વાદ પ્રતિવાદ

ખૌફ-ડર-દહેશતને નાથવાનો આ રહ્યો હાથવગો ઉપાય

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

દુનિયામાં એવો કયો ઈન્સાન હશે જે ડર અને અસલામતીના ભયથી બચવા માગતો નહીં હોય?

ઈલાહી વાણી કુરાનમાં જગતકર્તા ખુદા ફરમાવે છે કે, ‘તમારી પર જે આફતો-મુસીબતો આવે છે, તે તમારાં જ કૃત્યોના પરિણામ છે અને રબ, સૌનો પાલનહાર તો ઘણી ખતાઓ, ભૂલોને દરગુજર કરતો રહે છે…’

મજકૂર આયત (કથન; વાક્ય)માં ફરમાવ્યાનુસાર કોઈના પર આફત આવી પડે અને તેમાં ઉમ્મત, પ્રજા, અનુયાયીને ખબર ન પડે કે આ અસુરક્ષાની આંધી આવી ક્યાંથી? રોજી રોજગારમાં એકાએક ઓટ આવી ક્યાંથી? માંદગી, મુસીબતો સાથે ફીત્ના-ફસાદ સર્જાયા કંઈ રીતે? તો તેણે સમજી લેવું ઘટે કે આ પોતાના જ આમાલ (કર્મો)ની સજા છે જે તેની ઈમ્તેહાન-પરીક્ષારૂપે અલ્લાહ લઈ રહ્યો છે.

હવે પ્રશ્ર્ન થાય કે આ દલદલમાંથી નીકળવાનો ઉપાય શું?

તો તેનો ઉપાય પણ સૃષ્ટિના સર્જનહારે ઉમ્મતને બતાવી દીધો છે. ફરમાવવામાં આવ્યું છે કે, ‘… અને તમે સૌ ભેગા મળીને અલ્લાહ (ઈશ્ર્વર, પ્રભુ) તરફ પાછા વળો, જેથી તમે ફલાહ (ભલાઈ) પામો…’

તૌબા એટલે કે પ્રાયશ્ર્ચિત્ત કરવાનો મતલબ કે રબ તરફ પલટવું, પાછા ફરવું અને તેની સમક્ષ રજૂ થવું.

ગુનાઓના હયબતનાક (ધાસ્તી) દલદલમાં ફસાયેલી ઉમ્મત (પ્રજા) જ્યારે પોતાના ગુનાહો પર પશ્ર્ચાત્તાપ કરીને, સાચા મન-હૃદયથી દુઆ, બંદગી, પ્રાર્થના સાથે રબ તરફ પાછી વળે છે અને તૌબાના અશ્રુવડે પોતાના ગુનાહોની ગંદકીને ધોઈ ફરીથી પોતાના પરવરદિગાર સાથે વફા (પ્રમાણિકતા; ઈમાનદારી)ના વાયદા (વચન)નું પાલન કરે છે; તો આવી કૈફીયત (વર્તણૂક)ને અલ્લાહતઆલા કદીય નજર અંદાઝ કરતો નથી. કારણ એ તો મહાન દયાળુ, ક્ષમા કરવાવાળો છે. દરેક પ્રકારના ફીત્ના, ફસાદ, ખૌફ અને હયબતથી સુરક્ષિત થઈ જવાનો ઈલાજ છે.

સંજોગો ગમે તેટલા વિપરીત કેમ ના હોય? હંમેશાં સત્યના પડખે ઊભા રહો, સત્યની જ હિમાયત કરો, બેગયરત (અપમાનીત) જીવન જીવવા કરતાં હકની હિમાયતમાં જીવ આપી દેવો બહેતર છે.

હઝરત અબ્દુલ્લાહ બીન અબ્બાસ રદ્યિતઆલા અન્હો ફરમાવે છે કે, જે કોમમાં ખયાનતનું બજાર ગરમ થઈ જશે (ખયાનત એટલે થાપણોને સ્વઉપયોગમાં ખાઈ જવી) તો અલ્લાહ તે કોમના દિલમાં દુશ્મનનો ખૌફ (ડર) અને દહેશત ઘુસાડી દેશે અને જે સમાજનાં વ્યભિચાર (પરસ્ત્રી સાથે સમાગમ કરવો) સર્વત્ર ફેલાઈ જશે, તે સમાજ ફના (વિનાશ)ના ઘાટ પર ઊતરશે, જે સમાજમાં તોલમાપમાં અપ્રમાણિકતાનો રિવાજ પડી જશે, તો તે સમાજ અવશ્ય મુફલીસીનો શિકાર બનશે અને જે સમાજમાં અન્યાયી ચુકાદાઓ આપવામાં આવશે, ત્યાં અવશ્ય ખુનરેઝીઓ ફેલાઈ જશે. બેશક: જે કોમ વચનભંગ કરશે, તેની પર દુશ્મનનો કબજો થઈને જ રહેશે.’

