વીક એન્ડ

એક કરોડના ભાવની મીઠાઇ લોન્ચ કરવી છે

ઊડતી વાત – ભરત વૈષ્ણવ

ખરા અર્થમાં ચોવીસ કલાક ખણખોદ કરતી ‘સબ સે તેજ ખણખોદ, લક્કડખોદ સે તેજ-ઘોરખોદિયા સે તેજ’ ‘બખડજંતર ચેનલના અવિશ્ર્વસનીય, બિનાધારભૂત, કપોલકલ્પિત અને બેજવાબદાર ખોદી (ત્રિકમ, હળ કે કોદાળી, પાવડાથી સમાચાર ખોદવામાં માહિર હોય તેને ખોદી-ઇન્વેસ્ટિંગ જર્નાલિસ્ટ- મીડિયા કહેવામાં આવે છે. (ઇટસ લેટેસ્ટ ટ્રેન્ડ! ડયુડ યુ ડોન્ટ નો! ભોગ તારા ભોગીલાસ!) જે ભલભલાનું યુરીન (મુતર) ખોદી નાખે છે.) પત્રકાર ગિરધરભાઇ અને કૅમેરામેન રાજુ રદ્દી એક સમાચારની ધૂળને ઉજાગર કરવા પ્રવૃત્ત છે. એટલે કે પુસ્તક પર ધૂળ ચડી જાય અને હાથની ઝાપટથી મારે ઝાપટિયા વિના ખંખેરવા હતા ચોપડા જેવું શ્રમદાન કરતા હતા! રાજુ રદ્દી આમરણ કપટિયો, ખાપરો અને ખોડિયો છે! અલાઉદ્દીનનો ચિરાગ ઘસો તો જ જીન પ્રગટ થાય! અમારો રાજુ રદ્દી દીવો ઘસ્યા વિના પણ પ્રગટ થાય! રાજુ અભિમાન, સ્વમાન કે અપમાન પરત્વે હવાકમલવત! આસક્ત યોગી જ સમજો! (અનાસક્ત શબ્દ રાજુના વ્યક્તિત્વ સાથે ગ્રહોની જેમ મેચ થતો નથી!)
તમે અકળાઇ ન જશો. અમને પણ કકળાટ કપૂરની રોનાધોના સિરિયલની માફક પ્રસ્તાવનામાં પંદર એપિસોડ ખેંચવાની સુઆદત છે! દેખતે રહિયે બખડજંતર ચેનલ. કછુઆ સે ભી સ્લો. દુનિયા કે એકમાત્ર સ્લોએસ્ટ ચેનલ! (હા, ભાઇ હા સરકાર કે કોબ્રાથી પણ સુસ્તતમ!)

લો વાંચો અથ થી ઇતિ!

ઢેંનટેંનઢેનટેન! અમે અવાજ કરવામાં માથું કે મોઢું મારતા નથી. આ કામ માટે અર્બન સોરી અર્નબ ગોસ્વામી કે અંજના કશ્યપનો કોન્ટેકટ કરો! એમને જયાં ત્યાં મોં મારવાની સુટેવ છે!

‘રાજુ, મેગ્નિફાઇંગ ગ્લાસ લગાવ. જરૂર પડે ટેલિસ્કોપ, પેરિસ્કોપ, બાયોસ્કોપ, માઈક્રોસ્કોપ, સ્ટેસ્થોસ્કોપ લગાડ. રડાર લગાડ. ક્ધિતુ, પેલી તિલસ્મી કરિશ્માઇ દુકાન શોધ.’ મેં કહ્યું.

‘કંઇ દેખાતું નથી.’ રાજુ રદ્દીએ અકળાઈને કહ્યું. રાજુએ પોતાની આંખને બદલે કૅમેરાના લેન્સ પર બિલોરી કાચ લગાડ્યો હતો!

‘અરે ડફોળ તારી આંખે બિલોરી કાચ લગાવ.’ મેં રાજુ રદ્દીનો કાન આમળતા કહ્યું.
‘આ એ જ કોમ્પ્લેકસ છે. જે કોમ્પ્લેકસ હોટ કેક ઓફ ધી ટાઉન બનેલ છે. જયાં અભૂતપૂર્વ અને અશ્રુતપૂર્વ ઐતિહાસિક કીર્તિમાન નોંધાઇ રહ્યો છે. આપણે ચશ્મેદીદ ગવાહ છીએ! જયાં કદી ન સાંભળી હોય તેટલા અધધધધધ ભાવની મોંઘી મીઠાઇ અહીં મળે છે’ રાજુએ કેમેરો ગોઠવીને અને ‘રોલ’ કહેતાં જ મેં આ મુજબ કહ્યું.

