વીક એન્ડ

વસંત પરેશને હાસ્યાંજલિઃ સિઝનમાં સારા – સિનિયર કલાકાર પહેલાં બુક થાય…

સિઝનમાં સારા – સિનિયર કલાકાર પહેલાં બુક થાય
આ સાંભળીને ચુનિયાએ ટાપસી પૂરી:

`સાં છે તમે સિનિયર હાસ્ય કલાકાર નથી.’

વસંત નામે હાસ્ય તારલો ગગનમાં વિલીન થયો. આગલી રાતે કાર્યક્રમમાં હોય સવારે વહેલું ઊઠવું મુશ્કેલ હતું. આવું તો જો કે કાર્યક્રમ ન હોય તો પણ સવારે ઊઠવું તો મુશ્કેલ જ હોય છે- એમાં પણ શિયાળાની સવાર.

મોબાઈલ ફોન ત્રણ- ચાર વાર ધણધણ્યો, પરંતુ આજ સુધીનો મારો અનુભવ છે કે ઇવેન્ટ ઓર્ગેનાઇઝર કે કાર્યક્રમ રાખવા માગતી પાર્ટી સવાર સવારમાં કોઈ કલાકારને હેરાન ન કરે. એમને ખબર જ હોય કે કલાકાર માત્ર બપોરે જમવા સમયે જ જાગે એટલે માની લીધું કે ઉઘરાણીવાળાઓનો જ ફોન હોય, પરંતુ હું થોડો દયાળુ કોઈની સવાર બગાડું નહીં – મારી તો હરગીઝ નહીં. વાયદા આપી ના પાડું એટલે એમની સવાર બગડે. હું કાયમ બીજાનો વિચાં. જોકે, ઝીણી આંખ કરી મોબાઇલમાં નામ જોતા તો હાસ્ય કલાકારોનાં નામ દેખાયા.

આ પણ વાંચો: હાસ્ય જગતમાં હવે ‘વસંત’ નથી

જીતુભાઈ દ્વારકાવાળાને પ્રથમ ફોન કરતા એમણે કહ્યું કે વસંત પરેશ બુક થઈ ગયા. મેં કહ્યું: સિનિયર છે. અને સારા કલાકાર છે તો બુક થાય, પણ સવાર સવારમાં તમે ફોન કર્યો માત્ર આટલું કહેવા માટે? તો એ મને કહે : `ના, એ હવે આપણી વચ્ચે નથી…’

ખરેખર ધ્રાસકો પડ્યો. ઉપરવાળાનો મૂડ હમણાં કંઈક જુદો હોય એવું લાગે છે. સુગમ સંગીતના સિતારા એવા પુષોત્તમભાઈ ઉપાધ્યાય અને તબલાવાદનના નાદ એવા ઝાકિરજી પણ બ્રહ્મલીન થયા અને હવે હાસ્ય જગતના તેજસ્વી તારલા વસંત પરેશ બંધુ પણ ગગનમાં વિલીન થયા.

દેવસભામાં ખાલી સંગીતથી ન ચાલે એટલે હાસ્યના શૂટિગ માટે કોઈ સારા કલાકારની શોધ કરી હશે અને પ્રથમ નામ વસંત પરેશ જાણવા મળ્યું હશે. સ્વર્ગમાં તો આહ' અનેવાહ’ થશે, પરંતુ અહીં પૃથ્વીલોકમાં હાહાકાર થઈ ગયો.

વસંત પરેશ સ્વયં પર હસી શકતા. જોકે જિંદગી આખી હેરાન પણ બહુ થયા છે. કાયમ અડધું પેમેન્ટ મળ્યું, કારણ કે પાર્ટી વસંત પરેશને બુક કરે અને વસંતભાઈ જાય એટલે કાર્યક્રમવાળા પછી એમ કહે કે `પરેશભાઈને ન લાવ્યા એટલે એનું અડધું પેમેન્ટ કાપી લઈએ છીએ…! ‘

બહુ ઓછા ને ખબર હશે કે પરેશ એમનું નામ હતું અને વસંત' એમની અટક હતી અનેબંધુ’ એમનું તખલ્લુસ હતું. કદાચ ઊભરતા હાસ્ય કલાકારો માટે કાયમ બંધુત્વની ભાવના રાખી એટલે `બંધુ’ તરીકે ઓળખાયા.

સાંજે 4:30 વાગે સ્મશાન યાત્રા હતી એટલે રાજકોટના હાસ્ય કલાકારો સાઇરામ દવે- ગુણવંત ચુડાસમા- તેજસ પટેલ અને ચંદ્રેશ ગઢવી તથા હું નીકળ્યા. રસ્તામાં અમારો ચુનિયો પણ ઊભો હતો. મેં કહ્યું કે તું નહીં આવે તો ચાલશે ' તો મને કહે :મારે તો આવવું જ પડે. જ્યારે મળ્યા છે ત્યારે માં ગળું ભીનું કરાવ્યું છે.’ મેં કહ્યું : `પણ તારા મોઢામાંથી વાસ આવે છે. સવાર સવારમાં લગાવીને બેઠો છે?’

