સ્થાપત્યનું વાઈ-ફાઈ: ઝી-લાઈન આવાસ – સેમારંગ – ઈન્ડોનેશિયા આવાસની રસપ્રદ ખાંચાખૂંચી

- હેમંત વાળા
ઈન્ડોનેશિયાના સેમારંગ નગરનું આ સ્થપતિ રેવાનો સાત્રિઆ દ્વારા નિર્ધારિત કરાયેલ અને સન 2019મા પૂર્ણતાને પામેલ આંતરરાષ્ટ્રીય સ્તરે વખણાયેલું આ આવાસ છે. આવાસની વિવિધ ઉપયોગીતા ને જુદા જુદા આકારમાં રસપ્રદ રીતે પ્રયોજી તેની સાથે પ્રકાશ અને અનુભૂતિનું જે નાટક રચાયું છે તે આ આવાસની ખાસિયત છે – અને આ બધાનાં કેન્દ્રમાં લટકતો હોય તેમ જણાતો સ્વિમિંગ પૂલ છે.
અહીં ભૂમિતિની મજા છે. આવાસનું તલ દર્શન – પ્લાન જોતાં જણાશે કે એક મોટા લંબચોરસની અંદર ત્રાસમાં જુદા જુદા સ્થાનો ગોઠવીને ઉપયોગમાં લઈ શકાય તેવી આકસ્મિક જગ્યાઓ ઊભી કરાઈ છે. આનાથી સ્થાન અનુભૂતિમાં નાટકીયતા આવે છે. તે ઉપરાંત પણ દેખાવ માટે ક્યાંક ખૂણાદાર ભાગ બહાર કઢાયો છે. આમ તો આ આવાસનો મૂળ આકાર એકદમ મૂળભૂત અને સાદો છે પણ તેના વિગતિ-કરણથી ખૂણાદાર – પાસાદાર રચનાની અનુભૂતિ થાય છે. સરળ ભૌમિતિક આકાર અને જટિલ વિગતી-કરણ વચ્ચેનું સંતુલન રસપ્રદ છે.
1100 ચોરસ મીટરના આ ત્રણ માળના આવાસમાં નીચેના માળે ગેરેજ તથા સંરચનાકીય વ્યવસ્થાનું આયોજન કરાયું છે. પછી ઉપરના માળે કૌટુંબિક સંસ્થાનો અને પછી શયન કક્ષ રખાયા છે. આનાથી કુટુંબના સ્તરે જરૂરી ગોપનીયતા જળવાઈ રહે છે. આવાસના સ્થાન નિર્ધારણમાં એવી કંઈ ખાસ વિશેષતા નથી, અને કદાચ હોવી પણ ન જોઈએ.
આ પણ વાંચો…સ્થાપત્યનું વાઈ-ફાઈ : `બિયોન્ડ ધ એજ’ પ્રવાસી કેન્દ્ર – સર્ગે – પોર્ટુગલ કલ્પનાની રોમાંચક દુનિયા
આવાસની અન્ય ખાસિયતમાં ઉષ્ણકટિબંધીય આબોહવામાં પાણીના કુંડ થકી તાપમાનને નિયંત્રિત કરી શકે તેવી ભૌમિતિક ગોઠવણ, પવનની દિશાને ધ્યાનમાં રાખીને પૂર્વ અને પશ્ચિમનાં વરંડાનું અસરકારક આયોજન, ઘરના આગળના ભાગમાં રાખવામાં આવેલ 7.00 મીટર લાંબો કેન્ટીલીવર્ડ સ્વિમિંગ પૂલ, ઘરના આગળના ભાગમાં અનુભવાતી મોકળાશ જેવી બાબતોનો સમાવેશ થાય છે. આકસ્મિક રીતે ઊભી થતી ખૂણાદાર જગ્યાઓનો જે રીતે અનુભૂતિ માટે તથા ઉપયોગીતા માટે નિર્ધારણ થયું છે તે રસપ્રદ છે. આ આકસ્મિક જગ્યાને કારણે જ તેનો આકાર અંગ્રેજી અક્ષર ઝેડ જેવો ઊભરતો હોવાથી તેનું નામ જ ઝી-લાઈન આવાસ બની ગયું.
ભૌમિતિક આકારોનું અનુસરણ થયું હોવા છતાં આ આવાસના સ્થાનમાં એક પ્રકારની પ્રવાહિતતા ઊભી થાય છે. આમ તો આ પ્રકારની સ્થાપત્ય શૈલી નવી ન ગણાય પણ જે રીતે તેને આખરી ઓપ આપવામાં આવ્યો છે તેનાથી તેની સ્થાપત્યકીય કિમત વધી ગઈ છે. એક વિશાળ ભૌમિતિક આકાર સાથે થોડા ત્રાસમાં મુકાયેલા અને તે જ પ્રકારના ભૌમિતિક આકારોથી સાતત્યતા પણ સર્જાય છે અને વિરોધાભાસ પણ વર્તાય છે. આ બધાંની વચ્ચે આ જ શૈલીથી પહેલા માળે બનાવાયેલ સ્વિમિંગ પૂલ સમગ્ર આવાસના આત્મા સમાન છે. તેની સાથે બધું જ સંકળાયેલું છે – વાસ્તવિકતામાં અને દ્રષ્ટિથી. આખા આવાસને કરાયેલ સફેદ રંગથી સાતત્યતામાં વધારો થાય છે અને વિરોધાભાસ કંઈક અંશે મંદ થાય છે. આકારની આ પ્રકારની ગોઠવણથી વરસાદના પાણીના નિકાલની વ્યવસ્થા પણ અસરકારક બની રહે છે.