‘હવે આપણે ટીંચર સ્વિટ માર્ટ પાસે પહોંચી ગયા છીએ. કંજુસ કાકડી જેવા શહેરમાં અડધી પેટી (જો ગેરસમજ ન કરતાં અડધી પેટી એટલે તમે સમજો છો એ પેટીની વાત નથી પ્લીલીઇઇઝ… આપણું સ્ટેટ ડ્રાય સ્ટેટ છે, જયાં અત્ર તત્ર સર્વત્ર મધ્ની રેલમછેલ છે! દારુ ભરેલી પોટલી મને ગમે છે, કારણ જ નહીં આપું. બાટલી મને ગમે છે એમ મનહર ઉધાસ ગઝલમાં કહે છે! અમે અડધો લાખ રૂપિયાની વાત કરીએ છીએ. પિયકકડોની મુશ્કેલી જ આ છે. પિયકકડોનું ચિત્ત બાટલીએ.) એટલે ૫૦,૦૦૦ રૂપિયાની કિંમતની મીઠાઇ વેચાણ માટે મુકાઇ છે.’ હું આટલું બોલ્યો. રાજુએ દુકાનનું બોર્ડ, દુકાનનો બહારનો ભાગ, ઊભેલી ભીડ વગેરે વિઝયુઅલ્સ શૂટ કર્યા.

દુકાનની બહાર બે કાઉન્ટર છે. દુકાનની અંદર જવા માટે રજિસ્ટ્રેશન કરવા માટે. તત્કાળ દર્શન માટે રૂપિયા બે હજાર અથવા સો ગ્રામ મીઠાઇની કિંમત પૈકી જે વધુ હોય તે રકમ ભરવાની. અત્રે હપ્તા બપ્તા સિસ્ટમ નથી, કેમ કે આ સરકારી ઑફિસ નથી, જયાં સહનૌભૂકતું સિસ્ટમ અમલમાં હોય! જીએસટી અલગ. જનરલ માટે પચાસ ટકા જીએસટી અલગ! રજિસ્ટ્રેશન કર્યા પછી દુકાનમાં દાખલ થનારના સિકયોરિટી ચેકિંગ માટે બે કેબિનો હતી. મહિલા અને જેન્ટસ. ચેકિંગ પતી જાય કે પ્રાણપ્યારીના દર્શન કરવા માટે પાંચસો રૂપિયા ભરવાના!

અભિમન્યુના કોઠા કે દ્રોપદ્રીના સ્વયંવર માટે ત્રાજવાના પલડામાં ઊભા રહી નીચે પાણીમાં નજર કરી ફરતી માછલીને વીંધવા કરતાં પણ દુષ્કર પ્રક્રિયા સંપન્ન થયા બાદ જયાં પ્રાણપ્યારીની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવેલ હતી તે નિજ મંદિર કે ગર્ભગૃહમાં પ્રવેશ્યા. ચકાચૌંધ રોશની. સિરીઝો લબકઝબક થતી હતી. શિતાગાર જેવી ઠંડક હતી. માનો કે કોઇ ગ્લેશ્યર કે ઉત્તર-દક્ષિણ ધ્રુવ પર એન્ટ્રી લીધી ન હોય! કોઇ હોટલના કપલ રૂમ જેવા ઉત્તેજક રૂમ સ્પ્રેની માદક સુગંધ માશુકાની જેમ આગોશમાં લઇ લેતી હતી!

રૂમની વચ્ચોવચ્ચ નિયોનેટલ કે મેટરનિટી હૉસ્પિટલમાં હોય તેવું ઇન કયુબેટર હતું. જેને દેશી ભાષામાં કાચની પેટી કહેવામાં આવે છે. નવજાત શિશુ માસૂમિયતથી કાચની પેટીમાં એશોઆરામથી પોઢયું હોય અને પરાણે વહાલું લાગે તેમ પ્રાણપ્યારી કાચની પેટીમાં મખમલના કપડાંમાં શોભતી હતી. શિયાળાની ઋતુમાં સવારના સમયે જેમ કોઇ પુષ્પ પર ઔંસબિંદુ હીરાની જેમ પ્રાણપ્યારી ભાસતી હતી. માનો કે સમુદ્રમંથનના અંતે અમ્લાન પંકજ (કદી શરમાય કે કરમાય નહીં તેવું કમળ. અત્રે ગળચટી રાજકીય કલ્પના કરવાની અનર્ગળ છૂટ છે!)

બખડજંતર ચેનલના રીપોર્ટર ગિરધરલાલ ગરબડિયા એટલે કે હું પોતે- સ્વયં, ટીંચર સ્વિટ માર્ટના માલિક લોભશંકર વાલીદ (પિતાજી) ધૂતારા સુખડિયા પાસે પહોંચ્યો. લોભશંકરને સ્વપરિચય આપીને મેં ઇન્ટરવ્યૂ શરૂ કર્યો.

‘સાહેબ, આટલી મોંઘી મીઠાઇ બનાવવાથી સામાજિક તુલાના પલડા સરખા કેવી રીતે રહેશે? મીઠાઇ વિહીનોની જઠરાગ્નિ જાગશે તો મીઠાઇમહેલની ભસ્મકણી લાધશે નહીં તેમ કવિ ઉમાશંકર કહી ગયા છે. એની કોમેન્ટસ?’ મેં પૂછયું.

