પ્રગતિ આડે આવતા અવરોધોને દૂર કરવા માગો છો? આયતો-કથનોના સાચા અર્થોને અપનાવો
મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી
બટન દબાવતાંની સાથેજ મળી રહેવા પામતી તમામ સુખ-સાહેબી છતાં માનવી મનની શાંતિ અને દિલના શુકુનને ખોઈ બેઠો છે. આજના સમયમાં માનવજીવનમાં માનસિક તાણ એટલી બધી વધી જવા પામી છે, કે તેને મનોમન બબડતો અને હવામાં વાતો કરતા જોવો એ સામાન્ય બાબત બની ગઈ છે. વિજ્ઞાનની હરણફાળ પ્રગતિ છતાં ઈન્સાન અમનને ઝંખતો અને સતત અજંપામાં જીવી રહ્યાનું જોવા મળે છે. આ રીતે સમાજના માળખાનું જે મિઝાન (ત્રાજવું) છે, તે ડોલી ઉઠ્યું છે જીવનરૂપી આ મિઝાનને જો બેલેન્સમાં રાખવી હોય તો તે માટેનો એક જ આસાન નુસખો એ છે કે ધર્મને તેના સાચા અર્થમાં સમજવો રહ્યો.
આજે પિતા પુત્ર વચ્ચે, ભાઈ ભાઈ વચ્ચે, પાડોશી પાડોશી વચ્ચે, કુટુંબના અને દેશના નાગરિકો વચ્ચે, ગુરુ અને શિષ્ય વચ્ચે પ્રેમ-આદર-સન્માન રહ્યા નથી. દરેક પ્રતિષ્ઠિત કહી શકાય તેવા સંબંધોમાંથી પ્રેમ-લાગણી-મહોબ્બતનું તત્ત્વ ઊઠી ગયું છે. તે એટલી હદે કે ઘરડાં મા-બાપને તેના પુત્રો ‘ઘરડા ઘર-વૃદ્ધાશ્રમો’માં મુકી આવે છે. સંયુક્ત કુટુંબો તૂટતાં-વિખરતાં જાય છે. જુદા અને એકલવાયા રહેવામાં આજનો યુવાન ગર્વ લે છે, પરંતુ એ એકલવાયુપણું જ સંતાનોને પાછળથી કોરી ખાય છે. સ્વાદિષ્ટ પકવાનો છતાં ભૂખનો અભાવ અને વાતાનુકૂલિત બેડરૂમ છતાં નિંદર વેરણ બની ગઈ છે, ઊંઘ આવે પણ ક્યાંથી? કરેલા કરતૂત શાંતિને હણી નાખે છે. ઊંઘ આવે તે માટે નિંદરની ગોળી અને સમય પર ઊઠવા માટે એલાર્મ રાખવી પડે… આ કેવો જમાનો આવ્યો છે?
ઈસ્લામ ઉમ્મતિઓને જીવન જીવવાનો સાચો માર્ગ કુરાને કરીમ અને હદીસ્ શરીફ દ્વારા દાખવે છે. તેની આચારસંહિતામાં ધનનો એકતરફી સંગ્રહ નિષેધ લેખવામાં આવેલ છે. ધર્મના આદેશ મુજબ ‘મ્યાના રવી’ (મધ્યમ માર્ગ) અપનાવીને જીવન જીવવાની હિદાયત છે. અયોગ્ય તોલમાપ, ભાવવધારાના આશયે માલનો સંગ્રહ, લાંચ રૂશ્વત વગેરે જેવા અનિષ્ટ કાર્યો પર પ્રતિબંધ અને તેને હરામ લેખવામાં આવ્યા છે. આ આદેશોનું પાલન કરાવીને દીને ઈસ્લામ ઈન્સાની સમાજને પવિત્ર અને સ્વચ્છ બનાવવા માગે છે. મૂડીવાદને ઈસ્લામ માન્ય રાખતો નથી. તેવી જ રીતે સંયુક્ત પુરુષાર્થના નામે માનવીની વ્યક્તિગત આઝાદી છીનવી લેનાર વિભાજિત થયેલા કહેવાતા સુપર પાવર રાષ્ટ્રોની કાર્ય પદ્ધતિ પોલિસીને પણ ઈસ્લામ કબૂલ રાખતો નથી.
