હાલોને કીડીબાઇની જાનમાં…
નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી
સંત કવિ ભોજા ભગતનું ભજન છે :
કીડી બિચારી કીડલી ને કીડીના લગનીયા લેવાય, પંખી પારેવડાને નોતર્યા…હે કીડી ને આપ્યા સન્માન હાલો ને કીડીબાઇની જાનમાં….’
.
ભારતીય ભક્તિ અને આધ્યાત્મિક પરંપરાની સૂક્ષ્મતા આપણા તમામ પ્રકારના પ્રાચીન, અર્વાચીન અને આધુનિક સાર્જનોમાં મળી આવશે. વસુધૈવ કુટુંબકમ’ની આપણી વિચારધારા ભારતીય જીવનદર્શનમાં સાંગોપાંગ વણાયેલી છે . . . જીવનમાં તફલીફોનો સામનો કરી રહેલા લોકોને આશ્ર્વાસન આપવા આપણે કહીએ જ છીએ તેમ ‘કીડીને કણ, અને હાથીને મણ’ મળી જ રહે છે ને? આપણી લોકવાર્તાઓમાં કીડીબાઈએ તો હાથીના અભિમાન પણ ઉતાર્યાની કથા છે. કીડી જો બોલી શકે તો એ જરૂર આ ગીત ગાતી સંભળાય છોટા બચ્ચા જાન કે ના કોઈ આંખ દિખાના રે… સતત પરિશ્રમને આપણે ‘કીડી કર્મ’ તરીકે પણ ઓળખીએ છીએને તો ચાલો, આપણે જેને તુચ્છ સમજીએ છીએ તેવી કીડીબાઈ એટલે એ પણ તુચ્છ નથી હો…
ભલે આપણે દેખતા ન હોઈએ, પરંતુ કીડી એક એવો જીવ છે જે સમગ્ર પૃથ્વી પર અત્ર-તત્ર- સર્વત્ર વિદ્યમાન છે. કીડીઓની સેંકડો જાતિઓમાંની અમુક પ્રજાતિઓ તો ખરેખર અનન્ય છે. આપણને આશ્ર્ચર્ય જરૂર થશે, પરંતુ પ્રકૃતિ વૈજ્ઞાનિકોએ કીડીઓની સામાજિક વર્તણૂકથી લઈને તેમની ટ્રાફિક પેટર્ન સુધીના વિષયો પર બૃહદ અભ્યાસ કર્યા છે.આવો, જાણીએ આવા થોડા આચરજકારક એવા કીડીનાં તથ્યો…
કીડીના રાફડા આપણી ધારણા કરતાં ઘણા મોટા હોય છે.આપણે માનીએ છીએ કે રાફડા માત્ર ઊધઈ અને સાપના જ હોય છે, પરંતુ કીડીના પણ રાફડા હોય છે અને તે અનેક આકાર અને કદમાં જોવા મળે છે. કીડીની અમુક પ્રજાતિઓ પોતાની વસાહતોમાં નાની સંખ્યામાં રહે છે. જ્યારે અમુક કીડીની વસાહતમાં હજારોની સંખ્યામાં કીડીઓ હોય છે. નાની વસાહતો કુદરતી તિરાડો અથવા ખુલ્લામાં બનેલી હોય છે, જ્યારે મોટી વસાહતો વિશાળ માળા આકારે હોય છે. દુનિયામાં કીડીઓની સુપર કોલોનીઓ પણ હોય છે, જેમાં ૩૦ લાખથી પણ વધુ કીડીઓ નિવાસ કરે છે. આવી સુપર કોલોનીઓ જાપાન,ઓસ્ટ્રેલિયા,યુનાઇટેડ સ્ટેટ્સ અને દક્ષિણ યુરોપમાં નોંધાઈ છે.
દરેક કીડીની પોતાની જવાબદારી હોય છે. કીડીઓ સામાજિક જીવ છે. તેમની દરેક વસાહતમાં વિવિધ પ્રકારની કીડીઓ વચ્ચે નોકરીઓ એટલે કે જવાબદારીઓની વહેંચણી કરવામાં આવી હોય છે. કીડીઓની મહા-રાણીઓનું એક જ કામ હોય છે – અને તે છે ઈંડાં મૂકવાનું. અન્ય તમામ માદા કીડીઓ કામદાર વર્ગમાં આવે છે. કામદાર કીડીઓ લાર્વાનું પેટ ભરવાનું કાર્ય કરે છે, વસાહતમાંથી કચરો બહાર કાઢે છે,ખોરાક અને સંગ્રહ માટે ખોરાક એકઠો કરે છે અથવા જરૂર પડે માળાનું રક્ષણ પણ કરે છે. નર કીડીઓનું એકમાત્ર કામ રાણી સાથે સંવનન કરવાનું હોય છે.
કીડીઓને કાન હોતા જ નથી. કાનથી સાંભળવાને બદલે કીડીઓ જમીનમાં ઉઠતાં સ્પંદનો અનુભવીને જટિલ રીતે “સાંભળે છે”. કીડીના પગ પર અને તેમના ઘૂંટણ પરના વિશિષ્ટ સેન્સર કીડીઓને તેમની આસપાસના સ્પંદનોના સંકેતોનું અર્થઘટન કરવામાં મદદ કરે છે. તેઓ તેમના એન્ટેના અને તેમના શરીર પરના વાળનો ઉપયોગ ખોરાક શોધતી વખતે સુપેરે કરે છે.
