વીક એન્ડ

પગથી પાણી પીતો શેતાન

નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી

બાળપણમાં એકવાર બોરડી પરથી જાતે ચૂંટેલા ચણીબોર ખાતા ખાતા ઉધરસ ચડી અને સાલો બોરનો ઠળિયો પેટમાં જતો રહેલો. હવે વિમાસણ એ કે માને કહું તો માર પાડવાની બીક અને બોરનો ઠળિયો ગળી જવાનાં કેવાં પરિણામો આવે એનો અંદાજ નહીં. એટલે અમારાથી થોડી મોટી ઉંમરના એક ખેડુતપુત્રને પૂછ્યું. એણે બહુ ગંભીરતાપૂર્વક જણાવ્યું કે આમ તો કાઈ નો થાય, પણ પેટમાં પાણી જાય એટલે બોઈડી ઊગે નઈ તો સારું! થોડું અટકીને ફરી બોલ્યો ઊગે’ને મોટી થઈને મોઢામાંથી નીકળે તો ઠીક . . . નકર . . . મારા તો મોતિયા મરી ગયેલા, બે ત્રણ રાત ઊંઘ ન આવી અને મારા મોઢામાંથી બોરડીનું કાંટાળું ઝાડ ઊગ્યું હોય એવાં સપનાં આવ્યાં! એક વાર ગુસ્સામાં કઝિન બેનને લાફો મરાઈ ગયેલો અને એની સજામાં માર પાડવાની સાથે સાથે માંએ કીધેલું કે બેનું’ને મારે એના હાથમાં હાથલિયા થોરના કાંટા ઊગે . . . એ પછી પણ અનેક રાતો સુધી મને એ જ દેખાયા કરતું કે મારી હથેળીમાં થોર જેવા કાંટા ઊગ્યા છે, નાવા જાવ છું ને પીઠ લોહીઝાણ થઈ જાય છે . . . હવે આવામાં સમસ્યા ધોવાની’ય ખરીને ?

થોર ને બોરડી શરીર પર ઊગવાથી ઊભી થનારી સમસ્યાઓ કેટલી અઘરી છે એ તો જાણે આપણે સમજ્યા . . . નાવાનું, ધોવાનું દુષ્કર બની જાય. મેં વર્ષો પૂર્વે એક જીવ વિષે સાંભળેલું અને તેના વીડિયોઝ પણ જોયેલા. તેનું આખું શરીર જ મોટા મોટા કાંટાથી છવાયેલું હતું. અલ્યા આ કેવું જાનવર ? હા યાર દેખાવે સાવ અજીબ, ડરામણું લાગે તેવા આ પ્રાણીના જીવનમાં મને રસ પડેલો પણ એ જમાનો ઈન્ટરનેટનો નહોતો. નિસર્ગનો નિનાદ લખતા લખતા મને એ કાંટાળું જાનવર યાદ આવી ગયું. તો મિત્રો આ પ્રાણી છે ઑસ્ટ્રેલિયાનું થોર્ની ડેવિલ એટલે કે કાંટાળો શેતાન. મધ્ય ઓસ્ટ્રેલિયાના મોટા ભાગનો વિસ્તાર ઉજ્જડ અને રેતાળ રણ જેવો છે. આ વિસ્તારમાં ઝાડીઝાંખરા અને વિષમ આબોહવા હોય છે. મતલબ દિવસે પ્રચંડ ગરમી અને રાત્રે સોરી નાખે એવી ઠંડી. આવા વાતાવરણમાં કાંટાળું શરીર લઈને ફરવું, શિકાર કરવા કેટલા દોહ્યલા હશે એની કલ્પના કરવી જ મુશ્કેલ છે. તો આ જનાવર છે શું? તો આપણો કાંટાળો શેતાન હકીકતે ઈગ્વાના કુળનું એક સરીસૃપ છે. સામાન્ય ભાષામાં કહીએ તો ઑસ્ટ્રેલિયન રણ પ્રદેશમાં જીવતી એક મોટી ગરોળી છે. અંગ્રેજીમાં તેના સ્થાનિક બે ત્રણ બીજાં નામો’ય છે. થોર્ની ડ્રેગન, માઉન્ટેઈન ડેવિલ વિગેરે વિગેરે.

તેના નામકરણની કહાની પણ મજાની છે. કાંટાળા શેતાનનું નામ પાડનારી વૈજ્ઞાનિક ફોઈબાએ એનું વૈજ્ઞાનિક નામ જોન મિલ્ટનના મહાકાવ્ય પેરેડાઈઝ લોસ્ટમાં વર્ણવેલા લોકોનો સંહાર કરતાં એક મોલોચ નામના દેવતા પરથી ‘મોલોચ હોરીડસ’ પાડ્યું. આપણો શેતાન રણનો રહેવાસી તથા સરીસૃપ હોવાથી શરીરના તાપમાનને નિયંત્રણમાં રાખવાના હેતુથી સ્વાભાવિક રીતે તેની હલનચલનની ગતિ ધીમી હોવાની. તેથી જ તેના સ્વભાવની બે ત્રણ ખાસિયતો જાણવા જેવી છે. સૌ પ્રથમ તો તેને તમે દિવસના કયા સમયગાળામાં જુઓ છો તેના પર તેનો રંગ નિર્ભર હોય છે. આખો દિવસ ભયાનક ગરમીમાં શરીર વધુ ગરમ ન થઈ જાય તે માટે આ શેતાન પોતાનો રંગ આછો પીળો કરી નાખે છે, અને વહેલી સવારે અને સાંજ પડતાં વખતે વધુ સૂર્યપ્રકાશ અને ગરમી શરીરમાં શોષી લેવા માટે આ બાહોશ પ્રાણી પોતાનો રંગ ડાર્ક કરી નાખે છે. વધુમાં તેના શરીર પરની કેમોફલેજ ડિઝાઈનનો ઉપયોગ તે પોતાના સ્વબચાવમાં કરે છે. વધુમાં તેના શિકારીઓ તેને મારી ન શકે અને ગળી પણ ન શકે તે માટે તેના આખા શરીર પર કઠ્ઠણ ભીંગડા અને કાંટા હોય છે.

