વાદ પ્રતિવાદ

-તો સદાચારી જ્ઞાની આલિમ માર્ગદર્શનના સબબ બની રહે

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

ગુજરાતીમાં જેને જ્ઞાની કહેવામાં આવે છે તેને ઉર્દૂમાં આલિમ કહેવામાં આવે છે. અગર કોઈ આલિમ ગુમરાહ થઈ જાય છે, માર્ગ ભૂલીને ભટકી જાય છે અને ખોટું કામ કરી બેસે છે તો એ શક્ય છે કે તે ઉમ્મત (પ્રજા)ને સત્ય માર્ગથી ભટકાવી નાખે છે અને તેને ગંદકીમાં ઘસડી જાય છે.

જો આલિમ મુહઝઝ્બ એટલે કે સુસંસ્કૃત અને શિસ્તબદ્ધ હોય છે, અખ્લાક (સદાચરણ) અને આદાબ (શિષ્ટાચાર)માં ઈસ્લામી નીતિ નિયમોનો ખ્યાલ રાખનારો હોય છે તો તે સોસાયટીને પણ સિવિલાઈઝ એટલે કે સમાજજનોને પણ સુસંસ્કૃત કરી શકે છે અને સીધા માર્ગે દોરી શકે છે.

એક રિવાયત (અક્ષરશ કથન)માં છે કે જેટલીવારમાં એક આલિમના ગુનાને બખ્શી (માફ, ક્ષમા) કરી દેવામાં આવશે તેટલા સમયમાં એક જાહિલ (અજ્ઞાની મૂઢ)ના સિત્તેર ગુનાઓને માફ કરી દેવાશે. આનું કારણ એ છે કે આલિમનો ગુનો ઈસ્લામ અને ઈસ્લામી સમાજ માટે ઘણો હાનીકારક, નુકસાનકર્તા હોય છે. જનતા અને જાહિલ લોકો અગર ગુનો કરે છે તો એકલી તેઓની બદબખ્તી (દુર્ભાગ્ય) હોય છે અને તેઓ ફક્ત પોતાની જાતનું જ નુકસાન કરે છે, પરંતુ જો એક આલિમ આડું ચાલનારો-કજરવી કરનારો બની જાય છે અને બુરાઈઓમાં પોતાનો હાથ રંગી નાખે છે તો તે એક જગતને ઈસ્લામ વિરોધી બનાવી મૂકે છે અને એ રીતે ઈસ્લામ અને ઈસ્લામના આલિમો બંનેનું નુકસાન કરે છે.

અલ્લાહના રસૂલ પયગંબર હઝરત મુહંમ્મદ સલ્લલ્લાહો અલૈયહિ વઆલેહિ સલ્લમ (સ.અ.વ.)એ ફરમાવ્યું કે – ‘મારી ઉમ્મત (અનુયાયી, જમાત)ના બે સમૂહો એવાં છે કે તેમની ખૂબીથી મારી ઉમ્મત સારી રહેશે અને તેમની ખરાબીથી મારી ઉમ્મતમાં ખરાબી ફેલાઈ જવા પામશે…!’ અરજ વ્યક્ત કરવામાં આવી કે – ‘તે કયા સમૂહો છે…?’ તો આપ હુઝુરે અનવર (સ.અ.વ.)એ ફરમાવ્યું કે – ‘એક આલિમોનો સમૂહ અને બીજો ઉમરા (આગેવાનો, લીડરો)નો સમૂહ…!’

આપ હુઝૂરે કરીમ (સ.અ.વ.)એ એક બયાનમાં ફરમાવ્યું કે – ‘આલિમોનો એક પ્રકાર તે છે જે પોતાના ઈલ્મ (નોલેજ)ને પકડી રાખે છે એટલે કે પોતાના જ્ઞાનનો લાભ ઉપાડે છે, આવા આલિમ નાજી યાને કે નજાત, મોક્ષ મુક્તિ પામનારા ઉલેમા કહેવાય છે. બીજા તો આલિમો છે કે જેઓ પોતાના ઈલ્મને છોડી દે છે એટલે કે એ મુજબ અમલ (આચરણ) કે વહેવાર-કાર્યો કરતા નથી અને હલાક થનારા છે અને ચોક્કસ જહન્નમ (દોઝખ)માં જનારા છે…!’

