વાદ પ્રતિવાદ

છીંકને અપશુકન કેમ માનવામાં આવે છે? ઈસ્લામની વિચારધારામાં છીંકનું વર્ણન

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

છીંકને કેટલાક લોકો અપશુકન સમજે છે, હદ તો એ વાતની છે કે છીંક ખાનારને નફરતથી યા હલકી નજરથી જોવામાં આવે છે. રસ્તામાં ચાલતાં કોઈને છીંક આવે તો આગળ ચાલવાનું બંધ કરે છે. કોઈ શુભ કાર્યને રોકી દેવામાં આવે છે. આ ઉપરાંત છીંક વિશે સમાજમાં ખોટી વિચારધારા જોવામાં આવે છે.

-આવી ગેરસમજ વિચારધારાને ધ્યાનમાં રાખી શારીરિક-માનસિક અને આરોગ્યની દૃષ્ટિએ છીંક માટે ઈસ્લામની વિચારધારાનું સવિસ્તાર વર્ણન અહીં કરવામાં આવેલ છે. ઈસ્લામ ધર્મે તેની ઉમ્મત અર્થાત્ પ્રજાજનો, અનુયાયીઓને

  • છીંકના ફાયદા,
  • છીંક ખાનાર માટે દુઆ (પ્રાર્થના) કરવા,
  • છીંક આવે ત્યારે પઢવાની દુઆ,
  • આરોગ્યની દૃષ્ટિએ,
  • માનસિક-શારીરિક રીતે છીંકના લાભાલાભ વગેરેનું
  • રસપ્રદ માર્ગદર્શન મુસલમાનોને આપેલ છે.
  • મુસલમાનનો તેના કોમી ભાઈ પ્રત્યેનો હક-ફરજ એ છે કે-
  • મુલાકાતના સમયે સલામ કરે,
  • બીમાર થાય તો ખબરઅંતર પૂછવા જાય,
  • પીઠ પાછળ તેની ભલાઈ ચાહે અને જ્યારે તે
  • છીંક ખાય તો તેના હકમાં દુઆ માગે.
  • છીંક આવે ત્યારે છીંકનારે
    ‘અલ્હમ્દો લિલ્લાહે રબ્બીલ આલમીન લા શરીક લહ’ અર્થાત્ ‘તમામ સ્તુતિ (વખાણ) સઘળી દુનિયાઓના પાલનહાર માટે છે જેનો કોઈ ભાગીદાર નથી’ કહેવું જોઈએ.
  • ઉપરોક્ત અલ્લાહની સ્તુતિ સાંભળી મોમીન ભાઈઓએ તેના હકમાં દુઆ કરતાં ‘યરહમ કોમુલ્લાહ’ (ખુદા તમારી પર રહેમ-કૃપા કરે) કહેવું જોઈએ.

-આ સાંભળીને છીંકનારે પણ તેના મોમીન ભાઈઓના હકમાં દુઆ કરતાં ‘યહદી કોમુલ્લાહો વયુસ્લેહો બાલકુમ’ (ખુદા તમારો માર્ગદર્શક બની રહે અને તમારી પ્રગતિ કરે) કહેવું જોઈએ.

