ભાજપ ટિકિટ ન આપે તો શું થઈ ગયું…? વરુણ ગાંધીની ટિકિટ કપાશે તો ક્યા પક્ષથી લડશે?

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશમાં લોકસભા ચૂંટણી માટે અત્યાર સુધીમાં 51 ઉમેદવારોની જાહેરાત કરી છે (Loksabha Election 2024). સોમવારે દિલ્હીમાં ભાજપ કોર કમિટીની બેઠકમાં યુપીની 25 બેઠકો માટે ઉમેદવારોની પસંદગી અંગે ચર્ચા કરવામાં આવી હતી. બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, ગૃહપ્રધાન અમિત શાહ અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની હાજરીમાં મળેલી બેઠકમાં ભાજપ અને તેના સહયોગી પક્ષોને આપવામાં આવનારી બેઠકો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.
જો કે, ભાજપના દાવેદારો બરેલી ડિવિઝનની ત્રણ લોકસભા સીટ બરેલી, બદાઉન અને પીલીભીતથી ટિકિટની રાહ જોઈ રહ્યા છે. એવી અપેક્ષા હતી કે પાર્ટીની બીજી યાદીમાં આ બેઠકો માટેના ઉમેદવારો નક્કી કરવામાં આવશે, પરંતુ એવું બન્યું નહીં. બુધવારે બીજી યાદી જાહેર થયા બાદ ત્રણ લોકસભા મતવિસ્તારોમાં ફેરફારની અટકળોએ જોર પકડ્યું હતું.
બરેલીના સાંસદ સંતોષ ગંગવારની સતત દસમી વખત ઉમેદવારી કરવાના માર્ગમાં ઉંમર આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ હેમા માલિની અને અન્ય કેટલાક નેતાઓને ટિકિટ મળવાને ટાંકીને પોતાની તરફેણમાં મજબૂત લોબિંગમાં વ્યસ્ત છે.
તેવામાં, બદાઉના સાંસદ સંઘમિત્રા મૌર્યએ તેમના પિતા સ્વામી પ્રસાદ મૌર્યના ભાજપ વિરુદ્ધ સતત વિવાદાસ્પદ નિવેદનોને કારણે સંકટ સર્જ્યું હતું. જોકે, સ્વામી પ્રસાદે સમાજવાદી પાર્ટીથી અલગ થઈને રાષ્ટ્રીય શોષિત સમાજ પાર્ટી બનાવી છે.
જેને લઈને સંઘમિત્રા સતત બીજી વખત ટિકિટ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. અહીં પીલીભીતથી છેલ્લી ચૂંટણીમાં ભાજપના વરુણ ગાંધીએ જીત મેળવી હતી. પરંતુ, થોડા દિવસો પછી તેનું વલણ બદલાઈ ગયું. ઘણી વખત તેઓ પોતાની જ સરકારને ભીંસમાં લેતા અને સવાલ ઉઠાવતા જોવા મળ્યા હતા. હજુ સુધી આ બેઠક પર ભાજપે પત્તા નથી ખોલ્યા. સપા અને બસપાએ પણ અત્યારે મૌન જાળવ્યું છે.
જોકે, ટિકિટની વધતી રાહ વચ્ચે વરુણના શબ્દો બદલાઈ ગયા છે. તાજેતરમાં, એક વર્ચ્યુઅલ પ્રોગ્રામ દરમિયાન, તેમણે પીલીભીતને મળેલી ભેટો માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. જો કે, વરુણ ગાંધી તરફથી ટિકિટ કપાવવા કે મળવા પર કોઈ પ્રતિક્રિયા આવી નથી. પરંતુ અટકળો લગાવવામાં આવી રહી છે કે જો ટિકિટ કપાય છે તો તેઓ કોઈ અન્ય પાર્ટીમાંથી ચૂંટણી લડી શકે છે.
અખિલેશ યાદવે વરુણ ગાંધીને ટિકિટ આપવાના સંકેત પણ આપ્યા છે. તેમણે વિચારણા કરવાનું કહ્યું છે. આ પહેલા અખિલેશે કૈસરગંજથી બીજેપી સાંસદ બ્રજભૂષણ સિંહને ટિકિટ આપવા અંગે પણ નિવેદન આપ્યું હતું. કૈસરગંજના બીજેપી સાંસદ બ્રજભૂષણ સિંહને સપા તરફથી ટિકિટ આપવાના સવાલ પર અખિલેશે કહ્યું કે જો તમે લોકો (રિપોર્ટર્સ) કહેશો તો અમે ટિકિટ આપીશું.