ખુદ પીએમ અને અમિત શાહના પ્રચાર છતાં ઝારખંડમાં કેમ હાર્યું ભાજપ? આ છે તેના કારણો…
રાંચી: ભાજપની આગેવાની હેઠળની એનડીએ ઝારખંડની ચૂંટણીમાં જીતવા અનેક પ્રયાસો કર્યા તેમ છતાં ધારી સફળતા મળી નથી અને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. અનેક પ્રયાસો કરવા છતાં મળેલી હારથી પાર્ટીના કાર્યકરો પણ આશ્ચર્યમાં છે. તો સવાલ એ છે કે આખરે ભાજપે કઈ ભૂલ કરી કે તેનું પરિણામ ભોગવવું પડ્યું? પ્રચારના મેદાનમાં ખુદ વડાપ્રધાન મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને આસામના સીએમ હિમંતા બિસ્વા સરમા જેવા ભાજપના ટોચના નેતાઓએ આક્રમક પ્રચાર કર્યો, 200 જેટલી રેલીઓને સંબોધી હતી. તેમ છતાં અમૂક કારણોથી ભાજપને સફળતા મળી શકી નહિ.
કોઇ સીએમનો ચહેરો જ નહિ
એનડીએએ કોઈ સીએમ ઉમેદવારના નામ પર સહમતી સાધ્યા વિના જ ચૂંટણી લડી હતી. ઝારખંડ ભાજપના સૂત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે ચૂંટણીમાં આદિવાસી મુખ્ય પ્રધાનનો ચહેરો રજૂ ન કરી શકવા બદલ ભાજપને ભારે કિંમત ચૂકવવી પડી છે. જ્યારે સામે પક્ષે હેમંત સોરેન પોતે જેએમએમની આગેવાની હેઠળના ગઠબંધનનો સીએમ ચહેરો હતો.
અન્ય પક્ષોના નેતાઓને ટિકિટ
અન્ય એક નેતાએ દાવો કર્યો હતો કે ચૂંટણી પ્રચાર દરમિયાન બહારના બે નેતાઓ દ્વારા ચલાવવામાં આવી રહી છે. ઝારખંડ ભાજપે પોતાના જ નેતાઓની અવગણના કરી અને અન્ય પક્ષોના નેતાઓને ટિકિટ આપી.
પાયાના મુદ્દા ઉઠાવવામાં નિષ્ફળ
ભાજપના રાજકીય વિશ્લેષક ડો. બાગીશ ચંદ્ર વર્માએ જણાવ્યું કે ભાજપ તેના સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન જનતાને લગતા પાયાના મુદ્દાઓને ઉઠાવવામાં નિષ્ફળ રહી છે. જેના કારણે ગ્રામીણ લોકો ભાજપમાં જોડાઈ શક્યા નથી. ભાજપનું ચૂંટણી પ્રચાર માત્ર રાષ્ટ્રીય મુદ્દાઓ અને ઘૂસણખોરી પર કેન્દ્રિત હતું.
JLKM ને કારણે નુકસાન થયું
ઝારખંડ લોકતાંત્રિક ક્રાંતિકારી મોરચા (JLKM)એ પણ ઘણી બેઠકો હાંસલ કરી છે. જેના કારણે ચંદનકિયારી બેઠકની જેમ ભાજપ અને AJSUને નુકસાન થયું છે. સ્થિતિ એ છે કે ચંદનકિયારી વિધાનસભા સીટ પર વિપક્ષના નેતા અમર કુમાર બૌરી જેએમએમના ઉમાકાંત રજક સામે હારી ગયા. ભાજપના સાથી એજેએસયુએ 10 બેઠકો પર ચૂંટણી લડી હતી, જેડીયુએ બે બેઠકો પર અને લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)એ એક બેઠક પર ચૂંટણી લડી હતી.
મહિલા મતદારોનો મળ્યો ફાયદો
ડો. બાગીશ ચંદ્ર વર્માએ જણાવ્યું હતું કે મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને આદિવાસીઓ જેએમએમની પરંપરાગત વોટ બેંક છે. આ સિવાય જેએમએમમાં 18-50 વર્ષની વયની મહિલાઓની પણ ભૂમિકા રહી છે. મૈયા સન્માન યોજનાએ આમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જેએમએમએ યોજના હેઠળ 18-50 વર્ષની વયની મહિલાઓને સહાયની રકમ વર્તમાન રૂ. 1,000ને બદલે વધારીને રૂ. 2,500 પ્રતિ માસ કરવાનું વચન આપ્યું હતું. ઝારખંડની 81 વિધાનસભા બેઠકોમાંથી 68 પર પુરૂષો કરતા મહિલા મતદારોની સંખ્યા વધુ છે.