કીડીની એક પ્રજાતિમાં ફક્ત માદા કીડીઓ જ હોય છે. સંશોધકો ‘એમ.સ્મિથી’ નામની ઓળખાતી આ કીડીની પ્રજાતિનો નર હજુ સુધી શોધી શકયા નથી. રાણી કીડી પોતે જાતે જ પ્રજનન કરે છે,તેથી તેના તમામ સંતાનો રાણીના ક્લોન્સ એટલે કે તેની કાર્બન કોપી જ હોય છે. આ પ્રજાતિ મધ્ય અમેરિકાના કેટલાક દેશો અને દક્ષિણ અમેરિકાના મોટાભાગના દેશોમાં જોવા મળે છે.
ઝોમ્બીના મૂવીઝ જોઈને આપણે ડરી જઈએ છીએ, પરંતુ આપણે જાણતા નથી કે અમુક કીડીઓ ઝોમ્બી બની શકે છે. ઝોમ્બી એટલે જાદુ-ટોણાથી સજીવન કરેલું શબ… કદાચ કીડીની આ ખાસિયત પ્રાણી જગતમાં સૌથી વિચિત્ર છે. ફૂગની એક પ્રજાતિ હોય છે જેનો ચેપ કીડીઓને લાગી જાય છે અને આ ચેપ કીડીના શરીરને પોતાના નિયંત્રણમાં લઈ લે છે. ફૂગ કીડીના એક્ઝોસ્કેલેટનની નીચે ઘૂસી જઈને તેની નરમ પેશીઓને ખાવાનું શરૂ કરે છે. થોડા સમય બાદ ઝોમ્બી બની ગયેલી કીડી અકળ રીતે પોતાની વસાહત છોડી દે છે. ત્યાર બાદ ઝોમ્બી બનેલી કીડી એક પાન શોધીને તેને ચોંટી જાય છે ત્યાં જ મૃત્યુ પામે છે. થોડા દિવસો પછી,ફૂગ વધુ કીડીઓને સંક્રમિત કરી દે છે. કીડીની કેટલીક પ્રજાતિઓએ આવા આવી ઝોમ્બી બનેલી કીડીઓને ઓળખવાનું શીખી લીધું છે અને બાકીની વસાહતની સુરક્ષા માટે તેમને વસાહતથી દૂર પણ લઈ જાય છે!
આમ તો આ વાત ખૂબ જાણીતી વાત છે, છતાં તેને અવગણી શકાય નહીં. કીડીઓ પોતાના શરીરના વજન કરતા ૧૦ થી ૫૦ ગણો વધુ ભાર ઊંચકી શકે છે. કીડીઓ ખૂબ નાની હોવાને કારણે,તેમના સ્નાયુઓ મોટા પ્રાણીઓ કરતાં તેમના શરીરના જથ્થાની તુલનામાં વધુ જાડા હોય છે. એક ઉદાહરણ લઈએ તો મનુષ્ય જો કીડીની માફક પોતાના વજનથી ૧૦ ગણો ભાર ઉપાડી શકે,તો ૨૦૦ પાઉન્ડનો માણસ તેના માથા ઉપર એક નાની કાર ઉપાડી શકે !
કેટલીક કીડીઓ વિચરતી જાતિની હોય છે. કીડીની બધી પ્રજાતિઓ માળો બાંધતી નથી. આર્મી એન્ટ એટલે કે સૈનિક કીડી તરીકે ઓળખાતી લગભગ ૨૦૦ જેટલી પ્રજાતિઓના સમૂહમાં તેમના જીવનના બે તબક્કા હોય છે. વિચરતી અને સ્થિર. વસાહતના વિચરતા હોવાના તબક્કા દરમિયાન, કીડીઓ આખો દિવસ મુસાફરી કરે છે, અન્ય વસાહતો
અને જંતુઓ પર હુમલા કરે છે. રાત્રે, એ બધા કામચલાઉ માળો બાંધે છે અને બીજા દિવસે સવારે આગળ વધતી રહે છે. જ્યારે રાણી ઇંડા મૂકે છે અને વસાહત તેમના ઇંડા બહાર આવવાની રાહ જોતી હોય છે ત્યારના સ્થિર તબક્કા દરમિયાન, આ વિચરતી કીડીઓ મુસાફરી કરવાનું બંધ કરે છે. આ સમય દરમિયાન,કામદાર કીડીઓ રાણી,ખોરાક અને ઇંડાના રક્ષણ માટે તેમના પોતાના શરીરનો જ માળો બનાવે છે.
કીડીઓ પૃથ્વી પર લગભગ દરેક જગ્યાએ જોવા મળે છે. એન્ટાર્કટિકા સિવાય પૃથ્વી પરના દરેક ખંડમાં કીડીઓ જોવા મળે છે. ગ્રીનલેન્ડ જેવા કેટલાક ટાપુઓમાં કોઈ મૂળ કીડીની પ્રજાતિ નથી,પરંતુ પ્રવાસી માનવીઓ કીડીઓ કિડીઓને ત્યાં લાવ્યા છે.