વાદ પ્રતિવાદ

ઇસ્લામની ઉમ્મત પાસે અપેક્ષા: સદ્ગુણ, સદ્ભાષા, સદાચાર

મુખ્બિરે ઇસ્લામ – અનવર વલિયાણી

‘તવકકુલ’ એ અરબી ભાષાનો એક પ્રચલિત શબ્દ છે. આ શબ્દનો ઉપયોગ કુરાન, હદીસ, શરીઅત તથા બીજા ધાર્મિક ગ્રંથો, સાહિત્યમાં વ્યક્તિને -ઉમ્મત અર્થાત્ અનુયાયી-પ્રજાને સંબોધીને કહેવામાં આવેલ છે.

  • ‘તવકકુલ’નો સરળ ગુજરાતીમાં અર્થ થાય છે- અલ્લાહ, ઇશ્ર્વર પર ભરોસો, વિશ્ર્વાસ.
  • રબના બંદાને એવી ખાત્રી થઇ જવી જોઇએ કે- અલ્લાહ જ તેનો પાલનહાર છે.
  • મને અલ્લાહ પર જ ભરોસો રાખવાનો છે,
  • તેજ સુખ-દુ:ખ, રોજી-રોટીનો મદદગાર છે.
    -આવું સોચનાર અને તેના પર ભરોસો રાખનાર બંદાનું દિલ શાંતિ-શુકુન મેળવી લે છે.
  • તે સમજી લે છે કે અલ્લાહ જ તેનો કારસાઝ અર્થાત્ કાર્યસાધક છે. પરિણામે તે બંદામાં કનાઅત (સંતોષ)નો ગુણ પેદા થાય છે.
  • ‘તવકકુલ’નો ગુણ હોવો તે ઇમાન (શ્રદ્ધા; સબુરી)નો પણ એક હિસ્સો છે.
  • તવકકુલ પેદા કરવા માટે અલ્લાહ તઆલા માનવોને હુકમ આપે છે.
  • સુરા (પ્રકરણ) આલે ઇમ્રાનની આયત ઇસ્લામીની (કથન) ૧૫૯મા ફરમાવવામાં આવ્યું છે કે, ‘જો અલ્લાહ તમારો સાથ આપે તો તમારા પર કોઇ ફાવી શકે નહીં. જો અલ્લાહ તમને પડતા મુકી કે, તો પછી એવો કોણ છે જે તમારી મદદ કરે? અને મુસલમાનો- એ તો અલ્લાહ પર જ તવકકુલ (શ્રદ્ધા) રાખવી જોઇએ.’
  • ‘સુરા તગાબુન’ની આયત ૧૩મા ફરમાવ્યું છે, કે- ‘અલ્લાહ સિવાય બંદગીને પાત્ર બીજો કોઇ નથી અને ઇમાનવાળાઓએ અલ્લાહ પર જ ભરોસો રાખવો જોઇએ.’
  • સુરા ફુરકાન’ની આયત ૫૮મા અલ્લાહ તઆલા ફરમાવે છે, કે – ‘અને તું તે અમર પર (એટલે જીવંત ખુદા પર) ભરોસો કર, જે (કદી) મરનાર નથી.’
    ‘સુરા તલાક’મા, આયત ૩મા હુકમે ઇલાહી આ મુજબ થયેલ છે, કે ‘…અને અલ્લાહ પર જે કોઇ ભરોસો રાખશે, તો અલ્લાહ તેના માટે કાફી (પૂરતો) છે. બેશક, અલ્લાહ પોતાનું કાર્ય પાર પાડનાર જ છે.’
    -તોલમાપ, ન્યાય, સાચી સાક્ષી, વગેરે સંસ્કાર સિંચનારા કર્મ (આચાર)ની ચર્ચા અન્ય સ્થળે આપણે આ અગાઉ કરી ગયા છીએ. માનવીના ચારિત્ર્યને ઘડનારા ઉત્તમ સંસ્કારો અને સદાચાર માનવી, અપનાવે, તેવી અપેક્ષા ઇસ્લામ રાખે છે. એવા ઉત્તમ સંસ્કારોથી કેવી ઉત્તમ ને’મતો (ઇશ્ર્વરની દેણગી) અને બક્ષિસો (ઇનામ) આ દુુનિયામાં અને આખેરત (પરલોક-મૃત્યુ પછીના જીવન)માં મળશે, તે પણ ‘અલ્લાહની વાણી’ અર્થાત્ કુરાન કરીમમાં અલ્લાહે પોતે જ જણાવી દીધું છે. એ ઇનામો, ને‘મનો, બક્ષિસો અને ઉત્તમ બદલો (વળતર) અલ્લાહ તરફથી જ મળવાનો છે, તેનું વચન આપી દેવામાં આવ્યું છે.
    ઇસ્લામ સારા સંસ્કારથી આભૂષિત એવા માનવ જીવનને જોવા માગે છે, તેમાં કશો જ શક નથી જ, પરંતુ એ ઉત્તમ સંસ્કારોનો પ્રકાશ બીજાં ઘરોમાં પણ ફેલાવો તથા અન્ય માનવીના જીવનને પણ એવા જ ઉત્તમ સદાચારથી શણગારો તેવી અપેક્ષા પણ ઇસ્લામ રાખે છે.
    સુજ્ઞ વાચક મોમીનો! માનવ જીવનમાં સદ્ગુણોને ફેલાવી દો, તેનો પ્રચાર કરો, તેનું આમંત્રણ આપો, તો તેમાં પણ તમને ઉત્તમ બદલો (REWARD) અર્થાત્ ‘જઝાયે ખૈર’ મળશે, તેવી ખુશખબર પણ પવિત્ર કિતાબ કુરાનમાં સંભળાવી દેવામાં આવી છે.

મહામૂર્ખની યાદી:
ક્યાંક તમારું નામ તો નથી?
આ એ સમયની વાત છે, જ્યારે દુનિયાના મોટા ભાગના દેશો પર ઇસ્લામી હુકુમત (સત્તા) કાયમ હતી. એવા ઘણા દેશો અને રાજયો હતા, જ્યાંના શાસકો ઇસ્લામની ઉમ્મત (પ્રજા)ની બહેતરી (ભલાઇ)-નાં કાર્યોને વરેલા હતા તો કેટલાંક રાજ્યના સત્તાધીશો યેનકેન પ્રકારે દેશની સીમા વધારવા, માલો દૌલતનો સંગ્રહ કરવા આમાલ (કર્મ)ને નજર અંદાઝ કરતા રહ્યા હતા.
આવા એક ઇસ્લામી રાજ્યના બાદશાહે પોતાના રાજયના વઝીરને લાકડાનો ડંડો હાથમાં આપ્યો અને કહ્યું કે, મારા રાજ્યમાં જે સૌથી મોટો મૂર્ખ અને બેવકૂફ દેખાય તેને આ ડંડો આપી દેજો.
વઝીર બે સિપાહીઓને સાથે લઇ શહેરના એક એક ઘરની મુલાકાત લેવા નીકળી પડ્યો. એકથી એક ચઢિયાતા શાણા માણસો મળ્યા; પણ કોઇ મૂર્ખ મળ્યો નહીં. છેવટે ગામના છેડે એક ફકીર- દરવેશ મળ્યો. જે એક નાની એવી ઝૂંપડીમાં રહેતો હતો. તેના રહેઠાણમાં કોઇ રાચરચીલું નહોતું, કોઇ સુખ સાહ્યબી નહોતી.
ફકીર સાથેની થોડીક વાતચીત પછી વઝીરને એમ લાગ્યું, કે માણસ જ મહા મૂર્ખ છે. કારણકે તેના ઘરમાં દુન્યવી જીવનમાં સુખ આપે તેવી કોઇ પણ ચીજ દેખાતી નથી. આથી વઝીરે તે ફકીરના હાથમાં ડંડો પકડાવી દીધો અને કહ્યું, કે બાદશાહનો હુકમ છે કે જે સૌથી વધુ મૂર્ખ મળે તો આ ડંડો તેને આપી દેવો.
સમય વહેતો ગયો. થોડાં વર્ષો પછી બાદશાહ બીમાર પડ્યો. તેની હાલત ખરાબ હતી. ફકીર વઝીરે આપ્યો હતો તે ડંડો સાથે લઇ રાજાને મળતા ગયો. બાદશાહના ખબરઅંતર પછી પૂછ્યું કે- આ તમારો આખરી સમય છે. પછી બાદશાહને કહ્યું, જહાંપનાહ! આપે આપના જીવનનો લગભગ સમય રાજ્યોની સીમા વધારવામાં વીતાવી નાખ્યો પણ સાથે સાથે આખેરત (મૃત્યુ પછીના જીવન)નું ભાતું -નેકી (ભલાઇ, સજ્જનતા) વધારી છે કે નહીં?
બાદશાહે કહ્યું કે, ‘દુનિયાની ફિકરમાં આખેરત ભુલાઇ ગઇ.’
તરત જ પેલા ફકીરે કહ્યું કે, ‘થોડા વર્ષ પહેલાં આપના વઝીરે મને આ ડંડો આપ્યો હતો અને મારા કરતાં વધારે કોઇ મોટો મૂર્ખ મળે તો તેને એ ડંડો આપી દેવા જણાવ્યું હતું. આપના હાલચાલ જાણ્યા પછી મને લાગે છે કે, આ ડંડો આપને આપવો વધુ બેહતર બની રહેવા પામશે. કારણકે આપ જ આ ડંડાના વધુ હકદાર હોવ એવું જણાય છે. જહાંપના! આપની પાસે બધું જ હતું અને છતાં કબરમાં ખાલી હાથે જશો.
બોધ: દુનિયા ભેગી કરી લેવાની લાહ્યમાં આખેરતનું – કર્મનું ભાથું બાંધવાનું રખેને ચૂકી જતા. નહીં તો મહામૂર્ખની યાદીમાં તમારું નામ પણ નોંધાય જશે.
-જાફરઅલી ઇ. વિરાણી


સાપ્તાહિક સંદેશ:
પ્રતિજ્ઞા લઇ લો, કે તમારી જીભથી, તમારા હાથથી, તમારા કોઇ પણ કૃત્યથી દુષ્ટ વ્યવહાર નહીં કરો.

  • લોકોની સાથે અર્થાત્ તમામ જનગણ સાથે સદ્વર્તન કરશો.
    તમારા સદાચારી જીવનથી , તમે તમારા દીન (ધર્મ)ને દીપાવશો.
    જન્નતમાં લઇ જનારી એક કૂંચી જો કોઇ હોય તો તે
  • સદ્ગુણી,
  • સદ્ભાષી,
  • સદાચારી છે.
    -હુઝુરે અનવર (સલ-)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button