ખુરશીની અક્કલમઠ્ઠી રમત
મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી
ચૂંટણીનો માહોલ છે એટલે તમે તમારા દીકરાના લગ્નની કંકોત્રી લખવા માંગતા હો પણ મગજ એટલું બેકાર થઈ ગયું છે કે “મારા દીકરાને મત આપવા પધારજો” એવું લખાઈ જાય છે.
રાજકીય પક્ષો પણ ખરેખર આજે એક ખુરશી માટે સગા ભાઈઓને કે પતિ પત્નીને કે કુટુંબના સભ્યોને અંદરો અંદર લડાવી મારે. અમારો ચુનીયો તો કહે છે કે ’ખુરશી માટે મગજમારી નહીં કરવાની આપણે ઘરેથી લઈ જઈએ તો સંસદમાં બેસવા દે કે નહીં?’ પણ આજે પ્રયત્ન પૂર્વક રાજકીય ખુરશી ની વાત નથી જ કરવી.
વાત મારા બચપણની છે.મારા ઘરમાં ખુરશીઓ ઓછી અને હું નાનો એટલે કોઈ પણ મહેમાન આવે મારે જ પહેલા ખુરશી ખાલી કરવાની આવે. ઘણા ગમતા મહેમાનોમાં ઘણી બધી આંટીઓએ મને ગાલે ચૂટકી ભરી છે અને ખોળામાં બેસાડ્યો છે. એટલે ખુરશી ખાલી કરવાનું થોડું વસુલ પણ થતું! તો પણ એક વાત તો કહી જ દઉં કે મારી ખુરશી ખેંચાઇ જવાનો અફસોસ તો થતો જ એટલે ચૂટકી ભરેલા મહેમાન સામે કાતર મારી જોઈ લેતો. આ ભૂલનો અહેસાસ મને યુવાન થયા પછી થયો કે ખોળામાંથી ઊભુ થઈ જવું એ મારી બહુ મોટી ભૂલ હતી! મારી આ ભૂલને સુધારવાનો આજની તારીખ સુધી પ્રયત્ન કરુ છૂં. આજે પણ મેં ઘરમાં એકાદ ખુરશી ઓછી રાખુ છું.
મારે તો કોણ જાણે ખુરશી સાથે લેણાદેણી જ નથી. અમારી શેરીમાં એક માણસ છકડો રીક્ષા લઈને ખુરશીઓ વેંચવા આવ્યો. મને થયું કે ૪ ખુરશી વસાવી જ લેવી છે. મને ૨૦૦૦ રૂપિયાની ૪ ખુરશી કહી પણ ખૂબ રકઝકને અંતે ૫૦૦ રૂપિયામાં ૪ ખુરશી ખરીદી શિવાજીએ જેમ નવો ગઢ સર કર્યો હોય એવી ખુશી સાથે ઘરમાં ખુરશી રાખી. બીજા જ દિવસે ૧૬ પાયામાંથી ૪ જ પાયા સાજા હતા એટલે આમ તેમ કરીને એક ખુરશીને જીવાડી લીધી પણ મારી સાથે ઘોર છેતરપીંડી થઈ હોય એ રીતે આ ફેરિયાને શોધવા નિકળ્યો. પાંચ દિવસની મહેનતને અંતે એ બીજી સોસાયટીમાંથી હાથમાં આવ્યો અને મેં માંડીને ફરિયાદ કરી અને કહ્યું કે ચારમાંથી ત્રણ ખુરશી તૂટી ગઈ અને એક જે જીવે છે એ પણ આઇ.સી.સી.યુ.માં છે એમ જ માની લે. ફેરિયાએ ખૂબ જ શાંતિપૂર્વક જવાબ આપ્યો ’એવું બને જ નહીં કે ખુરશી તૂટી જાય, નક્કી કોઈ બેઠું હશે’ મારી પાસે કોઈ જ જવાબ ન હતો એટલે વધેલા બજેટમાંથી સારી દુકાને જઈને બે ખુરશીઓ ખરીદી કરી ચલાવી લીધું પણ આ ખુરશીઓથી મારુ ખુરશી સુખ કદાચ નહીં જોઈ શકાતુ હોય એટલે ઘેર જે પહેલા મહેમાન આવ્યા એ પણ જમના ફોઈ. એમનો વજન ૧૨૦ કીલો એટલે મેં મારા છોકરાને કહ્યું કે બાજુ વાળા આંટીના ઘેરથી ખુરશી લઈ આવ. મારો છોકરો લેવા ગયો તો આંટીને એમ લાગ્યું કે વધારે મહેમાન હશે એટલે જરૂર હશે પણ એ આંટી એટલા પ્રેમાળ છે કે વહાલથી મારા છોકરાને પૂછ્યું અને મારા છોકરાએ જવાબ પણ આપી દીધો કે ’મહેમાન તો એક છે પણ જમના ફોઈ બહુ જાડા ને એટલે અમારી નવી ખુરશી ક્યાંક તૂટી જાય તો’ આટલી નાની વાતમાં મારા છોકરાના એ પડોશી આંટીએ મારી સામે હસવાનું પણ બંધ કરી દીધું!!!
