વીક એન્ડ

એક મકાનની અંદર સમેટાઈ ગયેલું શહેર

સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા

અલાસ્કાના વ્હિટીએર શહેરમાં આવેલ બેજીક ટાવર એક રીતે ખાસ છે – આ ટાવરની અંદર જ આ શહેરની લગભગ સમગ્ર વસ્તી – આશરે ૨૨૦ માત્ર – રહે છે. સમગ્ર શહેરને એક છત નીચે સમાવી લેવાની આ અનેરી ઘટના છે. આનાં કારણો પણ છે અને પરિણામ પણ. એમ કહેવામાં આવે છે કે દ્વિતીય વિશ્ર્વયુદ્ધ પછીની સ્થિતિ માટે લશ્કરી જરૂરિયાત પ્રમાણે સન ૧૯૫૩માં આ ટાવરની રચના કરવામાં આવી હતી જે આજે સમગ્ર શહેરને આશરો આપવાની સાથે સાથે અહીંના લોકોની વિવિધ સામાજિક, શૈક્ષણિક, વ્યાપારી તથા મનોરંજનની જરૂરિયાતો પણ સંતોષે છે. આ મકાન રહેવાસીઓની મોટાભાગની બધી જ જરૂરિયાતો પૂરી પાડી શકવા સમર્થ હોવાથી કોઈને બહાર જવું પડે તેવી પરિસ્થિતિ લગભગ ઊભી નથી થતી.

૧૪ માળના આ લંબચોરસ ઘનાકાર આકારના મકાનના આંતરિક સ્થાન આવનજાવનના માર્ગ કોરિડોર, દાદર, ટનલ અને લિફ્ટ વડે પરસ્પર સંકળાયેલા છે. આ યાતાયાતનું માળખું શહેરની શેરીઓની યાદ અપાવે, ફેર એટલો કે અહીં બધું પરસ્પર લંબમાં હોય, નિયમિત પહોળાઈવાળું હોય, બંધિયાર હોય અને ઓછું ગીચ હોય. પણ આ શેરીઓમાં જરૂરી વિવિધતા તથા રસપ્રદતા વણાઈ ના હોય.

આમ તો આ એક મકાન છે પણ તેના સમગ્ર વિસ્તારને ત્રણ ભાગમાં વર્ગીકૃત કરી શકાય તેવી તેની રચના છે. આ પ્રત્યેક ભાગ સાથે જે તે ચોક્કસ પ્રકારના સંસાધનો અને કાર્યક્ષેત્ર ગોઠવાયેલા છે. આમાં શાળા, ચર્ચ, હોસ્પિટલ, પોસ્ટ ઓફિસ, દુકાનો, રેસ્ટોરન્ટ, ઇન્ડોર રમતગમતના સ્થાન, મનોરંજન માટે નાના સ્ક્રીનવાળું થિયેટર – લગભગ બધું જ છે. અહીં બનાવાયેલ આવાસ ભિન્ન ભિન્ન પ્રકારના, જુદી જુદી જરૂરિયાત પ્રમાણેના છે. આવાસમાં રહેલી આવી ભિન્નતાને કારણે સમગ્ર શહેરમાં થોડીક રસપ્રદતા જળવાઈ રહે છે. નહીંતર સ્થાપત્યની દ્રષ્ટિએ મકાન તો એકધારું અને ચીલાચાલુ છે.

આ પ્રકારનું શહેર જો આજની તારીખમાં નવેસરથી બનાવવામાં આવે તો સ્થાપત્ય રસપ્રદ બની શકે. પણ આ તો એક જૂનું લશ્કરી મથકનું મકાન છે, જેનો શહેર તરીકે ઉપયોગ થઈ રહ્યો છે. તેથી અહીં સ્થાપત્યમાં નથી રસિકતા કે નથી ગુણવત્તા. ૧૪ માળના મકાનમાં જે જે રચનાગત સંભાવનાઓ હોવી જોઈએ, દ્રશ્ય અનુભૂતિમાં જે સમૃદ્ધિ હોવી જોઈએ, એકધારાપણામાંથી જે મુક્તતા પ્રતીત થવી જોઈએ, તથા વ્યક્તિની ભાવના અને સંવેદનાઓને જે પ્રમાણેનો યોગ્ય પ્રતિભાવ મળવો જોઈએ – તે અહીં ક્યાંય નથી. અહીં ભૌતિક જરૂરિયાતો સંતોષાઈ જાય છે પણ ભાવાત્મક સંબંધ ઊભો થવો અઘરો છે. એક દ્રષ્ટિએ જોતા આ રહેવા માટેની સગવડ નથી પણ રહેવા માટેનું મશીન છે.

