એકનાથ ખડસેનો નછૂટકે ભાજપ પ્રવેશ: શરદ પવાર
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એનસીપીને છોડીને એકનાથ ખડસે ફરી એક વખત ભાજપમાં જોડાઈ રહ્યા છે એવી જાહેરાત તેમણે પોતે જ કરી હતી અને ટૂંક સમયમાં તેમનો ઔપચારિક પ્રવેશ થશે તેના પર બોલતાં એનસીપી (એસપી) સુપ્રીમો શરદ પવારે રવિવારે કહ્યું હતું કે એકનાથ ખડસેને નછૂટકે ભાજપમાં જવાની ફરજ પડી હશે.
બે વર્ષ પહેલાં ભાજપ છોડીને એનસીપીમાં શરદ પવારની સાથે જોડાઈ ગયેલા એકનાથ ખડસે હવે ફરી પાછા ભાજપમાં ઘરવાપસી કરવાના છે. આ બાબતે તેમણે પોતે જ જાહેર નિવેદન કર્યું હતું, પરંતુ હજી તેમનો પક્ષપ્રવેશ કાર્યક્રમની ઔપચારિકતા પૂરી કરવામાં આવી નથી.
આ પણ વાંચો: ‘પવારે મારી વાત ન સાંભળી’:રાષ્ટ્રવાદી કૉંગ્રેસના નેતાએ ખડસે મુદ્દે કાઢ્યો બળાપો
શરદ પવાર રવિવારે જળગાંવની મુલાકાતે આવ્યા હતા ત્યારે તેમને કરવામાં આવેલા એક સવાલનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે એકનાથ ખડસે પર નછૂટકે આવો નિર્ણય લેવાનો વારો આવ્યો હશે.
એકાદ વ્યક્તિ પર અંગત ટીકા કરવાનું વલણ આ પહેલાં મહારાષ્ટ્રમાં ક્યારેય જોવા મળ્યું નથી. હવે આવી પદ્ધતિ ચાલુ થઈ ગઈ છે. આને કારણે અનેક લોકોને પીડા સહન કરવાનો વારો આવે છે. કદાચ એકનાથ ખડસેને પણ આવી સ્થિતિનો સામનો કરવાનું આવ્યું હોય એ વાતને નકારી શકાતી નથી. આથી તેમને નછૂટકે કેટલાક નિર્ણયો લેવાનો વારો આવ્યો હશે, એવું મારું માનવું છે. એકનાથ ખડસે પર તપાસ યંત્રણાઓનું પણ દબાણ છે, એમ પણ શરદ પવારે કહ્યું હતું.