‘મોમીન’ એટલે કે એક સાચો મુસલમાન તે છે, જે સત્ય માર્ગે સમર્પિત હોય. જેના વ્યવહારથી સલામતીનું વાતાવરણ સ્થપાયેલું રહે, આમ છતાં જ્યારે દુશ્મનો તરફથી ભય લાગે ત્યારે રબ પાસે સતત ગીરીયાજારી (યાચના) કરતા રહો અને એવી દુઆ ગુજારતા રહો કે-હે ખુદા! અમે તે દુશ્મનોના મુકાબલામાં તને જ અમારી ઢાલ બનાવીએ છીએ અને તેમની દુષ્ટતા અને બચવા માટે તારું જ રક્ષણ લઈએ છીએ. હે અલ્લાહ, તું અમારી ઈજ્જત-આબરૂની રક્ષા કર અને અમારા ભય અને ગભરાહટને સલામતીમાં બદલી નાખ.’

જ્યારે જોરદાર, આંધી આવે અને વરસાદ વરસશે એવું લાગે ત્યારે કેટલાક લોકો કુદે છે, નાચે છે અને ખુશી મનાવે છે, પરંતુ આવા પ્રસંગે વિશ્ર્વકૃપા બનીને આ ધરતી પર પધારેલા પ્યારા પયગંબર રસૂલે અનવર હઝરત મોહંમદ સલ્લલ્લાહો અલયહે વઆલેહિ સલ્લામ બારગાહે ઈલાહીમાં દુઆ કરવા લાગી જતા હતા.

આપ હુઝૂરે કરીમ (સ.અ.વ.)ને ઉમ્મતના મા હઝરત આઈશા સિદ્કિા રદ્યિતઆલા અન્હોએ પ્રશ્ર્ન પૂછ્યો, કે ‘યા રસૂલલ્લાહ! બીજા લોકો તો આને આનંદનો અવસર ગણે છે, ત્યારે આપ પરેશાની અનુભવો છો, તેનું કારણ શું?’

આપ હુઝૂરે અનવર (સ.અ.વ.)મે જવાબ આપ્યો કે-‘હું કેવી રીતે નચિંત થઈ જાઉં કે આ વાદળીમાં અઝાબ નહીં જ ભર્યો હોય!’


દુઆ કરે બેડો પાર:

  • યા અલ્લાહ! હું તારી પાસે બેબસી (લાચારી), આળસ, કંજુસી, બુઝદિલી, ઘડપણની કમજોરી અને કબરના અઝાબ (પ્રકોપ)થી તારી પનાહ (રક્ષણ)માંગું છું.
  • યા અલ્લાહ! મારા નફસ (મન)ને તકવા (સદાચાર, સંયમી અને અલ્લાહનો ડર) આપ અને મારા મન (મનેચ્છા)ને ચોખ્ખું કર કે તારા જેવો સ્વચ્છ કરવાવાળો કોઈ જ નથી અને તું જ તેનો (મારો) નિગેહબાન (રક્ષણકર્તા) અને માલિક છે.

યા અલ્લાહ! હું તારી પાસે પનાહ (રક્ષણ) માંગું છું, નકામા જ્ઞાનથી કે જેનાથી મારું દિલ તારાથી ડરે નહીં (એટલે કે અલ્લાહથી ડરવાવાળું દિલ આપ) અને એવું મન-હૃદય જે તૃપ્ત ન થાય અને પનાહ ચાહું છું એવી દુઆઓથી જે કબૂલ ન થાય.

સુજ્ઞ વાચક મિત્રો! અલ્લાહતઆલા માનવીના દિલની-મનની-લાગણીઓની ભાષા જાણે છે તે નિરાકાર છે. ભીતરના ભેદને બખૂબી સમજે છે. માટે બૂરી સોચ-વિચારોથી દૂર રહો અને દિલથી તેને યાદ કરો તે ધરતીના કણકણમાં, માનવીના રોમેરોમમાં, પ્રકૃતિના બુંદબુંદમાં વસે છે. ત્યાં દેર ભલે છે પણ અંધેર નથી જ. તેની ગેબી લાકડીના અવાજમાં.

  • સલિમ સુલેમાન
    સાપ્તાહિક સંદેશ:
    ગુનાહ કરતી વખતે એ લક્ષમાં રાખો કે ગુનાહનો આ આનંદ ક્ષણિક છે. છેવટે ફના (નાશ) થઈ જશે. જ્યારે તેની શિક્ષા હંમેશાં માટે બાકી રહેશે. (હદીસ શરીફ)
Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…