વાદ પ્રતિવાદ

મૃત:પાય થયેલા નિર્જીવ જીવોને ઈમાનદારીના આચરણ દ્વારા જીવંત કરીએ

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

‘…તમે જોઈ રહ્યા છો કે સુકી ધરતી પર અમે રહેમત – કૃપાની વર્ષા કરીએ છીએ, ત્યારે જ તે બંજર જમીનમાં હરકત – સંજીવન પેદા થાય છે અને લીલોતરી ઉગે છે.’

  • ખુદાવંદે કરીમની બોધદાયક નિશાનીઓને રજૂ કરતા પવિત્ર કુરાનની આયત (શ્ર્લોક, કથનો, વાક્ય) એ હકીકત પર નિર્દેશ કરે છે કે વરસાદ ન થાય તો કૂવા, તળાવ, નહેર – નદીઓ કશાય કામમાં આવે નહીં, પાણી વગર બધું જ કામ મૃત પાય થઈ જાય. હજુ વધુ સ્પષ્ટ રીતે સમજીએ તો એક સ્થિતિમાંથી બીજી સ્થિતિમાં પલટો થાય અર્થાત્ હરકત થાય.
  • સૃષ્ટિના સર્જનહાર પર ઈમાન (આસ્થા, શ્રદ્ધા) ન લાવનારા અહીંતહીં ભટકતા – ગુમરાહ થયેલા લોકોને ઉદ્દેશીને દલીલ કરવામાં આવી છે, કે તમે માત્ર તેની જ (રબતઆલાની જ) ઈબાદત (સ્તૂતિ, પ્રાર્થના) કરો, જેના નિયંત્રણ (કંટ્રોલ)માં આ તમામ મખલુક (સૃષ્ટિ)નું સંચાલન છે. એ જ તમારો ‘રબ’ (રોજી આપનાર પાલણહાર ઈશ્ર્વર – અલ્લાહ) છે. એ જ રબ સુકી – બંજર જમીનમાં પાણી વરસાવીને તેને જીવંત કરી દે છે, તો હવે કયામત (ન્યાય)ના દિવસે ફરીથી બેજાન મુડદાંઓમાં નવજીવનનો સંચાર કરનાર પણ તે જ છે. સુકા હાડકાંઓમાં પણ ક્યામતના દિવસે તે નવેસરથી રૂહ (જીવ) નાખશે અને બધાને ફરીથી બેઠાં કરશે. એ સમજવા માટે ધરતીમાં થતા, વારંવારના ફેરફારની નિશાની ઘણી બોધદાયક છે.

આ લેખના પ્રારંભમાં પવિત્ર કુરાનની લખવામાં આવેલી આયતે કરીમામાં સમજાવ્યું છે, કે સુકી જમીન મરેલી છે અને ભીની જમીન જીવંત છે. જે જીવંત છે, તે જ પોતાના મકસદ (હેતુ) પર પહોંચી શકે છે.

કુરાને કરીમમાં શહીદોને જીવંત બતાવ્યાં છે અને જીવંત કાફીરોને મડદાં બતાવ્યાં છે. તેનો અર્થ એ થયો, કેજે સાચો ઈમાનદાર છે, તે જીવંત છે અને જે કાફીર – ભૂલેલો, ભટકેલો છે તે મરેલો છે.
બીજો નુક્તો (બોધ, વાક્ય) એવો જાણવા મળ્યો, કે દુનિયાની તમામ વસ્તુઓ, મારફતે ઈલાહી (મુક્તિ, મોક્ષ)નું દફતર છે. જેણે આ દફતર મારફત રબતઆલાને ઓળખી લીધો, તે કામિયાબ (સફળ) થઈ ગયો અને જેણે ખુદાવંદે કરીમને ઓળખ્યો નહીં, તે નિષ્ફળ ગયો.

બરગે દરખ્તાને સબ્ઝ દર નઝર હોશીયાર
હર વરકે દફતરે અસ્ત મઅરફતે કિરદાર
અર્થ: લીલાં ઝાડના પાંદડાં પર ડાહ્યા માણસો નજર કરે છે. તેથી તેઓ જાણી લે છે, કે તેનું દરેક પાંદડું અલ્લાહની ઓળખ મેળવવાનું મોટું દફતર છે.

