વાદ પ્રતિવાદ

નિખાલસ દુઆ બેડો પાર કરે: ભોલે પન મેં હૈ વફા કી ખુશબૂ

મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી

  • યા ખુદાવંદે કરીમ! મને એ નેક લોકોમાં ભેળવી દે જેઓ મરણ પામી ચૂક્યા છે અને એ નેક (સજ્જન) લોકોમાં સમાવ જેઓ બાકી છે. મને નેક લોકોનાં માર્ગે ચડાવ, મારી મનોલાલસા વિરુદ્ધ એ જ ચીજોથી મારી મદદ કર જેના વડે તે નેક લોકોને તેમના અંતરના સંબંધમાં મદદ કરી છે. મારા કાર્યોને શ્રેષ્ઠ અંત પર પૂરા કર અને તારી રહેમત (દયા)ના સદકે તેના બદલામાં જન્નતને મારો સવાલ (પૂણ્ય, ભલાઈ) ઠેરવ અને જે સર્વોત્તમ નેઅમતો (ઈશ્ર્વરની દેણગી) તે મને આપી છે તેના ઉપયોગમાં મારી સહાય કર.
  • હે પાલનહાર! મને મજબૂત મનોબળ અને અડગતા અર્પણ કર
  • અય તમામ સૃષ્ટિના પાલનહાર! જે બૂરાઈઓ અને હલાકાતોથી તે મને મુક્ત કર્યો છે તેમાં મને ફરી ન નાખ
  • યા મારા માઅબુદ (ઈબાદતને પાત્ર ઈશ્ર્વર) હું તારાથી ઈમાન (સચ્ચાઈપૂર્વકની શ્રદ્ધા) માગું છું જેની મુદ્ત તારી મુલાકાતની પહેલા ખતમ ન થાય, જ્યાં સુધી જીવું ત્યાં સુધી મને એ જ ઈમાન પર બાકી રાખ અને જ્યારે હું મરું તો તું મને એજ ઈમાન પર મૌત આપ અને જ્યારે મને ફરી ઊભો કરવામાં આવે ત્યારે મને એ જ ઈમાન સાથે ઉઠાડજે તેમ જ, મારા અંતરને તારા દીન (ધર્મ)ના સંબંધમાં ડોળ અને શંકા-દેખાવથી એટલું દૂર અને પાક-પવિત્ર કરી દે કે મારું દરેક કામ માત્ર તારા માટે નિશ્ર્ચિત થઈ જાય.
  • હે અલ્લાહ! મને તારા દીનમાં દીર્ઘદૃષ્ટિ, તારી આજ્ઞાનું ભાન, તારા ઈલ્મની સમજ અને જ્ઞાન, તારી દેણગીના બંને છેડા અને ભાગો સાથે એવી પરહેઝગારી (સદાચારી) અતા કર જે મને તારી દરેક નાફરમાનીથી રોકીલે તેમ જ તું મારા વદનને તારા નૂર (આભા)થી પ્રકાશિત, દિવ્ય અને શ્ર્વેત કરી દે અને મારી દિલચશ્પી અને આકર્ષણ એ ચીજોમાં સાંકળીલે જે તારી પાસે છે અને મને તારા રસ્તા તેમ જ તારા રસૂલ (સ.અ.વ.)ની મિલ્લત (મિલનસારપણું) પર મૃત્યુ આપ.
  • યા ખુદાતઆલા! હું સુસ્તી, આળસ, નિરસતા, ગમ, કંજૂસી, ગફલત, નિર્ધનતા, નિરાધારપણું, ભુખ વગેરે તમામ પ્રકારની બલાઓ અને બાહ્ય તથા આંતરિક એવી દરેક જાતની બૂરી વાતોથી તારું રક્ષણ યાચું છું.
  • હું એવો આત્મા જે કદી સંતોષ ન પામે, એવું પેટ જે કદી ધરાય નહીં, એવું દિલ જે કદી વિનયી ન બને એવી દુઆથી જે કદી શ્રવ્ય ન બને, એવા કાર્યોથી જેનો કોઈ ફાયદો ન હોય, યા રબ! હું આ તમામથી તારું રક્ષણ માગું છું.
  • અય પાલનહાર! હું મારા અંતર, મારા દીન, મારો માલ અને મને જે કંઈ તે આપ્યું છે તેના સંબંધમાં તિરસ્કૃત સેતાન ઈબ્લીસના વર્ચસ્વથી તારું શરણ શોધું છું. નિ:શંક તું સાંભળનાર પણ છે અને જાણકાર પણ.
  • ઓ પરમ કૃપાળુ-દયાળુ અલ્લાહ! કોઈ પણ એવું નથી જે મને તારા કોપ અને રોષથી બચાવી શકે અને ન હું કોઈનામાં એવી શક્તિ જોઉં છું કે તે મારું અંતિમ લક્ષ, આશરો અને રક્ષણ સ્થાન બની શકે એટલે મને તારા અઝાબ (દુ:ખ, કષ્ટ, વિપત્તિ, યાતના, સજા)માંના કોઈપણ અઝાબમાં કેદ ન કર, ન તો તું મને હલાકાત (સ્થિતિ)માં નાખ, ન દર્દનાક અઝાબમાં જકડ.
  • યા મારા માઅબુદ! મારા આમાલ (કર્મ અને કરણી)ને સ્વીકારી લે, મારી યાદને લોકોમાં ઉચ્ચ અને આમ (સામાન્ય) કરી દે, મારું સ્થાન વધારી દે અને મારા બોજને મારા ખભેથી ઉતારી દે.
  • મને મારી ભૂલો સાથે યાદ ન કર અને જન્નત તેમ જ તારી રઝા અને ખુશનુદીને મારા ઉઠક બેઠક, મારો નિત્યક્રમ અને મારી યાચનાનું ફળ કરાર દે.
  • હે મારા પાલનહાર! મેં જે કંઈ તારાથી માગ્યું છે એ બધું તું મને આપી દે અને તારા ફઝલો કરમ (દયા કૃપા)થી એમાં વધારો કર, કારણ કે, અય તમામ જહાનોના પાળવાવાળા રબ! હું તારી તરફ ઢળેલો અને તને જ સમર્પિત છું.

