વાદ પ્રતિવાદ

રબનો રાજીપો: જમણા હાથે કરેલું દાન ડાબા હાથ સુધ્ધાંને ખબર ન પડે

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

પયગંબર હઝરત મુહંમદ (સ.અ.વ.)નાં આચરણો, સુકૃત્યોને હદીસે નબવી કહેવામાં આવે છે. એક રિવાયતમાં આપે ફરમાવ્યું, ‘જે માણસ દુનિયામાં એટલા માટે હલાલ માર્ગે દૌલત મેળવવા ચાહે છે, કે બીજાઓ સમક્ષ તેને માગવા માટે હાથ લંબાવવો ન પડે, પોતાના બચ્ચાઓ માટેનાં સાધનો ઊભાં કરી શકે અને પોતાના સગાંસંબંધીઓ તથા પાડોશીઓ સાથે ઉદારતાપૂર્વક વર્તે, તો ક્યામતના દિવસે તે અલ્લાહના દરબારમાં એવી શાન સાથે રજૂ થશે કે તેનો ચહેરો પૂર્ણિમાના ચંદ્રની જેમ ચમક્તો હશે. જે કોઇ દુનિયાની દૌલત ભલેને હલાલ માર્ગે પણ એટલા માટે મેળવવા ચાહતો હોય કે તે મોટો માલદાર થઇ જાય અને પોતાની એ માલોદૌલતના કારણે બીજાઓના મુકાબલામાં પોતાની શાન ઊંચી દેખાડી શકે અને લોકોની નજરોમાં મોટો ગણાવવા માટે દાન કરી શકે, તો ક્યામતના દિવસે તે અલ્લાહ સમક્ષ એવી હાલતમાં રજૂ થશે કે અલ્લાહ તેના ઉપર ખૂબજ ગુસ્સે હશે.’ (હવાલો: બયહકી).

હઝરત ઉમર રદ્યિલ્લાહો તઆલા અન્હોના ખિલાફત (શાસન) કાળમાં બનેલો આ બનાવ પણ હુઝૂરે અનવર (સ.અ.વ.)ના નકસે કદમ ભણી દોરી જાય તેવો નસીહતથી ભરપૂર છે:
એક વખત ભયંકર દુકાળ પડ્યો હતો. હઝરત ઉમર રદ્યિલ્લાહો તઆલા અન્હોએ મીસરથી મગાવેલું અનાજ હજી મદીના પહોંચ્યું ન હતું. લોકોને એક ટંક જેટલું અનાજ પણ મળી શક્તું ન હતું.
એવામાં એક દિવસ મદીનાના બજારમાં ઊંંટોના ગળાની ઘંટડીઓ રણકવા લાગી. અનાજથી લદાયેલાં ઊંટોની કતાર જોઇને લોકો તેને ઘેરી વળ્યા. એ ઊંટો હઝરત ઉસ્માન રદ્યિલ્લાહો તઆલા અન્હોના હતાં. તે પણ બજારમાં આવ્યા. વેપારીઓએ ભાવ તાલ પૂછવો શરૂ કર્યો. હઝરત ઉસ્માન (રદ્.િ)એ કહ્યું જે સૌથી વધુ ભાવ આપશે તેને હું આ અનાજ આપીશ.

વેપારીઓમાં ચડશાચડશી શરૂ થઇ. દરેક ઊંચા ભાવ બોલવા લાગ્યા. ભાવ એટલા ઊંચા બોલાવવા લાગ્યા કે નફાના પ્રમાણનો કોઇ હિસાબ ન રહ્યો.

દરેક બોલી સમયે હઝરત ઉસ્માન એક જ વાત કહેતા, ‘મને તેના કરતા વધુ ભાવ મળે છે’ જ્યારે ભાવ એટલા બધા ઊંચા થઇ ગયા કે, લોકોને તેનાથી વધુ ભાવ આપવામાં નફાને બદલે નુકસાન થવાનો ભય લાગવા માંડ્યો તો તેઓ પાછા હટવા લાગ્યા.

