ચંબલના સિંહ ગણાતા ડાકુ માનસિંહના જીવન પરથી બાયોપિક બનશે?
ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક
ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સદીના મહાનાયક તરીકે ગણના પામેલા અમિતાભ બચ્ચનનો જન્મ ૧૯૪૨માં. એ હિસાબે ૧૯૫૫ માં એ બાર-તેર વર્ષના હશે. અમિતાભ બચ્ચનના ખુદના કહેવા મુજબ એમના બાળપણના વર્ષોમાં એમણે એક વ્યક્તિ વિષે પુષ્કળ વાતો સાંભળેલી. આ વ્યક્તિ એટલે ખૂંખાર ડાકુ માનસિંહ. ૧૯૫૫માં એક એન્કાઉન્ટરમાં ડાકુ માનસિંહને ઢાળી દેવામાં આવ્યો ત્યાં સુધીમાં એનો ધાક અને લોકપ્રિયતા બંને ચરમસીમાએ પહોંચી ગયેલા.
વેર-ઝેર ને જ્ઞાતિવાદ
રાજસ્થાનનો ધોલપુર જિલ્લો એટલે કુખ્યાત ડાકુઓનું ઘર! ધોલપુરના ચંબલમાં એવો એક ડાકુ માનસિંહ થઇ ગયો, જેને આજે એક ‘ઐતિહાસિક પાત્ર’ ગણવું પડે. ચંબલમાં એક સમયે ડાકુ માનસિંહના નામના સિક્કા પડતા. ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લાથી લગભગ ૫૦ કિલોમીટર દૂર ખેડા રાઠોડ ગામમાં માનસિંહનો જન્મ, પિતા બિહારી રાઠોડ. વયસ્ક થતાની સાથે જ માનસિંહની નેતૃત્વ ક્ષમતા અને વર્તનની ખ્યાતિ ગામમાં ફેલાઈ ગઈ. ગામના નાના -મોટા ઝગડા- ટંટા યુવાન માનસિંહ પોતાની કોઠાસૂઝ મુજબ ઉકેલી આપતો. એ વખતે દેશમાં અંગ્રેજોનું રાજ હતું, અને જ્ઞાતિવાદના વેરઝેર પણ ખરા જ.
ફિલ્મોમાં બનતું આવ્યું છે એમ જ…
માનસિંહના માનપાન વધતા ચાલ્યા, એ ગામના કેટલાક લોકોને ગમ્યું નહિ. જેમાં કેટલાક બ્રાહ્મણો અને
શાહુકારો સામેલ હતા. સમાજમાં માનસિંહનું કદ મોટું થઇ જાય, તો ભોળી જનતાને છેતરવાનું મુશ્કેલ બની જાય, એવું શાહુકારોને લાગ્યું હશે. એટલે કેટલાકે ખુદ માનસિંહની જ જમીન પચાવી પાડવાનો કારસો ઘડી કાઢ્યો. એમાં અંગ્રેજ સરકારના પોલીસખાતાનો ય સાથ લેવામાં આવ્યો. . પોતાની જમીન પર શાહુકારોએ કબજો જમાવ્યો, એની ફરિયાદ લઈને માનસિંહ પોલીસ પાસે ગયો. પોલીસે ઉલટાનું માનસિંહને જ ફટકાર્યો. એટલું ઓછું હોય એમ ‘પાઠ ભણાવવા’ના હેતુસર થોડા દિવસો માટે જેલમાં પૂર્યો! બીજી તરફ ફિલ્મી ગુંડાઓ કરે છે એમ જ શાહુકારોના ગુંડાઓએ માનસિંહની ગેરહાજરીમાં એના પરિવારના સભ્યો પર ત્રાસ ગુજાર્યો અને ધુલાઈ કરી. માનસિંહનો રોષ ભડકાવવા માટે આટલું પૂરતું હતું. જેલમાંથી બહાર આવીને એણે પોતાના પરિવારના પુરુષ સભ્યોને ભેગા કર્યા અને જુલમગારો પર વળતો હુમલો કર્યો. બે બ્રાહ્મણ અને એક શાહુકારને મોતને ઘાટ ઉતાર્યા. જો કે માનસિંહનો ડાકુ બનવાનો કોઈ ઈરાદો નહોતો. એણે તો બસ બદલો લેવો હતો. પણ હત્યાઓ થઇ ગયા બાદ અંગ્રેજ પોલીસથી બચવાનો એક જ રસ્તો હતો, ચંબલની કોતરોમાં ઊતરી જવું. માનસિંહે પણ એમ જ કર્યું, પણ ત્યાં મન ન લાગ્યું. આમેય ડાકુ બનવામાં રસ હતો નહિ, એટલે મામલો ઠંડો પડતા માનસિંહ ગામમાં પાછો ફર્યો. કોઈકે એની ચાડી ખાધી અને પોલીસે એને ઝડપી પાડ્યો, મામલો હત્યાનો હતો એટલે ઉમરકેદની સજા થઇ. આ આખી વાર્તા કોઈ હિન્દી ફિલ્મના પ્લોટ જેવી લાગશે. કદાચ અનેક ફિલ્મોના પ્લોટ માનસિંહના જીવન પરથી લખાયા હોય તો નવાઈ નહિ…
..તો બંગડી પહેરી લો!
