વાદ પ્રતિવાદ

અલ્લાહનું સ્મરણ બંદાનો બેડો પાર કરે : ગુજર જાએગા યહ વક્ત ભી ગાલિબ, જરા ઈત્મીનાન રખ

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

પવિત્ર કુરાનમાં અલ્લાહતઆલાએ ફરમાવેલ આ કથન કેટલું બધું અસરકારક અને ઉપકારક છે. એ મોમિન ભાગ્યશાળી છે જે અલ્લાહની યાદમાં સતત પરોવાયેલો રહે છે. અલ્લાહની યાદમાં તેના સ્મરણમાં ગૂંથાયેલા રહેવું એ કંઈ સામાન્ય વાત નથી. આ બાબતના લાભ અગણિત છે. રૂહ એટલે કે આત્માની ઉન્નતિ માટે તેની સુધારણા માટે, આચાર વિચારની પ્રગતિ, પ્રેરણાદાયક બનવા માટે અલ્લાહતઆલાની સ્તૂતિ જેવો બીજો કોઈ ઉત્ત્મોત્તમ ઉપાય આના સિવાય બીજો કયો હોઈ શકે? શરીરની ગંદકી તો ન્હાવા ધોવાથી સ્વચ્છ થઈ જશે પણ હૃદયમાં રહેલી ખરાબીને સાફ કરવા માટે અલ્લાહ તઆલાનું જ સ્મરણ જરૂરી છે, અગત્યનું છે માત્ર સ્નાન કરી પાક થઈ ગયા એ વાત સાચી પણ દિલોદિમાગની સ્વચ્છતાનું મૂલ્ય તો અમૂલ્ય- અનેકગણું અધિક છે.

મન સાફ ન હોય તો કશું જ સાફ નથી એમ સમજી લેવું. નિખાલસતા દીન (ધર્મ)નું આભૂષણ છે. ભરેલી ગંદકી સાથે કોઈપણ કાર્ય આવકાર્ય નથી. એવુંય નથી એ અંગેની સભાનતા અન્ય કોઈ વ્યક્તિ કરાવી આપે તો જ ખબર પડે. સ્વયં પોતાનું દિલ જ તેને પોકારીને કહી દેશે કે જે કાંઈ થઈ રહ્યું છે અથવા થવામાં છે તેમાં અલ્લાહપાકની નારાજગી છે.

હુઝૂરે અનવર સલ્લલ્લાહો અલયહે વસલ્લમ્ની આજ્ઞાઓનું ઉલ્લંઘન ગુનાઓ તરફ દોરી જવા પ્રેરતો હોય છે અને જાણતા સમજતા હોવા છતાં તેની સાવધાની ન રાખીએ કે તે પ્રત્યે આંખ આડા કાન ધરી દઈએ તે તેના જેવો અજ્ઞાની બીજો કોણ હોઈ શકે? અને એટલે જ સૌથી જરૂરી પ્રેરકબળ જો કોઈ હોય તો તે એક જ છે કે અલ્લાહતઆલાની યાદ-સ્મરણમાં પરોવાયેલા રહેવું, મસ્ત રહેવું, પ્રસન્ન રહેવું.

વ્હાલા વાચક મિત્રો! ખરેખર અલ્લાહની યાદમાં એટલી મીઠાશ છે જેટલી મીઠાશ આપણે મધ, ગોળ કે ખાંડમાં પણ માણી નહીં હશે. સાચા દિલ, શાંત મનથી મગ્ન થઈને કોઈપણ સ્મરણ કે જે અલ્લાહતઆલાની યાદમાં દોરી જતું હોય તેને ધ્યાનમાં રાખવું સૌથી શ્રેષ્ઠ…! એકવાર આ ઉત્તમ ટેવ દિલોદિમાગમાં સ્થાન ગ્રહણ કરી લેશે પછી એ સનાતન સત્ય સમજી લો બેડો પાર જ છે. કારણ દીવા જેવું સ્પષ્ટ છે: જ્યારે તમે અલ્લાહને યાદ કરો છો તો અલ્લાહતઆલાએ વચન આપ્યું જ છે કે ‘ફઝકુરૂની અઝ કુરકુમ…!’ અર્થાત્ ‘તુમ મુઝે યાદ કરો, મેં તુમ્હે યાદ કરુંગા…!’ માશા અલ્લાહ:
અલ્લાહ મહાન છે.

