Assembly Election: થાણેમાં 23.41 કરોડના દાગીના અને રોકડ જપ્ત
મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભા (Assembly Election 2024)ની ચૂંટણીને લઇ આચારસંહિતા લાગુ થયા બાદ થાણેમાં અત્યાર સુધીમાં સત્તાવાળાઓએ રોકડ, દાગીના તથા અન્ય વસ્તુઓ સહિત 23.41 કરોડની મતા જપ્ત કરી હતી, જ્યારે દહિસરમાંથી 1.43 કરોડનું સોનું પકડવામાં આવ્યું હતું.
11 નવેમ્બર સુધી કુલ 18 મતદાક્ષેત્રોમાંથી 12.41 કરોડની રોકડ, 2.22 કરોડ રૂપિયાનો દારૂ, 1.64 કરોડ રૂપિયાની અંદાજિત કિંમતનો નશીલો પદાર્થ, 23.26 કરોડ રૂપિયાના દાગીના તથા અન્ય કીમતી ચીજવસ્તુઓ તેમ જ 6.89 કરોડની કિંમતની મફત વિતરણ માટેની સામગ્રી જપ્ત કરવામાં આવી હતી.
આ પણ વાંચો: કાલબાદેવીમાંથી 2.30 કરોડની રોકડ જપ્ત: 12 જણ તાબામાં
જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી અશોક શિંગારેએ જણાવ્યું હતું કે આ પગલાંઓ જિલ્લા વહીવટીતંત્રની આચારસંહિતાના અમલ તથા ચૂંટણી પ્રક્રિયાને કોઇ અન્યાયી વગથી દૂર રાખવાની કટિબદ્ધતાઓ દર્શાવે છે. થાણે શહેરમાં ચૂંટણી મેદાનમાં રહેલા અગ્રણી ઉમેદવારોમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અને શિવ સેનાના વિધાનસભ્ય પ્રતાપ સરનાઇકનો સમાવેશ છે.
દહિસરમાં 1.43 કરોડનું સોનું પકડાયું
ચૂંટણી પંચની સ્ટેટિક સર્વેલન્સ ટીમે (SST) દહિસર વિસ્તારમાંથી 1.43 કરોડની કિંમતનું 1.95 કિલો સોનું પકડી પાડ્યું હતું. દહિસરમાં રવિવારે રાતે બેગ લઇને જઇ રહેલા બે શખસ પર એસએસટીની નજર પડી હતી.
આ પણ વાંચો: ભિવંડીમાંથી 2.3 કરોડ રૂપિયાની રોકડ જપ્ત…
તેમની હિલચાલ શંકાસ્પદ જણાતાં બંનેને આંતરવામાં આવ્યા હતા. તેમની પાસેની બેગની તલાશી લેવામાં આવતાં સોનાની બંગડીઓ મળી આવી હતી. બંનેએ દાવો કર્યો હતો કે તેઓ જ્વેલરી પોલિશિંગ યુનિટમાં કામ કરે છે, પણ દાગીના અંગે જરૂરી દસ્તાવેજો રજૂ કરવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા. એસએસટીએ ઉપરોક્ત દાગીના જપ્ત કર્યા હતા અને આ અંગે ઇન્કમ ટેક્સ વિભાગને જાણ કરી દેવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે 20 નવેમ્બરે થનારી ચૂંટણી અગાઉ રાજ્યમાં એસએસટીને તહેનાત કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 બેઠક માટે 20 નવેમ્બરે મતદાન થશે અને 23 નવેમ્બરે પરિણામ જાહેર થશે.