એનસીપીના નેતા તટકરેએ મોદી-શાહ પર વ્યક્ત કર્યો વિશ્વાસ
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એનસીપીના નેતા સુનિલ તટકરેએ આજે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ મહારાષ્ટ્રના આગામી મુખ્ય પ્રધાન અંગેનો અંતિમ નિર્ણય લેશે. 23મી નવેમ્બરે પરિણામો આવ્યા હોવા છતાં હજી સુધી મુખ્ય પ્રધાનપદનું સસ્પેન્સ ઉકેલાયું નથી. જોકે, રખેવાળ મુખ્ય પ્રધાન અને ભાજપના પ્રદેશાધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ગુરુવારે મુખ્ય પ્રધાનપદ અંગેનો નિર્ણય લેવાઈ જશે.
દિલ્હીમાં પત્રકારોને સંબોધતાં તટકરેએ કહ્યું હતું કેે મુખ્ય પ્રધાનપદનો નિર્ણય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ દ્વારા એક-બે દિવસમાં લેવામાં આવશે અને તેના પછી સરકારના ગઠનની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવશે. રાયગડના સાંસદે ઈવીએમ પર દોષનો ટોપલો ઢોળનારા વિપક્ષની ટીકા કરતાં કહ્યું હતું કે, પરાજય સ્વીકારવા માટે હિંમત અને વિશાળ હૃદય હોવું આવશ્યક છે. વિપક્ષ એ વાત પચાવી નથી શકતો કે લોકોએ તેમને નકારી કાઢ્યા છે, એમ તેમણે કહ્યું હતું.
આ પણ વાંચો: …તો કોંગ્રેસના જીતેલા વિધાનસભ્યોએ ભાજપમાં જોડાઈ જવું જોઈએ, કોણે આપ્યું આમંત્રણ?
મુખ્ય પ્રધાનપદ સંદર્ભે સ્પષ્ટતા કરવા બદલ ભાજપના પ્રદેશાધ્યક્ષે શિંદેની પ્રશંસા કરી
મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ આજે રખેવાળ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની મુખ્ય પ્રધાનપદનો નિર્ણય ભાજપના ટોચના નેતૃત્વનો નિર્ણય સ્વીકાર્ય હોવાની જાહેરમાં સ્પષ્ટતા કરવા માટે આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે ગુરુવારે નવી દિલ્હીમાં ત્રણેય પક્ષના નેતાઓની બેઠક થશે અને તે બેઠકમાં મુખ્ય પ્રધાનપદનો નિર્ણય લેવામાં આવશે. તેમણે વિરોધી પક્ષ દ્વારા એકનાથ શિંદે નારાજ હોવાના અને મહાયુતિમાં ભંગાણ પડવાના એંધાણ હોવાની અફવાઓ વહેતી કરવા બદલ ટીકા કરી હતી.
તેમણે એકનાથ શિંદેની પ્રશંસા કરતાં કહ્યું હતું કે તેમણે રાજ્યમાં ડબલ-એન્જિનની સરકારનો પાવર દેખાડ્યો હતો.
તેમણે એમ પણ કહ્યું હતું કે એમવીએના ઘટકપક્ષો મુખ્ય પ્રધાન બનવા માટે ચૂંટણી લડી રહ્યા હતા અને અમે રાજ્યના 14 કરોડ લોકોની સુખાકારી માટે લડી રહ્યા હતા.
આ પણ વાંચો: મોદી, શાહનો નિર્ણય સ્વીકાર્ય: એકનાથ શિંદે
આવતીકાલે મુખ્ય પ્રધાનપદનો અંતિમ નિર્ણય: અજિત પવાર
એનસીપીના નેતા અજિત પવારે આજે એવી માહિતી આપી હતી કે જનતાએ આટલો જંગી બહુમત આપ્યા પછી અમારી જવાબદારીમાં વધારો થયો છે અને આવતીકાલે (ગુરુવારે) અમે ત્રણેય (એકનાથ શિંદે, દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર) દિલ્હીમાં જવાના છીએ, ત્યારબાદ દિલ્હીમાં આગામી ચર્ચા થશે. ત્યારબાદ એક મુખ્ય પ્રધાન અને બે નાયબ મુખ્ય પ્રધાન એમ સરકારનું ગઠન કરવામાં આવશે. આગામી થોડા દિવસોમાં જ નાગપુરમાં શિયાળુ સત્ર અધિવેશન આયોજિત કરવાનું રહેશે. કામનું દબાણ રહેશે, પરંતુ અમે અનુભવી છીએ તેથી કોઈ વાંધો આવશે નહીં, રાજ્યનો વિકાસ કરવાનો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ. સમાજના બધા જ ઘટકોને સાથે લઈને ચાલવાનો અમારો પ્રયાસ રહેશે. કેન્દ્ર સરકાર પાસેથી રાજ્યના વિકાસ માટે ભંડોળ લઈને આવવાનો અમારો પ્રયાસ રહેશે, એમ અજિત પવારે કહ્યું હતું.
દિલ્હીમાં અમે જઈશું ત્યારે લોકસભાનું અધિવેશન ત્યાં ચાલી રહ્યું છે તેથી ત્યાં પ્રમુખને મળવાનો પ્રયાસ અમારો રહેશે. મહાયુતિની સરકારની સ્થાપના અંગેની ચર્ચા અત્યંત સૌજન્યપૂર્ણ વાતાવરણમાં પાર પડશે. એકનાથ શિંદે પોતાની પાર્ટીના નિર્ણય લેશે. અમે અમારી પાર્ટીના નિર્ણય લઈશું. તેમના વિશે હું વધુ કહી શકીશ નહીં, એમ પણ તેમણે એક સવાલના જવાબમાં કહ્યું હતું.
