…તો શરદ પવાર ‘મહાયુતિ’ સાથે હાથ મિલાવી શકેઃ રાણેના દાવાએ ઉદ્ધવ-કોંગ્રેસનું ટેન્શન વધાર્યું
મુંબઈ: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થવાને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે ત્યારે એક ચોંકાવનારા સમાચાર જાણવા મળ્યા છે. વિધાનસભા ચૂંટણી માટે મોટા ભાગના એક્ઝિટ પોલમાં સંકેત આપવામાં આવ્યા છે કે રાજ્યમાં મહાયુતિ સત્તામાં આવશે. ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના સંસદસભ્ય નારાયણ રાણેએ દાવો કર્યો છે કે પરિણામ આવ્યા પછી શરદ પવાર એમવીએ (મહાવિકાસ આઘાડી) છોડીને મહાયુતિ સાથે હાથ મિલાવી શકે છે.
નારાયણ રાણેના કહેવા અનુસાર ‘શરદ પવારની બે વિચારસરણી છે. કોઈ પણ ક્ષણે પક્ષના વિધાનસભ્યોનું હિત જાળવવા શરદ પવાર રાજ્યના હિતમાં નિર્ણય લઈ શકે છે.’ નારાયણ રાણેએ કરેલા દાવાને કારણે હવે વિરોધ પક્ષ અને શરદ પવારના સાથી પક્ષ કોંગ્રેસ અને ઉદ્ધવ ઠાકરે (યુબીટી)ની ચિંતામાં વધાર્યો કર્યો છે.
આ પણ વાંચો: Election Result: મહારાષ્ટ્રમાં વધેલું મતદાન કોનું વધારશે ટેન્શન?
વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ શરદ પવાર કોઈની પણ તરફ ઝૂકી શકે છે. શરદ પવાર ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસનો સાથ છોડી દેશે.. તેઓ મહાયુતિ સાથે હાથ મિલાવી શકે છે. એકંદરે રાજ્યમાં મહા વિકાસ આઘાડી સરકાર કોઈ પણ સંજોગોમાં નહીં બને અને ઉદ્ધવ ઠાકરે ફરી ક્યારેય મુખ્ય પ્રધાન નહીં બની શકે.
નારાયણ રાણેના આ દાવાથી મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે. જો શરદ પવાર ખરેખર મહાયુતિ સાથે હાથ મિલાવે તો તે મહારાષ્ટ્રના રાજકારણમાં જબરદસ્ત વળાંક આવશે.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર ચૂંટણીઃ વિનોદ તાવડેના બહાને રાહુલ ગાંધીએ PM મોદીને શું માર્યો ટોણો?
નારાયણ રાણેએ વધુમાં જણાવ્યું હતું કે વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે માટે રસ્તા પર ચાલવું મુશ્કેલ બની જશે. સંજય રાઉતએ શિવસેના બરબાદ કરી છે. શિવસેનાનું હવે પહેલા જેવું વર્ચસ્વ રહ્યું નથી. ઉદ્ધવ ઠાકરે જ્યારે મુખ્ય પ્રધાન હતા ત્યારે માત્ર બે દિવસ મંત્રાલય ગયા હતા.
વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ એકનાથ શિંદેને મુખ્ય પ્રધાનપદ ન આપવામાં આવે અને પરિણામ બાદ એકનાથ શિંદે શરદ પવાર સાથે મુખ્યમંત્રી પદ માટે જાય તો એવી સંભાવના વિશે શિંદે જૂથના નેતા સંજય શિરસાટે જણાવ્યું હતું કે ‘શિંદે જે પણ નિર્ણય લેશે, અમે તેમની સાથે જઈશું.’