વીક એન્ડ

પાણિયારું – આવાસનું એક કેન્દ્ર

સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા

પાણિયારું એટલે ઘરમાં પાણી ભરેલા વાસણ રાખવાની જગ્યા. અહીં વાસણ પાણીથી ભરેલા હોય તે જરૂરી છે. પાણી માટેના પાત્રને વાસણ ન કહેવાય – તેને માટલું કે ઘડો કે નળો કે કુંજ એવું કંઈક કહેવાય. અર્થાત પાણિયારું એટલે આવા પાણીથી ભરેલાં પાત્રો રાખવાનું સ્થાન. અહીં આવીને ઘરના લોકો પાણી પીવે. આવું પાણિયારું જ્યારે સામાજિક સ્તરે વિસ્તૃત થાય ત્યારે તે પરબ બને. એમ પણ કહેવાય છે કે જે સ્થાને પાણી ભરવાનું કામ થાય તેને પાણિયારું કહેવાય. પણ આમ બહુ મર્યાદિત અર્થમાં કહેવાય છે. જે પ્રચલિત અર્થ છે તે તો એમ જ કહે છે કે ઘરની અંદર પીવાના, પાણીને વ્યવસ્થિત અને સ્વચ્છ રીતે રાખવાનું સ્થાન.

પાણિયારાને પિતૃઓનું સ્થાન પણ કહેવાય છે. અહીં નાગપંચમીની પૂજા થાય છે અને શ્રાદ્ધના દિવસોમાં અહીં દીવો પ્રગટાવાય છે. પિતૃઓ તથા નાગદેવતા અર્ધ દૈવી શક્તિ હોવાથી પાણિયારું એ અર્ધ મંદિર – અર્ધ પૂજા સ્થાનનું મહત્વ ધારણ કરે છે. ઘરમાં જ્યાં ભગવાનની મૂર્તિ કે ફોટા રાખી રોજ પૂજા અર્ચન કરાતા હોય તેનાથી થોડીક ઓછી મહત્તા પાણિયારાની હોય છે. પૂજાના સ્થાનની જેમ પાણિયારુંને પણ સ્વચ્છ રાખવું પડે. અહીં કોઈપણ પ્રકારની મલિનતાને સ્થાન ન હોય. અહીંના વાતાવરણમાં પવિત્રતાનો ભાવ ઊભરવો જોઈએ. વળી આ કોઈ નવરા પડ્યેથી બેસી રહેવાનું સ્થાન પણ ન બનવું જોઈએ. ભૌતિક સ્વચ્છતા સાથે અહીં માનસિક સ્વચ્છતા અને શાંતિ જળવાઈ રહે તે ઇચ્છનીય છે. આવું તો રસોડા માટે પણ કહી શકાય. એમ કહેવાય છે કે વ્યક્તિના મનોભાવની અસર આજુબાજુની સામગ્રી પર પડે. આ સામગ્રીમાં જો ખોરાક તથા પાણી જેવા પદાર્થો હાજર હોય તો જે નકારાત્મક ભાવ ઊભો થાય તો તેની અસર ખોરાક અને પાણી પર પડે. આ સારી બાબત નથી. રસોડામાં અને પાણિયારા પર માનસિક હકારાત્મકતા જળવાવી જોઈએ, આમાં પણ પાણિયારું વધુ અગત્યનું છે કેમકે પાણીની જરૂરિયાત વારંવાર ઊભી થઈ શકે, અર્થાત વ્યક્તિની અહીંની અવરજવર વધુ રહે. વળી પાણી તરલ હોવાથી, એમ મનાય છે કે, સૂક્ષ્મ ભાવની અસર તેના પર વધુ થાય.

સ્વચ્છતા ધાર્મિકતાની સાથે સ્વાસ્થ્ય માટે પણ તે જરૂરી છે. પાણીનું સ્થાન જો અસ્વચ્છ હોય તો ત્યાં હાનિકારક જીવાણુઓની હાજરી સંભવ બને. ભારતમાં આમ પણ પાણીજન્ય રોગોનો પ્રસાર વધારે છે. આની સામેના રક્ષણ માટે પાણી સ્વચ્છ હોય તે જરૂરી છે અને આ સ્વચ્છતાના ભાગરૂપે પાણી રાખવાનું સ્થાન પણ સ્વચ્છ હોય તે જરૂરી છે. આવી સ્વચ્છતાના આગ્રહ માટે જ પાણીના પાત્રમાંથી પ્યાલો નાખી સીધું પાણી નથી લેવાતું, પાણી લેવા માટે ડોયાની વ્યવસ્થા હોય છે. હવેના સમયે તો પાણીનું પાત્ર જ નળ વાળું આવે છે. પાણિયારે રખાયેલાં પાત્રોની નિયમિત સફાઈ થતી હોય છે અને લગભગ દરરોજ નવું પાણી ભરાતું હોય છે.

પાણિયારાનું સ્થાન રસોઈથી નજીક હોય તે ઈચ્છનીય ગણાય. વળી તે બહારની વ્યક્તિઓની અવરજવરથી દૂર હોય તે પણ ઇચ્છનીય ગણાય છે. આનાથી સ્વચ્છતા તો જળવાય પણ અર્ધ પૂજા સ્થાનની પવિત્રતા પણ જળવાય રહે. પાણિયારાનું સ્થાન એવી જગ્યાએ રખાતું હોય છે કે જ્યાં કુટુંબના સભ્યો સહેલાઈથી પહોંચી શકે અને તેનાથી કદાચ બે ઘૂંટડા પાણી વધારે પીવાય. તંદુરસ્તી માટે આ જરૂરી પણ છે. શરીરની અંદર પાણીની માત્રા જેમ વધુ તેમ ભવિષ્યમાં થનારા સંભવિત રોગો પ્રતિ ચોક્કસ પ્રકારનું રક્ષણ ઊભું થઈ શકે. આ સ્થાન પર રહેલો ભેજ, પરંપરાગત આવાસમાં તે ભાગમાં ઠંડક પ્રસારવાનું કામ પણ કરે. પાણિયારાના સ્થાનમાં ક્યાંક એ પણ ધ્યાનમાં રાખવું પડે કે વધેલા પાણીનો નિકાસ વ્યવસ્થિત થઈ શકે અને અનિચ્છનીય ગંદકી ઊભી ન થાય.

