક એન્ડ

એક મચ્છર આદમી કો…

નિસર્ગનો નિનાદ – ધર્મેન્દ્ર ત્રિવેદી

સન ૧૯૯૭માં એક ફિલ્મ આવેલી ‘યશવંત’. આ ફિલ્મમાં નાના પાટેકરે દમદાર ભૂમિકા ભજવેલી. ફિલ્મ દમદાર હતી જ એમાં શંકાને કોઈ સ્થાન નથી, એ જમાનામાં નાના પાટેકર સુપર ડુપર હિટ કલાકાર હતા અને ‘અંકુશ’ની સફળતા બાદ નાનાની ઉપરાછાપરી સફળ ફિલ્મો આવેલી અને યશવંત તેમાંની એક હતી. ફિલ્મમાં જે કાઇ પણ હોય, પરંતુ તે ફિલ્મનો એક ડાયલોગ જનમાનસમાં ઘર કરી ગયેલો. અને એ ડાયલોગ એ હતો કે ‘સાલા એક મચ્છર આદમી કો હિજડા બના દેતાં હૈ!’ હવે ડાયલોગની દૃષ્ટિએ સફળ ગયેલા આ ડાયલોગને વાસ્તવ સાથે સ્નાન સુતકનો સંબંધ નહોતો, અને કદાચ એટલે જ ‘એક નાનો જીવ ધારણાઓ બહાર કેવો ઘાતક નીવડી શકે છે’ તેના પ્રતીક સ્વરૂપ આ ડાયલોગ બાળકોથી લઈને બુઢાના સુધી હોઠે ચડી ગયેલો.

યસ… યુ આર રાઈટ. આજે આપણે મચ્છરની વિધ્વંસતા વિશે એક ચોંકાવનારો મુદ્દો હાથ ઉપર લેવાના છીએ. પર્યાવરણ પ્રકૃતિનું એક એવું અંગ છે કે જે સંતુલન પર નિર્ભર હોય છે. પ્રકૃતિ પ્રેમીઓને મળું અને અનેક પ્રકારની વાતો થાય ત્યારે એ બધાની વાતો સાંભળીને એક વાતનો તીવ્ર અહેસાસ અને એક પ્રશ્ર્ન જરૂર થાય કે ‘શું આ લોકો ન હોત તો પૃથ્વીનું શું થાત?’ મને પણ એવો ભ્રમ હતો કે ઈસ દુનિયા કો બદલ ડાલો… પણ હકીકતે એવું કશું હોતું નથી. પ્રકૃતિને માનવ જો નડવાનું બંધ કરે તો પ્રકૃતિ હંમેશાં પોતાના મૂળ સ્વરૂપમાં આવી જતી હોય છે, પરંતુ માનવની ભૌતિક એષણાઓ પ્રકૃતિની સહજતાને હણી નાખે છે. અને આ અવિરત માનવ હસ્તક્ષેપના પરિણામોને આપણે ઈસ્ટાઈલથી ‘ગ્લોબલ વોર્મિંગ’ કહીએ છીએ અને જાણકાર હોવાનું અભિમાન પણ કરીએ છીએ.
પૃથ્વી પર માનવ હસ્તક્ષેપના લીધે વધતાં જતાં ઉષ્ણતામાનના વિપરીત પરિણામો માત્ર આપણે જોઈએ કે જાણીએ છીએ તેના કરતાં અનેકગણી સૂક્ષ્મ અસરો આપણી આજુબાજુમાં જ હોય છે, પરંતુ આપણી પાસે આંખો છે, દૃષ્ટિ ક્યાં છે? આજે આપણે ગ્લોબલ વોર્મિંગની આડકતરી અસરના કારણે પૃથ્વી પર એક પક્ષી નામ શેષ થવાના આરે આવીને ઊભું છે તેની વાત કરીશું. પશ્ર્ચિમ અમેરિકા અને પપુઆ ન્યૂ-ગિની વચ્ચેના અફાટ પ્રશાંત મહાસાગરમાં હવાઈ ટાપુઓ આવેલા છે. હવાઈ ટાપુઓની રાજધાની કહી શકાય એવા હોનોલુલૂથી થોડે ઉપર ઉત્તર દિશામાં એક ‘કાઉઆઈ’ નામનો ટાપુ આવેલો છે. આ ટાપુ દરિયામાંથી ઉપસી આવેલો પર્વત જ છે. આ પર્વત પર અડાબીડ વર્ષાવન એટલે કે રેઇન ફોરેસ્ટ (યુ નો?) છેક પર્વતની ટોંચ સુધી છવાયેલા છે.

