અલ્લાહ અને બંદા વચ્ચેની આધ્યાત્મિક મુલાકાત એટલે નમાઝની ક્રિયા
મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી
ઈન્સાન માત્ર એવું ઈચ્છતો હોય છે કે તેનો ખાલિક અર્થાત જગતકર્તા, પેદા કરનાર, રોજી આપનાર ખુદા તેના પર રાજી રહે.
ઈલાહી, ઈશ્ર્વરીય કિતાબ કુરાનના રબ ફરમાવે છે કે, મારી ઈબાદત કરો, સેતાન નામે ઈલ્લીસની નહીં. સૂરહ યાસીનમાં ‘ઈબાદત’ શબ્દ છે જેને સરળ ગુજરાતીમાં ‘પૂજા’ કહેવામાં આવે છે અને ‘સૂરહ’નો અર્થ ‘અધ્યાય’ થાય છે. અહીં ઈબાદત-પૂજાનો અર્થ ‘ખુશ’ કરવું થાય છે.
કુરાનના વાક્ય મુજબ સેતાન રાજી થાય તેવા કામ કરો નહીં પણ ખુદા, ઈશ્ર્વર, પ્રભુ ખુશ થાય તેવાં કાર્યોને જ અંજામ આપો – અનુસરો બેશક: સેતાન ઈન્સાનના ગુનાઓથી ખુશ થાય છે તો ગુનાહોથી દૂર રહો, તેના બહેકાવવામાં ન આવો.
જગતનો સર્જનહાર નેકીઓ – સત્કાર્યોથી ખુશ થાય છે, માટે નેકીઓ તરફ પડખું બદલી નાખો.
ઈબાદતનો અર્થ અલ્લાહને ખુશ કરો અને ગુનાહોનો અર્થ સેતાનને ખુશ કરો. આથી જ દીને ઈસ્લામમાં સૌથી સર્વોત્તમ ઈબાદતનો અવ્વલ દરજ્જો નમાઝને આપવામાં આવ્યો છે.
નમાઝ એક ઉમદા ઈબાદત છે. આ બંદગીનો અલ્લાહનો ખાસ આદેશ છે અને તેને ફર્ઝ તરીકે ગણવામાં આવેલ છે. ઉપરાંત નમાઝ એક ઉત્તમોત્તમ નેકી છે. જેનાથી અલ્લાહતઆલા ખૂબ જ ખુશ થાય છે. એટલે જ પવિત્ર કુર’આનમાં વારંવાર તે માટેનો આદેશ આપવામાં આવ્યો છે.
સનાતન સત્ય: અલ્લાહતઆલા પોતાની સૃષ્ટિ માટે મા-બાપથી પણ વધારે મહેરબાન છે. તેના નમાઝ પઢવાના આદેશમાં પણ માનવજાતની ભલાઈ છુપાયેલી છે. દુનિયાવાળાઓ માટે અલ્લાહતઆલાના તમામ આદેશ માનવજાતની સુધારણા માટે હોય છે. ભલાઈ માટે હોય છે.
નમાઝ અલ્લાહની સ્તૂતિ, દુઆ, બંદગી, ઈબાદત હોવા ઉપરાંત નમાઝના ભૌતિક અને આધ્યાત્મિક ફાયદા પણ છે, જે સંક્ષિપ્તમાં આ મુજબ છે:
સૌ પ્રથમ નમાઝના સમયની વાત કરીએ:
- અલ્લાહતઆલા તમામ પ્રકારના સમયોથી મુક્ત છે. તેની માટે સમયની સીમા કે કોઈ ગણતરી નથી છતાં પણ નમાઝનો આદેશ સમયસર જ છે. આ સમય આપણી નિયમિતતા માટે છે. પૃથ્વી, ચાંદ, સૂરજ અને ગ્રહો સમય પર જ ચાલે છે, તો માનવીને પણ અહીં સમયસર જ રહેવું પડે. નોકરીનો સમય, ધંધાનો સમય, શાળાનો સમય, સૂવા અને જાગવાનો સમય તો બંદગી-ઈબાદતનો એટલે નમાઝનો સમય કેમ નહીં? આ પાંચ ફર્ઝ નમાઝોની અસર માનવીના જીવન પર પણ પડે છે. જેથી તેના રોજિંદા કાર્યોમાં તે શિસ્તબદ્ધ થતો જાય છે પરિણામે માનવીની તબિયત સચવાય છે, નિયમિત કામધંધો કરે છે, રોજગારી વધે છે, મિત્રો સાથે કે તેના ઉપરી અધિકારી કે, શેઠ પાસે નિયમિત પહોંચતો થઈ જાય છે, તેની વગ અને વિશ્ર્વાસ વધે છે. નમાઝના સમય પ્રમાણે નિયમિત વહેલા સૂવાની અને વહેલા ઊઠવાની ટેવ પડવાના કારણે તબિયતની તંદુરસ્તી જળવાયેલી રહે છે. નમાઝમાં બધા અવયવોની નિયમિત હલનચલન થાય છે, તેથી શરીરને હળવી કસરતનો લાભ મળે છે. બલ્કે નમાઝ યોગોનો જ એક હિસ્સો લેખવામાં આવે છે તે યોગ્ય જ છે.