તેના પર હુમલો થાય ત્યારે તે પોતાના ફેફસાં અને પેટમાં હવા ભરીને મોટો દેખાવા માટે ફૂલણશી દેડકાની જેમ ફૂલીને ઢોલ જેવો થઈ જાય છે. આ કાંટાળા શેતાનનો મુખ્ય ખોરાક કીડીઓ જ છે. હા અને આપણને એમ થાય કે ‘સાલા ચીટી સે થોડી ના પેટ ભરતા હૈ?’ ના જ ભરાય પરંતુ આપણો આ શેતાન દિવાસભરમાં લગભગ ૩૦૦૦ (ત્રણ હજાર) જેટલી કીડીઓ ખાઈ જાય છે. આપણને એમ થાય કે મંથર ગતિએ ચાલતું આ પ્રાણી શિકાર કેવી રીતે કરતું હશે, પણ કીડીઓનાં હાઈવેની નજીક એ સાવ સ્થિર થઈને બેસી જાય અને આવતી જતી કીડીઓને ઝાપટી જાય છે, પરંતુ વૈજ્ઞાનિકોએ નોંધ્યું છે કે આ આળસુ જીવ પર જો જીવનું જોખમ આવે તો તે કલાકના ૬૦ કિલોમીટરની ઝડપે પણ દોડી શકે છે. હવે વાત કરીએ તેમના શાદીશુદા જીવનની. કાંટાળા શેતાનના નર કરતાં તેની માદાનું કદ મોટું હોય છે. ભારતમાં લડકીવાલે માંગું લઈને લડકેવાલાને ઘરે જાય છે, પણ કાંટાળા શેતાનને ઘર બસાવવું હોય તો જ્યારે કોઈ માદા દેખાઈ જાય ત્યારે પોતાની કઢંગી ઈસ્ટાઈલમાં નાચતા નાચતા જઈને ખુદનું માંગું ખુદ જ નાખવું પડે છે! અને જો પાસા સવળા પડે તો માદા જમીનની નીચે ત્રીસેક સેન્ટિમીટર ઊંડે ત્રણથી લઈને દસેક ઈંડા મૂકે છે. આ ઈંડામાંથી ત્રણેક મહિને બચ્ચા નીકળે છે. ઓસ્ટ્રેલિયા અંગ્રેજી સંસ્કૃતિના પ્રભાવમાં હોવાથી ઓરિજિનલ ઑસ્ટ્રેલિયન પોતાના બાળકોની યુવાન થાય ત્યાં સુધી ભલે પરવરીશ કરતાં, પણ કાંટાળો શેતાન ઑસ્ટ્રેલિયન કરતાં પણ એક સ્ટેપ આગળ છે, તેમનાં બચુડિયા શેતાનો ઈંડામાંથી નીકળે કે તરત જ સ્વતંત્ર હોય છે. કોઈ માદા શેતાનના બાપે અમરીશ પુરીની અદામાં પોતાની પુત્રીને કહેવું પડતું નથી જા બેટા, જી લે અપની જિંદગી . . .

અંતે સૌથી અજીબ વાત કરીએ. મધ્ય ઓસ્ટ્રેલિયન રણમાં વાતાવરણ એક્સ્ટ્રીમ હોય છે અને પાણીની તંગી નેચરલી ખૂબ હોય છે. તેથી કાંટાળા શેતાને શરીરની પાણીની જરૂર પૂરી કરવાનો અજીબો ગરીબ તરીકો વિકસાવ્યો છે. તેના ખરબચડા શરીર પર એકદમ બારીક કહી શકાય કેનાલ જેવા ખાંચા હોય છે. રણમાં તળાવ તો એક તરફ, પાણીના ખાબોચિયા પણ નથી હોતા, એટલે કાંટાળો શેતાન ગરમીથી જે રેતીમાં છુપાયો હોય તેમાંનો ભેજ આ કેનાલોમાં થઈને તેના મોં સુધી પહોંચી જાય છે. વધુમાં વરસાદ પડે ત્યારે તેના શરીર પર પડતું પાણી આપોઆપ તેના મોંમાં જતું રહે છે.

મજાની વાત હવે આવે છે, વરસાદ બાદ થોડો સમય કોઈ ખાબોચિયું ભરાયેલું હોય તો શેતાન તેમાં જઈને ઊભો રહી જાય અને તેના પગમાંથી આ પાતળી કેનાલો દ્વારા આ પાણી કસનળીના સિદ્ધાંત અનુસાર તેના મોંમાં આવવા લાગે છે . . . છે ને કાંટાળા શેતાનના કારનામા અજાયબ ?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button