નાશિકમાં ભાજપ-શરદ પવારના જૂથ વચ્ચે અથડામણ, જાણો કારણ?
નાશિક: વિધાનસભાની ચૂંટણીને લઇને નાશિકમાં ભાજપ અને એનસીપી-શરદ પવાર જૂથ વચ્ચે અથડામણ થઇ હતી અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો હતો. તેમ છતાં પોલીસનું કહેવું છે કે અત્યાર સુધીમાં કોઇ સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી નથી.
પંચવટી વિસ્તારમાં બપોરે ૧૨.૩૦ કલાકે વિવાદ ઊભો થયો હતો. ભાજપના ઉમેદવાર રાહુલ ઢિકલેના સમર્થકોએ એક વ્યક્તિને પકડી હતી અને દાવો કર્યો હતો કે શરદ પવાર જૂથ તરફથી તે પૈસા વહેંચી રહી હતી. તેમ છતાં શરદ પવાર જૂથના ઉમેદવાર ગણેશ ગિતેના ભાઇ ગોકુલ ગિતેએ તેમના આક્ષેપોને નકારી કાઢ્યા હતા.
આ પણ વાંચો: નાશિકમાં દારૂ અને સોના સહિત 49 કરોડની વસ્તુઓ જપ્ત: 17 હજાર લોકો સામે કાર્યવાહી…
ડેપ્યુટી પોલીસ કમિશનર કિરણકુમાર ચવ્હાણે તંગદિલી દૂર કરવા માટે બન્ને પક્ષના કાર્યકરોને મળ્યા હતા. બન્ને પક્ષ વચ્ચે થયેલી તંગદિલીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ કરાયો હતો જ્યારે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કાર્યકરોની થયેલી ભીડનો વીડિયો પણ વાઇરલ થયો હતો.
એનસીપી-એસપીનાં નેતા સુપ્રીયા સુળે નાશિક પોલીસ કમિશનર સંદીપ કાર્ણિકને મળ્યા હતા તથા તેમના પક્ષની કોઇ પણ વ્યક્તિ પૈસા ન વહેંચી રહી હોવાનું કહ્યું હતું.