નમાઝની પ્રક્રિયા પણ કેટલી બધી લાભ કરનારી છે. તે જુઓ: વ્યક્તિ નમાઝનો ઈરાદો (નિર્ણય) કરે તે પહેલાં વુઝૂ જરૂરી છે. વુઝૂમાં વ્યક્તિ હાથ, પગ, મોઢું ઈત્યાદી બાહ્ય અંગોને સ્વચ્છ પાણીથી ધોઈ લે છે અને તાઝગી અનુભવે છે.
- હવે રબ સામે ખૂબ જ નમ્ર થઈને ઊભો રહે છે આ નમ્રતા-અદબ-શિષ્ટાચારના પાઠ તેને સામાન્ય જીવનમાં પણ કામમાં આવે છે. નમ્રતાના ગુણથી માનવ સહજ સ્વભાવ મુજબ ગુસ્સો આવે છે તો તે ક્રોધ શાંત થઈ જાય છે. તેનું વલણ સમાધાનકારી થઈ જાય છે, શાંત સ્વચ્છ જીવન ગુજારતો થઈ જાય છે.
- રૂકુઅ એટલે ઝૂકવાની – નમન કરવાની ક્રિયા નમાઝીને અલ્લાહ (ઈશ્ર્વર, પ્રભુ)ની સમીપ લઈ જાય છે.
- નમાઝી જ્યારે ઘૂંટણીયે પડે છે, બે સજદા જમીન પર માથું ટેકે છે તે સમયે અલ્લાહની અત્યંત નઝદીકી મહસૂસ (અનુભૂતિ) કરતો હોય છે,
- આ એક અલ્લાહની અને બંદા વચ્ચેની સફળ આધ્યાત્મિક મુલાકાત બની રહે છે.
- નમાઝને મોમીનોની મેરાજ કહેવામાં આવે છે.
- મેરાજનો સરળ અર્થ થાય છે અલ્લાહથી રૂબરૂ થવું.
- જે રીતે ઈસ્લામના અંતિમ પયગંબર (સંદેશવાહક) હઝરત મુહંમ્મદ (સલ.) અલ્લાહથી રૂબરૂ થયા હતા. આ કારણથી જ નમાઝને મોમીનોની મેરાજ કહે છે. હજુ સરળ શબ્દોમાં કરીએ તો ‘મેરાજ’ એટલે હઝરત મહમ્મદ સાહેબની એ આકાશની સફર જ્યાં અલ્લાહતઆલાએ આપ હુઝૂરે અનવરને રૂબરૂ મુલાકાતનું માન બક્ષ્યું હતું.
બોધ: જુલ્મ કરનારા, ફસાદ ફેલાવનારને અલ્લાહ પસંદ કરતા નથી જ્યારે ક્રોધ પર અંકુશ રાખનારા – સત્કાર્ય બજાવી લાવનારા તેને પ્રિય છે.
સુખ-સંતોષનો આ રહ્યો આસાન માર્ગ:
અસમંજસના ચક્રવ્યૂમાંથી બહાર નીકળવા ફાંફાં મારતું મન, હૃદય, દિલને ઈમાનની રોશનીથી પ્રકાશિત કરવા માગો છો? તો સૌથી પહેલાં આ હકીકતનો સ્વીકાર કરો કે આ જગતમાં જન્મેલ પ્રત્યેક જીવ તેની ફિતરત (જન્મજાત ટેવ)ના કારણે દુન્યવીજીવનમાં ભૂલ કરી ન હોય તેવી જોવા-અનુભવવા મળશે નહીં. એક કહેવત અનુસાર માણસ માત્ર ભૂલને પાત્ર. આમાં પયંગબરો (સંદેશવાહકો), પીર ઓલિયા જેવી મહાન હસ્તીઓ પણ સામિલ છે.
