વાદ પ્રતિવાદ

ઝીક્રે ઈલાહી: અલ્લાહની યાદ: મુર્દાદિલને જીવંત બનાવે

મુખ્બિરે ઈસ્લામ – અનવર વલિયાણી

સૃષ્ટિનો સર્જક ખુદાતઆલા વહેદાનિયત એકેશ્ર્વરવાદ, અલ્લાહ એકમાત્ર હોવાનો પયગામ લઈને ઈસ્લામ ધર્મને આ ધરતી પર ઉતાર્યો. સૌથી છેલ્લે આવેલા પયગંબર હઝરત મુહમ્મદ સલ્લલાહો અલૈયહિ વઆલેહિ સલ્લામ પર નાઝિલ ફરમાવેલ કુરાન મજીદમાં તેણે વહેદાનિયતની આયાત (શ્ર્લોક)માં આ સંદર્ભ માર્ગ ભટકેલાઓને આપી.

અત્યારે પવિત્ર રમઝાન માસમાંથી આલમે ઈસ્લામ પસાર થઈ રહ્યો છે ત્યારે પવિત્રતાના તેમજ નમાઝ, ઈબાદત નિશ્ર્ચિત સમયે કરવા બાબત જે માર્ગદર્શન આપવામાં આવેલ છે તે જાણવા પ્રયત્ન કરીશું.

ઈબાદત કરતા પૂર્વે પવિત્ર થવું જરૂરી છે. શરિયતમાં સૂચવ્યાનુસાર ચોક્કસ સમયે, નિશ્ર્ચિત કરેલ નમાઝ અદા કરવા સાથે નક્કી કરેલ રકાત પઢવી જરૂરી છે. નમાઝ અદા કરતી વખતે કા’બા શરીફ કે જે સઉદીના મકા ખાતે આવેલ છે તે દિશામાં મોઢું કરી તંદુરસ્ત હાલતમાં પદ્ધતિ મુજબ અદા કરવાની હોય છે. રૂકુઅ (અર્ધનમન), સિજદા (સંપૂર્ણ નમન – સંપૂર્ણ ઝુકીને) કાઅદા (નિયમ) કરવા. ડુંટીથી લઈને પગની ઘૂટી સુધીના શરીરને ઢાંકી રાખવાનું તેને ‘સતર’ કહે છે. નમાઝમાં કુરાન મજીદની તિલાવત (પઠન) કરવાનું હોય છે. નમાઝ એ અલ્લાહતઆલાની બહેતરીન (સર્વશ્રેષ્ઠ) ઈબાદત છે. નમાઝમાં વ્યસ્ત રહેતા બંદો અલ્લાહને ઘણો ગમે છે. કયામતના દિવસે (ન્યાયનો દિવસ) નમાઝની પૂછપરછ સૌથી પહેલી થવાની છે. નમાઝ પઢનાર નમાઝીએ પોતાના કપડાંની સંપૂર્ણ પવિત્રતા, જે સ્થળે નમાઝ માટે ઊભો થાય તે સ્થળ (જગા)ની પાકિઝગી (પવિત્રતા) અને પોતાના શરીરની સંપૂર્ણ પવિત્રતા જાળવ્યા બાદ જ નમાઝ માટે અલ્લાહના દરબારમાં ઊભા થવાનું છે.

પવિત્રતા નમાઝની પહેલી શરત છે. વુઝૂ પણ નમાઝની શરત છે. નમાઝમાં ઊભા થતાં પહેલાં બધી પવિત્રતા જેનું વર્ણન કર્યું તે જાળવી હોય, તો પણ વુઝૂ કરવાનું ફરજિયાત છે. પોતાનું મોઢું, કાંડાં, કોણી સુધીના હાથ, પોતાના ટખના સુધીના પગ, નાકમાં પાણી, એ બધું ત્રણ વખત ધોવું નમાઝ અદા કરતા પૂર્વે અનિવાર્ય છે. તેને ઈસ્લામી ધાર્મિક ભાષામાં ‘વુઝૂ’ કહે છે. ‘વુઝૂ’ કઈ પરિસ્થિતિ કયા સંજોગોમાં તૂટી જાય, તે જુદો વિષય છે..

