વાદ પ્રતિવાદ

એકેશ્વરવાદનો ઈલાહી પયગામ સૌપ્રથમ કોણે આપ્યો?

મુખ્બિરે ઈસ્લામ – અનવર વલિયાણી

જગતકર્તાએ આ વિશ્વનું સર્જન કર્યું ત્યારે દરેક વસ્તુઓની જોડી બનાવી. દાખલા તરીકે સ્ત્રી અને પુરુષ, સુખ સાથે દુ:ખ, આશા સાથે નિરાશા, સત્ય અને અસત્ય વગેરે વગેરે, પરંતુ પોતે એક અને માત્ર એકલો જ રહ્યો. તેનો કોઈ જોડીદાર નથી અલ્લાહ સર્વત્ર છે અને તે નિરાકાર છે. તે ન નર છે, ન નારી છે તે સમસ્ત મખ્લુક-સર્જનનો માલિક છે, સર્વસર્જનહાર શક્તિમાન છે એટલે તેનો કોઈ જોડીદાર નથી.

સુજ્ઞ વાચક મિત્રો! શાંતચિત્તે, ગંભીરતાપૂર્વક વિચાર કરો તો સ્પષ્ટ થવા પામશે કે અલ્લાહનો કોઈ જ જોડીદાર નથી અને માત્ર અકેલો જ છે. અને જે બુનિયાદ પર દીને ઈસ્લામનો સ્તંભ નખાયો તે આ તૌહીદ એટલે કે અલ્લાહ-ઈશ્ર્વર એક છે પર જ સ્થપાયો. માનવજાતના આદ્યપિતા હઝરત આદમ અલયહિસ્સલ્લામ (અ.સ.)થી લઈને લગભગ એક લાખ અને ચોવીસ હજાર જેટલા પયગંબરો (સંદેશવાહકો) આવ્યા અને સૌથી છેલ્લે તમામ મખ્લુક (સર્જન) પર બેહદ રહેમત (કૃપા-બરકત) લઈને આ ધરતી પર પધાર્યા તે અંતિમ પયગંબર કે જેઓ અલ્લાહના રસૂલ છે તે હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલૈયહિ વસલ્લમ (સ.અ.વ.) આ એકેશ્ર્વરવાદના અલ્લાહના બુનિયાદી સંદેશને કાયમ કર્યો. પ્રારંભથી જ એ પયગામ દુનિયા પર અલ્લાહ મોકલતો રહ્યો કે, ‘હું એકલો જ છું અને મારી જ ઈબાદત (પ્રાર્થના-સ્તુતિ) કરતા રહો.’ આખરી નબી હઝરત મુહંમદ (સ.અ.વ) પણ આ વાતના સ્પષ્ટ અર્થમાં તૌહીદનો કલમો લઈને આવ્યા કે, ‘લા ઈલાહા ઈલલ્લાહ, મોહમદુન રસુલિલ્લાહ’ (મારા સિવાય કોઈ ખુદા નથી અને મોહંમદ (સ.અ.વ.) મારા રસુલ છે.)

પયગંબરે ઈસ્લામ હુઝૂરે અનવર (સ.અ.વ.) મે જ્યારે અલ્લાહના આ પયગામનું એલાન (જાહેરાત) કરી ત્યારે અજ્ઞાન આરબ જગતમાં એક પ્રકારની હલચલ થઈ ગઈ. એક ખુદાનું તત્ત્વજ્ઞાન આરબોના દીમાગમાં ઊતરતું ન હતું. ખુદાની બનાવેલ શક્તિઓ અને કરામતો જેવા કે સૂર્ય, ચંદ્ર, તારા, પહાડો, સમંદર વગેરે સામે તેઓ ઝુકી જતાં અને અંધશ્રદ્ધામાં ગળાડૂબ રહેતા. આવા ઘોર અજ્ઞાનતાના સમયમાં હુઝૂરે અનવર (સ.અ.વ.)નું આ ધરતી પર આગમન થયું અને આરબ જગતમાં એક મહાન ક્રાંતિ સર્જાણી.

વહાલા વાચકો! ઈસ્લામની બુનિયાદ ‘કલ્મે તૌહીદ’ હોઈને કોઈપણ વ્યક્તિ અલ્લાહ એક હોવાનો કલ્મો પડે એટલે તે શરીઅત (ઈસ્લામી નિયમો) પ્રમાણે ઈસ્લામના દાયરામાં દાખલ થઈ શકે. પરંતુ દિલથી-સાચા હૃદય-મનથી એ તૌહીદના તત્ત્વજ્ઞાનને સમજીને માન્ય ન રાખે ત્યાં સુધી એ સાચો મુસલમાન બન્યો કહેવાય નહીં. નામના અને કામના મુસલમાનો વચ્ચેના ભેદને સમજી લેવો ઘટે.

યાદ રહે! અલ્લાહ તઆલાએ ઈન્સાન પર કોઈ જબરદસ્તી કરેલ નથી કે આંખ બંધ કરીને મને માનો-અનુસરો અને મારી ઈબાદત કરો. અલ્લાહતઆલા એ તો ઈન્સાન જાતને આપેલ અજોડ ને’મત (દેણગી)નો ઉપયોગ કરવાની દા’વત (આમંત્રણ) આપી છે. રબતઆલા કુરાન શરીફમાં એક કરતા વધુ આયતોમાં ફરમાવે છે કે, આ જગતમાં મેં જે સર્જન કર્યું છે તે મારા વજુદની નિશાનીઓ છે, તેને ધ્યાનથી જુઓ. તેના પર બુદ્ધિપૂર્વક વિચારો અને તમને વિશ્ર્વાસ પેદા થાય કે આવી દુનિયા સર્જનહાર-સર્વોપરી શક્તિ સિવાય કોઈ બનાવી ન શકે પછી જ તમો મારા વજુદ-અસ્તિત્વને માનો.

કુદરતના અસ્તિત્વ સંબંધી આધુનિક વિજ્ઞાનની વિચારધારા કેવી છે તથા આધુનિક જ્ઞાનમાં ઉછરેલી પેઢી અદૃશ્ય સત્યોને સમજવા કેટલી કામિયાબ થઈ છે તે વિશે લેખના આવતા અંકના બીજા ભાગમાં રોશની નાખીશું. ઈન્શા અલ્લાહ.
જાફરઅલી ઈ. વિરાણી

  • * *

તૌબા (પ્રાયશ્ચિત) અને ક્ષમા કરવા માટે દુઆ

…હું અલ્લાહતઆલાથી માફી માગું છું જેના સિવાય કોઈ જ પૂજનીય નથી અને તે જ સદાય જીવંત અને સદાય કાયમ રહેવાવાળો છે અને તેની જ સમક્ષ તૌબા (પશ્ર્ચાતાપ) કરું છું.

સાપ્તાહિક સંદેશ:

  • * *

પવિત્ર કુરાન ફરમાવે છે કે માબાપના હુકમનો અનાદર ન કરો. તેઓની સાથે નરમીથી (નમ્રતાથી) વર્તાવ કરો. તેઓ ગુસ્સે થાય તો ઉફ ન કહો. તેમની જેટલી સેવા કરશો તેનો ભરપૂર બદલો મળશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button