લંબચોરસ આકારવાળી એકધારી માળખાગત રચના, કંટાળાજનક આવન જાવનના માર્ગ, આબોહવા ને કારણે સ્વીકારી લેવામાં આવેલું બંંધિયારપણું, માનવીય અનુભૂતિને રસપ્રદ બનાવવા જરૂરી વિવિધતાનો અભાવ, મર્યાદિત લોકોને વારંવાર ઈચ્છા-અનિચ્છાથી અથડાવું પડે તેવો માહોલ – આ બધું આ મકાનનું નકારાત્મક પાસુ છે. તેની સામે તેમની જરૂરિયાતો સંતોષાઈ જાય છે અને તેમને સ્થળાંતર કરવાની જરૂર ઊભી નથી થતી. તેઓ પોતાના વતન સાથે જોડાયેલા રહે છે. એક મકાનમાં રહેવાથી જે જીવનશૈલી વિકસી હોય તે માટે તેમનો લગાવ પણ સ્વાભાવિક છે અને આ લગાવને તેઓ સન્માનથી જોતા હશે.

ઘણી વાર લાગે છે કે આ શહેરથી ઉદ્ભવેલી જીવનશૈલીથી લોકો એવા તો ટેવાઈ ગયા છે કે આ મકાન તેમને જેલ જેવું પણ નહીં લાગતું હોય. અન્ય એક દ્રષ્ટિકોણથી જોઈએ તો એમ પણ જણાશે કે અહીં બધા જ લોકો એક વિસ્તૃત કુટુંબની ભાવનાથી રહેતા હશે. અહીં પરસ્પર દ્વેષ કે મતભેદ હોય તો પણ તેને સીમિત રાખતા લોકો શીખી ગયા હશે. અહીં પોતાની માલિકીના ક્ષેત્ર માટે કોઈ દાવો નહીં કરતું હોય. વળી મર્યાદિત વિસ્તારમાં રહેવું ફરજિયાત હોવાથી અહીં પરસ્પરનો સંબંધ પણ વ્યવસ્થિત જળવાઈ રહેવાની સંભાવના રહી છે. એ રીતે જોતા આ એક આદર્શ શહેરનો નમૂનો બની રહે. સ્થાપત્યની વાત જુદી છે. રણમાં પણ વસાહતો ઊભી થઈ છે અને સાયબેરિયાના ઠંડા પ્રદેશોમાં પણ સમાજ એટલા
જ ઉમળકાથી રહે છે. આબોહવા સામે જીતી શકાય પણ એકલતાને કારણે ઊભા થતા પ્રશ્ર્નોનું નિવાકરણ શક્ય નથી. સહ-અસ્તિત્વ જરૂરી છે. આ તો એક નાના મકાનમાં સમાઈ ગયેલા શહેરની વાત થઈ. એક પ્રમાણમાપને અનુસરીએ તો જણાશે કે આપણી પૃથ્વી પર નાનકડું મકાન જ છે; અહીં પણ સાથે રહેવાની જરૂરિયાત છે. વિભાગીકરણની વિચારધારાને પ્રોત્સાહન ન મળવું જોઈએ. પ્રત્યક્ષ યા પરોક્ષ રૂપે, એક યા બીજાં કારણોસર, એક યા અન્ય સ્વરૂપે, વિશ્ર્વમાં બધાને એકબીજાની જરૂર છે. પોતાના જીવનને શક્ય એટલું અર્થપૂર્ણ બનાવતા બનાવતા, પરસ્પરની જરૂરિયાતો સંતોષીને, જે કંઈ મળે છે તેની પરસ્પર વહેંચણી કરીને અને એકબીજા પ્રત્યે ઉદાર તથા સહનશીલ બનીને આ નાનકડી પૃથ્વી પર જીવન વ્યતીત કરવાનું છે. આ નાનકડી પૃથ્વી પણ એક વિશાળ શહેર જ છે.

આ મકાન માનવજાત માટે એક મહત્ત્વનો સંદેશો છે. વ્યક્તિ ગમે તેટલો સક્ષમ બને તો પણ સહ અસ્તિત્વની – સમાજની જરૂરિયાત કાયમી છે. તેથી જ હળીમળીને રહેવું પડે. વ્યક્તિ આમ પણ પોતાની રીતે પોતાની બધી જ જરૂરિયાતો સ્વયં પૂરી કરી શકવા અસમર્થ છે. સમાજની પ્રત્યેક વ્યક્તિનો સાથ જરૂરી છે. માનવી સામાજિક પ્રાણી છે, સામાજિક ઉત્તરદાયિક સામે વ્યક્તિગત અસ્તિત્વને ઓછું મહત્ત્વ મળવું જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button