ફરમાવવામાં આવ્યું છે કે – ‘જ્યારે મૃત્યુ સમયે દમ (જીવ, શ્ર્વાસ) ગળામાં અટકેલો હોય છે ત્યારે આલિમના માટે તૌબા (પ્રાયશ્ર્ચિત)ની મુહલત (સમય મર્યાદા) ખતમ થઈ જાય છે. તે વેળા તેની તૌબા કબૂલ થઈ શકતી નથી કેમ કે અલ્લાહતઆલા છેલ્લા શ્ર્વાસ સુધી માત્ર એ જ લોકોની તૌબાને-પસ્તાવાને સ્વીકારે છે કે જેઓ અજ્ઞાની અને અજાણ છે.

એક હદીસ (પયગંબર હઝરત મુહંમ્મદ-સ.અ.વ.)નાં કથનોમાં ફરમાવવામાં આવ્યું છે કે હવ્વારી (શિષ્યો)એ પયગંબર હઝરત ઈસા અલૈયહિ સલ્લામ (અ.સ.)ને પૂછ્યું કે – ‘યા રૂહુલ્લાહ! અમો કોની સોહબત (મિત્રતા) અખત્યાર (ધારણ) કરીએ (કોના સાથમાં રહીએ)?’

આપ (અલૈયહિ સલ્લામ)એ ફરમાવ્યું કે – ‘તે માણસની કે જેને જોઈને ખુદાની યાદ આવે અને જેની વાતો તમારી સમજદારીમાં વધારો કરે, જેના કામોને કારણે તમને કયામત (પ્રલય, મુસ્લિમ અને ખ્રિસ્તી ધર્મ અનુસાર આખરી નિર્ણય તથા ન્યાયનો દિવસ)માં રસ (દિલચસ્પી, ઈન્ટરેસ્ટ) ઉત્પન્ન થાય…!’

અગર આપણા વિસ્તારમાં કોઈ પરહેઝગાર (સદાચારી) આલિમ મૌજૂદ હોય છે તો તેની હાજરી જ ત્યાંના રહેનારાઓની તેહઝીબ (શિષટાચાર) અને હિદાયત (માર્ગદર્શન)નો સબબ બની જાય છે પછી ભલેને તે ત્યાં ભાષણો, વાએઝો (એટલે કે ધર્મની સાચી સમજ આપતાં પ્રવચનો) અથવા લખાણો દ્વારા તબ્લીગ ઈસ્લામધર્મ વિશેની સાચી સમજનો પ્રચાર કરે કે ન કરે!
નસિહત: ‘ઈઝા ફસદલ આલિમુ ફસદલ આલમ’ અર્થાત્ કે જ્યારે કોઈ આલિમ બગડી જાય છે ત્યારે આખી દુનિયામાં બગાડ ફેલાવા માંડે છે. -શમીમ એમ. પટેલ, (ભરૂચ, ગુજરાત)


જ્ઞાનની સરિતા
જેની રગેરગમાં રબનો પ્રેમ ઉછળી રહ્યો હોય, જેના શ્ર્વાસોશ્ર્વાસમાં રબના જ નામની ધૂન હોય તેને રબ (પાલનહાર ખુદા; ઈશ્ર્વર) અન્ન-વસ્ત્ર આપવામાં કંજુસાઈ કરે ખરો…?
-હઝરત રાબિયા
સાપ્તાહિક સંદેશ:
દુનિયાના કોઈ પણ ભાગ-ખૂણામાં વસતો નામે મુસલમાન તેની દરેક નમાઝ અને પ્રાર્થનામાં સૂરએ ફાતિહા: અધ્યાય૧ની આ સૂરા (પ્રકરણ) પઢતો હોય છે. તેમાં એક અલ્લાહની આરાધના અને સીધા-સરળ સન્માર્ગનું માર્ગદર્શન છે. તે અનુપમ મહામંત્ર છે. તેમાં પવિત્ર કુરાનના સુબોધનો સાર છે:

સાર:

  • સત્ય છે, સુંદર છે, પુષ્ણમય છે: અલ્લાહનું સ્મરણ,
  • પવિત્ર, દિવ્યગ્રંથનું, કુરાનના સારનું પ્રથમ પ્રકરણ.
  • માર્ગદર્શન છે, શુભ સન્માર્ગનું અને મંગળ-ચરણ,
  • પદ સાતનું, ભક્તિભાવનું, અલ્લાહનું શુભરટણ.
  • ઉદ્ઘાટન છે, અંત: કરણની પવિત્ર પ્રાર્થનાઓનું,
  • મન, વચન, કર્મની વિશુદ્ધતાની પવિત્ર ભાવનાઓનું
  • પરમકૃપાળુ, પરમદયાળુ, અલ્લાહની યાચનાઓનું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button