પાણિયારાની રચના કાર્યક્ષમ તો છે જ પણ તેમાં ચોક્કસ પ્રકારના વિગતિકરણનું પણ મહત્ત્વ છે. અહીં નાની-નાની કાંગરીઓ અને પટ્ટા ઉપસાવવામાં આવે છે. આવી રચના ક્યાંક મંદિરોમાં પણ જોવા મળશે. પાણિયારામાં માટલું મૂકવાની જગ્યા એ રીતના નિર્ધારિત થાય છે કે જેનાથી ઊભા ઊભા પાણી લઈ શકાય અને ઘરના કુટુંબના સભ્યોની સંખ્યા પ્રમાણે એક કે બે કે ત્રણ માટલાની વ્યવસ્થા કરી શકાય. માટલું મૂકવા માટે ઉપરની સપાટી પર વર્તુળના ચાપના આકારનો ખાંચો બનાવાય છે અને તે જગ્યાને થોડી ઊંચી રખાય છે. આમ કરવાથી આજુબાજુ ઢોળાયેલું થોડુંક અસ્વચ્છ કે એંઠું પાણી માટલાને ન અડે. અહીં નીચેની જગ્યામાં પાણીનાં ખાલી પાત્રો રખાય છે અને નજીકની દીવાલ ઉપર ડોયો ટીંગાડવા માટે ખીંટી પણ રખાય છે. આ સ્થાને મોટેભાગે બારી નથી હોતી પણ હોય તો તે રસોડાની બારી તરીકે રખાઈ હોય છે. બારી ન હોવાનાં કારણોમાં અહીં પ્રકાશની ઓછી જરૂરિયાત તથા બહારથી આવનારા સંભવિત કચરાને દૂર રાખવાની જરૂરિયાત હોય છે.

સાંપ્રત સમયમાં એમ જણાય છે કે ફ્રીઝ દ્વારા પાણિયારાનું સ્થાન લેવાઈ ગયું છે. હવે તો ઘરમાં કોઈ માટલું જ નથી રાખતું, ફ્રીઝમાંથી બોટલ કાઢી સીધી મોઢે માંડે છે. સ્વચ્છતાના માપદંડ પણ બદલાઈ ગયા છે. એક જમાનામાં જે માટીના વાસણમાં રખાતા પાણીમાંથી મીઠી સુગંધ આવતી તે સુગંધ પ્લાસ્ટિકની બોટલમાં રખાયેલા પાણીમાંથી ક્યાંથી આવી શકે.સાથે સાથે પ્લાસ્ટિકના ગેરફાયદા તો ખરા જ. આધુનિક જીવનશૈલી પ્રમાણે આ બધું માન્ય રાખવું જ પડે. એમ જણાય છે કે આનો કોઈ વિકલ્પ નથી. નીચલા મધ્યમ વર્ગના લોકો પણ, ઘરના અન્ય ઉપકરણોની સરખામણીએ, ફ્રીઝની કદાચ સૌથી પહેલી ખરીદી કરશે. ઠંડા પાણી અને ઠંડકની એટલી ટેવ પડતી જાય છે કે પછીથી શરીર અમુક પ્રકારની પરિસ્થિતિને કોઈપણ સંજોગોમાં સ્વીકારી ન શકે. ફ્રીઝમાં તે પ્રકારની પવિત્રતાનો ભાવ પણ નથી, અહીં તો પાણીની સાથે માંસ-મચ્છીનો પણ સંગ્રહ કરાય છે. ફ્રીઝ પર દીવો પણ ન કરાય. ઘરની અંદર પાણિયારાની બાદબાકી થવાથી ઘણા પરંપરાગત અને ધાર્મિક મૂલ્યો નાશ પામ્યા છે એમ કંઈક જણાય છે. જોકે અમુક કુટુંબોમાં આજે પણ પાણિયારાનું મહત્ત્વ છે – પાણિયારાની હયાતી છે.

પાણિયારા પર કવિતાઓ લખાય છે. પાણિયારા શીર્ષકની વાર્તાઓ – નવલકથાઓ લખાય છે. સ્થાપત્યમાં પાણિયારું વિવિધ પ્રકારની ચર્ચાના કેન્દ્રમાં રહે છે. એક રીતે તે સંસ્કૃતિનું પ્રતીક છે તો અન્ય રીતે તે ચોક્કસ પ્રકારની ઉપયોગિતાને કારણે ઊભરતું પરિણામ છે. તેની સાથે એક પ્રકારનો ભાવાત્મક સંબંધ પણ હોય છે અને ચોક્કસ પ્રકારના ધાર્મિક ક્રિયાકાંડમાં તેનું મહત્ત્વ પણ હોય છે. ભલે તે ભૂલાતું જતું હોય અને આધુનિક આવાસમાં તે અસંદર્ભિક બની ગયું હોય પણ ભારતીય સમાજના માનસપટ ઉપર તેની છાપ કાયમી રહેશે. મજાની વાત એ છે કે તેનું અસ્તિત્વ ધર્મના ભેદભાવ વગર સ્વીકારાતું રહ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ… 2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા