વાદ પ્રતિવાદ
ભાગ્યશાળી છે એ ઉમ્મત જે સબક ગ્રહણ કરે છે
મુખ્બિરે ઈસ્લામ – અનવર વલિયાણી
હઝરત અલી સાહેબના ખુત્બા (ધાર્મિક પ્રવચન)માં આપ અલી અલૈયહિ સલ્લામ ફરમાવો છો કે-
- તમામ વખાણ એ અલ્લાહ માટે છે જે એના સામર્થ્યની દૃષ્ટિએ આલિશાન છે અને બક્ષિસની દૃષ્ટિએ નિકટ છે. પ્રત્યેક નફો કે વધારો આપનારો અને દરેક મુસીબત અને સંકડામણો દૂર કરનારો છે.
- હું એના કરમની-કૃપાની નવાજેશો અને બક્ષિસની અવધિઓના નિમિત્તે એની હમ્દ અને સના (પ્રશંસા અને ગુણગાન) કરું છું.
*હું તેના પર ઈમાન (આસ્થા, શ્રદ્ધા) રાખું છું. - કારણ કે અવ્વલ અને જાહિર છે.
- તેનાથી હિદાયત (બોધ-જ્ઞાન) તલબ
(મેળવું) છું.
*હું સાક્ષી આપું છું કે મુહંમદ (સલ્લલ્લાહો અલયહિ વસલ્લમ) અલ્લાહના બંદા અને રસૂલ છે. જેમને હુકમો જારી કરવા તેમ જ બોધદાયક બનાવો રજૂ કરીને પહેલાંથી જ ચેતવણી આપવા માટે મોકલ્યા હતા. - હે આંખ અને કાનવાળાઓ! * એ સ્વાસ્થય અને સંપત્તિશાળી શું બચવાની કોઈ બારી કે છૂટકારાનો કોઈ અવકાશ છે? કે * કોઈ આશ્રયસ્થાન કે માથું છુપાવવાની જગા છે? * ભાગી છૂટવાની કોઈ તક કે દુનિયામાં પરત આવવાનો કોઈ રસ્તો છે?*અગર-જો નથી તો ક્યાં ભટકી રહ્યા છો? અને કંઈ તરફ મોઢું કરી રહ્યા છો? અથવા તો કઈ ચીજોની ફરેબમાં ફસાઈ ગયા છો?
- સ્થિતિ તો એ છે કે આ લાંબી, પહોળી ભૂમિમાંથી તમારામાંના દર એકનો હિસ્સો તો તમારા કદના માપની જમીનનો એક ટુકડો જ છે.
- હે અલ્લાહના બંદા! હજી જ્યાં સુધી ગળામાં ફાંસો નથી પડયો અને રૂહ પણ આઝાદ છે ત્યાં સુધીની આ ઘડી (પળ) છે તેને ગનીમત (શ્રેષ્ઠ) સમજ. હિદાયત હાંસલ કરવાની ફુરસત એ માટે અંગની શરત અને મંડળીઓના જલસાઓ માટે તથા જિંદગીની બાકીની મુદ્ત માટે ફરીથી સ્વાધિકારથી કામ લેવાની તક માટે, તૌબા (પ્રાયશ્ર્ચિત)ની ગુંઝાઈશ માટે, નિશ્ર્ચિતતાની હાલતમાં સખતી અને તંગી આવી પડે તે પહેલાં, વિહવળતા એના પર છવાઈ જાય અને મૌત આવી જાય તે પહેલાં જ, સર્વશક્તિમાન અને સર્વસત્તાધિશની પકડ તને પકડી લે તે પહેલાં તુ સજાગ થઈ જા. નહીં તો અંજામ ખતરનાક હશે.
બોધ: હઝરત અલી કરમલ્લાહુ વજહૂના એક ખુત્બા (ધાર્મિક પ્રવચન)નો સરળ સાર એ નીકળે છે કે ભાગ્યશાળી છે એ લોકો કે જેઓ આમાંથી સબક ગ્રહણ કરે.
આપ અલી કરમલ્લાહુ વજહૂનું એક બીજું કથન પણ બોધ આપનારું બની રહેશે.