દીને ઈસ્લામ મૂડી કમાવવાનો ઈન્કાર કરતો નથી. મૂડી જરૂર પેદા કરો, પરંતુ મૂડી પેદા કર્યા બાદ ઝકાતરૂપી ગરીબોનો હક્ક જરૂર કાઢતા રહો. હજ અદા કરી, મસ્જિદો, મદ્રેસા, મુસાફરખાના બંધાવો, કૂવા ખોદાવો વગેરે માનવતાનાં કાર્યોનાં મોમિનો પોતાની મૂડીનો સદ્ઉપયોગ કરતા રહે તેવો ઈસ્લામ આદેશ આપે છે.
એજ પ્રમાણે વ્યક્તિગત આઝાદી માટે ઈસ્લામ ખૂબ જ આગ્રહી જણાય છે. હઝરત ઉમર ફારૂક રદ્યિતઆલા અન્હો જેવા મહાપ્રતાપી ખલીફા (અધ્યક્ષ)ની મજલીસમાં, તેમના એક ખુત્બા (પ્રવચન)માં એક સ્ત્રીએ ભૂલ કાઢી બતાવી હતી. હઝરત ઉમર રદ્યિતઆલા અન્હોએ તે ખાતૂનનો આભાર માન્યો હતો. ઈસ્લામમાં મશ્વરા (સલાહ-સૂચન-ચર્ચા)નું મહત્ત્વ પણ ઉમદા આપ્યું છે. દરેક કાર્યમાં વિચારવિમર્શ (મશ્વરા)થી રહેવાના આદેશ છે. આ ચર્ચા-વિચારણાની રીત જ બતાવી દે છે કે વ્યક્તિગત આઝાદી, વ્યક્તિગત અભિપ્રાય અને વ્યક્તિગત સલાહ સુચનોની ઈસ્લામમાં ભારે કદર કરવામાં આવી છે.
રશિયામાં અને તેના સાથી દેશોમાં વ્યક્તિગત આઝાદી નથી અમેરિકા અને તેના સાથે દેશોમાં વ્યક્તિગત આઝાદી એટલી બધી છે કે, જેને જે કરવું હોય તે કરે. આવી નિરંકુશ આઝાદીને લીધે નીતિનાં મૂલ્યોનું ધોવાણ થઈ ગયું છે. સારા-નઠારાના ભેદ ભૂલાઈ ગયા છે. જાહેરમાં ચુંબનો કરવા, જાહેરમાં નગ્ન થઈને ફરવું, નગ્ન તસ્વીરો પડાવવી, નગ્ન નૃત્યો કરવા, નગ્ન લિબાસ (કપડાં) અને હવે તો ત્યાં એટલી હદે નગ્નતા વ્યાપી ગઈ છે કે સ્ત્રી-સ્ત્રી અને પુરુષ-પુરુષ વચ્ચે સમલૈંગિક સંબંધો જાણે સામાન્ય બાબત બની થઈ હોવાનું દૃશ્ય અનુભવ આ લખનારે જોયું છે.
પરિણામે અતિઅંકુશ અને અભિનિરંકુશ કાયદા-કાનૂનને કારણે પશ્ર્ચિમના લગભગ તમામ દેશો-રાજ્યોમાં હિંસા, અરાજકતા અને પાંચ કે દસ ડૉલર માટે ખૂન સુધ્ધાં કરી નાખવા જેવી ઘટના હકીકત સામાન્ય બની ગઈ છે. કારણ વ્યક્તિ સ્વાતંત્ર્યના નામે દુનિયાના સૌથી મોટા શક્તિશાળી અમેરિકામાં ગુનાખોરી સીમા વટાવી ગઈ છે, જ્યારે રશિયા વિભાજિત થઈ ગયું છે. નાના મોટાની અદલ બદલ જળવાતી નથી, વડીલોનું માન જળવાતું નથી. ધર્મ-કર્મથી દૂર થઈ જવાથી આજનો યુવાવર્ગ કેફી પીણાં પીને શાંતિને શોધી રહ્યો છે. સેક્સને નિરંકુશપણે માણી લેવાની ઝંખનામાં યુવક-યુવતી ‘ગુપ્ત’ જેવા મહારોગ અને એવા બીજા અસાધ્ય રોગના ભોગ બની ગયા છે. પ્રગતિશીલ રાષ્ટ્રોના નાગરિકો જાણે ગુમરાહ છે. દિશાવિહોણા છે, માર્ગ ભટકેલા છે.
