વાદ પ્રતિવાદ

બોધ આપનારો લા’જવાબ પ્રસંગ: પયગંબર હઝરત મુસાને અલ્લાહે કઈ વાતનો અહેસાસ કરાવ્યો?

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

જગતનો સર્જનહાર અલ્લાહ (ઈશ્ર્વર) રહમાન, રહીમ અને કરીમ છે અર્થાત્ તે દયાળુ, કૃપાળુ અને મહેરબાની કરવાવાળો છે, અને તેની આ ખાસિયત-વિશેષતાનો અંશ તેણે સમગ્ર ઈન્સાન જાતમાં મૂકેલો છે. પરંતુ રાક્ષસી ખ્વાહીશ (ઈચ્છા-મનેચ્છા) અને સેતાની હરકત ઈન્સાનને કરૂણા-રહમથી રોકે છે અને ઘૃણા તરફ દોરે છે.

પયગંબર હઝરત મુસા સાહેબનો કારૂન નામનો એક પિત્રાઈ ભાઈ હતો અને તે ગરીબ-હાજતમંદ હતો. હઝરત મુસા અલૈયહિ સલ્લામે તેને કેટલાક હુન્નર શીખવ્યા જેના ફળસ્વરૂપ તે ખૂબજ દૌલતમંદ બની ગયો.

હઝરત મુસા સાહેબને વિચાર આવ્યો કે ચાલ તેને કહું કે, પરવરદિગારે આલમે તને આટલી બધી દૌલત અતા કરી છે, માટે ઝકાત કાઢી જરૂરતમંદો-ગરીબો-હાજતમંદોમાં આપી મદદરૂપ થશે તો અલ્લાહ રાજી થશે. તારા માલમાં હજુ બરકત થશે…!

હઝરત મુસાનો આ સુજાવ સાંભળી તે સમયે તો પોતાના રહેઠાણે આવ્યા પછી વિચારવા લાગ્યો કે આમાં અલ્લાહ વચ્ચે ક્યાં આવ્યો? આ માલોદૌલત તો હું મારી કળા, હુન્નર, ચતુરાઈ અને પરિશ્રમથી કમાયો છું; માટે લાવને મુસાને બેઈજ્જત કરી તેના તકાઝાથી બચું! આમ વિચારી કારૂને ફાહેશા નામની એક ઔરતને થોડાં નાણાં આપી એક બાળક હાથમાં આપ્યું અને હઝરત મુસા અલૈયહિ સલ્લામ પર તહોમત મુકાવ્યો કે તે બાળક અલ્લાહના નબી હઝરત મુસા અલૈયહિ સલ્લામનું છે, યા અલ્લાહ! તેણે બેદરકારી કરી છે. અર્થાત્ ખરાબ કૃત્ય કર્યું છે.

આવો જાહેરમાં આરોપ સાંભળી પયગંબર (ઈશ્ર્વરના દૂત) હઝરત મુસા અલૈયહિ સલ્લામ બેચેન થઈ ગયા અને તુરંત દુઆ કરી કે- ‘યા પરવરદિગાર! તુ મારા પરના બેહૂદા (નકામા, કારણ વગરના) આરોપને સાંભળી રહ્યો હોઈને કારૂનને સજા કર…!’

-અને પળવારમાં તો કારૂન તેના ખજાના સહિત જમીનની અંદર ધસવા માંડ્યો, ત્યારે તેણે હઝરત મુસા અલૈયહિ સલ્લામને વારંવાર પોકાર્યો કે મારી ભૂલ થઈ, માફ કરો. પરંતુ હઝરત મુસા અલૈયહિ સલ્લામે સાંભળ્યું ના સાંભળ્યું કર્યું અને કારૂન જમીનમાં ગરક થઈ ગયો.

ત્યાર પછી હઝરત મુસા અલૈયહિ સલ્લામ રાબેતા મુજબ પહાડ પર તેના રબ સાથે વાતચીત માટે આવ્યા અને રબને પોકાર્યો, પરંતુ કશો જવાબ ના આવ્યો. આમ આઠથી દસ વખત- ‘અય મારા પરવરદિગાર, તું જવાબ કેમ નથી આપતો…!’નું રટણ કરતા રહ્યા, પરંતુ જવાબ ના મળ્યો એટલે મુંઝાયા અને કહ્યું, ‘શું તું મારાથી નારાજ છો?’ તો જવાબ આવ્યો, હા અને તેનું કારણ જ્યારે તમને કારૂને પોકાર્યા ત્યારે છેવટ સુધી તમે જવાબ ના આપ્યો, પરંતુ જો તે (કારૂન) મને એક જ વખત યાદ કરતે તો હું જરૂર જવાબ વાળતે. માટે મારે તમને સમજાવવા હતા કે વારંવાર પોકારનાર બંદાને જ્યારે જવાબ ના મળે ત્યારે તે કેટલો દુ:ખી થાય છે, તેનો અહેસાસ તમને પણ થાય! (નોંધ: પયગંબર હઝરત મુસા અલૈયહિ સલ્લામ અલ્લાહ સાથે વાત કરવા જે પહાડ પર જતા હતા તે પહાડનું નામ ‘તૂરે સીના’ છે અને તે ઈજિપ્ત, મીસરમાં આવેલ છે. બીજી નોંધનિય બાબત એ છે કે ‘તોરેત’ નામક ઈલાહી કિતાબ હઝરત મુસા અલૈયહિ સલ્લામ પર નાઝીલ થઈ છે. (ઈશ્ર્વરિય વાણી સ્વરૂપ ઊતરી છે).

-આ અહેસાસ, અનુભૂતિનું નામ જ મહેરબાની-કૃપા કરવી છે. કોઈપણ અલ્લાહનો બંદો, મદદ માટે પોકારે તો મોઢું ફેરવી, પીઠ દેખાડવાની જગ્યાએ તેની કઠણાઈ સાંભળવા ઊભા રહી, શક્ય તેટલી મદદ કરવી તે સાચી કરૂણા-કૃપા કરી કહેવાય અને તેનો સવાબ (ભલાઈ) દરેક ફરજ બજાવતા રહી પુણ્ય કમાવવાથી પણ વિશેષ છે તેવો દીને ઈસ્લામનો બોધ છે. હિદાયત ધર્મજ્ઞાન છે.

બંદાના જ્ઞાનમાં વધારો કરતો બીજો એક પ્રસંગ પણ હિદાયત (ધર્મની સાચી સમજ, આદેશ) આપનારો બની રહેવા પામશે:
જનાબ ઔવપ્સે કરની પયગંબર હઝરત મુહમ્મદ સલ્લલ્લાહો અલયહિ વઆલેહિ સલ્લામ (સલ.)ના સહાબી (ઈમાન લાવનારી સાથી-સંગાથી) હતા. તેઓ પોતાના બુઝુર્ગ માતા-પિતાની સારસંભાળ રાખવા ઘણે દૂરના એક ગામમાં રહેતા હતા. એક દિવસ હુઝૂરે અનવર (સલ.)નો સંપર્ક સાધી ઈચ્છા વ્યક્ત કરી કે, આપના દિદાર કરવા મદીના શરીફ આવવા ઈચ્છા ધરાવું છું, પરંતુ મારા જૈફ (પ્રોઢ) મા-બાપ એકલા પડી જશે, માટે આપનું શું માર્ગદર્શન છે?

આપ અલ્લાહના મહેબૂબ (સલ.)એ પયગામ (સંદેશો) પાઠવ્યો કે, ‘હરગીઝ આવશો નહીં. તમે માતા-પિતાની સંભાળ લેતા રહો. અગર જીવનના અંત સુધી પણ મુલાકાત ના થાય તો અફસોસ ના કરતા. કારણ મા-બાપ સાથે કરૂણા, કૃપા કરતા રહેવાનો સવાબ (પુણ્ય; ભલાઈ) મારા દિદાર કરતા પણ વધારે છે…!’
-સલિમ-સુલેમાન


શિષ્ટાચાર

  • લોકો સાથે મહેરબાની કરવી, આવકાર આપવો, સ્વાગત કરવું, મીઠાશથી વાત કરવી અને હસમુખ ચહેરે મળવું તે સદ્ચારિત્રની નિશાની છે. આમ કરવાથી દિલમાંથી કપટ, દુશ્મની ખતમ થઈ જાય છે.
  • ત્રણ કાર્યોમાં દુનિયા (આલોક) અને (પરલોક)ની ભલાઈ છે:
    ૧- જે તમારા પર જૂલ્મ (અત્યાચાર) કરે તેને માફ કરો,
    ૨- જે કોઈ તમારી મોહબ્બતનો છેડો ફાડવા ચાહે તેની સાથે હળમળીને રહો અને
    ૩- જે કોઈ તમારી સાથે ગુસ્સો યા બીભત્સ વર્તન કરે તમે તેની સાથે નમ્રતાથી વર્તો.
  • જે માણસ બદલો લેવાની શક્તિ ધરાવતો હોવા છતાં પોતાના ગુસ્સાને પી જાય તો ખુદા તઆલા કયામત (ન્યાયનો દિવસ; આખરી નિર્ણય)ના દિવસે તેના દિલને ઈમાન (સત્ય ધર્મ)થી ભરી દેશે અને મહેશર (પ્રલય)ના ડરથી મુક્તિ આપશે અને આખેરત (પરલોક)માં માન, મરતબો, ઈજ્જતમાં વધારો ફરમાવશે.

સાપ્તાહિક સંદેશ:
નમક ખા કર
જો નમક અદા ન કરે,
દોનો જહાં મેં
ખુદા ઉસકા
કભી ભલા ન કરે…


Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…