હઝરત ઉસ્માન રિદ્યલ્લાહો તઆલા અન્હોએ તેમને પૂછ્યું, ‘બસ! કે હજુ વધારો કરવાની કોઇમાં હિંમત છે?

જે સામાન્ય લોકો સોદાની આ વાતચીત સાંભળી રહ્યા હતા, તેઓમાંના ઘણા એવા હતા કે અત્યારે બોલાતા ભાવ કરતા અડધા ભાવે પણ અનાજ ખરીદ કરી શકે તેમ નહોતા. આ ભાવ સાંભળીને તેમના તો હૈયાં જ બેસવા લાગ્યાં હતાં.

હઝરત ઉસ્માન (રદ્.િ)એ કહ્યું કે, ‘મારું આ બધું અનાજ હું અલ્લાહની રાહમાં ખેરાત (દાન) કરવા માટે બૈતુુલ માલને સોંપું છું. બોલો, અલ્લાહ કરતાં આ માલનો કોણ વધુ ભાવ આપવાનું છે? અને આખેરતના નફાના મુકાબલે અહીં ક્યો મોટો નફો થવાનો છે?’

ઊંટોની એ કતાર બજારમાંથી ‘બૈતુલ માલ’ના મકાન તરફ ચાલી નીકળી.

સનાતન સત્ય:
રબનો રાજીપો તેમાં છે જે જમણા હાથે દાન કરે છે પણ ડાબા હાથ સુધ્ધાંને તેની ખબર પડવા દેતો નથી.

સર્જનહારની બેમિસાલ કરામત
વહાલા વાચકો! કુરાન કરીમમાં અલ્લાહ તઆલા તમામ સ્ત્રી-પુરુષોને સંબોધીને શું કહે છે, તે આયત શરીફ (પરિત્ર શ્ર્લોક)માં પઢો અને મનન કરો:

  • ‘યા ઐયોહન્નાસુત્તકુ રબ્બોકુમુલ્લઝી ખલકકુમ… અલયકુમ રકીબા.’

-અર્થ, અય, લોકો! પોતાના રબથી ડરો જેણે તમને એક જીવથી પેદા કર્યા અને તેમાંથી જ તેનું જોડું બનાવ્યું અને એ બંનેથી ઘણાં સ્ત્રી-પુરુષો ફેલાવ્યાં અને અલ્લાહથી ડરો જેના નામ પર (એકબીજાથી) માગો છો: અને સગાંસંબંધીઓનો ખ્યાલ રાખો. બેશક! તે હર પળે તમને જોઇ રહ્યો છે’ (સુરા નિસા: આયત (શ્ર્લોક-૧)
બોધ: પવિત્ર કુરાન તો કહે છે કે એક જીવમાંથી તમને બધાને બનાવ્યા અને ફેલાવ્યા તેથી બધા મનુષ્યોની સમાનતા માન્ય રાખી.

જન્મથી કોઇ નબીરો નથી, કે નથી ઊતરતી કક્ષાનો કોઇ! કબીલો, કુટુંબ, વર્ણ, વંશ, દેશ, કોમ, ભાષા, ધંધો એ આધાર પર કોઇ પણ પ્રકારનો ભેદ પાડવો ખોટું અને ગેરવ્યાજબી છે.


ધર્મજ્ઞાન:
હઝરત ઊમર રદ્યિલ્લાહો તઆલા અન્હોથી રિવાયત છે, કે તેઓ એક વખત નબીએ કરીમ સલ્લલ્લાહો અલયહે વસલ્લમની સેવામાં હાજર થયા તો તેમણે આપ હુઝૂરે અનવર (સ.અ.વ.)ને એવી હાલતમાં જોયા કે ખજૂરીના છોયાંભી વણેલી ચટાઇ પર આપ સૂતેલા હતા. ચટાઇ અને આપના પવિત્ર શરીર વચ્ચે ચાદર કે ગોદડી ન હતી. આપના પળખામાં ચટાઇના વણાટના ઊંડાં નિશાનો પડી ગયાં હતાં. શિરાણે જે તકિયો મુકેલો હતો તેમાં પણ ખજૂરીના થડને કુૂટીને બનાવેલું ભૂસું ભરેલું હતું.

