Election Result: મહારાષ્ટ્રમાં વધેલું મતદાન કોનું વધારશે ટેન્શન?
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ચાર થી પાંચ ટકાનો મતદાનમાં વધારો થતાં તમામ પક્ષો અત્યારે ભારે ચિંતામાં છે. મહાયુતિ અને મહાવિકાસ આઘાડી અત્યારે ભલે એવો દાવો કરી રહ્યા હોય કે વધેલા મતદાનથી તેમને ફાયદો થશે, પરંતુ અંદરથી તેઓ ભારે ચિંતામાં છે. અહીં ઉલ્લેખનીય છે કે આ વખતે થયેલા મતદાને છેલ્લા 30 વર્ષનો વિધાનસભા ચૂંટણીનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
મહારાષ્ટ્રમાં અત્યાર સુધીની તમામ વિધાનસભા ચૂંટણીઓમાં 1995માં સૌથી વધુ 71.69 ટકા મતદાન થયું હતું. ત્યારપછી મહારાષ્ટ્રમાં સત્તા પરિવર્તન થયું હતું. બાળાસાહેબ ઠાકરેની શિવસેના અને ભાજપની યુતિએ રાજ્યમાં પહેલીવાર સરકાર બનાવી હતી. મહાવિકાસ આઘાડી આ દાખલો આપીને જીતનો દાવો કરી રહી છે. ઊંચું મતદાન એટલે સત્તા પરિવર્તન એવો વણલખ્યો નિયમ માનવામાં આવે છે. આથી રાજ્યમાં સત્તા પરિવર્તન અનિવાર્ય હોવાની ચર્ચા વિપક્ષી છાવણીમાં ચાલી રહી છે, પરંતુ મતદાન મહાયુતિની તરફેણમાં હોવાનો દાવો થઈ રહ્યો છે અને તેમની છાવણીમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવે મતગણતરીના દિવસે જ ખબર પડશે કે કોની દાવેદારીમાં કેટલી તાકાત છે.
આ પણ વાંચો: શિંદે, ઠાકરે, ફડણવીસ કે પવાર, સીએમની પહેલી પસંદ કોણ? એક્ઝિટ પોલ્સ ચોંકી ગયા…
મતદાનની ટકાવારી વધવાનું કારણ શું?
હવે પ્રશ્ન એ થાય છે કે મતદાન વધવાનું કારણ શું છે? ચૂંટણી પર નજર રાખનારા નિષ્ણાતો કહે છે કે લાડકી બહેન યોજના, સંઘની સક્રિયતા, લોકસભાની ચૂંટણીમાં હાર બાદ ભાજપનું ફરી મજબૂત વલણ, મતોનું ધ્રુવીકરણ, બટેંગે તો કટેંગે, એક હૈ તો સેફ હૈ વગેરે જેવા સૂત્રોએ મહત્ત્વની ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત ભાજપની ચૂંટણી પ્રચારની રણનીતિએ મતદાતાઓની સંખ્યા વધારવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે.
રાજકીય નિષ્ણાત વિવેક ભાવસાર લાડકી બહેન યોજના અને આરએસએસની સક્રિયતાને વધેલા મતદાનનું શ્રેય આપે છે. ધ્રુવીકરણની વિચારધારા પણ એક કારણ માનવામાં આવે છે. તેમણે એવો દાવો કર્યો હતો કે લાડકી બહેન યોજના ગેમ ચેન્જર છે. જે માતાઓ અને બહેનો ક્યારેય મતદાન કરવા ઘરની બહાર નથી નીકળતી તેઓ પણ મતદાન કરવા મતદાન મથકે પહોંચી હોવાનું જોવા મળ્યું હતું. ખાસ કરીને મહારાષ્ટ્રના ગ્રામીણ વિસ્તારોમાં તેનો ઘણો પ્રભાવ છે, તેથી ગ્રામીણ વિસ્તારોમાં મતદાનનું પ્રમાણ વધુ છે. તેમનું કહેવું છે કે મતદાનની ટકાવારી વધવાથી સત્તાધારી પક્ષને ફાયદો થશે.
આ પણ વાંચો: મુંબઈ-થાણેમાં એક્ઝિટ પોલમાં ઠાકરે જ રાજા!
અન્ય એક રાજકીય નિષ્ણાત કહે છે કે વોટમાં પાંચ ટકા વધારાનું મુખ્ય કારણ લાડકી બહેન યોજના અને સંઘના લોકો દ્વારા કરવામાં આવેલો ડોર ટુ ડોર પ્રચાર છે. ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથનું સ્લોગન ‘બટેંગે તો કટેંગે’ પણ વાયરલ થયું હતું. મતદાનની ટકાવારી વધવાથી સત્તાધારી પક્ષોને ચોક્કસ ફાયદો થશે. મને લાગે છે કે ભાજપને સૌથી મોટો ફાયદો થશે.
નાગપુરના વરિષ્ઠ પત્રકારનું કહેવું છે કે લોકસભાની ચૂંટણીમાં હાર બાદ ભાજપ અથવા મહાયુતિએ પોતાની રણનીતિ બદલી હતી. તેમણે મહિલાઓના મત મેળવવા માટે મધ્યપ્રદેશની લાડકી બહેન યોજના લાગુ કરી. તેમણે આરએસએસ સાથેના મતભેદો પતાવી દીધા હતા, જેથી તેઓ ચૂંટણીના કામમાં જોડાઈ શકે. આનાથી ભાજપને તેના મતદાનની ટકાવારી વધારવામાં મદદ મળી. જનતા દળ (યુડી)ના મહારાષ્ટ્રના કાર્યકારી પ્રમુખ સુરેન્દ્ર બાજપાઈનું કહેવું છે કે ભાજપ મતદારોનો વિશ્વાસ જીતવામાં તેમજ મત આપવા ન આવેલા મતદારોને આ વખતે બહાર કાઢવામાં સફળ રહી છે. જેના કારણે મતદાનની ટકાવારી વધી હતી.