બોધ:
નિખાલસ દુઆ ગમે તેવી આંધીમાં પણ બેડો પાર કરે. અર્થાત્ ભોલેપન મેં હૈ વફા કી ખુશબૂ. (‘વફા’: પ્રમાણિકતા, ઈમાનદારી)


ષ્ટિચાર:
એક દિવસ પયગંબર હઝરત મુસા અલૈયહિ સલ્લામે બારગાહે ઈલાદી (અલ્લાહના દરબાર)માં વિનંતી કરી કે-‘યા ખુદાવંદા! તારા બંદાઓમાં સૌથી વધુ ઈજ્જતદાર કોણે છે?’

તો નિદા (આકાશવાણી) આવી કે-‘અય મુસા! જેના પર કોઈ ઝુલ્મ કરવામાં આવે અને તેનો બદલો લેવાની તેનામાં તાકાત હોવા છતાં તે શખસ તેને માફ કરી દે તે શખસ સૌથી વધુ ઈજ્જતદાર છે…!’


બુલંદ શાનવાળો
અલ્લાહ સિવાય કોઈ અન્ય મા’ બુદ (ઈબાદત-પ્રાર્થનાને પાત્ર ખુદા-ઈશ્ર્વર) નથી

  • તે શાશ્ર્વત છે
  • તે સ્વાવલંબી છે
  • તે જ તમામ જહાનો (ધરતી આકાશો)ને ટકાવી રાખનારો છે.
  • ન તો તેને ઝોકું આવે છે, ન નિદ્રા.
  • તે સર્વસ્વ તેનું જ છે જે આકાશો તથા ધરતીમાં છે.
  • એવું કોણ છે જે તેની પરવાનગી વગર તેની પાસે કોઈની ભલામણ કરી શકે?
  • તે તેમની આગલી પાછલી હાલતોને જાણે છે અને તેઓ તેને ઈલ્મ (વિદ્યા, જ્ઞાન, આવડત)માંથી કંઈ પણ ગ્રહણ નથી કરી શકતા સિવાય કે તે કોઈને કંઈ આપવા ચાહે.
  • તેનું ઈલ્મ આસમાનો તથા પૃથ્વી ઉપર વ્યાપક છે અને તેની વ્યવસ્થા તેને કદાપિ થકાવતી નથી.
  • બેશક તે ઉચ્ચતર છે, બુલંદ શાનવાળો છે. (અલ-કુરાન: ૨૧૭)

સનાતન સત્ય:
યંત્ર સંસ્કૃતિએ વિશ્ર્વમાં સૌથી મોટા સાત અનર્થ પેદા કર્યા છે:- ૧- સિદ્ધાંત વગરનો સમાજ, ૨-શ્રમ વગર જ ધન, ૩- વિવેક વગરનો ભાગ, ૪- નીતિ વગરનો વ્યવસાય, પ- ધર્મ વગર જ શિક્ષણ, ૬- માનવતા વગર જ વિજ્ઞાન અને ૭- સમર્પણ વગરની ઈબાદત, અર્ચના.

આજની હકીકત
જે બાળકને બોલતો કરવા મા-બાપ ભરપૂર પ્રયત્નો કરે છે એ જ બાળક મોટો થઈને મા-બાપને બોલતો બંધ કરે દે છે.

દીવા જેવું સ્પષ્ટ
મરેલા માણસને રોનાર મળે છે, પરંતુ જીવતાને ઓળખનાર મળતા નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button