અલ્લાહના દરબારમાં પળેપળની નોંધ લેવાય છે. તમામ કામો એવા ચપટીમાં પૂર્ણ થશે કે કોઈ ગમે તેટલું ઈચ્છે તો પણ તે કામને અવરોધી નહીં શકે- બગાડી નહીં શકે તેવો આ લખનારનો જાત અનુભવ છે. અલ્લાહ પ્રત્યેની સાચા મનથી આસ્થા કોઈ પણ કામને સરળ બનાવવામાં ઉપયોગી બની રહેવા પામે છે.

પવિત્ર કુરાનમાં ફરમાવવામાં આવ્યું છે કે, ‘અલ્લાહને વિશેષ પ્રમાણમાં યાદ કરતા રહો કે જેથી તમે સફળ થાઓ…!’

  • સફળ થવા માટે વિફળ થવાની કે નાસીપાસ થવાની સહેજે જરૂર નથી
  • અલ્લાહનું સતત ઝિક્ર(યાદ) જ આપણને એવા માર્ગે દોરી જશે જેની કલ્પના સુધ્ધાં કરી નહીં હોય

*‘જેઓ ઊભા રહીને તેમજ બેસીને અથવા પડખા પર સૂતા સૂતા અલ્લાહને યાદ કરે છે તેઓ પણ સન્માર્ગે દોરાઈને કામિયાબી- સફળતા હાંસલ કરી લેવા સમર્થ બની શકશે

*કોઈપણ સ્થિતિમાં પાક- સાફ થઈને અલ્લાહતઆલાનું સ્મરણ તમારા શ્ર્વાસોચ્છ્વાસમાં રમતું થઈ જાય તો સમગ્ર વિશ્ર્વની પ્રસન્નતા તમારા હૃદયમાં છવાઈ જશે

  • અલ્લાહની ખુશી માટે જે કાંઈ સન્માર્ગે કરશો, નિખાલસ દિલથી કરશો, મનના ખજાના ખોલી નાખશો એળે નહીં જાય
  • આપણી જાન, માલ-મિલકત, ઈજ્જત- આબરૂ આલ – ઔલાહનો તે માલિક છે. કણકણમાં રોમેરોમમાં, બુંદબુંદમાં તે વસેલો છે. ‘હમાઉસ્ત’ અર્થાત્ અલ્લાહનું જ છે
  • આ દુનિયા ક્ષણભંગુર છે, ફના (નાશવંત) છે માત્રને માત્ર અલ્લાહની યાદ જ હંમેશાં જીવંત રહેશે અને કણેકણ સ્મરણ કરનારની સાક્ષી આપશે. આ સંદર્ભમાં હદીસ શરીફ ફરમાવવામાં આવ્યું છે કે કેટલાંક સહાબીઓ દ્વારા હુઝુરે અનવર, રસૂલે ખુદા (સલ)ને અરજ વ્યકત કરવામાં આવી કે, ‘સઘળા કામોમાં કયું કામ શ્રેષ્ઠ છે?’
    આપ હુઝૂર (સલ)એ ફરમાવ્યું, ‘મૃત્યુ સમયે અલ્લાહની યાદમાં જીભ પરોવાયેલી હોય!’ આપ (સલ)એ એ પણ ફરમાવ્યું કે,
  • અલ્લાહને યાદ કરનારો યાદ ન કરનારા ગાફિલો (અજ્ઞાનીઓ) વચ્ચે એવો છે જાણે મડદાઓ વચ્ચે જીવતો માણસ હોય છે
  • સૂકી ઘાસ વચ્ચે લીલું વૃક્ષ હોય છે.
  • ભાગતા સૈનિકો વચ્ચે અડીખમ ઊભો રહેનાર સૈનિક સમાન હોય છે
  • આજ ક્ષણથી અલ્લાહના સ્મરણમાં જીભ પરોવાયેલી રાખો, જીભને પ્રવૃત્ત રાખવી જ ઉત્તમ અને ફાયદેમંદ છે.
  • એ મોમિન નસીબદાર હશે જેને આ પ્રેરણા પ્રાપ્ત થઈ જાય. ઝિકરૂલ્લાહ સે ગાફિલ મોમિન નહીં રહતે અનવર અકલમંદી કા યે સલીકા ઉનકી ઝિંદગીકા ખઝાના હૈ.

સનાતન સત્ય
જો કદી મિથ્યા થતું નથી

  • અલ્લાહ પર એતબાર, ભરોસો અને તેનું સતત સ્મરણ બંદાનો બેડો પાર કરે છે:
    ગુજર જાએગા યહ વક્ત ભી ગાલિબ, જરા ઈત્મીનાન રખ જબ ખુશી ના ઠહરી,
    તો ગમ કી ક્યા ઔકાત

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button