મુખ્ય પ્રધાનપદની રેસમાં નામ હોવા અંગે પુછવામાં આવેલા સવાલનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે કાર્યકર્તાને ગમે તે લાગે, પરંતુ છેવટે કોની પાસે કેટલી સંખ્યા છે તે પણ મહત્ત્વનો મુદ્દો છે. છેલ્લા અઢી વર્ષની વાત અલગ હતી અને અત્યારની વાત અલગ છે.
આ પણ વાંચો: માનો યા ના માનોઃ મહારાષ્ટ્રમાં ભાજપના ‘મહાવિજય’ની આ હતી Formula, જાણો…
ફડણવીસને ટેકો, ભાજપના મોવડીમંડળની સાથે રહીશું: આઠવલે
કેન્દ્રીય પ્રધાન અને આરપીઆઈ (એ)ના નેતા રામદાસ આઠવલેએ આજે રાજ્યના આગામી મુખ્ય પ્રધાન તરીકે દેવેન્દ્ર ફડણવીસના નામને ટેકો જાહેર કર્યો હતો, પરંતુ ભારપુર્વક ઉમેર્યું હતું કે તેઓ આ મુદ્દે ભાજપના હાઈ કમાન્ડના નિર્ણયની સાથે રહેશે. તેમણે એમ પણ કહ્યું હતું કે જો હાઈ કમાન્ડ એકનાથ શિંદેને મુખ્ય પ્રધાન બનાવવાનો નિર્ણય લેશે તો પણ આરપીઆઈ (એ) તેની સાથે રહેશે.
આઠવલેએ કહ્યું હતું કે 2014થી 2019ના સમયગાળામાં મુખ્ય પ્રધાન તરીકે કહ્યા બાદ પણ દેવેન્દ્ર ફડણવીસે 2022માં નાયબ મુખ્ય પ્રધાનપદ મહાયુતિની સરકારમાં સ્વીકાર્યું હતું. આરપીઆઈ (એ)ને લાગે છે કે દેવેન્દ્ર ફડણવીસને ફરીથી મુખ્ય પ્રધાન બનાવવા જોઈએ. જોકે, હાઈ કમાન્ડ એકનાથ શિંદેને મુખ્ય પ્રધાન બનાવવાનો નિર્ણય લેશે તો પણ એ તેનું સમર્થન કરીશું.
અહીં ઉલ્લેખનીય છે કે મંગળવારે આઠવલેએ એવું સૂચન કર્યું હતું કે એકનાથ શિંદેએ રાજ્યમાં નાયબ મુખ્ય પ્રધાનનું પદ સ્વીકારી લેવું જોઈએ અથવા તો કેન્દ્રમાં નરેન્દ્ર મોદીની સરકારમાં જોડાઈ જવું જોઈએ.
આ પણ વાંચો: મહારાષ્ટ્રને અત્યાર સુધીમાં કેટલા CM મળ્યા? શોર્ટ અને લોંગ ટર્મ કોણ રહ્યા?
ભાજપના મોવડીમંડળનું એકનાથ શિંદે પર દબાણ: નાના પટોલે
મહારાષ્ટ્ર કૉંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ આજે એવો આક્ષેપ કર્યો હતો કે ભાજપના કેન્દ્રીય નેતૃત્વે એકનાથ શિંદે પર દબાણ લાવીને તેમનો મુખ્ય પ્રધાનપદનો દાવો જતો કરાવ્યો છે. શિંદેની પત્રકાર પરિષદ પૂરી થયા પછી તરત જ પત્રકારો સમક્ષ નાના પટોલેએ કહ્યું હતું કે મહાયુતિ સરકારને આટલી જંગી બહુમતિ મળી હોવા છતાં સરકારના ગઠનમાં જે વિલંબ થઈ રહ્યો છે તે શંકાસ્પદ છે. ભાજપના કેન્દ્રીય નેતૃત્વે શિંદે પર દબાણ લાવીને તેમને મુખ્ય પ્રધાનપદનો દાવો જતો કરવાની ફરજ પાડી છે, એમ તેમણે કહ્યું હતું.
આ પણ વાંચો: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદનો ગરમાટો દિલ્હીમાં પણ, શિંદેના સાંસદો પીએમને મળવા દોડ્યા
તેમણે એમ પણ કહ્યું હતું કે આગામી મુખ્ય પ્રધાન કોણ છે તે જોવાનું રસપ્રદ બની રહેશે. જેમનું નામ અત્યારે ચાલી રહ્યું છે તે જ મુખ્ય પ્રધાન બને છે કે કોઈ બીજો આવે છે તે જોવાનું રહેશે. ભાજપની પ્રથા રહી છે કે તેઓ દર વખતે નવો ચહેરો લાવીને બધાને આંચકો આપે છે, એમ પણ પટોલેએ કહ્યું હતું. બીજી તરફ પીઢ કૉંગ્રેસી નેતા બાળાસાહેબ થોરાતે કહ્યું હતું કે મહાયુતિને મળેલા અનપેક્ષિત જનમતથી એકનાથ શિંદે ગુંચવાઈ અને ચકિત થઈ ગયા હશે.