માનસિંહના મનમાં હશે કે ઠીક છે, દુશ્મનો સાથે વેર વાળી લીધું, હવે જેલની સજા કાપીને ફરી એક વાર નોર્મલ જીવન જીવી શકાશે. પણ વેર ક્યાં એમ પૂરા થાય? માનસિંહ જેલમાં હતો ત્યારે તલ્કીરામ નામના એક શખ્સે પોલીસને સાધીને માનસિંહના બે યુવાન દીકરાનું એન્કાઉન્ટર કરાવી નાખ્યું! જેલમાં બંધ માનસિંહ લોહીના ઘૂંટડા ગળે ઉતારી ગયો. દસ વર્ષની સજા કાપી લીધા બાદ ૧૯૩૯માં જેલમાંથી છૂટ્યો. કુલ ચાર દીકરામાંથી હવે બે જ બચ્યા હતા. બધું ભૂલીને પત્ની રુકમણી અને બે દીકરા સાથે શાંતિથી જીવવાની ઈચ્છા પણ જોર કરતી હતી, પણ રુકમણીએ એ રોકડી વાત કરી, બે-બે જુવાનજોધ દીકરાના ખૂનનો બદલો જોઈએ, નહિતર બંગડી પહેરી લો! ખલાસ, માનસિંહ માટે હવે સામાન્ય જીવન વ્યતીત કરવાના તમામ રસ્તાઓ બંધ થઇ ચૂક્યા હતા. હવે બાકીનાં વર્ષો લોહીની હોળી રમવામાં જ પસાર થવાના હતા.
ને પછી ચંબલે જોયો સૌથી ખૂંખાર ડાકુ!
માનસિંહે સૌથી પહેલા તલ્કીરામને શોધીને એના રામ રમાડી દીધા. એ પછી અંગ્રેજ સરકારના પોલીસોનો વારો પાડવાનો હતો. તપાસ કરતા ખબર પડી કે એના દીકરાઓને મારવામાં એક-બે નહિ પણ બત્રીસ જેટલા પોલીસ સામેલ હતા. માનસિંહે તમામને વીણી વીણીને ઠાર માર્યા. માનસિંહના તમામ ભાઈ-ભત્રીજા-દીકરાઓ પાસે હવે એક જ માર્ગ હતો, બાગી બનવાનો. આખા પરિવારની ગેંગ બની ગઈ અને તમામ ચંબલના કોતરોમાં ઊતરી ગયા. ૧૯૩૯ થી ૧૯૫૫ સુધી ચંબલમાં ડાકુ માનસિંહની ગેંગે એકચક્રી આધિપત્ય ભોગવ્યું. એ દરમિયાન દેશની સરકાર બદલાઈ ગઈ અને સ્વદેશી રાજ આવ્યું, પણ ચંબલમાં માનસિંહનું રજવાડું બરકરાર રહ્યું. ઉલટાનું આ વર્ષોમાં માનસિંહની ગેંગ વિસ્તરતી ગઈ. એવું કહેવાય છે કે કાયમી અને કામચલાવ – એમ બંને પ્રકારના સભ્યો મળીને કુલ ચારસો ડાકુ માનસિંહની સરદારી હેઠળ કામ કરતા! સોળેક વર્ષના ‘કાર્યકાળ’માં પેલા બત્રીસ પોલીસવાળાઓ સહિત ૧૮૫ હત્યાઓ અને ૧,૧૧૨ જેટલી ધાડ ડાકુ માનસિંહની ગેંગના નામે નોંધાઈ! માનસિંહનું કદ પોલીસવાળાની પહોંચ બહાર વધી ચૂક્યું હતું. મજાની વાત એ હતી કે એમાં માત્ર માનસિંહનો ધાક જવાબદાર નહોતો, બલકે ‘રોબિનહુડ’ તરીકેની છાપ પણ જવાબદાર હતી.