તમે મારી જેમ જ ઘણા લગ્નોમાં મફત જમવા ગયા હશો. અત્યારે તો રીવાજ જ બૂફેટનો થઈ ગયો છે પણ ક્યાંક ક્યાંક વળી બુફેટ સાથે થોડી ઘણી ખુરશીઓ અને ટેબલ ગોઠવાયેલા હોય છે. તમે જો માર્ક કર્યું હોય તો આવા સમયે સારામાં સારી મીઠાઇનો જેટલો મહિમા નહીં હોય એટલો મહિમા ખાલી થતી ખુરશી તરફ હોય છે. હમણા અમારે એક જ્ઞાતિના સ્નેહ મિલનમાં આમંત્રણ કુલ ૩૦૦ માણસોને આમંત્રણ આપવામાં આવ્યું હતું પણ આયોજકો હોશિયાર એટલે ધારેલુ કે ૧૦૦ માણસો જ આવશે અને તેમાં પણ બજેટ બચાવવા ૭૦ ખુરશીઓ જ મંડપ સર્વિસમાંથી મંગાવવામાં આવી. મેં જઈને જોયું તો અમારા જ ફેમિલીના તેમાંથી ૪૦ માણસો હતા. મારા સગા સંબંધીઓની એક ખૂબી છે કે મારા કુટુંબના અસલ મારી જેમ જ મફત આઇસ્ક્રીમની લાલચમાં ગમે ત્યાં પહોંચી જ જાય. આ ૪૦માંથી ૧૫ તો ઉમરલાયક માણસો હતા. મેં મારુ ઉતરદાયિત્વ સ્વીકાર્યું અને જેવી કોઈ ખુરશી ખાલી થાય એટલે તરત જ લપકીને એકાદ વડિલને બેસાડી દઉં. થોડી વારમાં તો મારી છાપ ખુરશી ઉઠાવગીર તરીકે ફેલાઇ ગઈ. દહેશત તો એવી ફેલાણી કે હું પાણી પીવા જતો હોઉં તો પણ પગ મોકળો કરવા ઊભા થયેલા ફટાફટ આવીને ખુરશી પર પાછાં બેસી જતા. હદ તો ત્યારે થઈ જ્યારે અમારા અનંત કાકાને બે શબ્દો બોલવા ઊભા કર્યા પણ જેવી તેમની નજર મારા પર ગઈ ત્યાં સ્ટેજ તો સ્ટેજ પાસેથી દોડતા આવીને પાછા ખુરશી પર બેસી ગયા!!!
ખુરશીની મહિમાનો સાચો અનુભવ તો મને ચૂનિયાના બાપા વખતે થયો. ચૂનિયો પણ મારી જેમ સસ્તી ખુરશી લાવેલો અને નવી ખુરશી જોઈને ચૂનિયાના બાપા રાજીપામાં એવા તો જોરથી બેઠાં કે જાણે હવે પછી ક્યારેય ખુરશી જોવા જ ન મળવાની હોય. જેવા બેઠાં એ સાથે ચાર પાંચ કડાકાના અવાજ આવ્યા. ખરાબ સંજોગે હું પણ હાજર હતો એટલે ખુરશી જોવા મંડ્યો કે કઈ કઈ પાંચ વસ્તુ તૂટી છે. તપાસ કરતા ખબર પડી કે ખુરશીનો તો એક જ પાયો તૂટ્યો છે. બાકીના ચાર અવાજો ઓર્થોપેડીક પાસે ગયા ત્યારે ખબર પડી કે ચૂનિયાના બાપાના હાડકા તૂટવાના હતાં! એક્સ રે, સી.ટી.સ્કેન અને છેલ્લે
એમ.આર.આઇ. સુધી બધું જ કરાવ્યું. બે તો ઓપરેશન આવ્યા. આઠ મહિના સુધી ચૂનિયાના બાપાને રીપેરીંગ કરવાનો પ્રોગ્રામ ચાલ્યો. ચૂનિયાએ બાપાને ગામડે મોકલી ચૂનિયો હિસાબ કરવા બેઠો અને કુલ ખર્ચનો આંકડો માર્યો. હિસાબ પતાવીને ચૂનિયાએ મને ફોન કર્યો અને કહે ’મિલનભાઈ, જો આ બાપા પાછળ કરેલ ખર્ચનો હિસાબ. આ ખર્ચમાં તો મારે નાનુ ખુરશી બનાવવાનું કારખાનું થઈ ગયું હોત’ આ પછી તો મેં પણ નક્કી કરી લીધું કે ખુરશીની વાત આવે ત્યાં કોમ્પ્રોમાઇઝ કરવાનું જ નહીં
કહેવત ભલે હોય કે ’પગ નીચેથી જમીન સરકી જવી’ પણ ખરાબ પરિસ્થિતિ તો એ કહેવાય કે ’તસરીફ નીચેથી ખુરશી ખસી જવી’. મેં એક શેર સાંભળેલો ’ગાંધી તું કેટલો સસ્તો થઈ ગયો ખુરશી સુધી પહોંચવાનો રસ્તો થઈ ગયો’ જો મારા જેવો સામાન્ય માણસ પણ ખુરશી માટે આટલો હેરાન થઈ ચૂક્યો હોય અને ખુરશીનો મહિમા જાણતો હોય તો પછી અમાં નેતાઓને ક્યાં દોષ દેવો. તમે જો ખુરશી શબ્દમાંથી ’ર’ શબ્દ કાઢી નાખો તો પાછળ ખુશી વધશે. ’ર’ તો અમસ્તા જ ઉમેરેલો છે બાકી ખુરશી સાથે ખુશી અનાદી કાળથી જોડાયેલ હશે! ખેંચતાણ તો મનુષ્ય જીવ સાથે જોડાયેલ છે જ એટલે ખુશી માટે ખુરશીની ખેંચતાણ થતી જ રહેવાની અને ચાલતી જ રહેવાની.
વિચારવાયુ:
ધર્મસ્થાન બહાર ભીખ માંગે છે? આ ગેરકાયદેસર છે. તને ખબર છે જેલની સજા થશે
પૈસાની ભીખ ન માગુ અને વોટ માંગુ તો સજા નહીં
થાય ને?