  • પયગંબર અસનાદ હુઝુર અનવર (સ.) જણાવે છે કે
  • ‘જ્યારે કોઈ મોમીન છીંકે તો તમે તેના માટે દુઆ કરો. ચાહે તમે તેનાથી ગમે તેટલા દૂર હો.’
  • તંદુરસ્તી અને સંતોષકારક હાલતમાં ખુદાના તરફથી બંદા પર ઘણી જ ને’મતો-કૃપા, ઈશ્ર્વરિય દેણગી ઊતરે છે (મહેરબાની થાય છે) પરંતુ બંદો તે ને’મતોનો આભાર માનવાનું ભૂલી જાય છે. તેથી ખુદા તઆલા હવાને હુકમ કરે છે કે તે બંદાને શરીરમાંથી પસાર થઈ નાક દ્વારા નીકળી જાય. આ કારણે જ છીંક આવે તો ‘અલ્હમ્દોલિલ્લાહ’ કહીને અલ્લાહના વખાણ કરવાનો હુકમ છે અને આ રીતે ખુદાના વખાણ કરવા એ તેની ને’મતો-કૃપાઓનો આભાર અને ભૂલની માફી-ક્ષમાયાચના થઈ જાય છે.
  • છીંક એ બહુજ સારી વસ્તુ છે. કારણ કે તેનાથી શરીરને ફાયદો પહોંચે છે અને ખુદાની યાદ આવે છે.
  • ‘જ્યારે કોઈને છીંક આવે તો’ અલ્હમ્દોલિલ્લાહે રબ્બીલ આલમીન વ સલ્લલ્લાહો અલા મોહંમદીવ વ અહલેબૈતેહી’ કહો.
  • ‘જે માણસ છીંક લીધા પછી ‘અલ્હમ્દોલિલ્લાહે રબ્બીલ આલમીન અલાકુલ્લેહાલીન’ કહે તો તેને કાન અને દાંતનો દુ:ખાવો ક્યારેય થશે નહીં…’
  • ત્રણેક છીંકો આવે ત્યાં સુધી શરીરને ફાયદો થાય છે, પરંતુ ત્રણથી વધારે છીંકો આવે તો તે બીમારીને લીધે છે.
  • જેને છીંક આવે તે માણસ સાત દિવસ સુધી મરવાથી બચી જાય છે.
  • બીમાર માણસને છીંક આવવી એ તંદુરસ્તીની નિશાની છે અને શરીરમાં રાહત પહોંચે છે.
  • કોઈ મોમીના (સ્ત્રી) છીંકે તો ‘આનાકીલ્લાહ’ (ખુદા તને સલામત રાખે) કહેવું જોઈએ.
  • કોઈ બાળક છીંકે તો ‘ઝરઅકલ્લાહ’ (ખુદા તને દીર્ઘાયુ કરે)
  • કોઈ બીમાર છીંકે તો કહે ‘શેફાકલ્લાહ’ (ખુદા તને તંદુરસ્ત રાખે)
  • કોઈ કાફીર (ઈશ્ર્વર, અલ્લાહને ન માનનાર- કુદરતને ઝુટલાવનાર-અવગણના કરનાર છીંકે તો કહે ‘હદાકલ્લાહ’ (ખુદા તને હિદાયત આપે-માર્ગદર્શન-ધર્મની સાચી સમજ) આપે અને
  • પયગંબર યા ઈમામ, સહાબાએ કીરામ- (સાથી સંગાથીઓ-ઈમાન લાવનારા) છીંકે તો કહે ‘સલ્લલ્લાહો અલયક’ (ખુદા તમારી પર રહેમત-ઈશ્ર્વરીય દયા-દેણગી ઉતારે)
  • વધુ પડતી છીંકો પાંચ બીમારીઓ આવવાથી બચાવે છે.

૧- શરદી,
૨- લકવો (પેરેલાઈસ),
૩- આંખોમાં પાણી ઊતરવું.
૪- નાકની અંદરની જગા સુકાઈને કડક થઈ જવી અને
૫- આંખોમાં વાળ થઈ જવા જેનાથી પોંપણો પડતી થાય છે.

  • અગર ચાહે છીંકો ઓછી થઈ જાય છે રતી મરવાનું તેલ નાકમાં ટપકાવે.
  • અગર કોઈને નમાઝમાં છીંક આવે તો ‘અલ્હમ્દોલિલ્લાહે રબ્બીલ અલમીન (તમામ તારિફ-વખાણ-સ્તુતિ રોજી આપનાર પાલનહાર માટે છે.) કહે.
  • છીંકનો અવાજ સાંભળનારે ‘અલ્હમ્દોલિલ્લાહે વ સલ્લલ્લાહો અલા મોહંમદીવ વ આલે મોહંમદ (ખુદા તમારા પર પોતાના આશીર્વાદ મોકલે અને શાંતિ અર્પે તથા આપના કુટુંબ-પરિવાર-વંશજો પર પણ પોતાના આશીર્વાદ મોકલે, શાંતિ અર્પે) કહેવું જોઈએ.

નોંધ: છીંક વિશેનો પ્રસ્તુત લેખ હદીસ (પયગંબરો, ઈમામો, વલીઅલ્લાહ, સહાબીઓ (ઈમાન લાવનારા સાથી-સંગાથીઓ)ના આચરણ, કથન-વાક્યોમાં-વહેવારમાં વપરાતા શબ્દો માર્ગદર્શન-શિક્ષણ પર આધારિત છે અને ઈસ્લામની વિચારધારાનું વર્ણન છે. ઉપરાંત છીંક ખાનાર અને છીંક આવે ત્યારે પઢવાની દુઆ કે જે મૂળ અરબી શબ્દોનો ગુજરાતીમાં ભાવાનુવાદ કરવાનો નમ્ર પ્રયત્ન માત્ર છે.

સાપ્તાહિક સંદેશ:
પયગંબર હઝરત મોહંમદ સાહેબ કોઈ મરી ગયેલા માણસનો ખરખરો કરતાં ફરમાવ્યું કે, ‘મરણ પામતા કોઈ એવી બાબત નથી કે જે તમારા માટે નવી હોય! અથવા તમારા ઉપર જ એમ બનેલ હોય! એ નો હંમેશાંથી જારી છે અને હંમેશાં રહેશે. તમારો મરણ પામનાર માણસ મુસાફરીમાં હતો તમે માની લો કે તે કોઈ મુસાફરીએ ગયો છે. જો તે આવીને મળે તો સહુથી સારું, નહીં તો તમે ખચિત તેને મળશો…!’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button