વાદ પ્રતિવાદ

ઉસ કે ઘર દેર તો હો સકતી હય, અંધેર નહીં

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

કયામતના ફના થનારા અત્યંત કઠીન યુગમાંથી આલમે ઈન્સાન પસાર થઈ રહ્યો છે. સેતાન નામે ઈબ્લીસ મામવીના રોમેરોમમાંથી પ્રવેશી લોહીમાં હળીમળી ગયો છે. આંતક, વ્યભિચાર, ચોરી-લૂંટ જેવા મહાઅપરાધો રોજિંદા બની ગયા છે. બનતા બનાવો પાછળનાં અનેક કારણોમાં એક કારણ અદેખાઈ છે. ઈર્ષા, કરવામાં આવતી નેકીઓને એવી રીતે ભસ્મ કરી નાખે છે, જેવી રીતે આગ સૂકા લાકડાને. હસદ પાછળનું એક કારણ છૂપી અને ઉગ્ર મનેચ્છા પણ છે. અદેખો આદમી નિષ્ફળતા નિરાશાની આગમાં બળતો રહેતો હોય છે, પરિણામે અનેક અપરાધોને તે જન્મ આપતો હોય છે

મિટ્ટી સે બના હય, દિલકો તુ સંગ ન કર,
હર બાત પે મોઅતરિઝ ન હો, જંગ ન કર;
મન્ઝુર હય જા દિલો મેં અય દોસ્ત,
બેહતર હય કે દુશ્મનો કો ભી દિલ તંગ ન કર.

ઉર્દૂ સાહિત્યના એક જાણીતા શાયરના આ શૅ’રનો અર્થ થાય છે: તું, તારું દિલ માટીમાંથી બન્યા છે, તેને પથ્થર જેવું બનાવજે નહીં. દરેક વાત પર ટીકા, દરેક વાતમાં ત્રુટીઓ કાઢવી અને લડવા બેસવું સારું નથી. જો તું ઈચ્છતો હો, કે બીજાના હૃદયમાં પણ તને જગા મળે – બીજાઓ પાસે પણ માનવંત બને, તો ઓ મિત્ર! મારી સલાહ છે, કે દુશ્મનને પણ સતાવજે નહીં, પજવતો નહીં.

શાનદાર, સુવિધાથી ભરપૂર તમામ સુખ, સગવડ ધરાવતી આ રોનકદાર દુનિયામાં માનવજાત હંમેશાં કાર્યશીલ રહેતી હોય છે છતાં માનવીની જીવનનૌકા હંમેશાં મુસીબતો અને મુશ્કેલીઓની લહરોમાં ડગમગતી રહેતી હોય છે. જીવને જોખમે આ તકલીફો પર માનવી કાબૂ મેળવતો રહેતો હોય છે, જેથી જીવનના ઉપવનમાંથી તે સફળતાનાં પુષ્પો ચૂંટી શકે અને પોતાની મનગમતી તમન્નાઓને એક કે બાદ એક સિધ્ધ કરી શકવા તે સમર્થ નિવડી શકે. પરંતુ મનુષ્યની જિંદગીની નસને, મોતની કાતર જ્યાં સુધી કાપી નથી નાખતી, ત્યાં સુધી તેની ઉમ્મીદની બારીઓ ઉઘાડી રહેતી હોય છે. ઈશ્ર્વરે ઈન્સાનની એ ફિતરત બનાવી છે, એવી ટેવ પાડી છે, કે માનવી પ્રયાસ કરવાનું કદી છોડતો નથી અને કામિયાબી-સફળતા માટે સતત પ્રયત્નશીલ રહેતો હોય છે. જ્યારે પોતાના હેતુમાં તે સફળ થઈ જતો હોય છે, ત્યારે જમાનાના તમામ ઘૂંટને શરબત સમજી પી જતો હોય છે. નેક ઈન્સાનની આ નિશાની છે.

પોતાના મનની મુરાદ મેળવવામાં કામિયાબ થયા પછી, પોતે કેવી રીતે વધુ ખ્યાતિ મેળવે તે માટે તનતોડ પ્રયાસો કરતો રહેતો હોય છે, કારણ કે દરેક વ્યક્તિની ખ્વાહિશ પોતાની જિસ્માની જરૂરિયાત મુજબની અથવા તો રૂહની તરક્કી માટેની હોય છે. પોતાના વિચારો અને બીજા લોકોના વિચારો સમજવાની પદ્ધતિમાં સારો જેવો તફાવત હોય છે, પણ આ મુદ્દો વિચારવા જેવો છે કે જ્યારે આ અરમાનો અને વલણોની તકમીલ (પૂર્ણતા) પોતાની ઈચ્છા મુજબ થાય છે ત્યારે તેના દિલને તેનાથી સુકુન, નિરાંત નસીબ થાય છે તેનો મઆરેફત (છુટકારા) અંગેનો મુકામ બુલંદ બની જાય છે અને એક રોશન ચીરાગની જેમ તેની ઝિંદગી પ્રકાશિત થઈ જાય છે જેને કારણે ઈન્સાનની સામેથી બદકિસ્મતીનો ભયંકર અંધકાર દૂર થઈ જાય છે. ક્યારેક એવું પણ બને છે કે મનુષ્યની કોઈ નફસાની જઝબો જેમ કે લાલચ, સ્વાર્થ અથવા તો કોઈ પદપ્રાપ્તિ જેવી બાબતોમાં એક તોફાન જેવું ઉદ્ભવે છે અને ત્યાંથી જ તેની બદબખ્તી શરૂ થઈ જાય છે, આ કહેવાતો ઉમળકો ઉભરાવવાના કારણે તેમાં એક ગલત ખ્વાહિશ-એક ખોટી મનેચ્છા પેદા થઈ જાય છે, જે તેના નેક અને સારા જઝબાતને – ઉમળકાને જંજીરમાં જકડી લે છે અને માનવીને પોતાની જિંદગીની નેક તમન્નાઓ હાંસલ કરતાં અટકાવે છે.

