વિધાનસભા સંગ્રામઃ શિંદે ફરી પહોંચ્યા કામાખ્યા મંદિરની મુલાકાતે, રાઉતે સાધ્યું નિશાન…
મુંબઈ-ગુવાહાટીઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ ગઈકાલે અડધી રાતે 45 ઉમેદવારની યાદી જાહેર કર્યાના અહેવાલો વચ્ચે અચાનક એકનાથ શિંદે આસામના ગુવાહાટી સ્થિત કામાખ્યા મંદિરે પહોંચ્યા છે. આજે પત્રકારો સાથે ચર્ચા કર્યા પછી એકનાથ શિંદેએ કહ્યું હતું કે હું માતા કામાખ્યાના દર્શન માટે આવ્યો છું અને તેમના આશીર્વાદ લઈશ.
| Also Read: અજિત પવાર લડશે બારામતીથી, 38 ઉમેદવારની પહેલી યાદી જાહેર
કામાખ્યા મંદિરમાં પૂજાપાઠ કર્યા પછી એકનાથ શિંદેએ કહ્યું હતું કે આ અગાઉ પણ હું અહીં આવ્યો છું. આ અગાઉ સરકાર બન્યા પૂર્વે આવ્યો હતો, ત્યાર બાદ સરકાર બન્યા પછી હું આવ્યો હતો. અને આ વખતે પણ આવ્યો છું. લોકો અમારા દ્વારા કરવામાં આવેલા કામકાજને આધારે અમને (મહાયુતિ)ને મત આપશે. અમે એ કામકાજ કર્યાં હતા, જે મહા વિકાસ આઘાડી (એમવીએ)એ રોક્યા હતા. જોકે, અમારી સરકાર આમ જનતાની છે અને એનો લોકોને લાભ મળવો જોઈએ અને અમે એ વાતને ધ્યાનમાં રાખીને કામ કર્યું છે. મહારાષ્ટ્રની જનતા મહાયુતિને ચૂંટણીમાં જીતાડશે, એવો એકનાથ શિંદેએ દાવો કર્યો હતો.
એકનાથ શિંદેએ આસામ પહોંચ્યા છે ત્યારે તેમની મુલાકાત અંગે પણ રાજકીય પ્રતિભાવો મળ્યા છે, જેમાં ઉદ્ધવ ઠાકરે જૂથ (યુબીટી)ના નેતા સંજય રાઉતે કહ્યું કે શિંદે ત્યાં જઈને ભેંસનો વધ કરે છે. રાતે અમારી ઊંઘ હરામ થઈ ગઈ હતી. પશુ વધ કરવાનું યોગ્ય નથી. માનવતાનો કોઈ ધર્મ છે કે નહીં. ભગવાનના નામે ત્યાં જાય અને પશુવધ કરે છે. આ દેશમાં શું ચાલી રહ્યું છે.
| Also Read: ઉદ્ધવ ઠાકરે એકનાથ શિંદે માટે ઊભી કરશે મોટી ઉપાધિ, આ ઉમેદવારને ઉતારશે મેદાનમાં
મહારાષ્ટ્રમાં જ્યાં મહાત્મા ફુલે, ડોક્ટર બાબાસાહેબ આંબેડકર, પ્રબોધન ઠાકરે જેવા દિગ્ગજ નેતાઓએ જન્મ લીધો હતો અને સરકારના વિરોધમાં આંદોલનો ચલાવ્યા હતા ત્યારે મહારાષ્ટ્રના આ મુખ્ય પ્રધાન પશુની બલિ ચઢાવી રહ્યા છે, એમ સંજય રાઉતે જણાવ્યું હતું.
| Also Read: રાજ ઠાકરે એક્શન મોડમાં, 48 ઉમેદવારના નામ કરી દીધા જાહેર
પહેલી યાદીના ઉમેદવારોની જાહેરાત અંગે એકનાથ શિંદેએ કહ્યું હતું કે પહેલી યાદી બહાર આવી છે અને બીજી યાદી પણ ટૂંક સમયમાં આવશે અને પછી ચૂંટણી યોજવામાં આવશે અને મહાયુતિ ભારે બહુમતીથી ચૂંટણીમાં જીતશે એવો દાવો કર્યો હતો.