ગાર્ડન આઈલ એટલે કે બગીચાનો ટાપુ તરીકે ઓળખાતા ‘કાઉઆઈ’ના વર્ષાવાનોમાં લગભગ ૮૦ જાતિના મનમોહક પક્ષીઓ વસે છે. આ પક્ષીઓમાં એક ટચૂકડું છતાં ગમી જાય એવું એક પક્ષી પણ વસે છે. આ પક્ષીનું નામ છે ‘અકીકીકી’. ઓ તેરી, આવા તે કયાંય નામ હોય? પણ ભાઈ આ નામ છે હવાઈયન ભાષાનું એટલે એ હોનોલુલૂ અને ‘કાઉઆઈ’ જેવુ વિચિત્ર જ લાગેને આપણને? આપણો આજનો હીરો ‘અકીકીકી’ કદમાં માત્ર ૧૩ સેન્ટિમીટરનો જ છે. અને તેનો મુખ્ય ખોરાક મધ હોવાથી તેનો સમાવેશ હનીઈટર્સ પ્રકારના પંખીડાઓના સમુદાયમાં કરવામાં આવ્યો છે. ‘કાઉઆઈ’ના પર્વત પર ખૂબ ઊંચાઈએ આવેલા અડાબીડ જંગલોમાં ઘણી ઊંચાઈ પર આ પક્ષી ખાતું-પીતું અને રાજ કરતું હતું, પરંતુ છેલ્લા પંદરથી વીસ જેટલાં વર્ષમાં આ ટાપુ પર સંશોધનોમાં વ્યસ્ત પક્ષી વૈજ્ઞાનિકોના ધ્યાન પર આવ્યું કે આ અકીકીકી પંખીઓ હમણાં હમણાંથી ખૂબ ઓછા કેમ દેખાવા લાગ્યા? અને પછી એના પર ધ્યાન કેન્દ્રિત કરીને એક સઘન અભ્યાસ થયો.
આ અભ્યાસના તારણો ખૂબ જ ચોંકાવનારા નીકળ્યા. ‘કાઉઆઈ’ના જંગલોમાં ફરી વળેલા વૈજ્ઞાનિકોને જંગલમાં માત્ર પાંચ કે છ જ અકીકીકી પક્ષીઓ બચ્યા છે એવું જાણવા મળ્યું. વૈજ્ઞાનિકોએ માથા ખંજવાળ્યા પણ ઉત્તર ના મળ્યો, અને રાત દિવસ એક કર્યો અને પછી અકસ્માતે જે જાણવા મળ્યું એ અચંબિત કરી દે તેવું હતું. સંશોધન દરમિયાન વૈજ્ઞાનિકોને એક માંદુ અકીકીકી પક્ષી મળી આવ્યું. તેને પક્ષી સંશોધન કેન્દ્ર પર લાવી તબીબી તપાસમાં જાણવા મળ્યું કે તેને તો મેલેરિયા થયો છે! મતલબ એ થયો કે આ પક્ષી જે ઊંચાઈ પર રહેતા હતા ત્યાં સુધી મચ્છર પહોંચી ગયા છે. અરે એ તો મચ્છર છે, ગમે ત્યાં પહોંચી જાય, ના યાર એવું ન હોય. મચ્છર હૂંફાળા અને ગરમ વાતાવરણમાં જ જીવી શકે, અને આ પંખીઓ પર્વતના જે વર્ષાવનોમાં ઊંચાઈ પર રહેતા ત્યાં મચ્છર જાય પણ નહીં અને જાય તો બચે પણ નહીં, કારણ કે ‘કાઉઆઈ’ ટાપુ પર ગરમી જમીનથી પચીસ પચાસ ફૂટ સુધી હોય અને જેમ જેમ ઊંચાઈ પર જઈએ તેમ તેમ ભેજ અને ગરમી ઓછા થતાં જાય.

પછી વૈજ્ઞાનિકોએ મચ્છરો પર સંશોધન ચાલુ કર્યું તો જે ઊંચાઈ પર અકીકીકી હજારો વર્ષોથી જીવતા હતા એ ઊંચાઈ પર પણ મચ્છરા મળ્યા! અંતે એક તારણ એ નિકળ્યું કે ગ્લોબલ વોર્મિંગના કારણે ‘કાઉઆઈ’ ટાપુ પર જે ગરમી નીચેના સ્તર સુધી જ રહેતી એ વધતી ચાલી અને પર્વતની ઉપરનું વાતાવરણ પણ બદલાઈને મચ્છરો માટે અનુકૂળ બન્યું. આમાં જે પંખીડા સદીઓથી મચ્છરથી બચેલા, તેઓ પણ વર્ષોપરાંતના ગ્લોબલ વોર્મિંગના કારણે મેલેરિયાની ચપેટમાં આવી ગયા. કલ્પના કરો કે પંદર વીસ વર્ષમાં હજારોની સંખ્યામાં ફૂલીફાલી રહેલું આપનું અકીકીકીડુ નાશ પામવાને આરે આવીને ઊભું રહી ગયું છે. વૈજ્ઞાનિકોને લાગ્યું કે કશું જ કરવામાં નહીં આવે તો ચાર-છ મહિનામાં જ એક પણ અકીકીકી નહીં બચે. તેમણે યુદ્ધના ધોરણે એક અભિયાન ઉપાડ્યું અને પક્ષી સંશોધન કેન્દ્રમાં અકીકીકી જેવા વાતાવરણમાં રહે છે એવા જ વાતાવરણ વાળું એક વિશાળ એન્ક્લોઝર એટલે કે પીંજરુ બનાવ્યું. પર્વત પરથી મહામહેનતે અકીકીકીના માળા શોધીને તેના ઇંડા કેન્દ્રમાં ઇન્કયુબેટરમાં સેવ્યાં. આમ આજે ભલે નાનકડું અકીકીકીડુ જંગલમાં ઓછી સંખ્યામાં હોય પણ સંશોધન કેન્દ્રમાં સાચવાઈ રહ્યું છે. વધુમાં ‘કાઉઆઈ’ પર મચ્છરના વિનાશની યોજનાઓ પણ અમલમાં મુકાઈ હોવાથી રિસર્ચ સેન્ટર સિવાય પણ આપણા અકીકીકીની સંખ્યા કૂદકે અને ભૂસકે વધી રહી છે હો… હવે સમજાયું ને કે એક મચ્છર આદમી કો…

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button