ભૂલ તો દરેકથી થાય છે પણ એ ભૂલનો એકરાર કરવો મુશ્કેલ છે, પરંતુ જે ભૂલનો સ્વીકાર કરે છે એ ફાટેલી ગોદડી પર પણ નિરાંતની ઊંઘ લઈ શકે છે, તેને સુખને શોધવા બહાર ભટકવું પડતું નથી. સુખ એને શોધવા
સામેથી આવે છે; દુ:ખ એનાથી ભાગે છે.
મન કે ખજાને મેં માયા હી માયા
જબ ભી ચાહે તબ ઉસે લૂંટ લે…
વ્હાલા વાચક બિરાદરો! રોજ રાત્રે સૂતાં પહેલા આખા દિવસની પ્રવૃત્તિઓનું સરવૈયું કાઢો. આજે હું દિવસમાં કેટલીવાર ખોટું બોલ્યો? શું એ દરેક પ્રસંગે ખોટું બોલવાનું અનિવાર્ય હતું? આજે મેં કોને કોને છેતર્યા? અહીં સવાલ પૂછનાર પણ તમે છો, તહોમતદાર પણ તમે અને ન્યાયાધીશ પણ તમે છો. સરવૈયું નીકળી જાય પછી ખરા ખોટા કામ માટે ખુદાવંદે કરીમની માફી માગી, બેરકાત નમાઝ અદા કરી, દુઆ-બંદગી ગુજારી બિછાનામાં પડતું મૂકો. જુઓ, જોતજોતામાં તમને સરસ ઊંઘ આવી જશે. અલ્લાહતઆલા મહાન દયાળુ, કૃપાળુ અને ક્ષમાયાચનાને કબૂલ કરનાર સર્વ શક્તિમાન સત્તાધીશ છે. યાચના ત્યારે કબૂલ થાય છે કે જ્યારે આપણે ભૂલો અને થયેલા ગુનાઓને ફરી વખત દોહરાવતા નથી, રિપીટ કરતા નથી.
બેશક: સુખ-સંતોષનો આ સરળ રસ્તો છે, એકરાર અને સરવૈયુ. જીવન જીવવાની, સફળ થવાની, સુખી થવાની અને બીજાને સુખી કરવાની આ સોનેરી ચાવી છે. વર્ષો પહેલાં એક ફિલ્મગીત સાંભળેલું એમાં ગીત લખનાર કવિ-ગીતકારે જે વાત કહી છે. તે કેટલી બધી સૂચક અને લેખને અનુરૂપ છે તે જુઓ:
બડા સીઆઈડી હૈ યે,
વો નીલી છતરીવાલા
હર તાલે કી ચાબી રખ્ખે
હર ચાબી કા તાલા….
એકરાર અને સરવૈયું એ દરેક તાળામાં લાગે તેવી ચાવી છે. એ ચાવીની તમને જરૂર હોય તો અજમાયેશ શરૂ કરી દો. બેસ્ટ ઓફ લક અને હવે એક પ્રશ્ર્નનો ઉત્તર પણ જાણી લો:
સવાલ:
અંધકારમય દિલ ઈમાનના નુરથી કઈ રીતે પ્રકાશિત થાય?
જવાબ: પયગંબર હઝરત મહમ્મદ સલ્લલ્લાહો અલયહે વસલ્લમે ફરમાવ્યું છે કે મારી ઉમ્મત (તમામ જીવો)માંથી બે જાતિઓ એવી છે કે જો તેઓ સાચા માર્ગે આવી જાય તો બધા જ લોકો સાચા માર્ગે આવી જાય અને જો તે ગેરમાર્ગે દોરાઈ જાય તો બધા જ લોકો ગેરમાર્ગે દોરાઈ શકે છે. તે બે જાતિઓમાંથી એક જાતિ ‘હુક્કમ’ અર્થાત અમીર છે અને બીજી જાતિ ‘ફુકહા’ અર્થાત આલિમ એટલે કે જ્ઞાની છે. ઈલ્મથી વધીને સન્માનિત બીજી કોઈ વસ્તુ નથી. જુઓ! જે બાદશાહ છે તે લોકો ઉપર શાસક છે, પરંતુ જે ઈલ્મના આલિમ (શિક્ષિત, જ્ઞાની) છે તે બાદશાહી પર પણ શાસક છે.
સાપ્તાહિક સંદેશ
આપણી શક્તિ બહારના કાર્યનો આરંભ જ ન કરવો એ અક્કલનું પ્રથમ લક્ષણ છે અને જે કાર્યનો આરંભ કર્યો તેને પૂરું કરવું એ અક્કલ-બુદ્ધિનું બીજું લક્ષણ છે.