મુંબઈ લોકોને જોડવા માગે છે અને કૉંગ્રેસ અને સાથીઓ સમાજને તોડવા માગે છે: વડા પ્રધાન નરેન્દ્ર મોદી
શિવાજી પાર્કની છેલ્લી રેલીમાં કહ્યું કોંગ્રેસે મુંબઈનો જરા પણ વિકાસ કર્યો નથી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે મુંબઈ આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુંબઈગરાના સ્પિરિટ અને મુલ્યોની પ્રશંસા કરતાં કહ્યું હતું કે કૉંગ્રેસના નેતૃત્વ હેઠળની મહાવિકાસ આઘાડીની તાસીર મુંબઈની તાસીર કરતાં વિરુદ્ધ હોવાથી તેઓ મુંબઈનો વિકાસ કરી શકશે નહીં.
ભાજપના સ્ટાર પ્રચારકે શિવાજી પાર્કમાં મહારાષ્ટ્રમાં પ્રચારની છેલ્લી સભાને સંબોધતાં કહ્યું હતું કે આપણા દેશમાં આઝાદી મળ્યા પછી ઘણા દાયકાઓ સુધી કોંગ્રેસની સરકાર હતી અને મહારાષ્ટ્રમાં પણ. પરંતુ તેણે મુંબઈ માટે કોઈ પ્રોજેક્ટ કે પ્લાન બનાવ્યો ન હતો. કોંગ્રેસની નીતિ સંપૂર્ણપણે મુંબઈથી વિરુદ્ધ છે. મુંબઈ સખત પરિશ્રમ, આગળ વધવાના ઉત્સાહ અને પ્રમાણિકતા માટે વખણાય છે, પરંતુ કોંગ્રેસ માત્ર ભ્રષ્ટાચાર કરે છે અને વિકાસના કામોમાં અવરોધ ઊભા કરે છે, તેમણે મેટ્રો, અટલ સેતુનો વિરોધ કર્યો હતો. જ્યારે અમે યુપીઆઈ અને ડિજિટલ ઈન્ડિયાના સપના જોતા હતા ત્યારે કોંગ્રેસ તેની મજાક ઉડાવતી હતી. આવી વિચારધારા ધરાવતા લોકો મુંબઈને આગળ લઈ જઈ શકે નહીં. મુંબઈમાં આખી દુનિયામાંથી લોકો આવે છે. અલગ અલગ ધર્મના અલગ અલગ ભાષા બોલતા લોકો એકસાથે રહે છે, મુંબઈ એકબીજાને જોડવા માગે છે, પરંતુ કોંગ્રેસ અને તેના ગઠબંધનના સાથીઓ લોકોમાં ભાગલા પાડે છે, એમ જણાવતાં નરેન્દ્ર મોદીએ એવો આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ અને મહાવિકાસ અઘાડીના લોકો જાતિ અને સમુદાયના લોકો વચ્ચે ઝઘડો કરાવી રહ્યા છે.
આ પણ વાંચો: નાશિકમાં ભાજપ-શરદ પવારના જૂથ વચ્ચે અથડામણ, જાણો કારણ?
હું આજે તમને જવાબદારીપૂર્વક જણાવવા માંગુ છું કે તમારા સપના અમારા સંકલ્પો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એમ પણ કહ્યું હતું કે તમારા સપના માટે અમે છીએ અને તમે તેને પૂર્ણ કરવા માટે સખત મહેનત કરવાની ખાતરી આપી છે. આજે વિશ્ર્વના દરેક દેશ તેમના મોટા શહેરોને આધુનિક બનાવી રહ્યા છે. અમે મુંબઈ માટે આ સપનું મહાયુતિ તરીકે જોયું છે. એટલા માટે અમે વિકાસના ઘણા કામો કરી રહ્યા છીએ. અમે મુંબઈની કનેક્ટિવિટીના દરેક મુદ્દાને ઉકેલવા માટે ઝડપી પગલાં લઈ રહ્યા છીએ. મુંબઈમાં લાખો-કરોડોનાં વિકાસનાં કામ ચાલી રહ્યાં છે. મુંબઈ મેટ્રો, લોકલ ટ્રેન, હાઈવે, એરપોર્ટ દરેક દિશામાં ઝડપથી કામ થઈ રહ્યું છે, એમ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું.
રાજકારણમાં એકબીજા પર પ્રહારો થાય તે સમજી શકાય, પરંતુ જ્યારે પ્રશ્ર્ન દેશનો હોય ત્યારે દરેક રાજકારણીની ફરજ છે કે દરેક પક્ષે એવું વલણ લેવું જોઈએ કે દેશ આપણા કરતા મોટો છે. આ ભાજપ મહાયુતિનો આવો વિચાર છે. પરંતુ મહાવિકાસ આઘાડી માટે એવું નથી. તેમના માટે તેમનો પક્ષ ભારત કરતા મોટો છે. આ એ લોકો છે જે ભારતની પ્રગતિ પર સવાલ ઉઠાવે છે. આ એવા લોકો છે જેઓ મરાઠી ભાષાને અભિજાત ભાષાનો દરજ્જો આપતા નથી. જ્યારે અમે મરાઠીને આ સન્માન આપ્યું હતું. મહાવિકાસ અઘાડીનો હેતુ શું છે તે સારી રીતે સમજો. તમારે સાવચેત રહેવું પડશે, એમ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું.