વાદ પ્રતિવાદ

ઈન્સાન મિટ્ટી કા બૂત: નેકી-ભલાઈનું ઈનામ જન્નત, બદ્ીનું દોઝખ

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

અમલસે જિંદગી બનતી હૈ,
જન્નત ભી જહન્નમ ભી
યહ ખાકી અપની ફિતરત મેં,
ન નૂરી હૈ ન નારી…
પ્રસ્તુત શે’રમાં કવિ સંદેશ આપે છે કે અમલ અર્થાત્ વ્યવહાર, આચરણથી જ ઈન્સાનની જિંદગી બને છે.

  • અમલ-સારા-ભલા કર્મથી જ જન્નત મળે છે અને
  • બદ્ આમાલ (કરણી; કામ) ખરાબ કૃત્ય આચરવાથી જહન્નમ (દોઝખ) મળે છે.
    શાયર આગળ કહે છે કે,
  • માનવ તો ખાક (માટી)નો બૂત (પૂતળો) છે.
  • વાસ્તવમાં અમલ જ તેને ‘નૂરી’ અર્થાત્ (જન્નતી) અને અમલ જ તેને ‘નારી’ અર્થાત્ ‘નાર’ (જહન્નમની આગ) બનાવે છે.
  • કર્મથી જિંદગી બને છે અને
  • બદ્ અમલ (બૂરા કૃત્ય)થી જિંદગી તો બગડે છે પણ આખેરત, મૃત્યુલોકમાં દોઝખની આગમાં ભષ્મ કરવાની અસહ્ય સજાના અધિકારી બનવું પડે છે.

ઈસ્લામનો અભ્યાસ કરનારા સૌ વાચકોને વિદિત છે કે, જગતમાં સૌથી છેલ્લે આવેલા ઈસ્લામ ધર્મ કેવા અમલોને આવકારે છે અને તેની ઉમ્મત (પ્રજા, અનુયાયીઓ)ને હિદાયત (ધર્મની સાચી સમજ) આપે છે જો તેને સાચા અર્થમાં સમજવામાં આવે તો એક સમયની આ હાકિમ અમલદાર-સત્તાધીશ કોમ આજે હજુ વધુ ઊભરીને બહાર આવત.

પયગંબરે ઈસ્લામ હઝરત મુહમ્મદ સાહેબ ફરમાવે છે કે-‘કસમ છે તે જાતના જેના કબ્જામાં મારી જાન છે. અલ્લાહતઆલા કેટલાંક ઝાડોને હુકમ આપશે કે મારા જે બંદાઓએ મારા ઝિક્ર, મારી યાદના કારણે વાજા-ગાજાથી બચ્યા એટલે કે ગીત-સંગીત વગેરે, તે બંદાઓને તમો પોતાની અવાજ સંભળાવો તો જન્નતનાં દરેક ઝાડો એવો સરસ અવાજ સંભળાવશે કે એ અવાજ કોઈએ પણ ક્યારેય નહીં સાંભળ્યા હશે. આ અવાજમાં સંગીત જેવા સૂર હશે પણ તેમાં અલ્લાહના વખાણ હશે…’

  • આપ અલ્લાહના મહબૂબ (અત્યંત પ્રિય) ફરમાવો છો કે,
  • જ્યારે કોઈ જમાત (સમૂહ) અલ્લાહના ઝિક્ર (યાદ, સ્તૂતિ કરવી) માટે ભેગા થાય છે અને એ જમાતનો હેતુ ફક્ત અલ્લાહની જાત અને તેની ખુશ્મુદ્ી એટલે કે રબનો રાજીપો પ્રાપ્ત કરવાનો હોય છે ત્યારે એક પુકારનાર ફરિશ્તો આસમાનથી તેઓને પુકારીને કહે છે કે, ઊભા થઈ જાઓ. તમારી મગફેરત (મોક્ષ, છુટકારો) કરી દેવામાં આવેલ છે અને તમારા ગુનાહ નેકી અર્થાત્ ભલાઈ-પ્રમાણિકતામાં બદલી નાખવામાં આવ્યા છે. માશાલ્લાહ (ઈશ્ર્વર-રબની પ્રશંસા-તારિફ). -જાફરઅલી ઈ. વિરાણી

દિલ, દૌલત, દુનિયા
ઈન્સાનને પતનની ઊંડી ખાઈમાં ધકેલી દેનારા આ ત્રણ ‘રાક્ષસો’ને ઓળખવાની કદી કોશિશ કરી છે?
‘હદીસ’ અર્થાત્ પયગંબર હઝરત મુહમ્મદ સાહેબનાં કથનો, વાક્યો, આચરણો, સુકૃત્યોમાં ઉપરોક્ત ત્રણ બાબતો અંગે ઘણું કહેવામાં આવ્યું છે.