‘અમે કોરોના પછી લોકોના ઇમોશન, ડિમાંડને ધ્યાને લઇને મીઠાઇ લોંચ કરી છે. સમાજમાં સામાજિક એકતા ફેલાવશે.

અમે દસ ગ્રામના પેકેટમાં પ્રાણપ્યારીના પીસીસ પર બીપીએલ કાર્ડ હોલ્ડરને ૧% ડિસ્કાઉન્ટ આપીશું!’ લોભશંકર સુખડિયાએ ડિપ્લોમેટિક જવાબ આપ્યો.

‘લોભશંકર, આટલો લોભ સારો કહેવાય? કેસરનો કિલોનો ભાવ પાંચ લાખ રૂપિયા છે. ખાલી કેસરની મીઠાઇ બનાવતા હોવ તો પણ મીઠાઇનો ભાવ જસ્ટીફાય થતો નથી. કાજુ, બદામ, અખરોટ, પિસ્તા દોઢ હજારથી ત્રણ હજાર રૂપિયે મળે છે. સોના ચાંદીનો વરખ લગાડો તો પણ આટલી મોંઘી મિઠાઇ ન બને. થોડી તો શરમ કરો.’ મેં મીઠાઇનું ઇનગ્રે્ડ્યેન્સ શાસ્ત્ર સ્પષ્ટ કર્યું!

‘ભાઇ. આ ચિલ્ડ્રનવેર એટલે કે બાળકોના વસ્ત્રો જેવું છે. એમાં કપડાની કવૉલિટી ન જોવાય, પણ બાળકો માટેનો માબાપનો પ્રેમ એન્કેશ કરવાનો હોય. દિવાળીના સપરમા તહેવારમાં પચાસ હજાર રૂપિયાની મીઠાઇ ખરીદો તો તમને કેટલો બધો સેલ્ફ પ્રાઇડ અને સેલ્ફ એસ્ટીમ મળે! રૂપિયા ઇમ્પોર્ટન્ટ છે કે સેલ્ફ એસ્ટીમ? રૂપિયા તો હાથનો મેલ છે. (બંને હાથ ઘસવા છતાં રૂપિયા નામનો મેલ આવતો નથી અને હથેળીમાં લાલ ચકામા પડે છે એ વાત અલગ છે. રૂપિયાને શ્ર્વાન પણ સૂંધતા નથી. રૂપિયા કાગળના ટુકડા છે. તમે કોલર ઊંચા કરીને પાંચ જણને તમારી સોસાયટીમાં મિઠાઇ ખરીદીની વાત કહો એટલે તમારો રોલો કેટલો વધે!’ લોભશંકરે આખી સ્ટ્રેટેજી સમજાવી. ટૂંકમાં દલીલથી બાટલામાં ઉતારી બૂચ લગાવી દીધો!

‘તમારું ફયુચર પ્લાનિંગ શું છે?’ મેં લોભશંકરને પૂછયું.

‘દેશની એકસો બેતાલીસ કરોડ જનતાના આશીર્વાદ અમારા પર રહે અને તમારા જેવા (અકકલમઠા) મીડિયાનો, સરકારી તંત્રનો સહકાર સતત મળતો રહે, મ્યુનિસિપલ કોર્પોરેશન મીઠાઇના નમૂના લે નહીં અને મા ભેળસેળદેવીની અસીમ અને નિસીમ કૃપાદ્રષ્ટિ અને કૃપાવર્ષા અવિરત રહે તો આવતી દિવાળીએ ૧,૦૦,૦૦,૦૦૦/- કિલોના ભાવની મીઠાઇ લોંચ કરવાનો ધાંસુ પ્લાનિંગ છે’ લોભશંકરે ઇન્ટરવ્યૂ સમાપ્ત કર્યો.

‘હેઅંહેઅં’ અમારા મોંઢામાંથી રાડ નીકળી ગઇ. અમારા મોંની ડાકલી ત્યારથી ખૂલી કી ખૂલી ખિડકી બની ગયેલ હૈ!

રાજુના કહેવા મુજબ લોભશંકરની વાત સાંભળી અમને માઇલ્ડ હાર્ટએટેક અને લો બ્રેઇનસ્ટ્રોક (અમારા વિરોધીઓ અમને મગજ અને પાષાણહૃય માને છે. બ્રેઇનસ્ટ્રોક અને હાર્ટએટેકના માધ્યમથી અમે એમને સનનન સાંઇ જેવો સણસણતો કણસતો જવાબ આપી દીધો છે!) આવી ગયેલો અને ૧૦૮ બોલાવી હૉસ્પિટલમાં આઇસીયુમાં ઇનડોર પેશન્ટ તરીકે એડમિટ કરેલ છે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button