ઈર્ષા-હસદ-બદખ્વાહિશ-બૂરી ઈચ્છાનું નામ છે. ઈર્ષા કરનાર-અદેખાઈ કરનાર કદી પણ કોઈને આરામ અને રાહતમાં જોઈ શકતો નથી અને લોકોના સુખ જોઈને હંમેશાં પોતાના દિલમાં અણગમો તથા બેચેની અનુભવતો રહેતો હોય છે. શાયર કહે છે કે:
હર વક્ત ઝમાને કા સિતમ સેહતે હંય,
હાસિદ જો બૂરા કહે, તો ચૂપ રેહતે હંય,
જો નેક હય વો બદીકો ભી કેહતે હંય નેક,
જો બદ હય વો અચ્છો કો બૂરા કેહતે હંય
અર્થ: લોકો તરફથી અપાતા ત્રાસ-ઝૂલ્મોને હંમેશાં સહન કરીએ છીએ. અમારા વિરોધીઓ અમને બૂરું ભલું કહે તો પણ અમે ચૂપ રહીએ છીએ. જે લોકો નેક હોય છે, તે બૂરાઓને પણ નેક માને છે અને જે બૂરા હોય તેને નેક ઈન્સાનો પણ બૂરા લાગે છે.

મહાન ફિલસૂફ ‘સુકરાત’ના કહેવા મુજબ ‘બુલહવિસ’ એટલે કે અદેખાઈ કરનારો શખસ બીજાઓની ચરબી જોઈને પોતે દુબળો-પાતળો થતો જતો હોય છે. તમામ બુરાઈઓ-અપરાધોનું મૂળ, એની બુનિયાદ હસદમાંથી સર્જાય છે. ઈસ્લામ ઈન્સાનની આવી ફીતરતને નાપસંદ ફરમાવે છે. હદીસ શરીફમાં ફરમાવવામાં આવ્યું છે, કે – ‘દુષ્ટ અને ખોટાં કામો કરનાર શખસથી બચતા રહો, કારણ કે તે આગનો ટુકડો છે.’ હદીસે નબવીમાં છે કે – ‘હું અને મારી ઉમ્મતના સારા લોકો આડંબર અને ઠઠારાથી દૂર છે. હુઝૂરે અનવર (સ.અ.વ.)નું કથન છે, કે ‘તમારા પૈકી શ્રેષ્ઠ માણસો તે છે, જેમને જોઈ અલ્લાહની યાદ આવે.’

યે અટલ બાત હય,
ઈસ બાત મેં કુછ ફેર નહીં
ઉસ કે ઘર દેર તો હો સકતી હય, અંધેર નહીં.
ઊઠો! તદબીર સે તકદીર, બનાના સીખો
મૌજે તુફાં પે, સફીનોં કો તીરાના સીખો
સુજ્ઞ વાચક મિત્રો!
ઈસ્લામની હીદાયતમાં નિષ્ફળતા, માયુષી (નિરાશા), કિસ્મત, બદકિસ્મત વગેરે માટે માથા પર હાથ દઈ બેસી જવાને કોઈ સ્થાન નથી. દુ:ખ છે, તો જ સુખ છે. એકલા સુખની શાંતિ અસંભવ છે, અશક્ય છે. અલ્લાહના ઘરમાં દેર છે, પણ અંધેર નથી રબ પર ભરોસો સફળતા અપાવે. ઉર્દૂ શૅ’રના સરળ અર્થ: ‘સંગ (પથ્થર)’, ‘મોઅતરિઝ (ઉશ્કેરાટ),’ ‘તદબીર (બદ્નસીબ),’ ‘તકદીર (ભાગ્ય)’, ‘મૌજે તુફાં (દરિયાના તોફાની મોજાં)’, ‘સફીના (હોડી)’, ‘તીરાના (તરતા)’.

  • કબીર સી. લાલાણી

આજનો સંદેશ:
આજીઝી ઇખ્તિયાર કી જીસ્ને-
રૂતબા ઉસકા બહોત બુલંદ હુવા,
સર ઉઠાયા ગુરૂર સે જીસ્ને-
ન મોઅઝઝીઝ, ન અર્જુમન્દ હુવા.

જેણે અભિમાન (ગુરૂર)થી માથું ઊંચક્યું, તે કદીય ઈજ્જતવાળો (મોઅઝઝીઝ) અને અર્જુમન્દ (સદ્ભાગી) થઈ શકતો નથી. અહંકાર વિનાશનું મૂળ છે. નમ્રતા નામ મેળવી આપનારી સીડી છે. નમ્રતા અને ખાકસારી ધારણ કરવાનો આજે બોધ લઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button