આકાએ દોજહાં હુઝુરે અનવર સલ્લવલ્લાહો અલયહે વસ્સલ્લમ (સ.અ.વ.) રહેમતના દરિયા છે. જેવી રીતે સમુદ્રમાંથી વાદળો બને છે અને તે ધરતી પર વરસેે છે, તેવી જ રીતે રહેમત (ઈશ્ર્વરીય દયા)ના દરિયામાંથી હિદાયત (માર્ગદર્શન)નાં વાદળો વરસે છે. હિદાયત (બોધ, ઉપદેશ, માર્ગદર્શન)નાં વાદળો એટલે આલિમો (જાણકારો) અને સુફી હઝરાતો તથા બીજા મુકર્રબ ઉમ્મતે મુહમ્મદીને પોતાના ઈલ્મથી સુધારે છે, શણગારે છે અને નવજીવન આપે છે.

મોમીનો (ઈમાનદાર, ઈમાનવાળા)ના વિવિધ ઈમાન મુજબ આ અલ્લાહવાળા હઝરાતો તેમને જુદી જુદી રીતે ફાયદો પહોંચાડે છે. જેનું જેવું ઝર્ફ (વાસણ) તેવું અને તેટલું તે મેળવી જાય છે. દાખલા તરીકે હઝરત સીદ્દીકે અકબર (રદ્ીયલ્લાહો તઆલા એન્હો)ના કલ્બ મુબારક (દિલ, હૃદય)માં હિદાયતની વર્ષાએ જે વાત પેદા કરી, તેના કરતાં જુદી રીતે હઝરત ઉમર ફારૂકે આઝમ (રદ્ીયલ્લાહો તઆલા અન્હે) તથા અમિરૂલ મોઅમિનીન હઝરત અલી મુશકીલ કુશા (રદ્દીયલ્લાહો તઆલા અન્હો)ને રંગી નાખવામાં આવ્યા, ઓતપ્રોત કરી દેવામાં આવ્યા.

તેવી જ રીતે ગુનેગાર મુસલમાનો જે રીતે હિદાયત પામ્યા, તે રંગ પણ જુદો જ હતો.

એક જ સમુદ્રમાંથી વાદળો આસ્માન તરફ ચઢતાં જાય છે, પરંતુ કોઈ પૂર્વમાં તો કોઈ પશ્ર્ચિમમાં, કોઈ ઉત્તરમાં તો કોઈ દક્ષિણમાંથી આવીને વરસે છે.

એજ પ્રમાણે હુઝુરી અનવર સલ્લલ્લાહો અલયહે વસ્સલમની પવિત્ર હસ્તી રહમત (ઈશ્ર્વરીય દયા)નો દરિયો છે અને તે રહમતના દરિયામાંથી, જે ઘટનાઓ બને છે, તેમાંથી કોઈ ઘટા બગદાદના રસ્તે આવે છે, કોઈ ઘટા અજમેરના રસ્તે આવે છે, કોઈ ઘટા બુખારાના રસ્તે આવે છે અને આમ જનતામાં કાદરી, ચિશ્તી, નકશબંદી, સોહરાવર્દી… એવા જુદા જુદા નામે ઓળખાય છે. પરંતુ તે બધાનો સ્ત્રોત અને કાર્ય તો એક જ છે.

આ રીતે, આ જગતમાં ઠેકઠેકાણે નજર નાખીએ તો રબ તઆલાની અસંખ્ય બોધદાયક નિશાનીઓ જોવા મળે છે. એ નિશાનીઓમાંથી ઈમાનવાળાઓ બોધ ગ્રહણ કરે છે અને પોતાની આખેરત સંવારવામાં લાગી જાય છે.

સનાતન સત્ય:
મૃત:પાય, નિર્જીવ થયેલા દિલોને આસ્થા આમાલ, અખલાક -કર્મ, શિષ્ટાચાર, લેવડદેવડમાં ઈમાનદારીના વ્યવહાર દ્વારા જીવંત કરવા માગો છો?