આ પરિસ્થિતિ જોઇને હઝરત ઉમર રદ્યિલ્લાહો તઆલા અન્હોએ વિનંતી કરી, ‘યા રસૂલ્લુલ્લાહ! અલ્લાહ તઆલા પાસે દુઆ કરો કે આપની ઉમ્મતને તે ખુશહાલી નસીબ કરે. જેઓ અલ્લાહને નથી માનતા તેઓને પણ તેણે વિસ્તૃત રોજી આપી છે.’
આપ હુઝૂરે કરીમ (સ.અ.વ.) ફરમાવ્યું કે, ‘હે ખત્તાબના પુત્ર! શું પણ તમે એ જ રીતે વિચારો છો? આ તો તે લોકો છે જેમને તેમની ગુમરાહીઓના પરિણામે આખેરતની દુર્લભ વસ્તુઓથી વંચિત કરી દેવામાં આવ્યા છે. તેમને તેમના પ્રયાસોના પરિણામ અહીં દુનિયામાં જ આપી દેવામાં આવ્યાં છે.

એક બીજી રિવાયતમાં આપ રસૂલ્લુલ્લાહનો જવાબ આ રીતે વર્ણવવામાં આવ્યો છે. આપે ફરમાવ્યું, ‘હે ઉમર (રદ્.િ) શું તમને એ વાત નથી ગમતી કે તેઓ દુનિયામાં એશોઆરામ ભોગવે અને તમે આખેરતમાં’. (હવાલો: સહીહ બુખારી અને મુસ્લિમ).
-જાફરઅલી ઇ. વિરાણી
સાપ્તાહિક સંદેશ:
પયગંબર હઝરત મુહમ્મદ સલ્લલ્લાહો અલયહિ વ સલામ (અલ્લાહ આપને અને આપના વંશજોને સલામતી આપે) પોતાના સાથીસંગાથી સહિત દર જુમેરાત (ગુરુવારે) સાંજના બકીઅ (મદીનામાં આવેલ એક કબ્રસ્તાન)માં જતા હતા અને કબરો પાસે ઊભા રહી ત્રણ વખત ફરમાવતા હતા:

  • ‘અસ્સલામો અલયકુમ અહલદિયાર’
  • સલામ થાય તમારા ઉપર હે કબરમાં રહેનારાઓ…!
    અને ત્રણ વખત ફરમાવતા હતા
  • રહિમકુમુલ્લાહ.
  • ખુદા તમારા ઉપર રહેમ (કૃપા; આશીર્વાદ) ફરમાવે…!
  • કબ્રોની ઝિયારત (દર્શન) કરવા જે કોઇ કબ્રસ્તાનમાં જઇ કબરો આગળ કુરાન પડશે, તો ખુદા તેને સિત્તેર પયગંબરોનો સવાબ (પુણ્ય) આપશે અને જે કોઇ કબ્રસ્તાનમાં જઇ મરણ પામેલા માટે દુઆ (પ્રાર્થના કરી તેઓની મગફેરત (રૂહ; આત્માની શાંતિ) ચાહશે, તો પરવરદિગાર (સૃષ્ટિની રચના કરનાર ઇશ્ર્વર, અલ્લાહ) તે દુઆ કરનારને જહન્નમ (દોઝખ)ના અઝાબ (દુ:ખ, કષ્ટ, વિપત્તિ, યાતના, સજા)થી મુક્ત કરશે.
    પયગંબર હઝરત મુહમ્મદ (સલ.)ના બીબી (પત્ની) જનાબ સય્યદા (સલ) આ હદીસ (કથન, આચરણ કરનાર) ફરમાવતી વખતે પરવરદિગારની અનુપમ બક્ષીસથી ખુશીથી મલકાતા હતા. આમીન. (ઇશ્ર્વર-અલ્લાહ સૌનું ભલું કરે)
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…