સુજ્ઞ વાચકો! પ્રત્યેક પળે વુઝૂ સાથે – પાકિઝગી સાથે રહેવાની કોશિશ કરો. વહેમ અને શકથી વુઝૂ તૂટતું નથી, આમ છતાં વહેમ અને શક કરવાથી કોશો છેટે રહો, કારણ વહેમ અને શકનોે ઈલાજ હઝરત લુકમાન અલૈયહિસ્સલ્લામ પાસે પણ નહોતો. નમાઝ અને તેને અદા કરવા પવિત્રતા સંબંધી જાણકારી મેળવી તેટલી જ અગત્યની વાત એ પણ છે કે મન-હૃદયને શુદ્ધ રાખો. સાચા-ખોટા વિચારોને તિલાંજલિ આપો. ખાસ કરીને નમાઝ, રોઝા, ઝકાત, ખેરાત જેવા ફર્ઝ ઠરાવેલ કાર્ય સમયે પૂર્વગ્રહથી દૂર રહો. ચંચળ અને કૂદાકૂદ કરતાં મનને શાંત પાડવાનો આસાન માર્ગ કીમિયો, નુસ્ખો સારા વિચારો કરવામાં છે; તેને અનુસરો બીજાની ભલાઈમાં પોતાની ભલાઈ હોવાને સમજો. જ્યાં સુધી કોઈ વાત વુઝૂને તોડનારી ન બને ત્યાં સુધી વુઝૂ તૂટશે નહીં.

યાદે ઈલાહી (અલ્લાહની યાદ) દિલમાં ઉતરી જાય છે, તો પછી તે સુખ હોય કે દુ:ખ, આનંદ હોય કે શોક, ગમે તે સ્થિતિમાં દિલમાંથી નીકળતો નથી. શહાદતના શહેનશાહ હઝરત ઈમામ હુસૈન અલૈયહિ સલ્લામ (અ. સ.)ના ગળા પર યઝિદના ફૌઝનું ખંજર હતું, એવી કત્લની ઘડીએ પણ આપે નમાઝ કઝા (રદ) કરી નહીં, કેમકે, એ નમાઝ તો નાનાજાને (અંતિમ પયગંબર હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલયહે વસલ્લમ (સ.અ.વ.) કે જેઓ હઝરત ઈમામ હુસૈન (અ. સ.)ના નાનાજાન છે) આપના મુબારક દિલમાં ઊંડે સુધી ઉતારી દીધી હતી. ઈમામના એ છોડનું બીજ તો ઈમાન બખશનાર અલ્લાહના મહેબૂબ (સ.અ.વ.)મે પોતાના હાથે મહાન ઈમામ હુસૈન (અ.સ.)ના પવિત્ર દિલમાં વાવ્યું હતું. સેતાન યઝીદના જુલમનું વાવાઝોડું તેને સ્પર્શી શક્યું નહીં.

જાફરઅલી ઈ. વિરાણી


ધર્મજ્ઞાન:
સીર્ફ રો લેનેસે કૌમૉકેં નહીં ફીરતે હય દિન,
જાં ફીશાની ભી હય લાઝિમ, અશ્કફીશાની કે સાથ.

આંખમેં આંસુ હો, દિલમેં હો શરારે ઝીન્દગી,
શોઅલએ આતિશ ભી હો, બહેતે હુએ પાની કે સાથ.

બોધ: સલ્તનતો (રાજશાસન) કાયમ થાય છે અને ફના (નાશ) થઈ જાય છે. ઈન્સાનની કોશિશો અને આશાઓ કામિયાબ (સફળ) થાય છે, પરંતુ ઈન્સાનના સીનામાં (દિલમાં) બુલંદ અખલાક (શિષ્ટાચારના) મૂલ્યાંકનો છે, તે ક્યારેય ફના (નાશ) થતા નથી. એ હંમેશાં કાયમ રહે છે. પૃથ્વી તેની ધરી પરથી હઠી શકે છે, આકાશના સિતારાઓ અથાગ અંધકારમાં અદૃશ્ય થઈ શકે છે, પરંતુ અખલાકી (સદાચરણ)ના મૂલ્યાંકનો હંમેશ માટે જીવંત છે, અમર રહે છે. ક્યારેય નષ્ટ થતા નથી અને ક્યારેય નષ્ટ થશે પણ નહીં.


આજનો સંદેશ
ઈલ્મોજ્ઞાનમાં માહિર એવા એક આલિમને પૂછવામાં આવ્યું કે –

  • સંયમ અને સદાચાર કઈ રીતે ધારણ કરી શકાય?
  • જવાબ મળ્યો કે,
  • કબરને જુઓ
  • તેની ભયાનકતાનો વિચાર કરો
  • ત્યાં કોઈ મદદ કરનાર નહીં હોય
  • આખેરત (મૃત્યુલોક)નો રસ્તો ઘણો લાંબો અને વિકટ છે.
  • તેને પસાર કરવા માટે કોઈ સાધન કે સામાન નથી.
  • કયામત (ન્યાય)નો માલિક ખુદા છે તેની પાસે કોઈપણ બહાનું કે બચાવ ચાલી નહીં શકે.

બોધ: આ જ્ઞાન પર વિચાર અને મનન કરવાથી સદાચાર, શિષ્ટાચાર, સંયમ પેદા થશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button