કાળઝાળ ગરમીએ કચ્છીઓને રોક્યાઃ બપોરે બે વાગ્યા સુધીમાં આટલા ટકા થયું મતદાન
ભુજઃ સમગ્ર રાજ્યની લોકસભાની ૨5 બેઠકો પર આજે ચાલી રહેલા મતદાનમાં સરહદી કચ્છમાં સવારના સાત વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીમાં સરેરાશ ૩૫.૨૬ ટકા જેટલું પ્રમાણમાં ઓછું મતદાન થયું છે. સૌથી વધુ ૩૭.૬૩ ટકા મતદાન માંડવીમાં નોંધાયું છે. જ્યારે,સૌથી ઓછું ગાંધીધામમાં ૩૦.૩૬ ટકા અને સીમાવર્તી રાપરમાં ૩૦.૯૪ ટકા મતદાન નોંધાયું છે.
કચ્છના જુદા જુદા મતવિસ્તારોમાં થયેલા મતદાનની ટકાવારીના
અબડાસાઃ ૩૫.૬૩ %
અંજારઃ ૩૩.૨૬ %
ભુજઃ ૩૬.૮૮ %
ગાંધીધામઃ ૩૦.૩૬ %
માંડવીઃ ૩૭.૬૩ %
રાપરઃ ૩૦.૯૪ %
ઉલ્લેખનીય છે કે,કચ્છની લોકસભાની બેઠક પર ભાજપના વિનોદ ચાવડા અને કોંગ્રેસના નિતેશ લાલન વચ્ચે સીધો જંગ છે. આજે સવારથી જ ભુજ સહીત કચ્છના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં ચૂંટણીનો ધમધમાટ જોવા મળ્યો હતો અને નાગર ચકલા,ઉપલીપાળ રોડ,પાળેશ્વર ચોક,દરબારગઢ સહિતના જુના ભુજના વિસ્તારોમાં વધુ ઉત્સાહ જોવા મળતો હતો. જયારે નવા ભુજમાં લોકોએ રજાી રાહત માણવાનું પસંદ કર્યું હોય તેમ ઓછા લોકો મતદાન કરવા નીકળ્યા હતા. બપોરે બાર વાગ્યા બાદ પોલિંગ બુથ પર રડ્યાખડ્યા મતદારો જોવા મળતા હતા.
મતદાન યાદીમાં ક્યાંક નામ ન હોવાથી થોડી નારાજગી જોવા મળી હતી, તો ભુજની ભાગોળે આવેલા માધાપર ગામના કન્યાશાળાના મતદાન મથકમાં બોગસ વોટિંગ થયું હોવાની ગંભીર ફરિયાદ ક્ષત્રિય આગેવાન રણજીતસિંહ જાડેજાએ કરી હતી જે અંગે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
કાળઝાળ ગરમીના કારણે મતદાન પર અસર થવાની પહેલાંથી આશંકા હતી. જિલ્લામાં આજે ભુજમાં ગરમીનો પારો ૪૨ ડીગ્રી, નલિયામાં ૩૭, કંડલા પોર્ટમાં ૩૭.૬ અને કંડલા એરપોર્ટ ખાતે ૩૯ ડીગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયો હતો. સાંજ સુધી મતદાનની ટક્કાવારી ઊંચી આવે તેવી આશા સેવાઈ રહી છે