મને ચુનોયો કહે : `કોઈ હાસ્ય કલાકાર ગુજરી જાય તો તમે હાસ્ય અંજલિ આપો છો ને? માં ગળું ભીનું કરાવનારને અંતિમ વિદાય આપવા માટે મારે ગળું ભીનું કરવું પડે..’ .

110 હાસ્યની સીડી જેની બજારમાં ધૂમ મચાવે તેવો અડાબીડ કલાકાર દસ મણ લાકડા વચ્ચે ગોઠવાય તે સ્વીકારવું અઘં છે. હાસ્યના ઘણા પ્રકાર છે તેમાંનો એક પ્રકાર એટલે બ્લેક હ્યુમર. ઓધવજીની સ્મશાનયાત્રામાં પણ તમને હસાવીને બઠ્ઠા પાડી દે અને વાત પૂરી થતાં જ વૈરાગ્યની વાત કરી આંખના ખૂણા પણ ભિંજવી દે.

વિનુ ચાર્લી જામનગરના ઓરકેસ્ટ્રાના સિંગર અને મિમિક્રી આર્ટિસ્ટ. એમને રસ્તામાંથી મેં ફોન કર્યો કે અમે ઘરે આવીએ છીએ તમે છેલ્લી માહિતીથી અવગત કરો'. મને કહે :નનામી બાંધીએ છીએ. વસંતને 20 મિનિટની સીટિગની આદત છે. સ્મશાને પહોંચતા પોણી કલાક થાય. અધવચ્ચે બેઠો થઈ જાય તેના કરતાં વ્યવસ્થિત શાંતિથી સૂતા સૂતા જાય તેવી વ્યવસ્થા કરવી પડે ને?’

સ્મશાને પહોંચીને બહારની અને ઓટલાની વિધિ પૂર્ણ કરી ત્યાં સમાચાર મળ્યા કે આગળ એક વિધિ ચાલુ છે એટલે વસંતભાઈનો વારો પોણી કલાક પછી આવશે. કાર્યક્રમમાં પણ શરૂઆતના કલાકારો અડધી પોણી કલાકની સીટિંગ પૂરી કરે પછી વસંતભાઈની જમાવટ રહેતી.

કોઈ કથાકારની કથામાં મોટી માનવમેદની જોઈ મુંબઈના એક કાર્યક્રમમાં અમે સાથે હતા. સવારમાં નાસ્તો કરતા કરતા ટીવીમાં એક કોઈ કથાકારની કથામાં મોટી માનવ મેદની જોઈ મેં પૂછ્યું : `વસંતભાઈ, કથાકાર અને કલાકાર આ બંનેમાં તફાવત શું? ‘ તો મને એ કહે :

`બંનેની કેપેસિટી હોય છતાં કાર ખરીદે નહીં અને બીજાની કારમાં આવે. બીજા ઘણા ફરક છે, પણ મારા અને આ કથાકારમાં સામ્ય એ છે કે એ સંત છે તો હું વસંત છું…! ‘

ખાલી જોક્સ પર અઢી કલાક સુધી ટકી રહેવું તે બહુ અઘં છે. કોઈ પ્રસંગ નહીં, ગાયકી નહીં, વચ્ચે બહુ તો એક બે શાયરી આવે. આમ જોક્સ અને રમૂજી વાતો જ કરતા વસંત પરેશ હાસ્યની હરતી- ફરતી યુનિવર્સિટી હતા.

એક કાર્યક્રમના સ્થળ પર મને યાદ છે કે અમે જમવા બેઠા હતા. ઉનાળાની ગરમી વસંતભાઈ ને આંબી ગઈ હતી. પિરસનારા ભાઈ વસંતભાઈની હાજરીમાં `અમને પણ આવડે છે’ તેવું સાબિત કરવા જોક્સ કરતા હતા. જમવામાં બ્રેક લાગી ગઈ. બે- પાંચ મિનિટ રાહ જોઈ પછી વસંતભાઈએ કીધું :

`હાસ્યરસ હું પીરસીશ તમે કેરીનો રસ પીરસો ! ‘

નાની વાત પરથી હાસ્ય નિસ્પંદ કરવું એ જો તમે તેને કલ્પી શકો અને સામે ભજવાતું વિચારી શકો તો વસંતભાઈની એક એક વાત પર હસી હસીને બેવડા વળી જવાય એની 100 ટકા ગેરેન્ટી..
બાકી ગુજરાતી ભાષામાં આવી `વસંત’ ફરી કયારે ખીલશે ?

વિચારવાયુ:

મારો સિદ્ધાંત છે જીવનમાં ખડખડાટ' અનેઘસઘસાટ’ આ બે શબ્દ હોવા જોઈએ.

વસંત `ખડખડાટ’ મૂકતા ગયા અને પોતે સંપૂર્ણ ઘસઘસાટ….!

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button