સ્થપતિ દ્વારા આ આવાસને વિશેષ રીતે આગવું બનાવવાનો પ્રયત્ન કરાયો છે. આ પ્રકારનો આગ્રહ લગભગ દરેક જગ્યાએ જોવા મળે છે. દરેક કુટુંબ – દરેક સંપન્ન વ્યક્તિ એમ ઈચ્છે કે પોતાનું આવાસ નજરે ચડે તેવું હોવું જોઈએ – તેની પ્રશંસા થવી જોઈએ – તેની ઓળખ બંધાવી જોઈએ; અને આ બધા માટે કંઈ ને કંઈ નીતનવાં અખતરાં થતાં રહે છે.
આ પણ વાંચો…સ્થાપત્યનું વાઈ-ફાઈ : બોઝિઝ ચેપલ-સાઉથ આફ્રિકા પ્રતીકાત્મક લયબદ્ધ દૃઢતા
ક્યારેક તો આ પ્રકારનો આગ્રહ ઘેલછા બની રહે છે, અને તેમાં જો સ્થપતિની ક્ષમતા ઓછી હોય તો આવાસ વિચિત્ર બની રહે. અહીં એમ નથી થતું. અહીં ધ્યાનાકર્ષતા સાથે સૌમ્યતા પણ છે. અહીં આધુનિકતા સાથે પરંપરા પણ છે. અહીં નવી તકનીકની ઉપયોગિતામાં સંયમ છે. અહીં જુદા પડવાનો ભાવ છે પણ તે ભાવ સીમાની અંદર કાર્યરત થાય છે. અહીં દંભ નથી. આ આવાસ કોઈ નકારાત્મક અસર નથી છોડતું. રસ્તે પસાર થનાર વ્યક્તિના માથા પર આ આવાસ ભટકાશે નહીં.
એમ કહી શકાય કે આ આવાસની રચના પેરામેટ્રીક સ્થાપત્યના અભિગમ સાથે શરૂ થઈ અને ધીમે ધીમે તેનું સરળીકરણ કરાયું જેથી અનિચ્છનીય દ્રશ્ય અનુભૂતિથી મુક્તિ મળી. આમ તો આ આભાર 20.00 × 40.00 × 8.00 મીટરના એક ઘનાકાર ચોસલા જેવું જ છે પણ જે રીતે તેનું વિગતિકરણ થયું છે તેને કારણે અહીં ભૌમિતિક ગણતરી અને શિલ્પમય નિર્ણયનો સમન્વય શક્ય બન્યો છે.
આવાસ બની ગયા પછી ગ્રાહકના પ્રતિભાવ અનુસાર એમ કહી શકાય કે આ આવાસ માટે તેને ગર્વ પણ છે અને સંતોષ પણ. તેના કહેવા પ્રમાણે અહીં તેની ઉપયોગીતા પણ સચવાઈ જાય છે અને ભાવનાત્મક ઈચ્છા પણ પ્રતિબિંબિત થાય છે. વાસ્તવમાં આ એક સફળ રચના કહેવાય.
જરૂરિયાત કરતાં થોડું વધારે આપતું આ આવાસ છે. સાથે સાથે જરૂરિયાત પણ લગભગ ન્યૂનતમ છે. અહીં બિનજરૂરી વિશાળતા નથી કે નથી બિનજરૂરી સંકડાશ. રહેણાંકીય પ્રમાણમાં અહીં દરેક જગ્યાએ સ્થાપિત થાય છે. આ એક સરળ અને સ્વીકૃત રચના છે. બાંધકામ અને રચનાના અગત્યના પાસા વચ્ચે તાલમેલ સાધવાનો આ એક પ્રયત્ન છે.
જેમ અત્યારની દરેક રચનામાં થતું આવ્યું છે તેમ આ રચના માટે પણ મોટી મોટી પર્યાવરણની, આબોહવાની અને ભવિષ્યની ચિંતાની વાતો કરાઈ છે. પણ આ વાતો સ્વીકારવી થોડી અઘરી છે. એક રીતે હવે આવી વાતો કરવી એ એક પ્રથા તેમજ ફેશન થઈ ગઈ છે. પરિસ્થિતિને જેમની તેમ સ્વીકારવાની જરૂર છે. મોટી મોટી વાતો કરવાથી ક્યાંક સારી વાતો પણ બાજુમાં ધકેલાઈ જતી હોય તેમ જણાય છે.