તો શું મહારાષ્ટ્રમાં પણ બિહાર પેટર્ન અપનાવાશે અને મુખ્ય પ્રધાનપદ…?
મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાન સભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને મહાયુતિને અને એમાં પણ ખાસ કરીને ભાજપને બંપર સફળતા મળી છે. રાજ્યમાં ફરી એકવાર મહાયુતિની સરકાર આવી રહી છે, તેથી મુખ્ય પ્રધાન કોણ બનશે એની ચર્ચાઓ પણ તેજ થઇ ગઇ છે. ભાજપ હાઇકમાન્ડ દ્વારા મહારાષ્ટ્રમાં પણ બિહાર પેટર્નનો ઉપયોગ કરવામાં આવશે કે કેમ તે અંગે ચર્ચા ચાલી રહી છે.
મહારાષ્ટ્માં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વમાં વિધાન સભાની ચૂંટણી લડવામાં આવી હતી અને આ ચૂંટણીમાં મહાયુતિએ ભવ્ય જીત મેળવી છે. જીત બાદ દરેકના મનમાં સવાલ છે કે શું એકનાથ શિંદેને ફરીથી મુખ્ય પ્રધાન બનાવવામાં આવશે કે પછી દેવેન્દ્ર ફડણવીસને મુખ્ય પ્રધાન બનાવવામાં આવશે. રાજકીય વિશ્લેષકોનું માનવુ છે કે શિંદેને મુખ્ય પ્રધાન બનાવવામાં આવે તેવી શક્યતા ઓછી છે. તેથી જ કદાચ શિંદેના મોઢા પર જીતની ખુશીની સાથે કપાળ પર થોડી ચિંતાની રેખાઓ પણ દેખાઇ રહી છે.
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભારે બહુમતથી વિજયી થયા બાદ એકનાથ શિંદે જણાવી ચૂક્યા છે કે મહાયુતિમાં મુખ્ય પ્રધાનપદ માટેની કોઇ નક્કી ફોર્મ્યુલા નથી. તેથી એવું ના કહી શકાય કે સૌથી વધુ બેઠકો મેળવનાર પક્ષને જ મુખ્ય પ્રધાનપદ મળશે. જોવા જઇએ તો ‘મુખ્ય પ્રધાન મારી લાડકી બહેન’ યોજનાને કારણે વિધાનસભાની ચૂંટણીના પરિણામો મહાયુતિની તરફેણમા આવ્યા છે.
મહારાષ્ટ્રમાં મહાયુતિની જીતમાં ભાજપ સૌથી મોટો પક્ષ બનીને બહાર આવ્યો છે. ત્યાર બાદ શિંદેસેના અને પછી અજિત પવારની એનસીપી છે, તેથી હવે બધા વિચારી રહ્યા છે કે મુખ્ય પ્રધાનપદ કોને મળશે. ભાજપના કાર્યકરો તો એવો દાવો કરી રહ્યા છે કે આ વખતે મુખ્ય પ્રધાન તો ભાજપનો જ હશે. મહારાષ્ટ્રની સ્થિતિ 2020ની બિહાર વિધાનસભા ચૂંટણી જેવી જ છે, જેમાં ભાજપને 74 અને જેડીયુને 43 બેઠકો મળી હતી, તેમ છતાં ભાજપે નીતીશકુમારને મુખ્ય પ્રધાન બનાવ્યા હતા. હવે મહારાષ્ટ્રમાં ભાજપ શું નિર્ણય લે છે તેના પર સહુની નજર છે.
રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા થઇ રહી છે કે ભાજપ ફડણવીસને મુખ્ય પ્રધાન બનાવવા માગે છે, પણ શિંદેસેના ઇચ્છે છે કે મુખ્ય પ્રધાનપદ પર એકનાથ શિંદે જ યથાવત રહે. ભાજપ માને છે કે ફડણવીસ વધુ અનુભવી છે, તો કેટલાક વળી એમ પણ માન છે કે શિંદેને મુખ્ય પ્રધાન બનાવવાથી ગઠબંધન મજબૂત રહેશે. જોકે, મુખ્ય પ્રધાન કોને બનાવવા એ ભાજપ માટે પણ કઠિન નિર્ણય હશે. ભાજપે મહાયુતિમાં ભાગલા ના પડે તો વિચારીને કળથી કામ લેવાનું છે.