કહેવાય છે કે માનસિંહે અનેક વંચિતો-પીડિતોને ન્યાય અપાવ્યો. નબળા લોકો માટે એ હંમેશાં તારણહાર બની રહ્યો. અનેક ગરીબ દીકરીઓના લગન કરાવ્યા. માનસિંહ તરફે સૌથી મોટું જમા પાસુ એ હતું કે એની ટોળકીએ ક્યારેય કોઈ બળાત્કાર નહોતો કર્યો. સ્ત્રીઓની ઈજ્જત કરવાની માનસિંહની આજ્ઞાનું કડકપણે પાલન કરાતું. સુલતાના નામક એક સભ્યે એક વાર જરા અળવીતરા થવાની કોશિશ કરી તો એને તરત ગેંગમાંથી તગેડી મુકાયો!
આ બધાં કારણોને લીધે માનસિંહ પ્રજા માટે એક ડાકુને બદલે રાજા જેવો બની રહ્યો. ‘ગાંધી પીસ ફાઉન્ડેશન’ના સભ્ય સાલેમ સુબ્બારાવે પોતાના એક લખાણમાં રસપ્રદ નોંધ કરી છે. સાલેમે ૧૯૫૩માં ડાકુ માનસિંહને સ્ટેજ પરથી ભાષણ આપતા સાંભળેલો. એ સમયે પોલીસ માટે એ મોસ્ટ વોન્ટેડ ગુનેગાર હતો, પણ એને જાહેર મંચ પરથી બોલતો સાંભળવા લોકોના ટોળેટોળા મોટી સંખ્યામાં હાજર હતા અને કોઈની હિમ્મત નહોતી કે માનસિંહની ધરપકડ કરે! સાલેમ સુબ્બારાવના કહેવા મુજબ, એમની ધારણાથી વિપરીત, માનસિંહ વાણી-વર્તનમાં ખૂંખાર ડાકુને બદલે ખૂબ પ્રેમાળ વ્યક્તિ જણાતો હતો. જો માનસિંહ લોકોનું હિત તડકે મૂકીને રાજકારણમાં જોડાઈ ગયો હોત, તો લાંબો સમય નેતાગીરી કરી શક્યો હોત, પણ એવું ન બન્યું. પોલીસે માનસિંહને ઠેકાણે પાડવા વિશેષ ટુકડીની રચના કરેલી. આ ટુકડીએ ૧૯૫૫માં માનસિંહ અને એના દીકરાનું એન્કાઉન્ટર કરી નાખ્યું. એવું માનવામાં આવે છે કે આ અથડામણ પહેલા દગાપૂર્વક એના ભોજનમાં ઝેર ભેળવવામાં આવેલું. એ પછી બેભાન થઇ ગયેલા માનસિંહને અને કેટલાક સાથીદારોને ગોળી મારી દેવામાં આવી!
-તો આ હતી ચંબલના સૈથી ખૂંખાર અથવા સૌથી મહાન ડાકુ માનસિંહની કથા. ડાકુ માનસિંહ અને એની પત્ની રુક્મણીનું મંદિર સુધ્ધાં બનાવાયું છે, જ્યાં આજે ય ઘણા પૂજા કરે છે! આશ્ર્ચર્યજનક રીતે તમામ મસાલાથી ભરપૂર એવી આ કથા પરથી ભાગ્યે જ કોઈએ ફિલ્મ ઉતારી. ૧૯૭૧માં આપણા ગુજરાતી દિગ્દર્શક અને કેમેરાના કસબી બાબુભાઈ મિસ્ત્રીએ દારા સિંહને લઈને ‘ડાકુ માનસિંહ’ ઉતારી. એ પછી ઠેઠ ૨૦૧૯માં આવેલી ફિલ્મ ‘સોનચીડિયા’માં મનોજ બાજપાઈનું પાત્ર માનસિંહથી પ્રેરિત હોવાનું કહેવાયું. અનેક ફિલ્મોમાં તમને માનસિંહના જીવન પ્રસંગો જડી આવશે, પણ સંપૂર્ણપણે માનસિંહની બાયોપિક હજી નથી બની!