આપ હુઝૂરે અનવર (સલ.) ફરમાવો છો કે-

  • જાહોજલાલી અને જાહેરી માલમિલકત માટે દિલને દૂષિત-મેલું ના કરો.
    -હઝરત અલી સાહેબ કહે છે કે
  • જેઓ પીઠ પાછળ બુરાઈઓ કરતા હોય તેવાઓથી છેટા રહો.
  • બીજાઓની ભૂલો નજરે પડે તો દરગુજર કરશો અને તેને ઢાંકવાનો પ્રયાસ કરજો. કોઈ સાથે વેરભાવના ન રાખશો.
  • તમારા માન-મોભાથી ઉતરતા, પ્રતિષ્ઠાને બટ્ટો લાગડે તેવાં કામ કરશો નહીં.
  • પીઠ પાછળ વાતો કરનારઓથી સાવધ રહેજો તેઓ શું કરે છે-કહે છે-આચરે છે એ કદી પણ જોતાં, સાંભળતા નહીં.
  • કોઈ કાયરની સલાહ લેશો નહીં, કારણ કે એ તમને પણ કાયર (નકામો) બનાવી દેશે તેમ
  • કોઈ લાલચુને તમારા સલાહકાર બનાવતા નહીં. સ્પષ્ટ છે કે એ તમને ઘાતકી બનાવી દેશે.
    સનાતન સત્ય:
  • તમારા પર આવી પડેલ મુસીબત-તકલીફ-કષ્ટને તમારી લાલચ ગણો: બેશક: તે પાપનું ઉદ્ભવ સ્થાન છે.

ધર્મસંદેશ:
કોઈ ઝખ્મી છે ને દુ:ખમાં સપડાએલો છે, કોઈ માંદાને જોવા જાય છે. કોઈ મરે છે અને કોઈ દુનિયા ઈચ્છે છે અને આ દુનિયા….. બેશક! દુનિયા ઈચ્છનારાઓને મોત ઈચ્છે છે કે તેને પોતાના સકંજામાં લઈ લે, કોઈ ગાફિલ-(માર્ગ ભૂલેલા) નાદાન ગફલત (ભ્રમ)માં પડ્યો છે અને પોતાનો હિસાબ લેનાર (રબ) જરા જેટલો પણ ગાફેલ નથી એટલોય તે સમજતો નથી? અને પાછલા લોકો પહેલાના લોકોને શોધવા જાય છે.

હે લોકો! જેમણે મોટી મોટી ઈમારતો બંધાવી તેમાં ગાલીચાઓના પાથરણાં બિછાવ્યાં અને જાતજાતના સામાનથી ઘરને શણગાર્યું અને માલોદૌલત તથા નોકરચાકર ભેગા કર્યા, તે બધા હવે ક્યાં ગયા? કોમના બાદશાહો અને ફિરઔન જેવા જોરાવર હાકિમો (સત્તાધીશો) ક્યાં ગયા? ક્યાં ગયા તે જેમણે મજબૂત કિલ્લાઓ બંધાવી તેને કિંમતી હથિયારોથી શણગાર્યા હતા.

ખબરદાર! ખુદાના બંદાઓ! જ્યાં સુધી તમારું ગળું ઝાલીને શ્ર્વાસને રૂધ્યો નથી, આત્મા (રૂહ) કેદ થયો નથી, અક્કલ સલામત છે, શરીરમાં આરામ છે, ઈન્દ્રિયો સલામત છે, ઈરાદાઓ મૌજૂદ છે ત્યાં સુધી તૌબા (પ્રાયશ્ર્ચિત, પશ્ર્ચાતાપ) કરવાનો સમય છે અને ગુનાહો મટાડવાનો વખત છે. માટે મૌત આવે તે પહેલાં તૌબા કરો અને સારા અમલ (કર્મો) કરી લો. એમાં જ ખરી સફળતા છે.
બોધ: હઝરત અલી કર્રમલ્લાહૂ વજહૂના આ ખુત્બા (ધાર્મિક પ્રવચન)માંથી મોમિનોને એ નસિહત મળે છે કે દરેક, હરએક પળ (ઘડી)ને જીવનની આખરી ગણી, થાય તેટલા સારા અમલ કરો. મોત સ્થળ, સમય, સંજોગ જોતું નથી, એ હક્કીતનો એહસાસ કરો. મન-હૃદયને જે શુકુન, શાંતિ મળશે તેની અનુભૂતિ સ્પષ્ટ છે.

સાપ્તાહિક સંદેશ:
પયગંબર હઝરત મુહમ્મદ સાહેબ કહે છે કે,
-તમે તમારી તરફથી મને છ બાબતોની ખાત્રી આપો ને હું તમને જન્નતની ખાત્રી-વિશ્ર્વાસ આપું છું.
૧- જ્યારે બોલો ત્યારે સત્ય બોલો,
૨- વચન આપો તે પાળો,
૩- કોઈનો વિશ્ર્વાસઘાત ન કરો,
૪- દુરાચારથી બચો,
૫- હંમેશાં નજરને નીચી રાખો અને
૬- કોઈના પર જબરદસ્તી ન કરો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button