માનવ સમાજને લાગેલા આ લૂણામાંથી, તન-મન-ધન, કુટુંબ-સમાજ અને એ બધા દ્વારા દેશ આખાને આ ઉધઈથી-આ બેફામ આચરણોમાંથી ઈન્સાનને ઉગારવો હોય તો ‘કાનૂને ઈલાહી’ (અલ્લાહના કાનૂન)ની હાકેમીયત (નિયમ) કાયમ કરી દેવી, એ એક જ ઉત્તમ માર્ગ છે. આજનો સમાજ ન્યાય, ભાઈચારો, પ્રેમ, ઉષ્મા, શાંતિ, સુખચૈન, સમાનતા જેવા દીન અને દુનિયામાં પ્રગતિ મેળવવા માગતો હોય તો તેણે ઈસ્લામે પ્રબોધેલા કુરાન કરીમના આદેશો અને એ હિદાયતના નખશિખ સાચાં અર્થઘટનો થકી અમલ કરવા કટિબદ્ધ બનવું જ પડશે.
માનવ કલ્યાણ માટે મોકલવામાં આવેલા જગત ઉધ્ધારક મહાન પવિત્ર પયગંબર હઝરત મુહમ્મદ મુસ્તફા (સ.અ.વ.) દ્વારા અપાયેલી તાલીમનો માર્ગ ખાસ કરીને ઈસ્લામી દેશોએ પણ અપનાવવો જ પડશે. અન્યથા માનવીના વ્યક્તિગત જીવનમાં-કૌટુંબિક જીવનમાં, સામાજિક તેમજ સમગ્ર રાષ્ટ્રીય જીવનમાં ક્યાંય સંપૂર્ણ શાંતિ
-શમીમ એમ. પટેલ
(ભરૂચ, ગુજરાત)
આજનો પયગામ:
એક તંદુરસ્તી હજાર ને’મત
સુખ, શાંતિ અને આનંદમય જીવન માટેનો આસાન નુસખો આ રહ્યો: રબ જે સ્થિતિમાં રાખે તેને હસતા મોઢે કબૂલ
રાખો. ઉડાવ નહીં પણ ઉદાર બનો, લોભી ઈન્સાન હંમેશાં દુ:ખી રહે છે. સુખ માલ, હોલત, સત્તા શોહરતમાં હોવાની વાતને ભૂલી જાઓ. જેમની પાસે આ તમામ બાબતો છે તેવા ભાગ્યવાન કદાચ આંગળીના વેઢે ગણી શકાય તેવા પાસે પણ નિરાંતની નિંદર હોતી હશે કે કેમ એ સંશોધનનો વિષય બની રહે છે.
સાચું સુખ તંદુરસ્તીમાં છે. બુદ્ધિપૂર્વક વિચારવામાં અને સારા-નરસાનો ભેદ પારખી તેના અમલમાં છે. એક હાથે આપો પછી જ બીજા હાથે લેવાની ખેલદિલ શાંતિ, શુકુન અપાવે છે વનવે ટ્રાફિક સંભવ નથી.
તમારું કામ માત્ર પ્રયત્ન કરવાનું છે પરિણામ અને ફળ રબની ઈચ્છા પ્રમાણે મળે છે. અને મિત્રો! પરિણામ આપણી મરજી મુજબ મળવાનું ન જ હોય તો ચિંતા ફિકર કરીએ તો આપણે અકલમંદ પોતાને કઈ રીતે કહી શકીએ?
એક સાચા મુસ્લિમ મોમીનની પહેચાન એ છે, કે તે પરહેઝગાર છે, યોગ્ય દીશામાં મહેનત કરે છે અને અલ્લાહતઆલાએ માલોદૌલતથી સન્માનિત કરેલ હોય તો તેનો ખર્ચ પણ ખરા માર્ગે કરે છે.
બોધ : અકલમંદ મોમીનની વ્યાખ્યાને ઉપર દર્શાવ્યા મુજબ વર્ણવી શકાય. (ને ‘મત’-ઈલાહી-ઈશ્ર્વરિયદેણગી).