  • આ વ્યવહાર સંદર્ભમાં કુરાનની હિદાયત – ધર્મજ્ઞાનમાં સ્પષ્ટ હુકમો આવ્યા છે. એ આદેશો પર અમલ કરવાની સાથે સાથે અન્ય લોકોના જીવનમાં પણ પ્રમાણિકતા, સજજનતા અને રોશની મોમીન – સાચા મુસલમાન બંધુઓ ફેલાવે તેવું પણ કુરાન ફરમાવે છે અને ઉમ્મતને – અનુયાયીઓને આદેશ – ઉપદેશ આપે છે.
  • આયત ૧૦૩માં અલ્લાહ હુકમ ફરમાવે છે કે
  • ‘… અને તમારામાં એક જૂથ એવું હોવું જરૂરી છે કે જે લોકોને ભલાઈની તરફ બોલાવતું રહે તેમજ દુષ્ટ કાર્યો કરવાથી રોકતું રહે અને એવા લોકો જ સંપૂર્ણ સફળ થનાર છે.’

વહાલા વાચક મિત્રો! પોતે સારા કૃત્યો, હલાલ કામો, જાયઝ કામો કરવા અને બીજા ભાઈબહેનોને પણ તે રસ્તા પર બોલાવવાનું કામ મુસલમાનો કરે છે, માટે મુસલમાનોને ઉદ્દેશીને એજ સુરા આલે ઈમ્રાનમાં આયત ૧૦૯માં અલ્લાહતઆલા ફરમાવે છે કે, ‘(હે મુલસમાનો), લોકોમાં જે ઉમ્મતો પેદા થઈ તેમાં શ્રેષ્ઠ ઉમ્મત તમો છો. (કારણ કે) તમો નેકીનો હુકમ આપો છો તથા પાપના કાર્યથી રોકો છો અને અલ્લાહ પર ઈમાન રાખો છો.’

ઉપરની આયતથી જાણવા મળ્યું કે ઉમ્મતનું કાર્ય શું છે? ઉમ્મતનું કાર્ય બલકે ફરજ એ છે કે, અલ્લાહ પર ઈમાનની સાથે નેકીનો હુકમ કરવો, દુષ્ટ કાર્યોથી બીજાઓને રોકવા અને લોકોની ઈસ્લાહ (સુધારણા) કરવી. આ આયતમાં ઉમ્મતના કોઈ જૂથને સંબોધીને વાત કરવામાં આવી નથી. પરંતુ ઉમ્મતને જ કહેવામાં આવ્યું છે. એ જવાબદારી ઉમ્મતના માથે નાખી છે. પરંતુ ઉમ્મતની દરેક વ્યક્તિતો આવું મહાન કામ ઉપાડી શકે નહીં તેથી આવી લાયકાત ધરાવતા (દીન- ધર્મના વિષયની લાયકાત કેટલાક લોકો આ દીન -પ્રચારમાં લાગેલા રહે અને બાકીના માણસો તેમને તેમના દીની કાર્યમાં મદદ કરતા રહે તો પણ ઉપરની આયતમાં પ્રબોધાયેલા હુકમને અમલમાં મૂકી શકાય છે. તેથી જ આયત ક્રમાંક ૧૦૩માં ‘મિન્કુમ’ (ભિતરના ભેદ જાણનાર)નો શબ્દ લાવવામાં આવ્યો છે. (અલ્લાહ જ વધુ જાણનાર છે). નોંધ: ‘ઉમ્મત’ એટલે જુથ, સમૂહ, જમાત, અનુયાયી. દાખલા તરીકે ઉમ્મતે મુસા: પયગંબર હઝરત મુસા અલૈયહિ સલ્લામના અનુયાયી. ઉમ્મતે મુહમ્મદી: હુઝૂરે અનવર હઝરત મુહમ્મદ મુસ્તુફા સલ્લલ્લાહો અલયહે વસલ્લમના અનુયાયી. જેમ પવિત્ર કુરાનમાં સત્ય અને નેકીને ફેલાવી દેવાની વાત ઉમ્મતને ફરમાવવામાં આવી છે તેમ સમાજના અનેક અવિભાજ્ય અગ સમાન સખાવત કરવા માટે પણ ઉમ્મતને હિદાયત (બોધ, માર્ગદર્શન) આપવામાં આવેલ છે:

અરબી ભાષામાં કંજુસાઈને ‘બખીલી’ શબ્દથી ઓખળવામાં આવે છે. કુરાન શરીફમાં જેવી રીતે દાન, દયા, સદકા, સખાવત, ઈમદાદ, ઝકાત આપવા માટે ખાસ તાકીદ છે, તેવી રીતે એ પવિત્ર આકાશી પુસ્તક – કિતાબ (અલ્લાહની વાણી)માં કંજુસાઈના કૃત્યની ભારે નિંદા કરી છે.

‘સુરા આલે ઈમ્રાન’ની આયત ૧૭૯માં ફરમાને ઈલાહી આ મુજબ થયેલ છે: ‘અને અલ્લાહે પોતાની કૃપાથી આપેલી વસ્તુમાં જે લોકો કંજુસાઈ કરે છે, તે લોકો એવું ન સમજી લે કે એ કંજુસાઈ તેમના માટે સારી છે. બલ્કે આ (કંજુસાઈ) તેમના માટે ઘણી ખરાબ છે જેમાં તેમણે કંજુસાઈ કરી હતી, તે (માલનો) કયામતના દિવસે તેમના ગળામાં તોક (બેડી) પડશે.’

‘સુરા તૌબા’, આયત-૩૫માં ફરમાવવામાં આવ્યું છે કે – ‘અને જે લોકો (કંજુસીથી) સોના અને ચાંદીનો ખજાનો ભેગો કરે છે, છતાં તેને અલ્લાહના માર્ગમાં ખર્ચ કરતા નથી, તો (હે નબી)! આપ તેઓને કયામતમાં દુ:ખદાયક અઝાબની ખુશખબરી સંભળાવી દો. તે દિવસે તે માલ (ધન – સંપત્તિ) પર જહન્નમની આગ ધીકાવવામાં આવશે. પછી તેનાથી, તેમની પેશાનીઓ (કપાળ) તથા પડખાંઓ અને પીઠોને ડામ દેવામાં આવશે (અને કહેવામાં આવશે) કે આ તેજ (ધન) છે, જેને તમે તમારા માટે ભેગું કરી રાખ્યું હતું. તેથી તમારા સંગ્રહ કરવાની મજા હવે ચાખો.’

સુજ્ઞવાચક મિત્રો! ‘સુરા તૌબા’ની ઉપરોક્ત એક જ આયત ‘બખીલી’ અર્થાત્ કંજુસાઈ કરનારની આખેરત (મૃત્યુ પછીના જીવન)માં કેવી દુર્દશા થશે તે બતાવવા માટે કાફી (પુરતી) છે. બાકી, મોમીનો સ્વયં પોતે સમજદાર છે. તેને સમજી લે. અમારું કામ તો માત્ર મૃત:પાય થયેલ દિલોને ઢંઢોળવાનું – જાગૃત કરવાનો – હોંશિયાર – સાવધ કરવાનો છે. – અમર અલ્લાહવાલા
સાપ્તાહિક સંદેશ: ‘જો’ અને ‘તો’ નાસ્તિકતાની નિશાની
કોઈપણ ખજાનો તમને ઓચિંતો મળી જશે તેવી આશા વ્યર્થ છે. દરેકે પોતાનું કામ પોતાની રીતે મહેનત કરીને કરવું જોઈએ. કારણ કે ખજાનો કામની પાછળ દોડે છે એટલું ચોક્કસ યાદ રાખજો, અને જિંદગીમાં એટલું યાદ રાખજો કે તમે ‘જો’ અને ‘તો’ના ગુલામ ન બનતા. કદી પણ એમ ના કહેતા કે ‘જો મેં આમ કર્યું હોત તો આમ થાત.’ પયગંબર હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલયહે વસલ્લમે આમ બોલવાની મના ફરમાવી છે. આપ હુઝુરે અનવર સલ્લલ્લાહો અલયહે વસલ્લમે ફરમાવ્યું છે કે ‘જો’ અને ‘તો’ એ નાસ્કિતાથી નિશાની છે.’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button