હે લોકો! તમે જે ચીજને ઓળખતા નથી તે બાબતમાં ગુફતેગુ (વાર્તાલાપ) ન કરો. કેમ કે કેટલીક વખત એમ પણ બને છે કે જે બાબતોનો તમો ઈન્કાર કરો છો તે હક્ક (સત્ય) હોય છે અને તમને તેની જાણ હોતી નથી. મેં તમોને ઘણી નસીહત (બોધ) પણ કરી છે પણ તમોએ એ જ્ઞાન માન્ય નથી રાખ્યું માટે તમારી એવી રીત ભાતથી તમોને નુકસાન પહોંચે તો એમ કહેશો નહીં કે તમને તેની જાણ નહોતી.
હે લોકો! તમને ખબર છે? જે લોકો લાંબી આશા રાખતા હતા તેમની લાંબી આશાઓ ધૂળમાં મળી ગઈ. તેઓનાં અંગ (અવયવો) સલામત હતા ત્યારે તેઓએ આખેરત (મૃત્યુલોક) માટેનો સામાન તૈયાર કર્યો નહીં: પ્રથમ સમયમાં નસીહત હાંસલ કરી નહીં. નવજવાનો શું એ રાહ જોઈ રહ્યા છે કે બુઢાપો આવી પહોંચે? તંદુરસ્ત અને સલામત રહેનારાઓ સખત બિમારી સિવાય કઈ ચીજની રાહ જોઈ રહ્યા છે?
બોધ: જીવતાઓને મરવા સિવાય કઈ ચીજની ઉમ્મીદ છે? શું તેઓ જાણતા નથી કે મરવું ફના (નાશ) થવું નજીકમાં જ છે. ખબરદાર થઈ જાઓ. ચેતતો નર સદા સુખી.
દુનિયાના પુજારીઓ
અમીરૂલ મોઅમેનીન હઝરત અલી સાહેબ ફરમાવે છે કે-
જો કોઈ પોતાને લોકોનો આગેવાન ગણાવતો હોય તો તેના માટે જરૂરી છે કે બીજાઓને તાલીમ (બોધ-જ્ઞાન) આપવા પહેલા પોતાની જાતને તાલીમ આપે, - તેના ચારિત્ર્ય અને તેની જીભ વડે અદબ શીખવાડે અને ઉદાહરણ બને!
આપ અમીરૂલ મોઅમેનીન ફરમાવો છો કે- - પોતાની જાતને સંસ્કારી અને લાયક બનાવનારો બીજાઓને તાલીમ (શિક્ષણ) દેનારાઓ કરતાં વધારે માન અને ઈઝઝતને લાયક છે.
*એ લોકોમાંનો ન થજે કે જેઓ અમલ કર્યા વગર આખેરત (મૃત્યુલોકના અમર જીવન)ની તમન્ના (ઈચ્છા) રાખે છે, દુનિયા ખાતર ઝાહિદો અર્થાત બધી જ કૂટેવોથી દૂર રહી ઈશ્ર્વરની ઉપાસના કરનાર વિરક્ત જેવી વાતો કરે છે, દુનિયા પરસ્તો જેવાં અમલ કરે છે, દુનિયામાંથી કંઈ મળે છે તો તેઓનું પેટ નથી ભરાતું અને જો મેહરૂમ (વંચિત) કરી દેવામાં આવે તો સબર (ધીરજ) નથી કરતા, જે ને’મત ઈશ્ર્વરિય દેણગી, કૃપા) બાકી (વધેલી) છે તેમાં હજુ વધારે માગે છે, તેઓને રોકવામાં આવે છે પણ સ્વાર્થ લોલુપતાથી રોકાતા નથી, ગુન્હેગારો પ્રત્યે દુશ્મની રાખે છે પણ પોતે પણ એમાંના એક છે એને સમજવા આંખ આડા કાન કરે છે.
સાપ્તાહિક સંદેશ:
‘… જ્યાં સુધી તેં મુખ બહાર વાત નથી કાઢી ત્યાં સુધી તું તારા બંધનમાં છે અને જ્યારે તું મુખ બહાર વાત કાઢે છે ત્યારે તું તેના બંધનમાં આવી જાય છે તો જેવી રીતે તું સોના-ચાંદી સાવચેતીથી સંભાળે છે તેવી રીતે તું તારી જીભને સંભાળી રાખ, કેમ કે કેટલીક વાતો એવી હોય છે કે જેથી માલ દૌલતને નુકસાન પહોંચે છે અને ખુદાના અઝાબ (પ્રકોપ)ને પાત્ર થવાય છે.’
- હદીસ